તમને તમારામાં રસ છે? 23-6-16

02:34




મહિનો પૂરો થવામાં આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હાલ ૨૦૧૫ની સાલના મધ્યમાં છીએ. જીવનના અધવચ્ચે પહોંચવું એટલે કે જાણે વૃદ્ધ થઈ જવું. ૪૦ કે ૫૦ વરસની ઉંમરે પહોંચેલા મોટાભાગના પુરુષનો વીસ વરસની પહેલાંનો ફોટો જુઓ તો લાગશે કે આ કોઈક બીજી વ્યક્તિનો ફોટો છે. કદાચ તે પુરુષને પોતાને પણ એનો ફોટો જોઈને નવાઈ લાગી શકે કે પોતે આવો દેખાતો હતો ? ૫૫ કે ૬૦ વરસે પૌત્ર કે પૌત્રી સાથે જો પોતાના જૂના ફોટા જોતા હોય તો ચોક્કસ જ તેમની નાની ગોળ આંખોમાં વિસ્મય આંજીને તમારી તરફ જોઈને કહેશે... દાદા કાન્ટ બીલીવ ઈટ્સ યુ.

એવું કેમ થાય છે? વીસ, પચ્ચીસ વરસ બાદ ફેરફાર જરૂર આવે પણ યુવાનીમાંથી સીધા પ્રૌઢ અને લક્ષણો વૃદ્ધત્વના. તેની સામે આપણે અનેક હોલીવૂડ અને બોલીવૂડના હીરોને જોઈએ તો તેઓ વધુ સારા અને મેચ્યોર્ડ છતાં આકર્ષક લાગતા હોય છે. તેમની સેક્સ અપીલ જરાપણ ઓછી નથી થતી. ઊલટાની વધે છે. તેનું કારણ છે કે મિડલાઈફ ક્રાઈસીસનો આપણે શિકાર બનીએ છીએ. વળી નાની ઉંમરે બાયપાસ અને હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. કહે છે કે દુનિયામાં ૬૦ ટકા હાર્ટ પેશન્ટ ભારતમાં છે. આનો અર્થ કે ભારતીય પુરુષ સખત તાણમાં જીવે છે અને અનહેલ્ધી લાઈફસ્ટાઈલ ધરાવે છે.

અમેરિકનોના શરીર જંક ફૂડ ખાઈને વજન વધારી રહ્યા છે એવું કહેવાય છે તો પછી ગુજરાતીઓ ડાયાબિટીસ અને હાર્ટની બીમારીઓમાં મોખરે કેમ ચાલી રહ્યા છે? બર્ગર, પીઝાને કારણે યુવાવર્ગ જરૂર માલ ન્યૂટ્રિશિયન કે ઓબેસિટીથી પીડાય છે, પણ મધ્યમવયના ગુજરાતી પુરુષની કલ્પના કરીએ તો... આજે એવરેજ લાઈફ સ્પાન એટલે કે જીવનની સંભાવના ૭૦ થી ૮૦ વરસ સરેરાશ છે. એટલે ૪૦ થી ૫૦ વરસની વય બાદ ગુજરાતી પુરુષ નખ્ખાઈ ગયેલો, અદોદળો ન હોય તો પેટતો હોય જ(બે ચાર અપવાદો સિવાય) વાળ ઊતરી ગયા હોય, ઓછા થઈ ગયા હોય કે પછી ધોળા તો આવી જ ગયા હોય. ૩૫થી મોટી વયના લોકો મોટેભાગે કલપ કરતા હોય છે. એ તો સમજ્યા પણ જીવનમાં કશું જ નવું કરવાનું ન હોય એટલે ડલ અને બોર થતો જાય.

૪૦ વરસ સુધીમાં કામમાં સેટલ થઈ ગયા હોય અને પરિવારમાં રાજ ચાલતું હોય. તેમની વાતોમાં નાવિન્ય પણ ન હોય. એ જ વાત અને એ જ જીવન. સરવાળે તેઓ મિડલાઈફ ક્રાઈસીસ અનુભવે. પત્નીઓ પણ મેનોપોઝ હોવાને કારણે અને એ જ જીવનની ઘટમાળ તથા ઘરની જવાબદારીમાં રમમાણ હોય.

