એક પુસ્તક જ્યારે વાંચીએ છીએ ત્યારે આપણી ભીતર અનેક દરવાજાઓ ઊઘડતાં હોય એવું અનુભવાયું. કિતાબ કથા શરૂ કર્યું ત્યારે આવો કશો જ વિચાર નહતો પણ છ મહિના વીત્યાં અને છઠ્ઠી મિટિંગ બે વખત કેન્સલ થવા આરે હતી ને કેટલાક સૂર ઊઠ્યાં કે વચ્ચે ગેપ ન જ થવો જોઈએ. ચાર જણા મળે તો પણ મિટિંગ કરવી એવું નક્કી કરી ગયા મહિને નક્કી કર્યા મુજબ મુકર્રર તારીખ ૪થી મેના મળવું જ. ૪થી મેના રોજ ચારમાંથી નવ જણાં ભેગા થયાં વાંચેલાં પુસ્તક વિશે વાત કરવા. દર વખતે હું પુસ્તક વિશે પણ આખો અહેવાલ લખું છું. પણ આ વખતે જે બન્યું તેનો નશો અલગ જ રહ્યો. મિટિંગની એક પણ મિનિટ વેડફાય નહીં. અધવચ્ચે ય કોઈને ચાની તલપ લાગે નહીં. બસ વાંચેલાં પુસ્તક વિશે વાત કરવી છે અને સાંભળવી છે. આ વખતે સાઉથ એશિયન સાહિત્ય વાંચીને મળવાનું હતું. નેપાળી, બંગલાદેશી, શ્રીલંકન, પાકિસ્તાન, બર્મીસ કે બીજા ય ઓપ્શન હતાં જ. ભારત પણ ખરું જ. પણ દરેકે પોતે નક્કી કર્યું કે ભારતીય લેખક સિવાયનો પ્રદેશ ખેડવો.
મેં, પિન્કી દલાલ, જ્હાનવી પાલ અને નંદિની ત્રિવેદીએ પાકિસ્તાની લેખક વાંચેલાં. સેજલ શાહે મન્ટો વિશે વાત કરી તો હેતલે શ્રીલંકન લેખકને વાંચ્યા. પ્રીતી જરીવાલાએ બંગલાદેશી તસલિમા નસરીનને વાંચી. મેં પાકિસ્તાની લેખક મોહસીન હમીદની “ધ રિલકટન્ટ ફન્ડામેન્ટાલિસ્ટ” વાંચી હતી. પુસ્તક પસંદ કરતાં પહેલાં રિવ્યું વાંચેલાં. આ પુસ્તકનું નામ મને અચંબિત કરી ગયું હતું. નવલકથાનું નામ અર્થશાસ્ત્ર કે રાજકારણના પુસ્તકનાં નામ જેવું હતું. વળી મોહસીનની ભાષા સરળ અને સહજ લાગી. આ પુસ્તકને અનેક એવોર્ડ મળ્યાં છે એ છોગામાં. આ પુસ્તક વાંચતાં પહેલાં પાકિસ્તાન માટેની મારા મનની લાગણીઓને તટસ્થ કરવાની જરૂર લાગી. બાયસ વિચારો સાથે કંઈપણ વાંચીએ તો તેને સ્વીકારવાની તકલીફ પડતી હોય છે. આ પુસ્તક વાંચતાં મને ખૂબ સ્પર્શી ગયું. માનસિકતા કઈ રીતે વ્યક્તિના જીવનમાં કામ કરે છે તે સમજાયું. આ પુસ્તક જ નહીં મોહસીનને ય વાંચવા જેવો છે કોઈપણ જાતના પૂર્વગ્રહ રાખ્યા વિના. સાહિત્યને સાહિત્ય તરીકે જ જોવું જોઈએ. એ તમને તમારી ભીતર નવી શક્યતાઓ ઊભી કરે છે. અહીં પુસ્તક વિશે ટૂંકમાં એટલું જ કહીશ કે અમેરિકામાં અમેરિકન બનવાનું ડ્રીમ સેવતાં પાકિસ્તાની યુવકની માનસિકતા ટ્વીન ટાવરની ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના ઘટના બાદ કઈ રીતે બદલાય છે એની વાત સરસ રીતે કહી છે.
પ્રીતી જરીવાલાએ તસલિમા નસરીનની લજ્જા વાંચી હતી. ડિસેમ્બર ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ તેનો બદલો બંગલાદેશના મુસ્લિમોએ બંગલાદેશના હિન્દુઓ પર હુમલાઓ કરી લીધો એનો વિરોધ દર્શાવવા લેખિકાએ આ નવલકથા લખી હતી. આખી દુનિયામાં ધર્મને નામે થઈ રહેલાં ખૂનખરાબાનો વિરોધ પણ લેખિકાના મનમાં હશે. લજ્જામાં હિન્દુઓ હુમલાના ડરને કારણે હિજરત કરે છે. પોતાનો દેશ, મિલકત બધું છોડીને જવું કેટલું અઘરું હોય છે એનું ચિત્રણ લેખિકાએ સરસ રીતે કર્યું છે. ક્યાંક એ વિચાર પણ મૂકાયો છે કે ભારતમાં મુસ્લિમો સુરક્ષિત રીતે રહે છે, પણ મુસ્લિમ રાષ્ટ્રોમાં હિન્દુઓ સુરક્ષિત કેમ નથી?
