જ્યોતિબા ફુલે આધુનિક પુરુષ હતા
06:00આપણે હાલ એક મહાત્માની સાર્ધ શતાબ્દી ઉજવીએ છીએ ત્યારે મહાત્મા ફુલેને પણ યાદ કરવા જરૂરી છે
પુરુષ એટલે આપણે જે સમજીએ છીએ તે જાતિ નહીં પણ વેદમાં જેમ વર્ણવવામાં આવે છે તે અર્થમાં પુરુષ એટલે વ્યક્તિ, માણસ ખરેખર તો જેનામાં આત્મા છે. આત્મસ્વરૂપને ખરા અર્થમાં જાણનારો તે પુરુષ તેમાં લિંગભેદ નથી જોવાનો હોતો. મહાત્મા જ્યાેતિબા ફુલે ખરા અર્થમાં પુરુષ હતા જે જાતિભેદ, જ્ઞાતિભેદ, ધર્મભેદથી પર જઈને વ્યક્તિને જોઈ શકતા હતા અને સ્વીકારી શકતા હતા. આ મહાપુરુષ ૧૧ એપ્રિલના રોજ તેમનો ૧૯૨મો જન્મદિન હતો. અર્થાત આજથી બસો વરસ પહેલાંના ભારતમાં આ પુરુષે જે કામ કર્યું તે અદ્વિતિય હતું. ૧૮૨૭ની સાલમાં આજના સતારા જિલ્લાના કાટગુન ગામમાં ખેડૂતમાળીને ત્યાં એમનો જન્મ થયો હતો. ગાંધીજીના જન્મને દોઢસો વરસ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તેમના પચાસ વરસ પહેલાં જન્મેલા જ્યોતિબા આધુનિક પુરુષની વ્યાખ્યામાં આજના પુરુષથી પણ આગળ હતા એવું કહી શકાય. તેઓ પિતૃસત્તાક માનસિકતાના વિરોધી હતા અને સ્ત્રીઓને સમાન દરજ્જો આપવાની વાત કરતા એટલું જ નહીં એ રીતનું જીવન પણ જીવ્યા.
એ જમાના પ્રમાણે ગાંધીજીની જેમ જ તેમના લગ્ન ૧૩ વરસની ઉંમરે સાવિત્રી સાથે થયા. તેમણે પોતાની પત્ની સાવિત્રીને અક્ષરજ્ઞાન આપ્યું એટલું જ નહીં. ભારતની પહેલી શિક્ષિકા બનવાનું પ્રોત્સાહન આપ્યું. ભારતની પ્રથમ કન્યાશાળા શરૂ કરવાનું શ્રેય પણ જ્યોિતબાને આપવું રહ્યું. એ ખરા અર્થમાં મહાત્મા બન્યા કારણ કે તેમને એવી સત્તા સામે વાંધો હતો જે બીજાનું શોષણ કરે. કોઈપણ જાતના શોષણ અને ભેદભાવ સામે તેમને વિરોધ કર્યો અને તેમાંથી રસ્તો પણ કાઢ્યો. જ્યોતિબા ફુલે મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં ક્ષત્રિય માળી ગોવિંદરાવના સંતાન તરીકે જનમ્યા. બ્રાહ્મણો તે સમયે પોતાનાથી જુદી જ્ઞાતિઓનું અને તેમાં પણ નીચી ગણાતી હતી એવી શુદ્ર જ્ઞાતિઓનું શોષણ, દમન કરતા. જે કચડાયેલી, શોષિત જાતિ-જ્ઞાતિ ગણાતી તેને દલિત નામ આપ્યું જ્યોતિબા ફુલેએ. એ જમાનામાં માળી કોમમાં કોઈ લખવા, વાંચવાથી વધુ શિક્ષણ નહોતું લેતું. તેમાં પણ ફક્ત છોકરાઓને જ ભણાવવામાં આવતા. છોકરીઓના તો નવ વરસ સુધીમાં લગ્ન કરાવી દેવામાં આવતા હતા. જ્યોતિબાએ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પિતા અને ભાઈઓ સાથે ખેતરમાં અને દુકાનમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમની જ જ્ઞાતિના એક વિદ્વાન પ ડોશી ભાઈએ કદાચ તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો ગફારબેગ મુનશી તેમણે જ્યોતિબામાં રહેલી પ્રતિભાને પારખી અને તેમના પિતાને જ્યોતિબાને ફરી સ્કુલમાં મોકલવા માટે મનાવ્યા અને તેમને પુનાની સ્કોટિશ મિશન હાઈસ્કુલમાં ભણવાનું શરૂ કર્યું. તે સમયે તેમના લગ્ન નવ વરસની સાવિત્રી સાથે થઈ ગયા હતા. શાળાજીવન દરમિયાન તેમની મિત્રતા બ્રાહ્મણ છોકરાઓ સાથે થઈ. એકવાર તેઓ બ્રાહ્મણ મિત્રના ઘરે લગ્ન પ્રસંગે ગયા તો ત્યાં તેમની હાજરીનો વિરોધ કરવામાં આવ્યો. જો જ્યોતિબા જે તે સમયે માળી અટલે કે નીચલી જ્ઞાતિના ગણાતા હતા તે હાજર હોય તો સંસ્કૃત વિધિ થઈ શકે નહીં એવી વાત સાંભળી જ્યોતિબા વિચારમાં પડી ગયા. તેમને સમજાયું કે આ જ્ઞાતિપ્રથાને દૂર કરવાનું કામ કરવાનું નક્કી કર્યું. એ જમાનામાં ઉચ્ચ વર્ણના લોકોની વિરોધમાં કામ કરવાનું સહેલું નહોતું. તેમને અનેક અડચણોનો સામનો કરવો પડ્યો હતો. તેમને નાતબહાર પણ મૂકવામાં આવ્યા હતા. હિંસક વિરોધો પણ થયા જ હતા.
