નાનપકલ નેરાથુ મયક્કમ (Nanpakal Nerathu Mayakkam) આનો મતલબ થાય બપોરના સપનાં જેવું
08:43
નાનપકલ નેરાથુ મયક્કમ (Nanpakal Nerathu Mayakkam) આનો મતલબ થાય બપોરના સપનાં જેવું
આ તમિલ ફિલ્મ દીકરા ઈશાને નેટફ્લિક્સ પર શરૂ કરી. સાઉથની ફિલ્મો એટલે મારધાડ મેં મોઢું બગાડ્યું. મને કહે જલિકટ્ટુ જેણે બનાવી છે એ લીજો જોસે પેલિસરીએ જ બનાવી છે. મામુટ્ટીએ પ્રોડ્યુસ કરી છે અને હીરો પણ એ જ છે. ફિલ્મ શરૂ થઈ. કેમેરા મુવમેન્ટ જુદી. એક જગ્યાએ કેમેરા દૂર મૂકે પછી ત્યાંથી થોડીવાર સુધી હલે જ નહીં. સિનેમેટોગ્રાફીમાં ય રસ પડ્યો. જો કે શરૂઆતમાં એવું ય લાગ્યું કે કહેવા શું માગે છે? કેરળનો મલયાલી માણસ પોતાના કુટુંબીઓને બસમાં બેસાડી તામિલનાડુના વેલંકણી ગામમાં પોતાના ખર્ચે જાત્રાએ લઈ ગયો હતો. જાત્રા પુરી કરી તેઓ પાછા કેરળ જઈ રહ્યા છે. બધા જમ્યા પછી બસમાં ઊંઘી ગયા છે અને બસ ત્યાંથી ખરી ફિલ્મ શરૂ થાય છે. અધવચ્ચે ખેતરોની પાસે હીરો અચાનક જાગીને બસ ઊભી રખાવે છે. ડ્રાઈવર સિવાય બાકીના બધા જ હજુ સૂતા છે અને હીરો બસમાંથી શાંતિથી ઊતરી, ચાલીને પાસેના ગામમાં જાય છે. ગામમાં એવી રીતે ગલીઓ પસાર કરે છે જાણે વરસોથી ત્યાં જ રહેતો હોય. ગામમાં એક ઘરમાં જઈને કપડાં બદલે ભાષા બદલાય, મલયાલમ ભૂલી તમિલ બોલવા લાગે. ફિલ્મની વાર્તા એક દિવસની છે. ઘટનામાં આ ગામ છે, બસના માણસો છે અને ગામના માણસો છે. બે જૂદી ભાષા છે અને આપણે એને અંગ્રેજી કે હિન્દી ભાષા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ છીએ. સંવાદો ઓછા છે પણ ભાવજગત આપણને ય તાણી જાય. કારણ સંવેદના, લાગણી અને ભાવજગતની ભાષાને ભાષાંતરની જરૂર નથી હોતી. સૂક્ષ્મ સંવેદનાઓને ફિલ્મમાં અદભૂત રીતે વણી લીધી છે. બાબુમોશાય… દુનિયા એક રંગમંચ હૈ એ ડાયલોગ યાદ આવી ગયો. ફિલ્મ હતી કે નાટક હતું એ વિચાર આવ્યો ત્યાં અંતમાં આ નાટક ભજવાયું હતું એના ફોટા પણ આવ્યા. અટકેલી બસ ફરી ઉપડે છે ત્યારે બસની પાછળ નાટક કંપનીનું નામ વંચાય. નાટક, સત્ય કે પછી કશું જ નહીં માત્ર સપનું…. મામુટ્ટી માટે , દિગ્દર્શક લીજો જોસે માટે આ ફિલ્મ જોવી જોઈએ.
આ ફિલ્મ નેટફ્લિકસ અને યુટ્યુબ ઉપર છે.
0 comments