મારા બાપુજી મહાત્મા ગાંધી – તારાબહેન જસાણી
02:02
જુહુ સ્કિમના બેઠા ઘાટના એક મકાનમાં
તારાબહેન જસાણીએ થોડો સમય પહેલાં પોતાની ચાર દિકરીઓ સાથે 100 વરસની ઉજવણી
કરી. બેઠી દડી, ગૌર વર્ણ ધરાવતા તારાબહેન પોતાના જમાના કરતા ઘણા આગળ હતા તેનો યશ
તેઓ ગાંઘીજીને તથા પોતાના પિતાજી જેમનું નામ પણ મોહનભાઈ હતું તેમને આપે છે. હવે
તેમનાથી ઉંમરને કારણે વધુ શ્રમ નથી લેવાતો પરંતુ, આજે પણ તેમણે વાંચનની આદત છોડી
નથી. કોઈ મળવા આવે ત્યારે ઉત્સાહથી વાત
કરવું તેમને ગમે છે.તેમની વાતોમાં ક્યારેય કોઈની ટીકા કે પંચાત ન હોય. યુવાનીમાં
તેમણે ગાંધીજીની પાસેથી પ્રેરણા લઈને સમાજસેવાના અનેક કામો કરવા ઉપરાંત કલકત્તામાં
ભવાનીપુરમાં બાલમંદિરનો પાયો નાખ્યો હતો અને મોટી ગુજરાતી શાળા પણ ઊભી કરી છે. તેમની ચારે દિકરીઓએ પ્રેમ લગ્ન કર્યા છે. સ્નેહલત્તાબહેન ગુજરાતીને પરણ્યા છે , મૃણાલબહેન
જર્મન એમ્બેસેડરને પરણી છે ઈલાબહેન અમેરીકન
કોન્સ્યુલેટ ડેવિડ ગુડને પરણી છે. તો ચોથી દિકરી રુપા મરાઠી વ્યક્તિને પરણ્યા છે.
ગાંધીજીની વાત નીકળતા જ તારાબહેન અતીતની ધૂંધળી થયેલી કેટલીય ગલીઓમાં આંટો
મારે છે. તેમની પાસે ગાંધીજીના અનેક અંગત સંસ્મરણો છે. ગાંધીજીની સ્મૃતિઓ તેમના જ
શબ્દોમાં મમળાવીએ –
આજેય હું આંખ બંધ કરુ છુ તો ગાંધીજી યાદ આવે. અમે તેમને બાપુજી કહેતા. એમનું
નિખાલસ હાસ્ય પણ જાણે ગઈ કાલે જ ગાંધીજીને
મળી હોઉં તેવું લાગે. મારા મામા ઉમિયાશંકર મહેતા આફ્રિકામાં ગાંધીજીની સાથે
સેક્રેટરીનું કામ કરતા. એટલે તેમણે મારા બાપુજી મોહનભાઈ ખંડેરિયાને તેમની દુકાન સંભાળવા માટે બોલાવી
લીધા હતા. બાપુજીના વ્યક્તિત્વમાં એવું
કંઈક હતું કે એમની વાત ઉથાપવાનું કોઈને મન ન થાય. સૌ
પહેલા તમને 1903ની વાત કહુ. ત્યારે તો હું જન્મી પણ નહોતી. મારી મા દિવાળીબહેન
ચાલીસ દિવસ સ્ટીમરની મુસાફરી કરી ડર્બન પહોંચેલી. મારા પિતાજી ત્યારે
ટ્રાન્સવાલમાં હતા એટલે ગાંધીજીએ કહી દીધેલું કે, મોહનભાઈ તમારે ડર્બન આવવાની જરુર
નથી. દિવાળીબહેનને હું તેડી આવીશ. નવાઈ લાગે તેવી વાત છે. એ જમાનામાં કાઠિયાવાડથી
અભણ બાઈ સ્ટીમરમાં પરદેશ એકલી આવે એ સહેલુ નથી.
ત્યારે સ્ટીમરનો એવો નિયમ કે પતિ આવે તો જ પત્નીને નીચે મોકલાય. એટલે
સ્ટીમરવાળાએ મારી બાને નીચે ઊતરવાની ના પાડી દીધી. બાપુજી નીચે ઊભેલા ઓફિસરો સાથે
દલીલો કર. તેમણે મારી બાને કહ્યુ કે દિવાળી હું જીવ લગાડીને પ્રયત્ન કરીને તને
ઉતારીશ. ધારો કે તેમ ન થાય તો તું પાછી જતી રહેજે. મારી બાએ ત્યારે હા પાડેલી. કદાચ તેમને બાપુજી
પર ભરોસો હશે. બાપુજીએ દલીલ કરીને ઓફિસરોને મનાવ્યા અને મારી બાને સ્ટીમરમાંથી
ઊતરવાની છૂટ મળી. ત્યારે પહેલીવાર બાપુજીને લાગ્યુ કે સત્યાગ્રહથી કોઈ પણ કામ થઈ
શકે.
