બે દિવસ પહેલાં સમાચાર આવ્યા કે કેરાલામાં એક દંપતિએ સુખ-સમૃદ્ધિની ઈચ્છાને કારણે બે સ્ત્રીઓની બલી ચઢાવી. એના પછી જૂનાગઢની ઘટના બહાર આવી કે એક પિતાએ પુત્રની લાલસામાં પોતાની સગી દીકરીની બલી ચઢાવી તો પશ્ચિમ બંગાળમાં એક તાંત્રિકે આઠ વરસની બાળકીની બલી ચઢાવી. આવી કેટલીય ઘટનાઓ હશે જે સમાચાર સુધી નહીં પહોંચી હોય. ગઈકાલથી સોશિયલ મિડિયામાં ઊહાપોહ છે કે મગજ સુન્ન થઈ ગયું. તેમાં ય જૂનાગઢના મામલાનો વધુ ઉલ્લેખ જોવા મળ્યો. લોકોના પ્રતિભાવ વાંચતાં સમજાયું કે પોતાના સમાજમાં કે પોતે જેની સાથે સંકળાયેલા હોય તેમાં કોઈ બનાવ બને તો બે ઘડી લોકો હેબતાઈ જાય છે. પછી બે દિવસ બાદ એ ભૂલાઈ જાય છે. કેરાલાની ઘટના પણ એટલી જ ઘૃણાસ્પદ છે પણ તેના વિશે કોઈ પ્રતિભાવ જોવા ન મળ્યા.
ખેર, નરબલીએ ખરેખર તો હત્યા જ છે. પોતાની સફળતા, સમૃદ્ધિ કે ઈચ્છા માટે કોઈની હત્યા કરતા માનવીઓ અચકાતા નથી. કેરાલાની ઘટનામાં તો સ્ત્રી પણ એ હત્યાની ભાગીદાર બની બીજી સ્ત્રીના શરીરના ટુકડાઓ રાંધે છે. જૂનાગઢની ઘટનામાં ક્યાંય માતા વિશે કશું જ લખાયું નથી. માતાએ કેમ વિરોધ ન કર્યો કે પોલીસને જાણ ન કરી? એ સવાલ સતત થાય જ. દરેક અખબારે એ બાબતે મૌન જ સેવ્યું છે. શક્ય છે પિતૃસત્તાક માનસિકતા સામે સ્ત્રી અવાજ ઊઠાવી નહીં શકી, પણ મૌનએ સંમતિ ન ગણાય? શિવાજીના સાશન દરમિયાન પોતાના સંતાન માટે હીરાકણી મધરાત્રે કિલ્લામાંથી નીકળી ઘોર જંગલ માર્ગે ઘરે પહોંચે છે એ વીરગાથા આપણે ભણ્યા છીએ. દિવસે પણ જે ડુંગર પરથી ઉતરવું સહેલું ન હોય ત્યાંથી એક સ્ત્રી મધરાત્રે એકલી ઉતરે છે પોતાના ભૂખ્યા બાળક સુધી પહોંચવા માટે. તો આજના આધુનિક સમયમાં જૂનાગઢની ઘટનામાં શું બન્યું? એ વિશે અધૂરી કથાઓ અખબારોમાં છપાય છે ત્યારે એક જર્નાલિસ્ટ કીડો અંદર સળવળીને અનેક સવાલો ઊભા કરે છે. માણસ આટલી હદે આજે પણ ક્રૂર કેમ બને છે? દરેકને કશુંક મેળવવું છે. જીવનમાં બધું જ હોવા છતાં સંતોષ નથી. આ દરેક ઘટનામાં સામેલ વ્યક્તિઓ ભૂખે નહોતી મરતી કે તેમણે નરબલી ચઢાવવી પડે. એ લોકો ખાધેપીધે સુખી હતા. બધા તાંત્રિકને દોષ આપે છે પણ સામે પોતાની ઈચ્છાપૂર્તિ માટે વ્યક્તિઓ છે એમની માનસિકતા સામે કોઈ સવાલ નથી ઊઠાવતું.
ડ્યુક યુનિવર્સિટિમાં આવી ઘટનાઓ બાબતે સંશોધન થયું છે અને તેઓ કહે છે કે, “માણસને પોતાની પાસે ન હોય અને બીજા પાસે હોય એવી દરેક બાબત મેળવવી છે. એવો કોઈ ચમત્કાર થાય કે તેમને પણ એ મળે જે બીજા પાસે છે. એ ચમત્કાર થઈ શકે છે એવું કોઈ કહે એટલે માનસિક રીતે તેઓ બદ્ધ થઈ બસ એના તરફ દોટ મૂકે છે. હકિકતમાં માણસ સમાનતા ઈચ્છે છે. બીજા પાસેની સમૃદ્ધિ, સંતાન, સુખ પોતાની પાસે ચમત્કારથી જ આવી શકે એની તેને ખાતરી હોય છે. એટલે તે કોઈપણ રીતે ચમત્કાર તરફ દોટ મૂકે છે. સારઅસાર તેને દેખાતો નથી. ” આ વાત વિચારણીય છે. અસંતોષની આગ સારઅસારના ગુણોને પહેલાં બાળી નાખે છે. પછી જે ઘટનાઓ બને છે તે વિશે માણસ સભાન નથી હોતો. અસંતોષ આજે માનવને રેટરેસ માટે પણ પ્રેરે છે. સફળ થવા માટે આપણે કેટલીય માનસિક હત્યાઓ કરતાં હોઈએ છીએ. કેટલીય વ્યક્તિઓનું શોષણ કરીએ છીએ. એ બધું આપણને અખરતું નથી. ધીમે ધીમે આપણે નિંભર થઈ જઈએ છીએ. આપણી વ્યક્તિઓને આપણે સમય આપી શકતા નથી. બીજાનો સમય લઈ લેતા અને વ્યક્તિઓનો અધિકાર છીનવી લેતા પણ આપણું અંતકરણ બળતું નથી. આ જ બાબત કેટલાકમાં વધુ તીવ્ર હોવાને કારણે બીજાનો જીવ લેવા પ્રેરતી હોય છે. બધાની માનસિકતા ઓછા વધતા અંશે અસંતોષ સાથે કામ પાર પાડતી જ હોય છે. કેટલાક એના પર વિજય મેળવે છે તો કેટલાક તેની સાથે સમાધાન કરે છે તો કેટલાક સતત તેને પોષે છે. એ જ લોકો તાંત્રિકના રવાડે ચઢતા હોય છે. વાંક તાંત્રિક કરતાં પણ વ્યક્તિની ઈચ્છાઓનો વધુ હોય છે.
- 22:42
- 0 Comments