ડર કે આગે જીત હૈ
22:14
ગઈકાલે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચમાં છ ફૂટની ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની સામે આપણી પાંચ સાડા પાંચ ફૂટની ભારતીય ખેલાડીઓ જે રીતે આત્મવિશ્વાસથી ભરપૂર રમી રહી હતી. એ જોઈને સારું લાગી રહ્યું હતું. તે છતાં મનમાં બીજા લોકોની જેમ સતત સરખામણી થઈ રહી હતી કે પુરુષ ખેલાડીઓ અને સ્ત્રી ખેલાડીઓ વચ્ચે એક જાતનો ભેદભાવ આપણા સમાજમાં સતત થતો આવ્યો છે. આ સમાજ એટલે ફક્ત ભારતીય નહીં પરંતુ આખા એ વિશ્વની વાત કરી રહી છું. ગઈકાલે જેમીમાહ રોડરિગ્સ જ્યારે પીચ ઉપર હતી અને ખૂબ જ આત્મવિશ્વાસ પૂર્ણ રમી રહી હતી એવું લાગી રહ્યું હતું તે છતાં એ સતત પોતાની જાત સાથે લડી રહી હતી. જે આ પહેલા મને ખબર નહોતી. આપણી જ્યારે કોઈ વસ્તુ જોતા હોઈએ છીએ ત્યારે સતત આપણી જાત સાથે પણ સંવાદ કરતા હોઈએ છીએ. સ્ત્રી ખેલાડીઓ આ રીતે રમી શકે એ માનવામાં નહોતું આવતું પરંતુ હકીકત હતી. પહેલીવાર લાગ્યું કે આ નારીઓ કોઈ પુરુષથી કમ નથી જ. અહીં સુધી પહોંચવા માટે તેમણે કેટકટલા સંઘર્ષો કર્યાં હશે જે પુરુષ ખેલાડીઓએ નહીં કરવા પડ્યા હોય. તેમની પાસે ન તો સ્પોન્સરશીપ હોય છે કે ન તો સુવિધાઓ. ગઈકાલે સ્ટેડિયમ ભરેલું હતું પણ ત્યાં કોઈ ફિલ્મી સ્ટાર કે સેલિબ્રિટી ક્રિકેટર કે પછી કોઈ નેતા હાજર નહોતા. તે છતાં ૧૩ કરોડ ઉપરાંત પ્રેક્ષકો ટીવી પર જોઈ રહ્યા હતા અને ૩૫ હજાર સામાન્ય પ્રેક્ષકો તેમને પાનો ચઢાવી રહ્યાં હતાં. ગઈકાલે સ્પેનિસ ગાયક અને ગીતકાર મુંબઈમાં હતો ત્યાં મુંબઈની મોટાભાગની સેલિબ્રિટિઓ હાજર હતી.
મેચમાં જ્યારે અમન કોરે છેલ્લો વિનિંગ ચોક્કો માર્યો ત્યારે જોનાર દર્શકો સહિત જેમીમાહ પણ રીતસરની ખુશીથી ભાંગી પડી હતી. ત્યાર પછી જેમીમાહ જે રીતે રડી રહી હતી અને પોતાના માતા-પિતા તરફ જોઈને હાથ જોડી રહી હતી, પ્રેમ વ્યક્ત કરી રહી હતી તે જોઈને એવું પણ લાગ્યું કે આટલી બધી લાગણીઓ વ્યક્ત કરવી જાહેરમાં એ યોગ્ય છે? આ પ્રોફેશનલ બિહેવિયર નથી. પુરુષ ખેલાડીઓ અને સ્ત્રી ખેલાડીઓ વચ્ચે આ મોટો ફરક છે એવું ય લાગ્યું. એક સ્ત્રી તરીકે દુખ પણ થયું. પણ જ્યારે ખબર પડી કે જેમીમાહ માનસિક તકલીફો માંથી પસાર થઈ રહી હતી તે છતાં તે રમી રહી હતી. એ પોતાની જાત સાથે સતત લડી રહી હતી, મેદાનમાં ઊભા રહેવા માટે. ભારતને જીતાડવા માટેના પ્રયત્નો પણ સાથે કરી રહી હતી. અઘરું છે તમે જ્યારે માનસિક રીતે સંતુલિત ન હો સ્વસ્થ ન હો તે સમયે તમારે ફરજ બજાવવાની હોય અને જાત સાથે તેમજ બહારના સંજોગો સાથે લડવાનું હોય. એ સમયે તમે ખતમ પણ થઈ શકો યા તમે હીરો બની શકો છો. આ કહેવું જેટલું સહેલું છે એટલું કરવું સહેલું નથી હોતું. બન્ને પરિસ્થિતિમાં તમારે સતત તમારી જાતની બાદબાકી કરવાની હોય છે ને છતાં અસ્તિત્વની લડાઈ લડવાની હોય છે.
