મર્ડર મિસ્ટ્રી એન્ડ મેન 20-1-15

21:46



બરાબર વરસ પહેલાં એટલે કે ૧૭ જાન્યુઆરીના યુનિયન મિનિસ્ટર શશી થરુરના ચોથા પત્ની સુનંદા પુષ્કરના આકસ્મિક મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો હતો. તે સમયે લવ, સેક્સ એન્ડ ધોકા શિર્ષક હેઠળ લખેલા લેખના અંતે લખ્યું હતુ, દરેક સ્ત્રી જાણતી હોય છે કે પોતાના પુરુષને સુંદર યુવાન છોકરીઓ જોતો રોકી નહીં શકાય.અને તેનો એને વાંધો પણ નથી હોતો. પરંતુ, જ્યારે પોતાનો પુરુષ બીજી સ્ત્રીના પ્રેમમાં છે તેની અનુભૂતિ થાય એટલે સપનાઓ તૂટે છે. આ પરિસ્થિતિમાં દરેક વ્યક્તિઓના વર્તન જુદાં હોય છે. પુરુષ ઇચ્છતો હોય છે કે તેની પત્ની કે પ્રેમિકા પોતાના સાહજિક આકર્ષણ કે રોમાન્સને સ્વીકારી લે. તેની સામે વાંધા કે વિરોધ તે સહન કરી નથી કરી શકતો. 

બરાબર વરસ પુરું થયું. અને ફરી સુનંદા પુષ્કર ચર્ચામાં છે. વરસ બાદ દિલ્હી પોલીસે સુનંદા પુષ્કરના મર્ડરની એફઆઈઆર ફાઈલ કરી છે. અત્યાર સુધી સુનંદાએ આપઘાત કર્યો હોય એવી શક્યતા પણ તપાસાઈ રહી હતી. કદાચ આ આર્ટિકલ તમે વાંચતા હશો ત્યારે તેના ખૂનીનું પગેરું મળી પણ ગયું હોય. તરાર અને ટ્વીટરના ઓછાયા હેઠળ સુનંદાના મૃત્યુનું રહસ્ય ઘુંટાતું રહ્યું. સુનંદા પુષ્કરનું ખૂન થયું હોય તો પણ તે ખૂન મોટેભાગે પુરુષે જ કર્યું હોવાનો અંદાજ આવી શકે એમ છે. અને જો આપઘાત હોય તો પણ કારણ પુરુષ જ હોય તે કહેવાની જરૂર છે ? 

પ્રસિધ્ધ અમેરિકન ફુટબોલ પ્લેયર ઓ. જે. સિમ્પસને પોતાની બીજી પત્ની નિકોલ બ્રાઉન અને રોનાલ્ડ ગોલ્ડમેનનું ખૂન કર્યું હતું. તેણે આઈ ડીડ ઈટ નામે પુસ્તક પણ લખ્યું હતું. તેણે કહ્યું કે , ચલો હું એમ કહી પણ દઉં કે મેં અપરાધ કર્યો છે. જો મેં કર્યો છે તો કારણ કે હું ખૂબ તેને ચાહતો હતો. ખરું ને?

