મહિલાઓ જીવનની રેસમાં પુરુષોથી આગળ 10-4-12
23:29
31 માર્ચના રોજ
યુનિયન હેલ્થ મિનિસ્ટરને ભારતમાં વધી રહેલા વૃધ્ધોની સંખ્યા અંગે એક રિપોર્ટ
મોકલવામાં આવ્યો. રજીસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડીયાના લેટેસ્ટ ડેટા સેમ્પલ રજીસ્ટ્રેશન
સિસ્ટમ ધ્વારા 2010ના કરવામાં આવેલા સર્વે પ્રમાણે 60 વરસથી વધુ વય ધરાવતી
મહિલાઓની સંખ્યા મોટા 17 રાજ્યોમાં વધી છે. ફક્ત ત્રણ રાજ્યો આસામ,બિહાર અને જમ્મુ
કાશ્મીરમાં જ મહિલાઓની સરખામણીમાં પુરુષ વૃધ્ધો વધુ છે. ગુજરાતમાં પણ 60 વરસથીવધુ
વય ધરાવતી મહિલાઓની સંખ્યા 6.8 ટકા પુરુષોની સરખામણીએ 8.3 ટકા છે. આ જ રીતે દરેક
મોટા રાજ્યોમાં એટલે કે આન્ધ્ર પ્રદેશ , હરિયાણા,પંજાબ,રાજસ્થાન વગેરેમાં પ્રૌઢ
મહિલાઓની સંખ્યામાં પુરુષોને પાછળ મૂકી દીધા છે. ભારતમાં યુવાનોની સંખ્યા ભલે
વધારે રહી પણ વૃધ્ધોની સંખ્યા પણ વધી રહી છે મળતા આંકડાઓ ઉપરથી હેલ્થ મિનસ્ટર
ભવિષ્ય ભાખી રહ્યા છે કે ચાર વરસ પછી એટલે કે 2016ની સાલમાં પ્રૌઢ મહિલાઓની
સંખ્યામાં 51 ટકાનો વધારો નોંધાવાની શક્યતા છે. ઘણા જ થોડો સમયમાં ભારત વધારે
વૃધ્ધો ધરાવતો વિશ્વનો બીજો દેશ બની જશે તેમાં મહિલાઓની સંખ્યા અનેક ઘણી વધારે જ
હશે.
માર્ચ મહિનામાં ન્યુયોર્કની
સો રિસર્ચ પોલીસી અને એડવોકેસી સેન્ટર ધરાવતી
નેશનલ સેન્ટર ફોર રિસર્ચ ઓફ વુમનની એક પેનલના સર્વેમાં જાણવા મળ્યું કે
1980ના દાયકા બાદ વિશ્વભરમાં મહિલાઓ પુરુષો કરતાં લાંબુ જીવે છે. ઓછી આવક ધરાવતા
દેશોમાં પણ 1980ની સાલ બાદ મહિલાઓ સરેરાશ
કરતાં વીસ વરસ વધુ જીવવા લાગી છે. શિક્ષણ, મેડિકલ ફેસિલિટી અને આયુષ્ય દરમાં વધારો
નોંધાતા મહિલાઓની સંખ્યા વધી રહી હોવાનું નોંધવામાં આવે છે. જો કે મહિલાઓની સંખ્યા
વધારે હોવા છતાં તેમના પ્રત્યે થતા જેન્ડર બાયસ (જાતીય અસમાનતા)ને કારણે દર વરસે ઓછી કે મધ્યમ આવક ધરાવતા દેશોમાં 39
લાખ મહિલાઓ કે બાળકીઓને મારી નાખવામાં આવે છે. લગભગ બે પંચમાઉસ બાળકીઓને તો
ગર્ભમાં જ દીકરાની આશામાં ચીન અને ભારતમાં મારી નાખવામાં આવે છે. તો સબસહારા
આફ્રિકામાં એચઆઈવીને કારણે મરતી બાળકીઓની
સંખ્યા પણ વધી રહી છે. આ જ પેનલમાં વર્લ્ડ
ઇકોનોમિક્સ ફોરમ 2011નો ગ્લોબલ જેન્ડર ગેપ
અને વર્લ્ડ બેન્ક 2012નો જેન્ડર ઇક્વાલિટીનો રિપોર્ટ પણ રજુ કરવામાં આવ્યો.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટમાં તારણ નીકળ્યું છે કે કામના સ્થળે થતાં જાતીય
ભેદભાવ અંગે 135 દેશોમાં કરવામાં આવેલા સર્વેમાંથી 88 ટકા દેશોમાં આવો ભેદભાવ ન
થાય તે માટે કાયદામાં જોગવાઈ રાખવામાં આવી છે. તે છતાં પણ મહિલાઓને ઊંચા હોદ્દા પર
નિમવામાં આવતી નથી. આના ઉકેલ રુપે 20 ટકા દેશોમાં કંપનીના બોર્ડ પર એકાદી મહિલા
હોવી જોઈએ તેવી ફરજ પાડવામાં આવી. હાવર્ડ કેનેડી સ્કુલ ઓફ કેમ્બ્રિજના પબ્લિક
પોલીસીના પ્રોફેસર આઈરીસ બોનેટનું કહેવું છે કે ક્વોટા સિસ્ટમને લીધે જોવા મળ્યું કે જે કંપનીના બોર્ડ ઓફ
ડિરેકટર કે મેનેજરીયલમાં મહિલાઓની હાજરી હતી તે કંપનીઓ સફળ રહી હતી. આઈરીસનું કહેવું
છે કે મહિલાઓ વિચારવાની પધ્ધતિ બદલવી પડશે તે તો છે જ પણ મહિલાઓને બહાર જવું કે
નોકરી કરવાની શરુઆતમાં જે મદદ,પ્રોત્સાહન આપવામાં આવે છે તેવી જ રીતે ઊચ્ચ હોદ્દા સુધી પહોચવા માટે પણ સતત
પ્રોત્સાહન આપવાની જરુર રહે છે. તો જ મહિલાઓ
ગરીબી રેખાથી ઉપર રહી શકશે. લિન્ડા બાક
અમેરિકાના નેશનલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઓન વિમેનના પ્રમુખ છે તેમનું કહેવું
છેકે વિશ્વમાં લગભગ 100 અબજથી વધુ લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તેમાં 70 ટકા મહિલાઓ છે. અમેરિકામાં જ 2010માં
ગરીબી રેખાની નીચે જીવતી મહિલાઓમાં વધારો નોંધાયેલો જોવા મળ્યો હતો. જે છેલ્લા 17
વરસમાં સૌથી વધુ હતો. આપણે ત્યાં ભારતમાં 30 ટકા વૃધ્ધો ગરીબી રેખાની નીચે જીવે
છે. અને તેમાં મહિલાઓની સંખ્યા વધારે જ છે.આમ, વિશ્વમાં પ્રૌઢ મહિલાઓની સંખ્યા
વધતી હોવા છતાં સારું જીવનધોરણ મેળવવા માટે અને સમાન હક્ક માટે તેમણે અનેક સમસ્યાઓનો સામનો કરવો જ પડે છે.
0 comments