કાશ્મીર વિશે બાળપણથી સાંભળ્યું હતું કે તે પૃથ્વીનું સ્વર્ગ છે પણ સાચું માનવાનુંમન નહોતું થતું. એમાં પણ જ્યારે કાશ્મીરના પ્રશ્નો વિશે જોવા સાંભળવા મળતું ત્યારે લાગતું કે આ કયા પ્રદેશની વાત થઈ રહી છે? ભારત આઝાદ થયાં બાદ કાશ્મીર ભારતનો હિસ્સો બન્યું એ ઈતિહાસ ભણ્યા છતાં, કાશ્મીર ભારતમાં ભળી શક્યું જ નહોતું. ફિલ્મોમાં જોયેલું કાશ્મીર રોમેન્ટિક લાગતું પણ ન્યુઝ ચેનલ અને સમાચારોમાં દેખાતું કાશ્મીર એ રોમાન્સના ટુકડા કરી નાખતું હતું. કાશ્મીરનો પ્રવાસ સહજતાથી ક્યારેય પ્લાન થઈ શક્યો જ નહીં. એક પ્રકારનો આતંકી ભય રહેતો મનમાં. સ્વર્ગના પ્રવાસમાં ભય કેવો? પણ જ્યારે કાંદિવલી મુંબઈમાં રહેતા મહેશ શાહે ગ્રુપમાં કાશ્મીર જવાનું આમંત્રણ આપ્યું ત્યારે રોમાન્સની ઉમર જતી રહી હતી. હવે જિજ્ઞાસા હતી કે કાશ્મીરમાં ખરેખર કેટલું સ્વર્ગપણું બચ્યું હશે! કાશ્મીર જતાં પહેલાં લેખક, ઈતિહાસકાર અશોક પાંડે લિખિત ‘કાશ્મીર ઔર કાશ્મીરી પંડિત- બસને ઔર બિખરને કે ૧૫૦૦ સાલ’ વાંચવા લીધું. કાશ્મીરનો ઈતિહાસ ટૂંકમાં- નીલમત પુરાણ અને રાજતંરગિણીને આધાર ગણીને મોટાભાગનો ઈતિહાસ આલેખાયો છે. સતીસર નામનું મોટું તળાવ હતું. જેમાં જલોદ્વર નામે રાક્ષસે રક્ષર નાગો પર આતંક ફેલાવ્યો હતો. કશ્યપ ઋષિ ત્યાં ફરતાં ફરતાં જઈ ચઢ્યા તો નાગોએ એમને જલોદ્વરના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી. હવે આ જલોદ્વરને બ્રહ્માનું વરદાન હતું કે જ્યાં સુધી તે તળાવના પાણીમાં હોય ત્યાં સુધી કોઈ એને મારી ન શકે. કશ્યપ ઋષિએ વિષ્ણુ અને મહેશને મદદ માટે પ્રાર્થના કરી. વિષ્ણુએ અનંતની મદદ માગી. અનંતે સતીસર તળાવની ચારેકોરના પર્વતમાં કાણાં પાડ્યા. તળાવનું બધું પાણી વહી ગયા બાદ ચક્ર દ્વારા તેની હણી નાખ્યો. બીજી કથા લેખક બેદીયા-ઉદ-દીન છે તો ત્રીજી કથા ચીની યાત્રી હેનસાંગે કહી છે. એ બધા વિશે અહીં વિસ્તારપૂર્વક નથી લખતી, જેમને રસ હોય એ પુસ્તક વાંચી શકે છે. કાશ્મીરમાં નાગવંશ વિશેની અનેક કથાઓ પ્રચલિત છે. કેટલાક વિસ્તારોના નામ પણ એ કથાઓ સાથે જોડાયેલા છે. જેમકે અનંતનાગ, વેરીનાગ, વિચરનાગ વગેરે. કાશ્મીરમાંથી પંડિતોનું વિસ્થાપન અને હજુ કેટલાક કાશ્મીરી પંડિતો ત્યાં વસે છે એ વિશે અશોક પાંડેએ વિસ્તારપૂર્વક અને સાલવારી પ્રમાણે લખ્યું છે. રાજીવ પંડિતાએ પણ કાશ્મીર વિશે લખ્યું છે. ખેર, હું મારા અનુભવની વાત લખું. કાશ્મીર પહેલીવાર જતી હતી એટલે કાશ્મીર ફરવાનો જ મકસદ હતો, પણ જે કંઈ નિરિક્ષણ કર્યું , અનુભવ્યું તે પ્રામાણિકપણે લખવાનો પ્રયત્ન કરીશ.
