ગુજરાતી પુરુષ એટલે વળી શું ? 3-2-15

03:37



આ લેખ વાંચો તે પહેલાં  25 વરસ અગાઉ બનેલી એક સાચી વાત કહું. લગ્ન માટે મારે એક બહેને બતાવેલ છોકરો જોવા જવાનું થયું. એકબીજાને જાણવા સવાલ જવાબ થતા હતા. મેં સવાલ પૂછ્યો કે વાંચવાનો શોખ ખરો ?  તો પેલા ભાઈ કહે હા... મને નવાઈ લાગી કારણ કે ઘરમાં કોઈ પુસ્તકોના કબાટ નહોતા જણાતા. એટલે પુછ્યું કે અચ્છા, શું વાંચવું ગમે... ? તો કહે દલાલ સ્ટ્રીટ.. મને હસવું કે રડવું તે ન સમજાયું પણ ગુજરાતી પુરુષ મોટેભાગે કેવો તે સમજાયું. તે જ અરસામાં ચંદ્રકાન્ત બક્ષીએ લખેલા વાક્યો  યાદ આવ્યા.   ગુજરાતી પુરુષનો આદર્શ પણ શું ? શેરબજારમાં  સબ-બ્રોકર થઈ જવું. ગુજરાતી સ્ત્રીને માટે વીર એ છે જે કોલગેટના શેરમાં 42000 રૂપિયા કમાયો છે ! “
ફેબ્રુઆરી મહિનો નજીક આવે તેમ વેલેન્ટાઈન ડે ના ભણકારા વાગે, વળી આજકાલ એનઆરઆઈની સાથે લગ્નની સિઝન પણ પુરબહારમાં ખીલી હોય. ગુજરાતી એનઆરઆઈ પુરુષો ગુજરાતી ભોજન બનાવી શકે ઘરરખ્ખુ  ગૃહિણી બની શકે એવી છોકરીને પરણવા આવે.  સ્ત્રીઓને રોમાન્સમાં રસ હોય છે. રોમેન્ટિક પુરુષો આકર્ષે છે. પરંતુ, આસપાસ નજર કરીશું તો ગુજરાતી સ્ત્રીઓની નજર અને પસંદને જોઈ નવાઈ લાગે. સાહિત્યને સમજતી હોય તેવી સ્ત્રીઓના મન પર રવિન્દ્રનાથ અને શરદબાબુ એ બે બંગાળી પુરુષો રાજ કરતા હોય. એવા પુરુષો મળવા ઘઉંમાંથી કાંકરા શોધવા બરાબર છે.  કારણ કે ગુજરાતી પુરુષ એટલે હાથમાં લેટેસ્ટ સ્માર્ટ ફોન ( નોટ અથવા આઈફોન) મોંઢામાં માવો... અને હાથમાં હોન્ડા કે મર્સિડિઝની ગાડીની ચાવી હોય. શોભે કે ન શોભે પણ બ્રાન્ડેડ જીન્સ અને ટી શર્ટ પહેર્યા હોય. સુંવાળો એવો હોય કે એસી વિના પરેસેવે ભીંજાય.
અહીં  બક્ષીબાબુને ફરી યાદ કરીએ,  તેમણે વરસો પહેલાં લખ્યું છે, “  ટેબલ પર બે ટેલિફોન હોય, પાસે 118 એનઈ. કારની ચાવી પડી હોય, પાઉચની અંદર ક્રેડિટ કાર્ડ હોય એવો ગુજરાતી પુરુષ 41 ઈંચનું પેટ હોય અને મોઢામાં કિમામનું પાન હોય અને દર છ મિનિટે થૂંકાથૂંક કરતો હોય તો પણ ગુજરાતી સ્ત્રીને ગમતો હોય છે એવો મને ભ્રમ છે  ”  બક્ષીબાબુ ત્યારે પણ સાચા હતા અને આજે પણ સાચા છે ફક્ત આજે ફોનની જગ્યાએ સ્માર્ટ ફોન અને એનઈની જગ્યાએ વિદેશી ગાડીઓએ લીધી છે. લેટેસ્ટ ફોન કે ગાડી વાપરવી કે પછી પૈસા કમાવવાથી વરણાગી એટલે કે આધુનિક નથી થવાતું. તેના માટે જરૂરી હોય છે. માનસિકતા. ગુજરાતી પુરુષની ઈચ્છા શું તો કહે ખૂબ પૈસા કમાવવા. સ્ત્રીને ઘરેણાંથી લાદી દેવી અને મોટી ગાડી, મોટું ઘર ખરીદવું. ગુજરાતી છોકરાઓ એટલે, કોમ્પયુટર એન્જિનયર, સોફ્ટવેર એન્જિનયર, ડોકટર, વકીલ, સ્ટોકબ્રોકર, બેન્કર કે પછી પરંપરાગત બિઝનેસમાં હોય. કલાક્ષેત્રે પણ બિઝનેસ કરી જાણે તે ગુજરાતી.  