વળી આપણા ભોજનમાં તળેલું, ગળપણ અને દાળની વસ્તુઓ જ વધુ હોય. હાલમાં જ ઉનાળાની મોસમ પૂરી થઈ. રસ, પુરી, ઢોકળાનું જમણ હજી પણ ઘણા ઘરોમાં ચાલી રહ્યું હશે. ચોમાસામાં વરસાદ આવતાં ભજિયા અને ચાની ઈચ્છાઓ સંતોષાય. દિવાળીમાં ફરસાણ અને મીઠાઈઓ તો ખાવા જ પડે. શિયાળામાં અડદિયા અને બદામનો શીરો. ઉંમર વધવાની સાથે જ્યારે મેટાબોલિઝમ સ્લો થાય ત્યારે આહાર, વિહારમાં ફરક લાવવો જોઈએ તે થતો નથી. ઊલટાનું ટેબલ પર આગ્રહ કરીને પત્ની પીરસે કાં તો ભૂખ લાગી છે તો ખાવું તો પડે જ એવો અભિગમ... વળી આપણા બાપદાદાઓ વરસોથી આ જ ખાવાનું ખાતા આવ્યા છે અને છતાં પણ તેઓ ૮૦ વરસ જીવ્યા. પણ એ નહીં વિચારે કે એ લોકો કેટલું ચાલતા હતા ? તે જમાનામાં બહાર નીકળતા વેંત રિક્ષા કે ટેક્સી કે ગાડીઓ નહોતી. વળી ગામમાં તો ખેતરો સુધી ચાલવાનો કે લાંબું ચાલવાનું સરળતાથી થતું. એટલે જેટલું ખાધું હોય તેટલી કસરત થઈ જતી. આજે બેઠાડું જીવન થયા છતાં ખાવા પીવાની આદતોમાં બદલાવ નથી આવ્યો. શહેરી જીવન અને ગ્રામ્ય જીવનનો ફરક અહીં સમજવા જેવો છે. બહાર ખાવાનું તે પણ ચરબી અને સાકરથી ભરપૂર અને કસરતનો સદંતર અભાવ. આ વાંચનારમાંથી પાંચમાંથી બે જણા રોજ માંડ ત્રણેક કિલોમીટર ચાલતા હશે.

મોટી ઉંમરે કોઈ ભણવા જાય કે નવું શીખે તે ન્યૂઝ બને તે સમાજ કેવું જીવન જીવતો હશે તે સમજવા જેવું છે. દરરોજ કસરત કરવાથી તન અને મનનું સ્વાસ્થ્ય સારું રહે છે. હળવું ભોજન લેવાથી જીવનમાં હળવાશ આવે છે. ગુજરાતમાં હજી આજે પણ દરરોજ જમીને બપોરે સૂઈ જવાની પ્રથા છે. મુંબઈમાં એ શક્ય નથી બનતું પણ ઉંમર વધતા એ પ્રથા અહીં પણ આવે જ છે. ભારે ભોજન અને સૂઈ જવાથી શરીર પણ ભારે જ થાય. ૫૦ વરસે સલમાન ખાન આજે પણ એલિજીબલ બેચલર છે તો ૬૦ વરસે વિધુર થયેલો કેમ બીજીવાર ન પરણી શકે સહજતાથી ? ૪૫ વરસે વૃદ્ધત્વ જેવા વિચારો અને જીવનશૈલી અપનાવી લેતા પુરુષોને મિડલાઈફ ક્રાઈસીસનો સામનો કરવો પડતો હોય છે. જીવનમાં રસ રહેતો નથી કે ન તો નવા પડકારો ઝીલવાની ઈચ્છા ધરાવે છે. ખાવા માટે જ ગુજરાતીઓનો જન્મ થયો હોય તે રીતનું વર્તન જોઈને નવાઈ લાગે. બહારગામ જાય તો પણ કેટલાય તળેલા નાસ્તાઓ ન હોય તો ન ચાલે, વળી પેંડા કે બરફી જેવી મીઠાઈઓ પણ ખરી જ. જીવનમાં નવું કરવા માટે ફેસબુક પર પર્સનલ મેસેજીસ મોકલવા કે છાનું છપના પોર્નોગ્રાફી જોવા સિવાય કેટલીય બાબતો છે.

