શાંતિની શોધમાં પદયાત્રા 17-10-12
18:43
ઉપભોક્તાવાદ અને
સતત કશુંક પામવા માટે દોડતા આજના માનવીને જ્યારે ઠોકર વાગે છે ત્યારે ક્યાં તો તે
જીવન ટુંકાવી દેવાના રસ્તા શોધે છે. અથવા તો તે જીવનના ખરા અર્થની શોધ શરુ કરી દે
છે. આવો જ એક કિસ્સો છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરના રહેવાશી જીન બેલીવ્યુનો. બાર
વરસ પહેલાં એટલે કે 2000ની સાલમાં જીનના જીવનમાં ઉલ્કાપાત સર્જાયો જ્યારે તેનો
નાનકડો નિયોન સાઈનનો વ્યવસાય પડી ભાંગ્યો અને તેણે દેવાળું ફુકવું પડ્યું. તે સમયે
જીન 45 વરસનો હતો. જે ઉંમર ઠરીઠામ થવાની
હતી ત્યારે જ તેના જીવનનું ભવિષ્ય ભાંગીને ભૂક્કો થઈ ગયું. તે ડિપ્રેશન
એટલે કે હતાશામાં સરી પડ્યો. તેને લાગ્યું કે મિડલાઈફ ક્રાઇસીસમાંથી પસાર થઈ રહ્યો
છે. અને તેમાંથી સરળતાથી બહાર નીકળીવાનો રસ્તો તેને દેખાતો નહતો. અને તે પોતાની
ગલીઓમાં ચાલી રહ્યો હતો કે તેને લાંબુ ચાલવા જવાનો વિચાર આવ્યો. આમ પણ કહે છે કે ચાલવાથી હતાશામાં ફાયદો થાય
છે. જીને વિચાર્યું કે અટક્યા વગર ચાલીએ તો વળી પાછા કયારેક જ્યાંથી શરુ કર્યું
હોય ત્યાંજ પાછા આવી શકાય. આવું વિચારીને જીન અટક્યો નહીં તેણે ખરેખર લાંબુ એટલે
કે આખાય વિશ્વનો પ્રવાસ પગે ચાલીને કરવાનું નક્કી કર્યું. તેના આ વિચારને અમલમાં
મૂકવામાં તેની પત્નિ લ્યુસીએ પણ પ્રોત્સાહન આપ્યું. 18 ઓગષ્ટ 2000 તેનો 45મો જન્મ
દિવસ તે જ દિવસે તેણે કેનેડાથી ત્રણ પૈડાંવાળી ગાડી પર સ્લીપિંગ બેગ, નાનો તંબુ,
ફર્સ્ટ એઈડનો થોડો સામાન અને જરુરી થોડી વસ્તુઓ અને કપડાં મૂકી તેણે ચાલવાનું શરુ
કર્યું. સાથે ન તો મોબાઈલ ફોન લીધો કે ન તો પૈસા લીધા. તેણે જે રીતે રુટ બનાવ્યો
હતો તે જોતા તેનો આ પગપાળા પ્રવાસ દશ વરસમાં પૂરો થાત પણ બરાબર અગિયાર વરસે એટલે
કે 2011ના સાલમાં ઓક્ટોબર મહિનામાં લગભગ 76000 કિલોમીટરનો પગપાળા પ્રવાસ તેણે 54
બુટની જોડી વાપરીને પૂરો કર્યો અને મોન્ટ્રીયલ પરત પોતાના પરિવાર પાસે ઘરે પરત
આવ્યો હતો. તે જ્યારે પ્રવાસે નીકળ્યો હતો ત્યારે તેની દિકરી ગર્ભવતી હતી અને
જ્યારે પરત ફર્યો ત્યારે તેને એક અગિયાર વરસનું અને બીજું પાંચ વરસનું બાળક હતું.
તેની માતાને તે અગિયાર વરસે મળ્યો હતો. તેની પત્નિ લ્યુસી દર ક્રિસમસના દિવસોમાં
જીન જ્યાં હોય ત્યાં વિમાનના પ્રવાસથી પહોંચી જતી. પોતાના પ્રવાસ દરમિયાન જીને અનેક
તકલીફો અને સમસ્યાઓનો સામનો કર્યો. જીને અમેરિકા,એટલાન્ટિક કોસ્ટ,ચીલે, યુરોપ, આફ્રિકા, લિબિયામાં પ્રવેશ ન મળતા મોરોક્કો ,
ઇગ્લેંડથી ભારત,ચીન,સાઉથ કોરિયા, ફિલિપાઈન્સ, મલેસિયા, ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડથી
પરત કેનેડા ગયો. તેણે પોતાની ડાયરી નોંધ્યા પ્રમાણે કુલ 64 દેશોમાં તેણે 1600
ઘરોમાં રાત વિતાવી અને લગભગ એટલી જ રાતો તેણે રસ્તા પર કે ચર્ચમાં કે ધર્મશાળામાં
કે પછી પોલીસ સ્ટેશનમાં પણ વિતાવવી પડી હતી. તેણે જીવનમાં કશુંક જુદું કરવાની
ઇચ્છામાં આ પ્રવાસ શરુ કર્યો હતો. ખાલી હાથે દેવાળિયા જીને પ્રવાસ શરુ કરેલો પરત
ફર્યો ત્યારે પણ તે ખાલી હાથે જ પાછો આવ્યો હતો. પરંતુ તેની પાસે વિશ્વપ્રવાસના અનુભવનું ભાથું હતું.
તે કહે છે કે, પ્રવાસે નીકળેલો જીન અને પરત ફરેલા જીનમાં ઘણું અંતર છે. ભલે બહારથી એ જ વ્યક્તિ છું પણ અંતર મારું
અનુભવથી સમૃધ્ધ થઈ ગયું છે. મને સમજાયું છે કે પૈસાથી સુખ કે શાંતિ ખરીદી નથી
શકાતા. હું પ્રવાસ દરમિયાન એવી કેટલીય વ્યક્તિઓને મળ્યો છું જેમની પાસે પૈસા ન હોય
છતાં તેઓ ખુશ હતા. તેને એ સમજાયું છે કે ભૌતિક સફળતા જ આનંદમય જીવન આપી શકે છે એ
માન્યતા ખોટી છે. હવે જીન પોતાના પ્રવાસ અને અનુભવો વિશે પુસ્તક લખી રહ્યો છે જે
ટુંક સમયમાં પ્રસિધ્ધ થશે. આટલો લાંબો પગપાળા પ્રવાસ કરવાનો તેણે વિશ્વ વિક્રમ પણ સર્જી
દીધો છે. તેની પાસે હવે વિશ્વ શાંતિ અને વિશ્વવના અનુભવોમાંથી એ શું શીખ્યો તે
કહેવા માટે ઘણું છે. જીવનની રેટ રેસમાં
આજે માનવી એટલે ભાગી રહ્યો છે કે તેને સુખી થવું છે પણ જરુરી નથી કે પૈસા કે સફળતા
તેને સુખ આપી જ શકે તે આપણને જીનના જીવન અને અનુભવની વાત પરથી સમજાય તો સારું.
0 comments