તેમના જીવન પર ત્રણ વ્યક્તિઓની અસર હતી જ્યોર્જ વોશિંગ્ટન, શિવાજી મહારાજ ની જીવનગાથા અને થોમસ પેઈનનું પુસ્તક ધ રાઈટ્સ ઓફ મેન. અંગ્રેજ લેખક થોમસ પેઈનએ ફ્રેન્ચ રિવોલ્યુશનને સમર્થન આપ્યું હતું અને માનવીય અધિકારને સમજાવતું આ પુસ્તક લખ્યું હતું કે જેમાં પરંપરિત સત્તાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યોતિબાએ પણ જોયું કે ભારતમાં ઉચ્ચ જ્ઞાતિઓ દ્વારા શુદ્ર જ્ઞાતિઓનું દમન થઈ રહ્યું હતું. તેમણે પોતાના જીવનમાં પણ એ અનુભવ્યું હતું એટલે તેમની પીડા તેઓ સમજી શકતા હતા. એ સિવાય તેમને લાગ્યું હતું કે સ્ત્રીઓ ઉપર પણ અન્યાય થઈ રહ્યો છે. ગાંધીજીના જન્મ પહેલાં સ્ત્રી શિક્ષણ વિશે વિચારનાર અને કામ કરનાર પહેલાં પરુુષ જ્યોતિબા હતા. આંબેડરે પણ જ્યોતિબા ફુલે માટે કહ્યું છે કે તેઓ ભારતના મહાન શુદ્ર હતા કે જેમણે ભારતની સ્વતંત્રતા કરતા સામાજિક સુધારણાની તાતી જરૂર જણાઈ હતી. હિન્દુ ધર્મ પ્રમાણે ઉચ્ચ જ્ઞાતિની નીચલી જાતિઓએ કરવી પડતી ગુલામગીરીને તેમણે જાણી-સમજીને માનવ અધિકારની રૂહે તેનો વિરોધ કર્યો. દરેક વ્યક્તિઓની સમાનતાની વાત કરનાર સૌ પ્રથમ જ્યોતિબા ફુલે હતા અને તેઓ આંબેડકરના પ્રેરણામૂર્તિ રહ્યા હતા. જ્યોતિબા ફુલેએ ૨૩ વરસની ઉંમરે અહમદનગરમાં પહેલીવાર સ્ત્રીઓ માટેની મિશનરીશાળા જોઈ હતી. ત્યારથી એમણે નક્કી કર્યું હતું કે હિન્દુ સ્ત્રીઓને પણ ભણવા માટે શાળા હોવી જોઈએ. પત્ની સાવિત્રીને તેમણે પહેલી મહિલા શિક્ષિકા બનાવી પુણેમાં કન્યાશાળા શરૂ કરી. બ્રાહ્મણો માટે પણ અને પછી શુદ્ર કન્યાઓ માટે પણ. કહે છે કે તે વખતે જ્યોતિબા અને સાવિત્રીબાઈ પર લોકોએ વિતાડવાનું બાકી નહોતું રાખ્યું. સાવિત્રીબાઈ શાળામાં જતાં પહેલાં એક સાડી સાથે લઈને જતા કારણ કે રસ્તા પર લોકો તેમના વિરોધમાં લોકો અનેક ખરાબ શબ્દોતો બોલતા જ પણ તેમના પર વિષ્ટા ફેંકતા એટલે શાળામાં જઈને તેઓ કપડાં બદલી કામે લાગતા. તેમને બાળક નહોતું થયું. તેમણે એક બ્રાહ્મણ વિધવાનું બાળક દત્તક લીધું હતું. તેમણે ત્રણેક શાળાઓ શરૂ કરી હતી સ્ત્રીઓ માટે જો કે ૧૮૫૭ની સાલમાં અંગ્રેજોની વિરુદ્ધમાં બળવો થતા, ફંડની સમસ્યાઓને કારણે તે બંધ કરી દેવી પડી તેનો ક્યાંક ઉલ્લેખ વાંચ્યાનું યાદ છે.