કાશ્મીરમાં પગ મૂકતાંની સાથે લશ્કરની હાજરી જોવા મળશે એની ખાતરી હતી પણ જ્યારે હકીકતમાં લશ્કરને સતત પ્રદેશનો પહેરો કરતા જુઓ ત્યારે લાગે કે બધું બરાબર નથી. આ શાંતિ સાચી નથી. કાશ્મીર ખૂબ સુંદર લાગ્યું પણ સ્વર્ગ નહીં. જેટલાને પણ કહ્યું કે કાશ્મીર ફરવા જાઉં છું કે કાશ્મીરમાં છું, તો સામે સવાલ આવતો જ કે કેવું છે ત્યાં? કોઈ ભય નથીને? પોતાના જ દેશમાં ફરવા જાઓ અને સતત તમને સલામતી માટે આશંકા રહે. લશ્કરના સૈનિકો દર સો પગલે હાથમાં બંદૂક લઈ ચોકી કરતા હોય. ઠેર ઠેર છાવણીઓ જોવા મળે. હિન્દુ મંદિરોની આસપાસ વાડ હોય અને સૈનિકો પહેરો ભરે. મસ્જિદોની આસપાસ એવી કોઈ ચોકી નહીં. હિન્દુ મંદિર પણ ગણીને બે ચાર જ જોવા મળ્યા. શ્રીનગરમાં શંકરાચાર્ય સ્થાપિત શિવ મંદિરના દર્શન કરવા ગઈ હતી. એ પહેલાં સૈનિકોની તપાસ અને છાવણી પસાર કરવી પડી. બીજું એકાદ શિવ મંદિર બસમાંથી પસાર થતાં જોયું હતું. પહેલગામની પાસે આવેલ સાતમી સદીમાં બનેલ માર્તડ મંદિરના તો અવશેષો જ જોવા મળ્યાં. મંદિરને નષ્ટ કરી નાખવામાં આવ્યું છે. ત્યાં કોઈ ચોકી કે તપાસ નહોતી. લોકો ત્યાં રમી રહ્યા હતા. ટહેલી રહ્યા હતા. ખંડેરની પણ જાળવણી થતી હોય એવું લાગ્યું નહીં. ટીથવાલ પ્રદેશમાં બોર્ડર પાસે આવેલ શારદા પીઠ જવાનો રસ્તો લાંબો હતો. સાચું શારદાપીઠનું મંદિર તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં રહી ગયું. એને પણ નષ્ટ કરી નાખવામાં આવ્યું છે ત્યાં. શ્રધ્ધાળુઓ ત્યાં જઈ શકતા નથી એટલે બોર્ડર પાસે નવું મંદિર બાંધવામાં આવ્યું. એમાં પણ સુરક્ષા માટે સૈનિકો હાજર જ હોય. અઢળક પ્રાકૃતિક સૌંદર્યની સાથે હવામાં સતત આતંક અને અસલામતીનો ઓથાર તમને ઠરવા ન દે.
હોટલો યાત્રીઓને આવકારે છે. વેપારીઓ પણ પ્રવાસીઓને ઈચ્છે છે, બધું જ સામાન્ય લાગે છે ને છતાં કશુંક ખૂટે, એવું સતત લાગે. મારા મિત્રો અને સંબંધીઓ પૂછે કે ત્યાં ભય તો નથી ને તો તરત જ કહેવાય છે કે ના કોઈ ભય નથી. ફરવા જઈ જ શકાય. ફરવા જવાનું પ્રયોજન કદાચ દરેકનું જુદું હોય. તે છતાં પ્રવાસ તમને રોજની ઘટમાળને તોડીને જીવનને અવકાશ આપે એવી અપેક્ષા દરેકની હોય જ. એટલે જ સુંદર અને શાંત સ્થળોએ લોકો પ્રવાસે જતાં હોય છે. કાશ્મીરતો સુંદરતામાં શિરમોર તેની ના નહીં જ. તે છતાં સતત લશ્કરને જોતાં લાગે કે આ સૈનિકો ન હોય તો કાશ્મીરમાં સહેજ પણ ભય વિના ફરી શકાય એવું ય નહીં. ક્યારે શું થાય તે કશું જ કહેવાય નહીં. આવા સતત ભયના ભારણ વચ્ચે પણ કાશ્મીરને માણ્યું એવું કહી શકાય. અમે વરવન વેલી જતાં પહેલાં અમે દક્શુમમાં રોકાયા હતા. ત્યાં હજુ યાત્રીઓ માટે વિકાસ થઈ રહ્યો છે. ગામમાં બે ચાર હોટલ સિવાય બીજું કશું નથી એવું તો ન જ કહેવાય. કારણ કે પહાડો, ઝરણાં, નદી અને દેવદાર, અખરોટના વૃક્ષોની હરિયાળી તો ચારે તરફ માણી શકાય. ગામમાં કેટલીક વ્યક્તિઓ સાથે વાત કરી અને એક કાશ્મીરીના ઘરમાં ય ગઈ. ત્યાં પાંચથી છ પસ્તુની ઘર છે પહાડ પર એવું એક પસ્તુનીએ કહ્યું. એ વ્યક્તિ કહે કે હું કાશ્મીરી નહીં પણ પસ્તુની છું. દક્શુમમાં મોટાભાગના લોકો ખેતી કરે છે. મકાઈ અને અખરોટ મુખ્ય ઉપજ. ઘર મોટાભાગે પાકા છે. સ્ત્રીઓએ ફોટા પડાવ્યા પણ ફેસબુક પર મૂકવાની ના પાડી. એ બધાંનું કહેવું છે કે સામાન્ય માણસો અને સત્તાધારી માણસોમાં ફરક છે. સામાન્ય વ્યક્તિઓ પ્રેમથી હળીમળીને રહેવા માગે છે. આવા ખુલાસા સાંભળવા મળ્યા. કેટલાક લોકો (મોટાભાગે પુરુષો જ) પસાર થતાં જોઈ રહે ત્યારે એમની આંખોમાં એક શંકા જોવા મળે. આ લોકો શું કરવા અહીં ફરવા આવ્યા છે? કોઈ ભાવ ન દેખાય તેમના ચહેરા પર. ગામના સામાન્ય લોકો સહજ, સરળ લાગે.તે છતાં કશુંક ખૂટતું જરૂર જણાય. કાશ્મીરમાં કોઈ ગામમાં પાનની દુકાન ન દેખાઈ. ન તો કોઈ માવા ખાઈને થુંકી રહ્યું હતું. ગંદકી પ્રમાણમાં ઓછી હતી.