જેમીમાહે જાહેરમાં બધાની સામે રડવા માટે કોઈપણ દિલગીરી વ્યક્ત કર્યા સિવાય પોતાની વાત રજૂ કરી. ‘ભારતને જીતાડવાના એક માત્ર લક્ષ્ય સાથે રમી રહી હતી.’ આની જગ્યા પર કલ્પના કરો કે કોઈ પુરુષ ખેલાડી હોત આ કોઈ જાતીય ભેદભાવ માટે હું નથી કહી રહી પણ આ એક હકીકત છે તો એ સતત પોતાની ટેકનિક અને સ્ટ્રેટેજી સાથે કઈ રીતે રમ્યો એ વિશે વાત કરતો હોત. જ્યારે જેમીમાહ સતત કહી રહી હતી કે, ‘મારે ફક્ત ભારતને જીતાડવા માટે રમવાનું હતું. હું ૫૦ રન કરું કે ૧૦૦ રન કરું એનો કોઈ જ અર્થ સરવાનો ન હતો. જો ભારત ન જીતે ને અમે ફાઇનલમાં ન પહોંચીએ તો. અને એટલે જ જ્યારે ૧૦૦ રન થયા ત્યારે પણ મને સંતોષ નહોતો. હું ખૂબ થાકી ગઈ હતી મારી માનસિક સ્થિતિ કથળી રહી હતી. એમાં મારે મારી જાતને સતત કહેવાનું હતું કે તારે ઊભા રહેવાનું છે કંઈ પણ થાય તારે અહીં ઊભા રહેવાનું છે. ભાગી છૂટવાનું નથી. અહીં ઊભા રહીને તારે તારાથી બનતા બધા જ પ્રયત્નો કરવાના છે. ભારતને જીત તરફ લઈ જવાના. એક વખત હતો કે ખૂબ અઘરું લાગી રહ્યું હતું. હું શારિરીક અને માનસિક રીતે થાકી ગઈ હતી. સતત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મને બળ આપે ઊભા રહેવાનું, રમવાનું કેટલું અઘરું હતું તે સમયે મારા માટે એ હું જાણું છું અને મારા માતા-પિતાને મારા મિત્રો જાણે છે. કારણ કે છેલ્લા એક મહિનાથી એ બધા જ મારી પડખે ઊભા છે હું સતત રડી રહી છું. હું સતત લડી રહી છું મારી જાત સાથે એ લોકો જોઈ રહ્યા છે અને એમાંથી મને બહાર કાઢવાના પ્રયત્નો પણ કરે છે સતત મારી સાથે ઊભા રહીને. આવા મિત્રો અને માતાપિતા મળ્યા છે એ માટે હું મારી જાતને નસીબદાર માનું છું.
ગયા વર્લ્ડ કપમાં મને ડ્રોપ કરવામાં આવી હતી એ પછી હું ૧૧ માં ક્રમે પણ રમવા માટે તૈયાર રહી હતી. કેટલું અઘરું હોય છે તમારી જાતને પુરવાર કરવા માટે અને બીજાઓની સાથે તમારે ઊભા રહેવા માટે. જ્યારે તમને ખબર હોય કે તમે સારું કરો છો પરંતુ લોકો સુધી એ વિશ્વાસ પહોંચાડવો પણ જરૂરી છે. એ સાથે બીજાઓએ પણ તમારા પર વિશ્વાસ રાખવો અને સતત સાથ આપવો જરૂરી હોય છે. જો જેમીમાહને એના માતા-પિતા એના કોચ અને એની સાથે ખેલાડીઓએ સાથ ન આપ્યો હોત તો કદાચ એ ક્યારેય મેદાનમાં ઊભી ન રહી શકી હોત ને ભારતને જીત તરફ પણ ન લઈ જઈ શકી હોત. જે ઓસ્ટ્રેલિયાની ટીમે છેલ્લી સાત રમતો જીતી હોય એને સેમિફાઇનલમાં હરાવવું સહેલું નહોતું. આમ તો કોઈ પણ કામ સહેલા નથી હોતા પરંતુ તમે જો હૃદયપૂર્વક ખંતથી મંડી પડો છો તો પરિણામ પોઝિટિવ આવતું હોય છે એવું અનેક લોકોએ સતત સાબિત કર્યું છે.
ગઈકાલે જેમીમાહે ભારતને તો જીતાડ્યું પણ પોતાની જાત સામે પણ તેણે જીત મેળવી છે. અને એટલે જ તે સતત આનંદના અશ્રુ વહાવી રહી હતી. હેટ્ સ ઓફ ટુ ભારતીય ટીમ અને જેમીમાહ


0 comments