દુનિયાભરમાં ૪૦ ટકા સ્ત્રીઓના ખૂન તેમના પતિ, પ્રેમી કે તેમની જાણીતી વ્યક્તિઓએ જ કર્યા હોય છે. જ્યારે તેની સામે ફક્ત છ ટકા પુરુષોના ખૂન તેમની પ્રેમિકા કે પત્ની ધ્વારા થયા હોય છે. સ્ત્રીઓમાં હિંસા નથી હોતી એવું કહેવા નથી માગતી પરંતુ, સ્ત્રીઓ મોટેભાગે બોલીને જ હિંસા વધુ કરતી હોય છે. કહી શકાય કે તેમની માનસિકતા અને હોર્મોનલ બંધારણ એવી છૂટ નથી આપતું. જ્યારે પુરુષનુ બંધારણ આક્રમક વલણ પણ તેમને પોતાની પ્રિય વ્યક્તિનું ખૂન કરવા જેવા ખોટા નિર્ણયો લેવડાવી શકે છે. મોટાભાગે સ્ત્રીઓના ખૂન તેમના ઘરમાં થયા હોય છે. આ ખૂન મોટેભાગે સ્ત્રી જ્યારે પુરુષની સાથેના સંબંધ તોડી નાખે છે કે તોડી નાખવા માગતી હોવાનો એકરાર કરે છે ત્યારે જ થાય છે. વળી ઘરેલું હિંસા આચરી શકતા પુરુષો જ આ રીતે ખૂન કરતા હોય છે. ખૂન કરનાર દરેક પુરુષ એમ કહે છે કે તે સ્ત્રીને ખૂબ ચાહતો હતો એટલે જ ગુના આચરી બેઠો. હાલમાં જ અનેક કિસ્સાઓ બન્યા છે. મુંબઈમાં જ દહિંસર પાસે એક છોકરીને તેના પ્રેમી રિક્ષાચાલકે છુરી હુલાવી દીધી. તો વળી એક વિધવા યુવતીએ પરણવાની ના પાડતાં એકપક્ષી પ્રેમીએ રસ્તામાં તેના પર છરીથી વાર કર્યો. એસિડ ફેંકવાના બનાવો પણ પ્રેમને કારણે જ પુરુષો ધ્વારા આચરાતા હોય છે. હા, દહેજને કારણે કરવામાં આવતા ખૂન કે ડોમેસ્ટિક વાયલેન્સની વાત જુદી છે. ઇન ધ નેમ ઓફ લવ- રોમેન્ટિક આઈડિયોલોજી એન્ડ ઇટ્સ વિક્ટિમ, નામે પુસ્તક લખનાર આરોન બેન જીવ લખે છે કે પઝેસિવ અને મસ્ક્યુલિન એ બે બાબતોને કારણે જ પુરુષ હિંસક બનીને પોતાના પ્રિયપાત્રનું ખૂન કરવા મજબૂર થતો હશે એવી માન્યતા છે પરંતુ, દરેક ખૂની તેને પ્રેમ જ ગણાવે છે. અને હકીકતમાં પણ આવા ખૂનીઓની આ પ્રેમની ફેન્ટસી જ હોય છે. ખૂન કરનાર હકીકતમાં નબળી વ્યક્તિ હોય છે. જ્યારે સ્ત્રી સબળું વ્યક્તિત્વ ધરાવતી હોય છે. તે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતી હોવાને કારણે પણ તેનું ખૂન થઈ શકે છે. કારણ કે પુરુષ તેના પર આધાર રાખતો થઈ જાય છે. તે સ્ત્રી સિવાય તેને પોતાનું અસ્તિત્વ નકામું અનુભવાતું હોય છે. એક ખૂની પુરુષે કહ્યું કે તેના સિવાય મારું કોઈ અસ્તિત્વ જ રહ્યું નહોતું. તે મારા માટે ઓક્સિજન સમાન હતી. આવું કહેનાર પુરુષ હકીકતે તે સ્ત્રીને ગુમાવવાના ભયમાં જીવતો હોય છે. એટલે તેને ક્ધટ્રોલમાં રાખવા માગતો હોય છે જ્યારે સ્ત્રી એ નથી સ્વીકારતી ત્યારે પુરુષ નાસિપાસ થઈ જાય છે. 

પ્રેમ એ દરેકની શોધ હોય છે. જીવનની અધૂરી ઝંખનાઓ, ઇચ્છાઓ એ પ્રેમ ધ્વારા પૂરી કરવા માગતો હોય છે. પણ દરેક વખતે એ શક્ય બનતું નથી. ત્યારે ફ્રસ્ટ્રેશન પુરુષ પર હાવી થઈ જાય છે. દરેક વ્યક્તિ રોમેન્ટિક પ્રેમની કલ્પના કરીને જીવતી હોય છે. પુરુષો એ કલ્પના પ્રમાણે ન બનતા નાસિપાસ થઈને આપઘાત પણ કરે છે. પ્રેમમાં નિષ્ફળતા મળતા આપઘાત કરનાર પુરુષોની સંખ્યા સ્ત્રીઓના પ્રમાણમાં વધુ હોય છે. સ્ત્રીઓ વધુ વ્યવહારું અને પરિસ્થિતિને સ્વીકારી શકવાને શક્તિમાન હોય છે. જ્યારે મોટાભાગના પુરુષો બદલાયેલી પરિસ્થિતિને સ્વીકારી શકતા નથી. જો કે આવા પુરુષો જ ખૂબ નબળા હોય છે. તેમની નબળાઈ તેઓ સ્વીકારી નથી શકતા એટલે જ તેઓ પોતાની પત્નીને ગુંગળાવી નાખતો પ્રેમ કરવા લાગે છે. સ્લીપિંગ વીથ એનીમી નામની ફિલ્મમાં આવા પ્રેમી પતિની વાત વણી લેવામાં આવી છે. તેના પરથી જુહી ચાવલા, અરબાઝ ખાન, રિશી કપુર અભિનિત હિન્દી ફિલ્મ દરાર બની હતી. 