ગુજરાતી સ્ત્રીઓને પણ આનાથી વધુ કઈ ખપતું નથી હોતું. એટલે પછી વાત ત્યાં પૂરી થઈ જાય છે. વળી રંગભેદ પણ  આપણે ત્યાં ખાસ્સો છે. મોંઘી કાર ધરાવતો  છોકરો સ્માર્ટ,હેન્ડસમ  પછી ભલેને બુદ્ધિને બારગાઉનું છેટું હોય. ગોરા હોવું એ દેખાવડા હોવાની પારાશીશી...ગોરો છોકરો હેન્ડસમ ને ગોરી છોકરી એટલે બ્યુટીફુલ. આકર્ષણની માત્રા ગોરાપણા આગળ આવીને ખતમ થઈ જાય.
 પુરુષ સારો કમાતો હોય, બે બેડરૂમનો ફ્લેટ હોય, ગાડી હોય. એટલે સફળ....સુડોળતા જો યુવાનીમાં હોય તો લગ્નના બે જ મહિનામાં ખતમ થઈ જતી હોય છે. લગ્નના મહિના બાદ પુરુષનું પેટ બહાર નીકળે તો જણાય કે તે લગ્ન બાદ સુખી થયો,  નહીં તો બીજા પુરુષો અને ઘરની વડિલ સ્ત્રીઓ પણ કહેશે કે બિચારો લગ્ન બાદ લેવાઈ ગયો. પત્નિ સારું જમાડતી નહીં હોય. જમવાનું પુરુષ માટે અતિ મહત્ત્વનું હોય છે. કોઈપણ ભારતીય પુરુષનું સ્વાસ્થ્ય તેની પત્નિ કેવું જમવાનું બનાવે છે તેના પર આધારિત હોય છે. એવું માનવામાં આવે છે. પેરિસમાં જઈને પાત્રા અને રોમમાં રસપુરી ખાવા મળે તો ગુજરાતી ખુશ. સાહસ ફક્ત શેરબજાર પુરતું જ મર્યાદિત.
40 વરસ બાદ પુરુષની ફાંદ બક્ષીબાબુએ કહ્યું એમ 41 ઈંચ હોય તેમાં કોઈને નવાઈ નથી લાગતી. (સ્ત્રીઓની એથી વધારે  જ) પત્નિઓ પર જોક કરવા અને ફોનમાં હિરોઈનોના અર્ધનગ્ન ફોટા જોવામાં તેમનો આનંદ બેવડાય જાય.  વાર તહેવારે  રાત્રે પાર્ટી કરવી તેમાં ભજીયા સાથે બે ચાર પેગ લગાવતા કોણે કોને પાડ્યો તે વાત કરતાં બહાદુરીના બણગાં ફુકતા ગુજરાતીઓનો વીરરસ ત્યાં જ ખતમ થઈ જાય. જ્ઞાતિના મેળાવડામાં જોડકણાં જેવી કવિતાઓ ગાઈને પોતાને સાહિત્યકાર ગણાવી શકાય તે ગુજરાતીઓમાં જ શક્ય છે. વડાપ્રધાન ગુજરાતી આવ્યા ત્યારબાદ તો જાણે પોતે જ વાઘ ન માર્યો હોય તે રીતે ટ્રેનના સેકન્ડ ક્લાસના ડબ્બામાં કે પાનના ગલ્લે ઉધારીમાં માવો ખાધા બાદ બડાઈ મારતાં પુરુષો જોયા હોય તો નક્કી માથું ફોડવાનું મન થાય. એક સંવાદ ચાની લારીએ સાંભળેલો.... મોદીએ અમેરિકામાં સોપો પાડી દીધો. ઈ જ અમેરિકા વિઝા નહોતા આપતાને.... જોઈ લો ભાયડાના ભડાકા......