કેટલા ગુજરાતી પુરુષો ૪૫ વરસ બાદ સાયકલ ચલાવીને કિલોમીટરનો પ્રવાસ કરતા હશે તે જાણવું જોઈએ. કે પછી રોજ નહીં તો પણ દર અઠવાડિયે કે પંદર દિવસે ટ્રેકિંગ કરવા જતા હોય. સાહસિક પ્રવૃત્તિઓ લગભગ નહીંવત થઈ જાય. સગવડભર્યો જીવનવ્યવહાર અપનાવાય. તેમાં કામ કે વ્યવસાયના નવા પડકારો અપનાવવાની હિંમત ન રહે એટલે તાણ વધે. આ દરેક બાબતો મિડલાઈફ ક્રાઈસીસ પેદા કરતી હોય છે. ડાયાબિટીસ, હાઈબ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ વગેરે લાઈફસ્ટાઈલ રોગો છે. એ થયા બાદ પણ લાઈફસ્ટાઈલ બદલાતી નથી ત્યારે બહારથી સારી દેખાતું જીવન અંદરથી પોકળ થતું જતું હોય છે. વરસાદમાં ગંદા પાણીની પરવા કર્યા વિના રખડવાનો આનંદ લેવા જેવું. સામાન્ય સાહસ કરવાને બદલે ભજિયા અને ચા ઝાપટતાં સહેજ પણ ખચકાટ નહીં થાય. જીવનમાં જો નાવિન્ય નહીં રહે તો આસપાસનું વાતાવરણ પણ એવું જ રહેશે. મોટી ઉંમરે કેટલા ગુજરાતી યુગલોને હાથમાં હાથ પરોવી વરસાદમાં એક જ છત્રીમાં કે ભીંજાતા ચાલતા જોયા હશે ? ડેટિંગની પધ્ધતિ વિદેશમાં છે. પોતાની પત્ની સાથે ય ડેટિંગ પચાસ કે સાઈઠ વરસે કરતાં હોય છે. અહીં તો બન્ને પતિ-પત્ની એક જ રગશિયા જીવનમાં પૂરાઈને રહી જશે. શું જમવાનું બનાવું ? , ક્યાં જમવા જઈશું ?, કઈ ફિલ્મ જોઈશું ? એ સિવાય નવી વાત જો તમારા જીવનમાં બનતી હોય તો મિડલાઈફ ક્રાઈસીસ તમારા જીવનમાં નહીં હોય. પણ જો રોજ રોજ જીવાતા જીવનમાં કશો જ ફેરફાર નહીં આવતો હોય તો તેનો વિકાસ અટકી જાય છે. વહેતું પાણી ચોખ્ખું હોય છે, જમા રહેતા પાણીમાં વાસ આવે છે. એ જ રીતે જીવનમાં કશુંક નવીન બનવું જોઈએ. હકીકતમાં લાઈફમાં હવે સ્ટ્રગલ ન રહી હોય તો બાકી રહેલા શોખ હવે પૂરા કરવા જોઈએ. તમારા શોખ માટે યુવાનીમાં પૈસા નહીં હોય કે સમય નહીં હોય તે હવે કેળવવા જોઈએ. તેને કારણે મિડલાઈફ ક્રાઈસીસને કારણે નિરાશા કે હતાશા તો નહીં જ આવે પણ પ્રસન્ન વ્યક્તિત્વને કારણે લાઈફસ્ટાઈલ રોગ નહીં થાય. અને તમે હજી પણ આકર્ષક વ્યક્તિત્વ સાથે આવકાર્ય વ્યક્તિત્વ મેળવી શકશો. આમ જોઈએ તો પુખ્ત ઉંમર અને અનુભવને કારણે અનેક નિર્ણયો સરળતાથી લઈ શકાય છે. તમારું જીવન તાણમુક્ત અને આનંદમય રીતે જીવવા માટે કોઈની પરવાનગી લેવાની નથી રહેતી. શાહરુખ , સલમાન, આમિર કે અમિતાભ રોજ કસરત કરે જ છે. ભોજનમાં યોગ્ય પોષક આહાર લે છે અને નિત નવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. એ લોકો પણ જો આપણી જ લાઈફસ્ટાઈલથી જીવે તો આપણા જેવા જ લાગે તેમાં કોઈ શક નથી. આમાંથી કોઈની પણ સાથે યુવાનોને કંટાળો નહીં આવે. જ્યારે તમને યુવાનો અંકલ કહીને દૂર જ રહેશે. કારણ કે જો તમને તમારામાં રસ હશે તો જ બીજાને પણ તમારામાં રસ પડશે. ઉ

You Might Also Like

1 comments