બાંદીપોરાથી ૮૬ કિલોમીટરના અંતરે આવેલી ગુરેઝ વેલી કિશનગંગા નદીના કિનારે પાંચ માઈલ વિસ્તારમાં વિસ્તરેલી છે. ઈલેક્ટ્રિસીટી પેદા કરવા માટે નદી પર બાંધ બાંધવામાં આવ્યો છે. એ પહેલાં અહીં વીજળી હતી જ નહીં. વીજળી આવતાં અહીં પ્રવાસીઓ માટે સુવિધાઓ વધી છે. ગુરેઝ વેલીમાં સૈન્ય દ્વારા બાંધવામાં આવેલું મ્યુઝિયમ છે. તેમાં ગુરેઝ વેલી વિશેની બધી માહિતી સમજાવવમાં આવે છે. ગુરેઝમાં દર્દીસ્તાની પ્રજા વસે છે. ૧૯૪૮માં ત્રીસ ટકા જે પ્રજા ગુરેઝમાં રહી ગઈ એમણે સૈન્યની મદદ માગી અને ભારતીય બની રહેવાની માગ કરી હતી. એમના પૂર્વજો મહાભારતની લડાઈમાં લડ્યા હતા એવું લખાણ છે. ૮૦૦૦ ફીટની ઊંચાઈ પર વસેલું ગુરેઝ પુરાણકાળમાં દર્દીસ્તાનનો ભાગ હતું. તેની રાજધાની દવાર હતી. અમે ગુરેઝમાં દવાર વિસ્તારમાં રહેલાં. ગિલગીટ સિલ્ક રૂટ એક જમાનામાં અહીંથી પસાર થતો હતો. ગુરેઝના ઉત્તરી વિસ્તારમાં આર્કિયોલોજીકલ સર્વેમાં ખરોસ્તી, બ્રાહ્મી અને તિબેટીઅન ભાષામાં પથ્થર પર કોતરેલા સેંકડો લખાણો મળી આવ્યા છે. જો કે હાલમાં અહીં શીના ભાષા બોલાય છે, લખાય છે. શીના દર્દીસ્તાનની ભાષા છે. ઉર્દુ પણ મોટાભાગના કાશ્મીરમાં બોલાય જ છે. અહીં તમને ભારતીય કાશ્મીરમાં ફરતાં હોય એવો અહેસાસ થાય. બાકી તમારે વારંવાર યાદ કરવું પડે કે આપણે ભારતમાં જ ફરી રહ્યા છીએ.
શરૂઆતમાં સૈનિકોને જોઈ જે અકળામણ થતી હતી તા ધીમે ધીમે ઓછી થતી ગઈ. લાગ્યું કે સારું છે સૈનિકો છે. એમાં ય પાક ઓક્યુપાઈડ કાશ્મીરના સીમા વિસ્તારમાં ફરતાં ખાસ. સૈનિકોને સલામ કરી કહેવું પડ્યું કે તમે છો તો અમે સુરક્ષિત છીએ આભાર. આ સૈનિકો કાશ્મીરી નથી. કેટલાય કોષો દૂરના પ્રદેશ અને ઘર-પરિવારથી દૂર…. ઠંડી, ગરમીમાં સતત પહેરો ભરે એટલે પ્રવાસીઓ સુરક્ષિત ફરી શકે. બસમાંથી પસાર થતાં રસ્તા પરના લોકો અમને અને અમે તેમને નવાઈથી જોઈ રહીએ. એકબીજાની આંખો મળતા ક્યારેક સહજ હસાય પણ એક તપાસનો ભાવ એમાં ડોકાયા કરે. આ વ્યક્તિઓ આપણા જ દેશની છે કે? મિત્ર કે શત્રુ ? આ જ ભાવ કેરન વેલીમાં નદીને સામે પાર દેખાતાં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના માણસોને જોઈને ય થતો.
- 17:21
- 0 Comments