આપણે તેને પ્રેમ ન કહીએ પણ આવા પતિઓ દ્રઢપણે માનતા હોય છે કે તેઓ પોતાની પત્નીને અનહદ પ્રેમ કરે છે. એક ખૂની પતિએ પોતાના બચાવમાં કહ્યું હતું કે હું તેને ખૂબ પ્રેમ કરતો હતો એટલે જ તેને મારી નાખી ..... જો હું તેને પ્રેમ જ ન કરતો હોત તો મને આટલું દુખ ન થાત. એણે મારા હ્રદય પર છુરી હુલાવી હોય એટલી પીડા મને છે. 

જો સ્ત્રી પુરુષનું જીવન બની જાય. વજૂદ બની જાય તો તેને માટે એ પ્રેમ છે. ત્યારે તે હારી ગયેલો માણસ હોય છે. તેને જીવનમાં કશું ગુમાવવાનું લાગતું નથી. એટલે પછી તે કોઈ સારઅસાર સમજી શકતો નથી. શાહરૂખ ખાન અને જુહી ચાવલા અભિનીત ડર નામની ફિલ્મમાં પણ આ પ્રેમનું પાગલપન દર્શાવાયું છે. આવો પ્રેમ સ્ત્રીમાં ડર પેદા કરે છે. અને તે પુરુષથી દૂર જવાના પ્રયત્ન કરે છે. જે પુરુષ સહન કરી જ શકતો નથી. પ્રેમને નામે તે ખૂન કરે છે. 

પ્રેમને નામે લોકો બીજાનો ઉપયોગ કરે છે. પ્રેમને નામે બીજાને એક્સપ્લોઈટ કરવા દે છે. પ્રેમને ખાતર સ્ત્રીઓ પોતાના પતિને છોડવા તૈયાર થાય છે અને એ પ્રેમને ખાતર જ પતિ તેને મારવા તૈયાર થાય છે. જો પતિ પત્નીના પ્રેમ પર જ જીવતો હોય, ડિપેન્ડ હોય તો તે એને જવા કઈ રીતે દે. પછી તે પુરુષ તેની સ્ત્રીને હોસ્ટેજની જેમ, બંદીવાનની જેમ રાખશે. હકીકતમાં આ પ્રેમ નથી હોતો, પણ આ સમજ કોઈ પેલા પુરુષને આપે તે પહેલાં તો ખૂન થઈ ચુક્યું હોય છે. 

જો કે એ સિવાય પણ ખૂન થતા હોય છે. દારૂના નશામાં, ઇર્ષ્યામાં, ક્રોધમાં... પુરુષપ્રધાન માન્યતાને કારણે પણ અને છૂટકારો મેળવવા માટે પણ. પરંતુ, પત્નીનું ખૂન થાય છે ત્યારે એ પ્રિપ્લાન જ હોવાની શક્યતા વધુ હોય છે. એ વિચાર સતત પતિના મનમાં ઘુમરાયા કરતો હોય છે. જરાક કંઈક કારણ મળતા મર્ડર થઈ જાય છે પ્રેમનું. કારણ મહત્ત્વનું નથી ખૂન કરવા સુધી જવાની માનસિકતા જવાબદાર હોય છે. તે માનસિકતા સમજાય તો કદાચ ખૂન અટકાવી શકાય. 

You Might Also Like

0 comments