સમાજનો ચહેરો 6-8-13

01:50

એક દિવસ ઇમેઇલ બોક્સમાં મેઇલ હતો લક્ષ્મીનો...થેન્કયુ.. વી ડીડ ઈટ... લખેલો. પહેલાં નવાઈ લાગી કે આ કોણ લક્ષ્મી કોણ અને મને શું કામ થેન્કયુ કહે છે. મેઈલ ખોલીને જોતા ખ્યાલ આવ્યો કે દિલ્હીની લક્ષ્મીએ એસિડ ખુલ્લેઆમ ન વેચાય અને તેના પર પ્રતિબંધ આવે તે માટે કેસ લડી રહી હતી. તે સમયે તેણે ઓનલાઈન સહી સપોર્ટ માગ્યો હશે અને મેં સપોર્ટમાં સહી આપી હતી યાદે ય નહોતું. એ મેઇલ જોતા અખબારમાં વાંચેલા સમાચાર યાદ આવ્યા. જલદ એસિડ સરળતાથી દુકાનોમાં ન મળી શકે એવી સુપ્રિમ કોર્ટની તાકીદ અને રાજ્યોને કાયદો બનાવવાના નિર્દેશ  કર્યો અને તેના બીજા જ દિવસે એસિડ એટેકો થયા છે. 29 જુલાઈના મુંબઈમાં 23 વરસની યુવતી પર ફ્લાસ્કમાં ભરીને ઊકળતું તેલ ફેંક્યું. દરેક કિસ્સામાં કારણ પ્રેમનો ઇન્કાર. જાણે ના કહેવાનો અધિકાર સ્ત્રીઓને છે એવું પુરુષો સ્વીકારી નથી શકતા. ફિલ્મોમાં હીરો જે યુવતીની પાછળ લાગે તે એના પ્રેમનો સ્વીકાર કરે જ. ના તો તે સ્વીકારી જ ન શકે. હાલમાં જ આવેલી રાંઝણા ફિલ્મમાં હીરો ધનુષ સોનમના બીજા કોઇ સાથેના પ્રેમની વાત સાંભળીને સ્કુટર અને સોનમ સાથે સીધું જ પાણીમાં ઝંપલાવે છે. તે શેના ઇરાદે ?
આખોય જુલાઈ મહિનો ગમગીનીનો રહ્યો. દરરોજ અખબારમાં વાંચવા મળે કે એસિડ ફેંકીને કોઇ યુવતીનો ચહેરો બરબાદ કરી દીધો. ભારતના એકાદા શહેરમાં કે ગામમાં એકાદી ઘટના બની જ હોય. સાથે જ એસિડ બેનના સમાચાર અને એસિડ એટેકનો ભોગ બનનાર યુવતીને 3 લાખ રુપિયાની સહાય. આ સમાચાર અંગે લોકોની પ્રતિક્રિયા હતી કે એસિડ પર પ્રતિબંધ મૂકવાથી કશું જ નહીં થાય... માનસિકતા બદલાવવી જોઇશે. ત્યારે લક્ષ્મીએ કહ્યું કે શું થશે શું નહીં થાય તેની ચર્ચા કરવા કરતાં કંઇક કરવું જરુરી છે. પ્રતિબંધની વાત આવતાં ચર્ચા શરુ થઈ તે પણ મારે મન મહત્ત્વનું છે. બાકી માનસિકતાની વાત કરતાં હો તો તેના વિશે મારાથી વધુ સારી રીતે કોણ જાણે...?  
લક્ષ્મી પર એસિડ ફેંકાયો  ત્યારે તે 15 વરસની હતી અને તેને પ્રેમ કરનાર યુવક 32 વરસનો હતો. લક્ષ્મીએ તેના પ્રેમના એકરારને સ્વીકાર્યો નહીં એટલે તેના પર એસિડ ફેંકાયો. સુંદર દેખાતી લક્ષ્મી આજે બદસુરત દેખાય છે. ચલો થવાનું હતું તે થઈ ગયું હવે નવી જીંદગી શરુ કરવાની હામ લક્ષ્મીમાં હતી. તેના પિતા ગુજરી ગયા અને ભાઈ ટીબીનો ભોગ બન્યો છે. તેનો અને ઘરનો જીવનનિર્વાહ ચલાવવા માટે તેને કામ જોઇએ છે પણ બળેલા બદસુરત ચહેરાવાળી છોકરીને કામ કોણ આપે. દુખ સાથે લક્ષ્મી કહે છે કે આપણા સમાજમાં અમારા જેવી છોકરીઓને બીપીઓમાં કે બેંન્કમાં પણ કામ નથી આપતું. જ્યારે મારા પર એસિડ ફેંકનારના લગ્ન થઈ ગયા અને તે સામાન્ય જીવન જીવી રહ્યો છે. જ્યારે સમાજ મેં ગુનો કર્યો હોય તેમ સજા આપી રહ્યો છે. મિત્રો , કુટુંબીઓ પણ મારી સાથે સંપર્ક રાખતાં કતરાય છે. હવે મારા મિત્રો છે મારા જેવી એસિડ એટેકનો ભોગ બનેલી યુવતીઓ. અરર બિચારી કહીને ખોટી સહાનુભૂતિ દર્શાવીને લોકો દૂરથી જ મોં ફેરવી લે છે. જાણે અમે કોઇ ભંયકર ગુનો કર્યો હોય. મિત્રો કે કામ ન મળતા હોય ત્યાં હવે અમને બોયફ્રેન્ડ કે પતિ ક્યાંથી મળવાના. લક્ષ્મી આક્રોશ સાથે પૂછે છે, સમાજ જન્મથી અંધ , બહેરા મૂંગા, અપંગ વ્યક્તિઓ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી તેમને કામ આપે છે. જ્યારે અમારા માટે તો દરેક દરવાજા બંધ થઈ જાય. ચહેરાની સાથે અમારી ઓળખ અને અસ્તિત્વ જ જાણે સમાજ માટે ભૂંસાય જાય છે. અમારી હાલત બળાત્કારનો ભોગ બનેલી યુવતી કરતાં પણ બદતર છે.
દરરોજ થોડું મરી રહેલી એસિડની જલદતાનો ભોગ બનેલી યુવતીઓમાં આજની નારીની દરેક ઇચ્છાઓ છે. તેને ગાવું છે. પાર્ટી કરવી છે. નેઇલ પોલિસ લગાવવી છે. કામ કરવું છે. મિત્રો બનાવવા છે. પ્રેમ કરવો છે. પરણવું છે... પણ એસિડ કરતાં ય જલદ સમાજની માનસિકતા તેમને દઝાડી રહી છે. આજ સમાજમાંથી આવે છે ના ન સાંભળનાર પુરુષ જે યેનકેન પ્રકરેણ યુવતીને પામવા માગે છે અને જો યુવતી નકારે તો તેના અસ્તિત્વના ચહેરાને બગાડી નાખવામાં આવે. આ સમાજની માનસિકતામાં આપણે પણ તો ખરાને.... !! સ્ટોપ એસિડ એટેક એસોસિએશનના જણાવ્યા પ્રમાણે ભારતમાં વરસમાં લગભગ 1000 યુવતીઓ પર એસિડ એટેક થાય છે. આજની નારીનો એક ચહેરો આ પણ છે તે ન વિસરીએ.



You Might Also Like

0 comments