કપડાં એ ચેતનાનું પ્રતિબિંબ 9-6-15
04:35જુહુ બીચ પર એક વ્યક્તિ રોજ ઈસ્ત્રીટાઈટ વ્હાઈટ હાફ પેન્ટ, ટીશર્ટ અને માથે બેન્ડબાજાવાળા પહેરે એવી કેપ, હાથમાં સફેદ લાકડી અને સફેદ બૂટ પહેરીને ચાલવા આવે. ટીશર્ટ અને કેપ પર લાલ, લીલો કે ગુલાબી રંગની મેળવણી પણ હોય. લગભગ દરેક લોકોની તેના પર નજર મંડાય. એ વ્યક્તિ આછું સ્માઈલ આપતી એકલી કે ક્યારેક કોઈ લલના સાથે ચાલતી હોય. સવારે મોર્નિંગ વોકમાં આવા કપડાં પહેરીને ચાલવા આવનાર ક્યારેય જોયું નથી. વિચાર આવે કે આવા કપડાં પહેરીને ચાલવા આવવા માટે હિંમત જોઈએ. વળી જે સ્ટાઈલ શોધી હતી તેમાં ક્રિયેટિવિટી તો હતી જ. લુંગી પહેરીને ચાલવા આવનારા પણ હોય છે. પરંતુ આ સ્ટાઈલ દરેકને નવાઈભરી નજરે જોવા પ્રેરે છે. કપડાં અને ક્રિયેટિવિટીનો આર્ટિકલ આવા કેટલાક પુરુષોને જોઈને લખવાનો વિચાર આવ્યો.
કલાકાર જીવ હોય તે પોતાના મૂડ પ્રમાણે કે કશુંક હટકે પહેરવાનો પ્રયત્ન કરે તે ચલાવી લેવાય છે. હકીકતમાં તો દરેક વ્યક્તિત્વ જુદાં હોય છે. ગયા અઠવાડિયાના લેખમાં જોયું કે ચિત્રકાર અતુલ ડોડિયા નોર્મલ દેખાવાનું પસંદ કરે છે. તો કેટલાકને જોતાં જ ખ્યાલ આવી જાય કે આ કલાકાર હશે. પરંતુ, ક્રિયેટિવિટિ શું ફક્ત કલાકારમાં જ હોય ? કલાકારો કલ્પનાના પોતાના એક આગવા વિશ્ર્વમાં રહેતા હોય તે સાચુ. પણ વ્યક્તિ કલાકાર ન હોવા છતાં કલાત્મક હોઈ શકે. કલાત્મકતાથી કલ્પના સુધીનો પ્રદેશ કલાકારનો હોય છે. પરંતુ, દરેક વ્યક્તિ પોતાના કામમાં ક્રિયેટિવ હોઈ શકે છે. ક્રિયેટિવ વ્યક્તિઓ વ્યવહારુ દ્રષ્ટિએ સફળ પણ હોય છે. જ્યારે કલાકાર વ્યવહારુ ન હોય અને કદાચ એટલે જ સફળ ન પણ હોય. ગાંધીજીએ જ્યારે પોતડી પહેરવાનું નક્કી કર્યું તો એ તેમનું સાહસ હતું. તેમની સાથે જોડાયેલા મોટાભાગના લોકોએ ખાદી અપનાવી પણ ગાંધીજીની જેમ ફક્ત પોતડી પહેરવાનું સાહસ કોઈએ કર્યું નહી. ગાંધીજીના જીવનશૈલીમાં ય પોતડીને અપનાવવા માટે ગાંધીજીની હિંમત જોઈએ. જે કદાચ બીજા કોઈમાં જ નથી. ગાંધીજીએ સૂટબૂટ પહેર્યા જ છે. અને કાઠિયાવાડી પહેરવેશ પણ. પરંતુ, ભારતની ગરીબ પ્રજાને જોઈને દુખી થયેલા ગાંધીજીએ પોતડી અપનાવ્યા બાદ ક્યારેય ફરી સૂટબૂટ નથી જ પહેર્યા. તેમનો પહેરવેશ આજે ફેન્સી ડ્રેસ તરીકે બાળકો કે ક્યારેક મોટાઓ અપનાવે છે. પણ તેમનું વ્યક્તિત્વ અપનાવવું એટલું સહેલું નથી. એટલે જ પોતડી, લાકડી અને તેમના ચપ્પલ સાથે તેઓ આગવું વ્યક્તિત્વ ઊભું કરી શક્યા. તેમને જે સંદેશ લોકો સુધી પહોંચાડવો હતો તે માટે એમનો બાહ્ય દેખાવ , કપડાં દરેક બાબત તેમણે કામે લગાવી. નેતા તરીકે તેઓ સામાન્યથી લઈને અંગ્રેજોના દિલમાં પણ નમ્રતાથી રાજ કરી શક્યા.
