લગ્ન પછી શું ? 7-2-12
22:45
હાલમાં લગ્નસરાની મોસમ છે. ટ્રેનમાં કે બસમાં
હકડેઠ્ઠઠ ભીડ જામી છે. તેમાં એક અમેરિકાથી આવેલી છોકરીની સાથે વાત થઈ અમેરિકામાં
ફેડરર ઓફિસમાં એટલે કે એડમિનિસ્ટ્રેશનમાં નોકરી હતી પણ લગ્ન કરવા માટે તેણે એ
નોકરી છોડી દીધી. કારણ કે તેની પાસે ગ્રીન કાર્ડ છે અને તેના થનારા પતિ પાસે નથી.
સાસરા પક્ષને વધુ જાણવા માટે તેણે આ નોકરી છોડી હોવાનું કહી રહી હતી. હવે મંદીમાં
ફરીથી એ છોકરીને અમેરિકામાં નોકરી મળશે કે નહીં તે સવાલ છે. તો મુંબઈમાં રહેતી શિલ્પા
રાવલ (નામ બદલ્યું છે ) એમબીએ થઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરી રહી હતી પણ તેણે
લગ્ન માટે છોકરા જોવાનું શરુ કર્યુ ત્યારે તેને ગમી ગયેલા છોકરાએ શરત કરી કે મારે
નોકરી કરતી છોકરીની સાથે લગ્ન નથી કરવા તો લગ્ન કરવા માટે શિલ્પાએ પોતાની
કારર્કિદીને કોરાણે મૂકી. જ્યારે એક આદિવાસી છોકરીએ લગ્ન કરવા માટે નમતું ન
જોખ્યું.
જ્યારે ધરમપુરમાં બસ ડેપો મેનેજર તરીકે હજી વરસ
પહેલાં જોડાયેલી ભૂમિકા પટેલ એકવીસ જ વરસની છે. ઉદવાડા પલસાણા ગામના
કિર્તિભાઈ ખેડુતની દિકરી ભૂમિકા પટેલે ઇલેકટ્રિકલ એન્જિનયરિંગમાં ડિપ્લોમા કર્યુ
છે. તેણે આ પહેલાં કરન્ટ પાવરમાં અને પ્લાઝમા રિસર્ચ કંપનીમાં ટેકનિકલ આસિસ્ટન્ટ
તરીકે કામ કર્યુ છે. એક દિવસ તેણે ઈન્ટરનેટ પર ડેપો મેનેજરની નોકરી માટે મહિલાઓની
અરજી મંગાવતી જાહેરાત જોઈને અરજી કરી. તેને જ્યારે ડેપો મેનેજરની નિયુક્તિનો પત્ર
મળ્યો ત્યારે તેના ખેડૂત માતાપિતાને ખૂબ આનંદ થયો હતો. શરુઆતમાં તો તેને લાગતું કે
બસડેપો મેનેજરની નોકરી કરતા ખાનગી કંપનીમાં નોકરી કરી લેવી જોઈએ. પણ પછી
સમજાયું કે બસ ડેપો મેનેજરની નોકરી
ચેલેન્જીંગ છે અને પુરુષોના ક્ષેત્રમાં તેનો પ્રવેશ સહેલો તો ન જ હોય. ભૂમિકાનું
કહેવું છે કે , તમારો સ્વીકાર થાય તે માટે સંઘર્ષ
કરવો જ પડતો હોય છે. ક્યારેક મન ડગી જાય છે. કારણ કે હું ઉંમરમાં સૌથી નાની છું.
પણ વળી પાછી મહિલા મિત્રોના ઉત્સાહિત શબ્દો અને માતાપિતાના આનંદની સામે જોઈને
હિંમતથી કામ કરવા તૈયાર થાઉં છું. મુશ્કેલીઓની સામે જલ્દી હાર ન માનું તેવી
પ્રાર્થના કરજો એવું દરેકને કહેતી. અને આજે લાગે છે કે લોકોએ મારા માટે પ્રાર્થના
કરી છે. કહેતાં ભૂમિકાના ચહેરા પર આત્મવિશ્વાસની ઝલક જોઈ શકાય છે. આ ભૂમિકાના
લગ્નની ચિંતા પણ માતાપિતાને હતી. છોકરાઓ જોવાના શરુ કર્યા ત્યારે ભૂમિકાએ સ્પષ્ટ
રીતે માતાપિતાને જણાવી દીધું કે નોકરી છોડવાનું કહે તે છોકરાની વાત લાવતા જ નહીં.
પિતાએ પણ હિંમતથી પોતાની દીકરીને સાથ આપ્યો. ડેપો મેનેજર તરીકે પુરુષોની વચ્ચે કામ
કરતી છોકરીને મોટાભાગના છોકરા નોકરી છોડવાનું કહેતા તો કેટલાક કહેતા અમે સુખી
કુંટુંબના છીએ અમને સારી છોકરી જોઈએ છે પૈસાની જરુરત નથી એટલે નોકરી છોડી દેવાની.
આ બધાને ભૂમિકાએ હિંમતપૂર્વક ના પાડી. ભૂમિકાને જ્યારે અમે પૂછ્યું કે તને ડર ન
લાગ્યો કે તું કુંવારી રહી જઈશ ? અને
તને સારા ઘરનું માગું નહી મળે તો ? સવાલ
સાંભળીને હસતાં હસતાં ભૂમિકા કહે , એવું કેવી રીતે બને બહેન, સારા લોકોતો હોય જ ને
વળી. અને લગ્ન જેટલું જ મહત્ત્વ મારા
કામનું છે. મારું ભણતર અને મહેનત પછી નકામા ન જાય ? ભૂમિકાની વાત સાંભળીને આનંદ થયો. આજની નારી બદલાઈ રહી
છે. અને શરુઆત શહેરથી નહીં પણ નાના ગામમાંથી થઈ રહી છે. અને હા, ભૂમિકાને પોતાનો
વ્યવસાય ધરાવતો છોકરો મળી ગયો છે જેણે ભૂમિકાને તેના વ્યક્તિત્વ સાથે કોઇ શરત વગર
અપનાવી છે. અને તેના લગ્ન ફેબ્રુઆરીના
અંતમાં છે.
છોકરીઓએ લગ્નજીવન સુખી કરવા માટે
ઘર અને સંપત્તિ ન જોતા છોકરાના સંસ્કાર અને સહકારને જોવાનો આગ્રહ રાખવો જોઈએ.
જીવનસાથી તરીકે પ્રેમથી એકબીજાની સાથે
રહેવામાં બીજાની સ્વતંત્રતા છીનવવાની જરુર નથી હોતી. અને શિક્ષિત છોકરીઓએ
અસલામતીમાં જીવવાની પણ જરુર નથી.
0 comments