સેજલ શાહે મન્ટોની જાણીતી વાર્તાઓ ટોબા ટેક સિંઘ, ખોલ દો અને હારતા ચલા ગયા આ ત્રણેય વાર્તામાં મનુષ્ય સ્વભાવ, વૃત્તિ અને સમાજની વિષમતા વ્યક્ત થઈ છે એની વાત કરી. મન્ટોની વાર્તાની શૈલીમાં ભાવકને હચમચાવી નાખવાની જબરદસ્ત તાકાત છે એની વાત સેજલે સરસ રીતે કરી. અમારામાંથી કેટલાકે એ વાર્તાઓ વાંચી હતી છતાં ફરીથી મન્ટોને માણ્યાં, લેખકને તેમની શૈલી બદલ યાદ કરી સલામ ભરી. મન્ટો આમ તો ભારતના પણ ભાગલા બાદ પાકિસ્તાનના કહેવાયા. એમની વાર્તાઓમાં ભાગલા દરમિયાનની સર્જાયેલી શર્મનાક હેવાનિયતને લેખક પૂરી અનુકંપાથી આલેખી શક્યા છે.
હેતલ દેસાઈએ શ્રીલંકાના શેહાન કરુણાતિલકાનું પુસ્તક ‘સેવન મૂન્સ ઓફ માલી અલમેડા’ વાંચ્યું. આ પુસ્તકને ૨૦૨૨નું બુકર પ્રાઈઝ મળ્યું છે. એને મેટાફિઝિકલ થ્રિલરની કેટેગરીમાં મૂકી શકાય. એની satairical style of writing ના ખૂબ વખાણ થયા છે. હેતલ કહે છે કે તેને શરૂઆતમાં નેરેશન સાથે જોડાવામાં થોડી મહેનત પડી. ત્યારબાદ અંગત કારણોસર પૂરી કરી શકી નહીં. વાર્તા ૧૯૯૦ના કોલંબોમાં માલી અલમેડા જે ફોટોગ્રાફર, જુગારી અને ગે છે તેની આંખ ખુલે છે ત્યારે તે પરલોકની વિઝા ઓફિસ જેવી જગ્યાએ ઉભેલો છે. એના શરીરના અમુક અંગો ગાયબ છે. એને ધીમે ધીમે સમજાય છે કે તેનું ખૂન થયું છે. ખૂની કોઈપણ હોઈ શકે. તમિલ ટાઈગર્સ, સુસાઈડ બોમ્બર્સ, શ્રીલંકન આર્મી કે પછી ભાડૂતી ગુંડાઓ.
જ્હાનવી પાલે તહેમીના દુર્રાનીની આત્મકથા ‘માય ફ્યુડલ લોર્ડ’ વાંચી હતી. તહેમીના હાલના પાકિસ્તાન વડા પ્રધાન શાહબાઝ શરીફના ચોથાં પત્ની છે અને તેના આ ત્રીજા પતિ છે. તહેમીનાનો લાહોરના અમીર કુટુંબમાં જન્મ અને ઉછેર. એના બીજાં લગ્ન મુસ્તફા ખાર સાથે થયાં હતાં. મુસ્તફા જુલ્મી અને હિંસક પતિ હતો. તેણે પુસ્તકમાં પોતે કેવું સહન કર્યું તે લખ્યું છે. તેણે છૂટાછેડા લેવાની અરજી કરી તો એના બાળકોને મુસ્તફાએ તેનાથી દૂર કર્યાં. તહેમીનાએ લડત આપી બાળકો પાછાં મેળવ્યાં અને છૂટી પણ થઈ. આ વિશે ચર્ચામાં એક મુદ્દો ચર્ચાયો કે તહેમીનાએ વિકટીમ કાર્ડ વાપર્યું છે પણ મુસ્તફાને એણે જ પસંદ કર્યોં હતો. વગેરે......... આ પુસ્તકની વિશ્વમાં ચર્ચા થઈ છે.
તહેમીના પછી તો પાકિસ્તાનમાં નારીવાદી ચળવળ ચલાવવા માટે જાણીતાં છે. તેણે ‘બ્લેસ્ફેમી’ નામે સત્યઘટના પર આધારિત નવલકથા લખી છે. પિન્કી દલાલ એ વાંચીને આવ્યાં હતાં તે એના વિશે વાત કરતાં કહે છે કે આ નવલકથા જો તહેમીના સિવાય બીજી કોઈ પોલિટિકલ પાવર ન ધરાવતી સ્ત્રીએ લખી હોત તો એને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા ફરમાવાઈ હોત. આ પુસ્તકમાં એક પીરના ગંદા કારનામાઓ પર લખાયું હતું એટલે પાકિસ્તાનમાં હોબાળો પણ મચ્યો હતો.
કિતાબ કથાની આ છઠ્ઠી મિટિંગમાં રાજકારણ, ધર્મ અને હિંસાની ચર્ચાએ માહોલ બનાવ્યો ફરી નવું વાંચીને મળવા માટે. આવતી મિટિંગ ૧૪ જૂન બંગાળી સાહિત્યને નામે રહેશે.
- 05:09
- 0 Comments