એવું કહી શકાય કે વ્યક્તિત્વ અને કપડાંને અલગ પાડી શકાતા નથી. બન્ને એકબીજાના પૂરક છે. આપણે જ્યારે આદિમાનવ હતા અને કપડાં નહોતા પહેરતાં ત્યાં સુધી આવું કહી શકત નહીં. પણ આજે તો કેટલાય લોકો પોતાની જાતને કપડાં વિના એકાંતમાં પણ જોઈ શકતા કે વિચારી શકતા નથી. સહજતાથી આપણે કપડાં વિના આપણી જાતને કે બીજાને સ્વીકારી શકતા નથી. કદાચ એ માનસિકતાને તોડવા જ ન્યુડ ક્લબ કે કોમ્યુનિટીના વિચારોએ જન્મ લીધો છે. ભલે આપણે કહીએ કે કપડાંને શું મહત્ત્વ આપવાનું પણ આવું કહેનાર, વિચારનાર અને કરનારનું વ્યક્તિત્વ પણ તેના કપડાંથી દેખાતું હોય છે. સ્ટાઈલ અને ફેશન એ બે બાબત પણ જુદી છે. દરેક વ્યક્તિની એક પોતાની સ્ટાઈલ હોઈ શકે. પણ ફેશન એ ફોલો કરવાની હોય છે. કપડાંને તમે બીજા બધી વસ્તુઓથી જુદા જોઈ શકશો પણ જાતથી જુદા નહીં કરી શકો.
સીઈંગ થ્રુ ક્લોથના લેખિકા એન હોલેન્ડર લખે છે કે કપડાં તમારી ચેતનાનાં પ્રતિંબિંબને આકાર આપે છે. જ્યારે આપણે કપડાં પહેરીએ છીએ, આપણી જાતને સતત નવી રીતે પામીએ છીએ. આપણો વોર્ડરોબએ દેખાવની ભાષા છે. અને સ્ટાઈલ એ આપણી ભાષાની આગવી લઢણ છે.અથવા એમ કહો કે આપણી વ્યક્તિગત કવિતા.
સ્ટાઈલ એવી જ વ્યક્તિની હોઈ શકે જે વ્યક્તિ પોતાને ઓળખતી હોય, પોતાને વ્યક્ત કરવાનું જાણતી હોય. સ્ટાઈલ માટે સલામતીની ભાવના પણ મહત્ત્વની છે. ફીલ એટ હોમ... જાત સાથે સહજતા ફીલ કરી શકનાર પાસે પોતાની સ્ટાઈલ હોઈ શકે. સ્ટાઈલ એટલે જ સતત બદલાતી કે વિકસતી રહે છે તમારી સાથે. તમારા વિચારોનો વિકાસ કેટલો સહજ અને સ્વતંત્ર છે તે તમારા કપડાં જોઈને પણ કહી શકાય. સાદું શર્ટ અને પેન્ટ પણ તમારા વ્યક્તિત્વને કહી જતું હોય છે. કપડાંના રંગો, તેનો કટ, ફિટિંગ અને ટેક્સ્ચર તમારા વિશે ઘણું
કહી શકે છે. તમારા મૂડ અને સ્વભાવ સાથે કપડાં પણ બદલાતા રહે છે. ધ્યાનથી તમે તમારી જાતનું નિરીક્ષણ કરશો તો એનો ખ્યાલ આવશે.
સ્ટાઈલમાં તમારો એટિટ્યુડ, પર્સનાલિટી, ઉત્સાહ, જોમ અને રચનાત્મકતા પણ હોય છે. એટલે જ ગાંધીજી પોતડીમાં પણ વાઈસરોય કે નહેરુની સામે કે પછી લાખોની મેદની વચ્ચે પણ પ્રભાવશાળી બની રહેતા. પ્રભાવ કપડાંમાં નથી હોતો પણ તેમાં તમારું વ્યક્તિત્વ કઈ રીતે વ્યક્ત થાય છે એમાં હોય છે. બાકી તો મોંઘામાં મોંઘો ડ્રેસ પણ ફક્ત કપડાં લટકાવ્યા હોય તેવો લાગી શકે.