ગાંધીજીને પહેલીવાર હું ભારતમાં મળેલી . તે વખતે હું ઘણી નાની હતી. મારી મોટી
બહેન પ્રભા મારાથી દસ વરસ મોટી. તે બાપુજી સાથે ફિનિક્સ આશ્રમમાં રહેલી અને પ્રભા
પર બાપુજીએ પ્રથમ પ્રયોગ કરેલો ને તેનો ચોટલો કાપી નાખ્યો હતો. બન્યુ હતુ એવું કે
કોઈ છોકરાએ આશ્રમમાં કોઈ છોકરીની છેડતી કરી અને બાપુજીને ખૂબ દુખ થયુ. તેમણે વિચાર
કર્યો અને સમજાયું કે સુંદર ચોટલો છોકરાઓને આકર્ષે છે એટલે તેમણે આશ્રમની બે ચાર
જુવાન છોકરીઓને તેમનો ચોટલો કાપી નાખવાનું કહ્યુ. એ જમાનામાં સ્ત્રીઓ વાળ કાપતી
નહીં. મારા મામા બાપુજી પર ખૂબ ગુસ્સે થયેલા. બાપુજીએ પ્રભાને પૂછ્યું કે તારી શું
ઈચ્છા છે ? મારી બહેનનું તો એવું કે બાપુજીએ કહ્યું એટલે
કરવાનું. ફટ દઈને તેણે ચોટલો કાપી નાખ્યો. આવી છોકરી સાથે કોણ લગ્ન કરશે એવું કોઈએ
પૂછ્યું તો બાપુજીએ કહ્યું હતું કે હું તેના લગ્ન કરાવી આપીશ. મારી બહેન 18માં
વરસે ગુજરી ગઈ. બાપુજી મને મળ્યા ત્યારે પ્રથમ વાક્ય એજ હતુ કે , તારા તને જોઉં
છું ને પ્રભા યાદ આવે છે.મને ખબર નથી કે એ શું હતું, પણ મને હંમેશા લાગતું કે
બાપુજીને મારા પ્રત્યે વિશેષ પ્રેમ હતો અને હું ય મારી જાતને બાપુજીની પૌત્રી
માનતી.
મારે બાપુજીને ઘણીવાર મળવાનું થતું. સાબરમતી આશ્રમ હ્રદયકુંજમાં હું રહેવા ગઈ
હતી ત્યારે મકાન, ઓસરી અને આગળ કમ્પાઉન્ડ. નદી સહેજ દૂર.બાપુજીની ઓફિસના ઓસરીના એક
ખૂણે. બાપુજી ત્યાંજ ખાટલો ઢાળીને સૂતા. બાપુજી સવારે ચાર વાગ્યે પ્રાર્થના માટે
ઊઠી જાય. એક વખત ઓસરીની ઓફિસમાં કંઈ કામ
કરતા હતા ત્યારે ઓસરીના બીજા છેડે પગથિયા ઉપર હું ઉભડક બેઠી હતી, કારણ કે મારી
નસકોરી ફૂટી હતી અને નાકમાંથી લોહી વહેતું હતું. બાપુજી તરત જ મારી પાસે આવ્યા.
મને કહે , એક દેશી ઉપાય બતાવું એ કરીશ તો જીવનમાં ક્યારેય તને આ તકલીફ નહીં થાય.
મેં પૂછ્યું શું ? તો કહે, નાકથી પાણી પીવાનું અને કાઢવાનું. મેં
કહ્યું, બાપુજી મારાથી નહીં થાય તમે કરી બતાવો તો કદાય હું કરું. ખરેખર એમણે કરી
બતાવ્યું પછી મેં પણ કર્યુ.