આજે આપણે આટલી પ્રગતિ કરી હોવા છતાં વિમેન એમ્પાવરની વાત કરવી પડે છે, પણ જ્યોતિબા ફુલેએ તે સમયે કહ્યું હતું કે જો સ્ત્રી-પુરુષ સમાનતા આવે તો વિકાસ પણ થશે. વિકાસ માટે સ્ત્રીઓને શિક્ષિત કરી તેમને સમાજિક જીવનમાં બરાબરીની ભાગીદારી આપવી જરૂરી છે. સ્ત્રીઓનું દમન કરી સમાજનો વિકાસ થઈ શકે નહીં. સમાજમાં જાતિ કે જાતી આધારિત ભેદભાવ રહેશે ત્યાં સુધી સમાજ વિકાસ નહીં સાધી શકે. એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ પરનું શાસન કે શોષણ એ અમાનવીય ધર્મ છે. જ્યોતિબાએ ૧૮૭૩ની સાલમાં ગુલામગીરી નામનું પુસ્તક લખ્યું હતું તેમાં એમણે વેદ-પુરાણ ઉપરાંત ઈતિહાસ તેમ જ અન્ય ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને શુદ્રો પર લાદવામાં આવેલી અમાનવીય ગુલામગીરીનો વિરોધ સમજાવ્યો હતો. તેમાં એમણે નીગ્રોને થતા અન્યાયની વાત પણ વણી લીધી છે. તેમના બાળલગ્ન થયા હતા અને ત્યારબાદ વરસો પછી ગાંધીજીના પણ બાળલગ્ન થયા હતા. જ્યોતિબાએ તે સમયે બાળલગ્નનો વિરોધ કર્યો હતો તેમ જ બાળવિધવાઓની જે દયનીય સ્થિતિ હતી તેના માટે પણ કામ કર્યું હતું. તે સમયે અનેક બાળવિધવાઓ ગર્ભવતી બનતી ત્યારે સમાજના બહિષ્કારના ડરે બાળકને જન્મ આપી રસ્તા પર મૂકી દેતી હતી. તેમનો જીવનનિર્વાહ પણ બીજા પર નિર્ભર રહેતો હતો. ૧૮૫૪ની સાલમાં જ્યોતિબાએ ઉચ્ચ જ્ઞાતિની વિધવાઓને રહેવા માટે મહિલાશ્રમ શરૂ કર્યો હતો અને વિધવા વિવાહની હિમાયત કરી હતી. તેમણે એક સૂત્ર આપ્યું હતું સમાજને
નર નારી સભી મહેનતી બનો
પરિવારકો પાલે આનંદ લે
નિત બચ્ચો બચ્ચીઓકો પઢને ભેજે.
તેઓ પહેલાં ભારતીય હતા કે જેમના કામને અંગ્રેજોએ તેમના કામને બિરદાવ્યું હતું અને સન્માન્યું હતું. તેઓ દ્રઢપણે માનતા હતા કે શિક્ષણ સમાજને બદલી શકે છે. સ્ત્રીઓને ભણાવવાથી પરિવાર અને સમાજનો વિકાસ થઈ શકે છે. તેમણે અંગ્રેજોને પણ સહુને શિક્ષણ આપવા માટે અપીલ કરી હતી. શિક્ષણમાં કોઈપણ જાતનો ભેદભાવ ન હોવો જોઈએ તેનો આગ્રહ પણ રાખતા. તેમણે અંધશ્રદ્ધા અને ગુલામીપ્રથાનો વિરોધ કરતા અનેક પુસ્તકો તેમ જ નાટકો લખ્યા છે. તેમણે શિક્ષણનો સાચો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ કહેતા કે ખરું શિક્ષણ એ છે કે તે તમને માનવીય બનાવે, જાગૃત નાગરિક બનાવે. તમને તમારા અધિકારો સમજાવે. શિક્ષણ જ માણસને સ્વતંત્ર વિચાર અને સ્વતંત્રતા અપાવી શકે તેવું એ સતત કહેતા રહ્યા. દરેક વ્યક્તિ શિક્ષણ દ્વારા પોતાનો વિકાસ કરી શકે છે જો તેને સાચું જ્ઞાન શિક્ષણ દ્વારા મળે તો. આ બાબત આજે પણ એટલી જ જરૂરી છે. આજે મહાત્મા ફુલેની શિક્ષણની વ્યાખ્યા સમજવાની અને જીવનમાં ઉતારવાની તાતી જરૂર લાગે છે. આજનું શિક્ષણ તો વ્યાપાર બની ગયું હોય તેવું લાગે છે. જ્યોતિબા હોત તો તેનો પણ વિરોધ ચોક્કસ જ કરત. પૈસાદાર હોય તે અમુક શિક્ષણ લઈ શકે અને ગરીબો માટે કેટલીક શાળા-કોલેજના પગથિયા ચઢવા પણ દુષ્કર બને. મહાત્મા પુરુષને યાદ કરીને તેમના રસ્તે ચાલવાનો જો પ્રયત્ન થઈ શકે તો એ જ તેમને અંજલિ.
0 comments