આર્ટિસ્ટને પણ જાતિય ભેદભાવ નડે. બત્રીસ પુતળીની વાર્તા -3

22:01

જાન્યુઆરીમાં  કોલકાતા અને શાંતિનિકેતન ગઈ.  સ્ત્રીઓની સ્થિતિ દરેક જગ્યાએ સરખી જ હોવાની. ગુરુદેવ ટાગોર ધ્વારા સ્થાપિત શાંતિનિકેતનના શાંત અને રળિયામણા વાતાવરણમાં કલાનો અભ્યાસ કરતી પલ્લવીની વાત કરવી છે. મૂળ કોલકાતાની 20 વર્ષિય પલ્લવીની આંખો બોલકી છે એટલી જ તે પોતે ય બોલકી છે. તે મનમાં શું વિચારે છે તે જાણવા મારે એપની સ્વીચ ઓન ન કરવી પડી . તે ખૂબ સહજતાથી  સ્ત્રી તરીકેનો પોતાની વેદના કહી શકતી હતી. તેની ફરિયાદ બીજી સ્ત્રીઓ સામે જ હતી. એક તો તેની માતા અને બીજી તેની લેન્ડલેડી.
પલ્લવીની આંખો અને હાથ પણ તેના બોલવા સાથે તાલ મેળવી રહ્યા હતા. તે કહી રહી હતી. ....
મને અહીં એડમિશન મળ્યું ત્યાં સુધીમાં ગર્લ્સ હોસ્ટેલ ફુલ થઈ ગઈ હતી. એટલે મારે શાંતિનિકેતનની બહાર બોલપુરમાં ઘર ભાડે શોધવું પડ્યું. પહેલાં તો દુખ થયું પણ પછી હવે લાગે છે કે જે થયું તે સારું જ થયું. હોસ્ટલે જેટલી સખ્તાઈ અહીં નથી. અને થોડીક વધુ છૂટ છે. પહેલાં તો મારી સાથે બીજી પણ એક છોકરી હતી પણ તેને લેન્ડ લેડી સાથે વાંધા પડ્યા. તે હવે છોડી રહી છે. મારી સામે લેન્ડ લેડીને કોઈ ફરિયાદ નથી. લેન્ડલેડીને ન બોલતી છોકરીઓ સામે વાંધો છે. તે અનેક સવાલો કરે. તેના જવાબ આપવાના જ. તેની શરત એ છે કે રાતના નવ પહેલાં ઘરે આવી જવાનું, અને હા .. છોકરાઓને ઘરે નહીં લાવવાના. શરતો ગમતીતો નથી પણ શું કરે... અહીં દરેક જગ્યાએ આવી શરતો રહેવાની જ. જો કે મારી મમ્મી કરતાં ઓછી શરતો છે તેવું વિચારીને ખુશ રહું છું.
મમ્મીને તો સતત સવાલો હોય. આર્ટ કરીને શું કરીશ... ? ઘરે કોઈ મૈત્રીણી આવે તો પણ સવાલો... કોણ છે ? શું કરે છે ? કેમ આવી ? કેમ વારે વારે આવે છે ? તેના ઘરે કોઈ પૂછનાર નથી ? તેને કોઈ બોયફ્રેન્ડતો નથી ને ? કેમ આવા કપડાં પહેર્યા ... વગેરે વગેરે થેન્ક ગોડ લેન્ડલેડી આવા સવાલો નથી પૂછતી. આર્ટિસ્ટ તરીકે સ્ટુડિયો પર કામ કરતાં રાત્રે બેસવાનું મન થાય પણ છોકરીઓને નવ વાગ્યાથી વધારે બેસવાની છૂટ નહીં. અને છોકરાઓ આખી રાત બેસીને સ્ટુડિયોમાં કામ કરી શકે. આ બધા આર્ટિસ્ટને કેમ છોકરા છોકરીની જાતિમાં મૂકે છે. કેટલું ફ્રસ્ટ્રેટિંગ છે... ખેર, પણ સ્વીકારવું જ રહ્યું. મમ્મીતો ઘરેથી ફોન કરીને સતત વોચ રાખશે. ફોન કરીને પૂછશે રાતના આઠ વાગ્યે .... ક્યાં છે ? કહીશ કે સ્ટુડિયોમાં કામ કરું છું તો કહેશે... અરે હજી સુધી કેમ ... ? સાંજ પડતા સુધીમાં કામ પતાવી દેવાનું. જા જલ્દી ઘરે જા. અને લાંબુ લેકચર.. આર્ટિસ્ટના મૂડ કે કામની સ્વીચ થોડી હોય ? વળી પૂછશે કે આટલા બધા પેઇન્ટિંગ કેમ કરે છે ? ઘરમાં જગ્યા નથી. ઓછા પેઈન્ટિંગ કર. પપ્પાનું સારું છે તેમની અધૂરી ઈચ્છા મારામાં પૂરી થઈ રહી છે. તેમને પણ આર્ટિસ્ટ થવું હતું પણ ઘરમાંથી પરવાનગી ન મળી. મમ્મીતો એમ પણ કહે કે આના કરતાં સાયન્સ કરતી હતી તે સારું હતું. નકામું એ છોડીને આર્ટના ચક્કરમાં પડી. તેમાં કોઈ ભવિષ્યની ખાતરી નહી. અને ઊલ્ટાનું ઘરને ગોડાઉન બનાવીને રાખી દે છે. હું કંઈ તારી માટે પેઈન્ટિંગ પેક કરીને આર્ટ ગેલેરીમાં મોકલીશ નહીં. અઘરું છે. સ્ત્રી તરીકે જુદી રીતે વિચારવું. કેટલાય બંધનો અને નિયમોની વચ્ચે તમારે આર્ટિસ્ટ તરીકેની સ્ટ્રગલ પણ કરવાની.
જો ઘરે જતાં જરાક મોડું થાય તો લેન્ડલેડી પણ સવાલો તો કરશે જ. દરેક સ્ત્રીઓને ય વાંધો હોય છે  કે હું સ્ટુડિયોમાં કામ કરું તો મોડે સુધી. એ જ તો ભણવાનું છે તો આ લોકો કેમ સમજતા નથી કે ક્યારેક કામ પુરું કરવાની ધૂન હોય આર્ટિસ્ટમાં. એક વિચાર જે આજે હોય તે કાલે એ જ રીતે ન જ આવે. ફક્ત એક છોકરી હોવાને કારણે મારે મૂડની સ્વીચ ઓન ઓફ કરવાની. આ ક્યાંનો ન્યાય ? તે પણ રવીન્દ્રનાથના બોલપુરમાં... કોલકાતામાં. જેમણે સ્ત્રી સ્વાતંત્ર્ય અંગે એ જમાનામાં કેવા ઊચ્ચ વિચારો પ્રદર્શિત કર્યા હતા. અમારા કેમ્પસમાં એવા ભેદભાવ ભણતરમાં નથી. પરંતુ, એ ભેદરેખાઓ અમારા મનમાં અને આસપાસની વ્યક્તિઓના મનમાં હોય છે તે દેખાય છે. સહજતાથી વર્તન કરવાની અહીં પણ છૂટ નથી.



You Might Also Like

0 comments