તેમનું વ્યક્તિત્વ એકદમ સહજ હતું. બધાની સાથે આશ્રમમાં હતી ત્યારે સરદાર અને
બાપુજી વચ્ચે ઘણી વખત વાતચીત ચાલતી તે સાંભળી છે. સરદાર વલ્લભાઈ સામ,દામ,દંડમાં
માને અને કરી જાણે. તેઓ બાપુજીને કહેતા, - તમે આફ્રિકામાં સત્યાગ્રહ કર્યો તે
બરોબર , પણ અહીં આ શસ્ત્ર ન વાપરો. એનું
પરિણામ સારું નહીં આવે. આજે મને આપણા દેશની પરિસ્થિતિ જોતા એ વાક્યો સતત યાદ આવે
છે. ખેર , સોળ વરસે રાજકોટના જસાણી પરિવારમાં મારા લગ્ન નક્કી થયાં, જ્યાં
બાપુજીની ઘણી આમન્યા જળવાતી. મારા સસરાના મોટાભાઈ નાનાલાલ જસાણી માટે બાપુજીને
ઘણું માન, કારણ કે તેઓ તેમના મિત્ર ડૉ પ્રાણલાલ મહેતા સાથે કામ કરતા અને તેમનો
સ્વભાવ બાપુજીને ઘણો પ્રિય. એટલે હું નસીબદાર ખરી કે સાસરામાં પણ ગાંધીજીનો છાંયો
મારી સાથે હતો. લગ્ન વખતે હું નાની હતી એટલે કે પછી અન્ય કોઈ કારણસર પણ બાપુજીએ
કહેલું કે તું બે વરસ બ્રહ્મચર્ય પાળજે. મેં આ વાત મારા પતિ ગિરધરભાઈને કરી. તેઓ
પણ બાપુજીને માન આપતા એટલે અમેં બ્રહ્મચર્ય પાળ્યું. આ વાત મેં હજી સુધી કોઈને કરી
નથી. મારી પહેલી દીકરી જન્મી ત્યારે હું વીસ વરસની હતી.
લગ્નના થોડા મહિના પછી બાપુજીએ મને રાજકોટથી સાબરમતી આશ્રમમાં રહેવા બોલાવી.
એટલે હું પિયર આવી. ત્યારે થોડા દિવસ બાદ મારા કાકાસસરાના દિકરા આણંદભાઈ જે 14 કે
15 વરસના હશે તેઓ મને તેડવા આવ્યા. બાપુજી કહે, અમેરા તો વ્યવહારમાં દીકરીને
સાસરેથી વડિલોનો કાગળ આવે ત્યારે જ પાછી મોકલાય. તું તો ઘણો નાનો. તારી સાથે કેમ
મોકલાવું ? બિચારા આણંદભાઈ લજવાઈ ગયા હતા. બાપુજીએ આ તો મજાક
કરેલી, પરંતુ મારા પ્રત્યેનો સ્નેહ હું આજેય વિસરી શકતી નથી. આશ્રમમાં કસ્તુરબા
મારુ ધ્યાન રાખતાં. એક વાર કસ્તુરબાને હું રસોડામાં હતાં બાપુજીએ આવી ને કહ્યું,
તારાને માટે વાની બનાવીને ખવડાવે છે ? બા બોલ્યા, હા જ
સ્તો , તમારે શું તમે તો સાધુ. દીકરી સાસરેથી આવી છે તો બનાવીએ જ ને. કસ્તુરબા
બાપુજીને ઘણીવાર રાખો રાખો હવે તમારુ તમારી પાસે કહીને ધમકાવી કાઢતાં. તે બન્નેને
એકાદ બે વાર ઝઘડતા પણ જોયા છે. આશ્રમમાં બા જ બાપુજીને ધમકાવી શકતાં.
આજે આટલા વખતે કેટલી બધી વાતો યાદ આવે છે. મારા સાસરામાં તે વખતે ઘૂમટો
કાઢવાનો રિવાજ. હું રંગુનમાં હતી તે વખતે. આ 1927ની વાત કરું છું. ઘૂમટો તો બધી જ
ભારતીય સ્ત્રીઓ કાઢતી. બાપુજી રંગુન આવ્યા
હતા ફંડફાળા માટે. અમારા ઘર પાસેથી જવાના હતા. અમે બધા એમને મળવા ઊભા હતાં. પણ બાપુજી મને ઓળખે કઈ રીતે ? એમને પગે લાગીને મેં કહ્યું, બાપુજી હું તારા. તો બાપુજી કહે, આ ઘુમટો કાઢી
નાખ. ઘુમટો કઢાય જ કેમ ? અમારા કુટુંબમાં
હું પ્રથમ જ હતી જેણે ઘુમટો કાઢવાનું બંધ કર્યું. મારા સસરા વગેરે તો ગાંધીજીને
માને એટલે કોઈએ મને ક્યારેય રોકી નહી. મારા સાસુ, જેઠાણી બધાં જ ઘુમટો કાઢતા પણ
મને ક્યારેય મહેણું માર્યુ નથી. રંગૂનમાં ય મને ગાંધીજી પત્રરુપે મળતા રહેતા. લખતા
કે પત્રનો જવાબ ન આપી શકું તોય તારે પત્ર લખીને મને તારી ખબર જણાવતાં રહેવું.
ત્યારબાદ હું કલક્ત્ત રહેવા ગઈ. બાપુજી એકવાર
કલકત્તા આવ્યા ત્યારે મને કહે , તારા મને બકરીના દૂધનું ઘી કાઢી ગોળપાપડી
બનાવીને આપ. મને થયું આ બધી ઝંઝટ મારાથી કેમ થશે પણ બાપુજી માટે છેવટે કર્યુ. હું
કોઈપણ શહેરમાં હોઉં ત્યારે બાપુજી જો ત્યાં આવ્યા હોય તો તેમને મળવાનું જ એવો એમનો
આદેશ. પણ બાપુજીને મળવા કેટલાય લોકોનો
ધસારો હોય એટલે અમે પછી પ્રાર્થવા સમયે જતા.