 ચાની લારી પર ક્રિકેટની કે રાજકારણની વાતો સાંભળો તો ચોક્કસ જ એવું લાગશે  કે તેમને ચા પણ ચઢી જાય છે. અલ્યા એણે બોલિંગ એટલી ફાલતુ કરી...થોડોક લેફ્ટ સ્પીન કરીને નાખવાની જરૂર હતી. જાણે પોતે બોલિંગના કોચ... કે પછી અડધી પીચે આવીને મારવાની શું જરૂર... જરા પ્લેઈડ કર્યું હોય તો ય ચાલત.... નકામો કેચ આપી દીધો. આ ભાઈએ જીવનમાં કદી ધોકો પણ ન પકડ્યો હોય. પત્તા રમવું તે સ્પોર્ટસ ગણી શકાય તો ગુજરાતી પુરુષોને વાંધો ન આવે. તેમાં પણ પચાસ બાદ સિનિયર સિટિઝનના ફાયદા લેવાની રાહ જોયા કરે. અને સાઈઠ પછી બગીચામાં રોજ જાય ખરા પણ ફક્ત સમવયસ્ક મિત્રો સાથે ગપાટા મારતા ચાલવા આવતી સ્ત્રીઓને ચોર નજરે જોઈ રહે.  જો તેઓ વિધુર હોય ને બીજીવાર પરણવું હોય તો ય ઘરમાં કહી ન શકે. કારણ યુવાન દીકરાઓને તેમાં પોતાની આબરૂ જતી લાગે કે પિતાના આનંદ કરતા મિલકતમાં રસ વધુ હોય. આ અતિશયોક્તિ નથી. આવું આજની તારિખમાં મુંબઈમાં પણ બને છે.
કવિ ગુલઝાર ભલે લેંઘો ઝભ્ભો પહેરીને ફરતાં હોય પણ આજે ય ક્લબમાં શોર્ટ પહેરીને ટેનિસ રમે છે. જુહુ બીચ પર કેટલાય ગુજરાતી પુરુષો સવારે ચાનાસ્તો કરવા ભેગા થાય છે. તો કેટલાક લાફ્ટર ક્લબ માટે. આનાથી વધીને ખાસ એડવેન્ચર થાય નહી. અને થાય તો પણ દરેક અનુકૂળતા જળવાય તેનું ધ્યાન રખાય. જુના ગીતો અને કવિતાઓથી રોમાન્સ શરૂ થાય અને પતી પણ જાય. રોમાન્સ એટલે શોપિંગ અને ખાણીપીણી કે પછી ગ્રુપમાં ફરવા જવું. પત્ની ઘરકામ કરે અને પોતે ટીવી જુએ, છાપામાં શેરબજારના ભાવ જુએ તે રોજિંદી જીંદગી. પેટ વધી જાય તો પેન્ટ પેટ નીચેથી પહેરવાનું પણ પેટ ઊતારવાની મહેનત નહીં જ કરવાની.
નવાઈ એ લાગે કે જો ગુજરાતી પુરુષ ચાલવા જતો હોય તો પણ તેનું પેટ ઓછું થાય નહીં. કારણ ચાલ્યા બાદ ગાંઠિયા જલેબી તો ખાવાના જ. શિયાળામાં ઘીમાં લચપચતાં અડદિયા પણ ખાવાના. ચાલવાના કપડાં ઢીલાઢાલા કે પછી એટલું ટુંકુ ટીશર્ટ પહેરશે કે કોઈ એંગલથી શોભે નહીં. શાહરુખ ખાનને રબને બનાદી જોડીમાં જોયો હોય તો ખ્યાલ આવે કે એવા કપડાંમાં સ્ટાર પણ સારો ન લાગે.

પુરુષ એટલે બેફિકરો , એક દિવસની વધેલી દાઢીમાં સેક્સી ય લાગે પરંતુ, ફિટ ને ફાઈન રહેવાનું હટકે વિચારવાનું, સાહસિક બનવાનું, રોમેન્ટિક વર્તવાનું  ય જરૂરી છે. રોમાન્સ એટલે જેએસકે કહેવું  નહીં. પણ કૃષ્ણ જેવા રોમેન્ટિક બનવું પડે... તો પત્નિ કે પ્રેયસી રાધા બને. કલા, સાહસ અને સમજણ આ ત્રણ બાબત ચાહી શકાય તેવા પુરુષ બનવા માટે જરૂરી છે. (અહીં અપવાદરૂપ પુરુષો પણ ખરા.. તેમના માટે આ લેખ નથી) 

You Might Also Like

1 comments