સ્ટાઈલમાં ફેશનનો એક ભાગ હોય છે. બાકી તો ઘણાં બધા કપડાં પહેર્યા છતાં સ્ટાઈલ ન હોય અને ક્યારેક તો સાદા કે ઓછા કપડાંમાં પણ સ્ટાઈલ હોય. સ્ટાઈલ તમને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. અથવા એમ કહી શકાય કે તમે ઇન્ટરેસ્ટિંગ હો તો તમારી પોતાની આગવી સ્ટાઈલ હશે. તમે તમારી જાતને કેટલો પ્રેમ કરો છો. કાળજી રાખો છો તે તમારા શરીરના ઢાંચા પરથી જણાશે. પછી તેના પર તમે કપડાં પહેરશો તે યોગ્ય માપના હોય તો તેમાં તમારી પસંદગી, ટેસ્ટ અને મૂડ વ્યક્ત થાય છે. સતેજ, સ્ફૂર્તિલાપણું , ઉત્સાહ, જોમ તમારા વ્યક્તિત્વમાં હશે તો તમારા કપડાંના રંગો અને ટેક્સ્ચરમાં તે વ્યક્ત થશે. તમારી પાસે કેટલા કપડાં છે કે કેટલાં મોંઘા કપડાં છે તેનાથી સ્ટાઈલ ન આવી શકે. યોગ્ય કસરતી, આત્મવિશ્ર્વાસથી ભરપૂર વ્યક્તિત્વ હોય તો તેના પર ખાદીનો ઝભ્ભો અને જીન્સ પણ શોભી ઊઠે. રોજબરોજ પહેરાતાં ઓફિસ વેઅરમાં પણ તમે રચનાત્મકતા લાવી શકો છો.
કોઈપણ જાહેરાત જુઓ તેમાં તમે શર્ટ કે પેન્ટ જોશો પણ સાથે તેમાં પસંદ કરવામાં આવેલ મોડેલ પણ મહત્ત્વના હોય છે. તેમની બોડી લેંગ્વેજ તમનું સપ્રમાણ શરીર અને આંખોના કે મોઢાના ભાવ. મોંઘી ઘડિયાળની જાહેરાતમાં સફેદ વાળ ધરાવતો પ્રૌઢ ક્લુનીને કે ડેનિયલ ક્રેગને કેમ પસંદ કરવામાં આવે છે? તેમના વ્યક્તિત્વને કારણે. અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન કે આમિર ખાન દેખાવમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી જ. પણ તેમના વ્યક્તિત્વમાંથી ઝલકતો આત્મવિશ્ર્વાસ અને દરેક કામને રચનાત્મક રીતે કરવાની તેમની આવડતને કારણે તેઓ આકર્ષક લાગે છે. કોઈપણ લગ્નમાં તમે જોશો તો અનેક વ્યક્તિઓ એવી દેખાશે કે તેમના કપડાં અને વ્યક્તિત્વમાં કોઈ મેળ નહી લાગે. જ્યારે એકાદી એવી વ્યક્તિ હોઈ શકે કે તેને જોઈને બધું જ પરફેક્ટ લાગશે. કપડાં તન ઢાંકવા માટે જ બન્યા હતા તે વાત સાચી છે પરંતુ, જેમ જેમ આપણે બદલાયા, પરિસ્થિતિઓ બદલાઈ તેની સાથે કપડાં પણ બદલાયા. પહેલાં દરેક પુરુષો ધોતીને ઝભ્ભો કે ખમીસ પહેરતા. પછી પાટલૂન પહેરવા માંડ્યાને હવે જીન્સ પણ.
કપડાં આપણે આપણાં માપના જ પહેરીએ છીએ. કપડાં આપણાં વ્યક્તિત્વનું એકસ્ટેન્શન છે. તમારી પ્રતિભાનું સ્વરૂપ છે. તમારી ભાષા છે તેને કવિતા બનવા દો. તમે એમાં કમ્ફર્ટેબલ હશો તો તમે જ વ્યક્ત થશો. અને નહીં હો તો ક્યારેય તમે વ્યક્ત નહીં થઈ શકો. ...હજી આવતા અંકે .....?
0 comments