1938માં રાજકોટમાં સત્યાગ્રહ થયો
ત્યારે બાપુજી રાજકોટમાં અમારા બંગલે રહ્યા હતા. બાપુજી બાફેલા શાકભાજી જ
ખાતા પણ તેમની સાથેનો રસાલો તો જમેને. પ્યારેલાલ પણ તેમની સાથે હતા. એક વખત બપોરના
ભોજન સમયે હું પ્યારેલાલને બોલવવા ગઈ.પણ તેઓ કામમાં હતા. થોડી વાર થઈ તેઓ ન આવ્યા.
એટલે બીજીવાર ગઈ. એમ ત્રણવાર થયું. તે કેટલાંય કામ વચ્ચેથીય બાપુજીએ આ જોયું ને
બોલ્યા, તારા હવે તું બોલાવવા ન આવતી. કેમ તારે કામ ન હોય. એમને જ કામ હોય. જમવાના
સમયે જમી જ લેવું જોઈએ. આમ કહીને
પ્યારેલાલને વઢ્યા. દેશના અનેક લોકોના કામ વચ્ચેય તેઓ બધાનું ધ્યાન રાખે. તેઓ
જેટલા પ્રેમાળ એટલા જ કડક આગ્રહીય ખરા. એક વખત કલકત્તામાં મિટિંગ હતી. ગાદી તકીયા
હતા અને રુમમાં જાજમ પાથરેલી હતી. મિટિંગ પૂરી થઈ અને એક બહેન દોડતાં જઈને બહાર
પડેલાં બાપુજીના ચપ્પલ લઈ આવ્યાં અને જાજમ પર મૂક્યાં. બાપુજીએ તેમને કહ્યું જુઓ
તમને સમજ ન પડે તે કામ ન કરવું. બહારની રજ લાગેલાં આ ચપ્પલથી જાજમ બગડે કે નહીં.
બાપુજીને છેલ્લે ભાગલા બાદ હુલ્લડ થયાં ત્યારે કલકત્તામાં મળેલી તેઓ જ્યાં હતા
ત્યાંથી હું ખાસ્સી દૂર રહેતી. અમને જોઈને કહ્યું કે તમે જલ્દી અહીંથી જતા રહો.
બસ, એ છેલ્લો મેળાપ કહી તારાબહેન આંખની ખૂણે આવેલા આંસુને લુછે છે.
1947ની 15 ઓગષ્ટે પ્રથમવાર લાલ કિલ્લા પરથી ધ્વજ લહેરાવાયો ત્યારે પોતાની બે
જુવાન છોકરીઓને એકલી દિલ્હી મોકલાવી હતી. ગાંધીજીના અક્ષરદેહમાં તારાબહેન પર
ગાંધીજીએ લખેલા પત્રો પણ છપાયા છે. તેમણે તો પોતાની પાસેના પત્રો દિલ્હી
મ્યુઝિયમમાં આપી દીધા છે. આફ્રિકા અને ભારતની આવ જા વચ્ચે ભણતર પુરુ ન કરી શકેલા
તારાબહેનને વાંચનનો શોખ તેમના પિતાજી પાસેથી મળ્યો હતો. આફ્રિકામાં પણ તેઓ દરેક
પેપર અને મેગેઝિન મગાવતા. અને અંગ્રેજી
વાંચન પણ તારાબહેનને કરાવતા. કોઈ જ ડિગ્રી ન ધરાવતા તારાબહેને કલકત્તામાં અન્ય
બહેનો સાથે મળીને ગુજરાતી શાળા તો સ્થાપી જ પણ બીજા વિશ્વયુધ્ધ સમયે પણ સૈનિકોને માટે
સ્વેટર બનાવીને મોકલવા... અન્ય સામગ્રીઓ મોકલાવવી વગેરે અનેક કામ કર્યા.
તારાબહેનને બપોરે સુવાની આદત પાડી નહોતી. ઘરના કામ પરવારીને સમાજસેવાના કાર્ય
કરવા, વાંચવું અને ડાયરી લખવાની આદત હતી. હસતાં હસતા તારાબહેન કહે છે આટલા વરસે
હવે બપોરે સુવુ પડે છે તો ગમતું નથી પણ શું કરે... શરીરને ઉંમર થઈ છે. બાકી હજી ય
મનથી સ્વસ્થ છું. હવે બહાર ક્યાંય જતી નથી પણ વાંચનનો શોખ છે એટલે કંટાળો આવતો
નથી. કહેતા બાળક જેવું હસે છે.
0 comments