કાકાને કાકા કહેવાય!!! 29-9-19

07:28



‘કાકા જરા બાજુ હટશો...’ એક યુવાને સલુકાઈથી રેલ્વે પ્લેટફોર્મ પર ટિકિટની લાઈનમાં ઊભેલા એક સજ્જનને કહ્યું એવું જ પેલા કાકા સોરી સજ્જન ભડક્યા. ‘ કાકા કોને કહે છે ? જરા વાત કરતાં શીખો, ..અને આટલી બધી જગ્યા છે તે દેખાતી નથી ? ’ પેલા યુવાનની સાથે આ દૃશ્ય જોઈને અમને પણ નવાઈ લાગી. પેલા યુવાને સોરી કહીને વાત લાંબી થતી અટકાવી. 

આ જોઈને વરસો પહેલાંની એક ઘટના યાદ આવી અમારી ચાલીમાં એક પ્રૌઢ રહેતા હતા. ત્યારે તો લોકો ધોતિયું પણ પહેરતાં અને આ પ્રૌઢ ધોતિયું અને ઝભ્ભો જ પહેરતાં. વાળ હજી કાળા હતા અને ઉંમર પણ હશે ત્યારે ૪૫ની આસપાસ એકવાર અમારા ઘરમાં આવીને કહે, આજકાલની છોકરીઓને વાત કરવાની તમીઝ નથી. મને કહે છે કાકા ... બોલો....વાત સાંભળીને બધા હસી પડ્યા એટલે એ પણ ખસિયાણા થઈને હસી પડ્યા, પરંતુ પુરુષને કોઈ કાકા કહે કે અંકલ કહે તે સહન ન થાય. તેમાંય ૪૦ વરસ પછી કોઈ છોકરી અંકલ કહે તો ધરતી મારગ આપે તો સારું એવું પણ થઈ શકે. પુરુષોને પણ ઉંમર વધે તે સ્વીકારવું અઘરું પડે છે. વધતી ઉંમર સાથે પોતાનાથી અડધી ઉંમરના છોકરા-છોકરીઓ શું કહીને તેમને બોલાવે? હે ય મેન... એવું વિદેશમાં કહેવાતું હોય છે. આપણે ત્યાં તો કાકા, મામા કે દાદા જ કહેવાય છે. વડીલોને માનાર્થે બોલાવવું કંઈ ગુનો નથી સંસ્કાર જ ગણાય. પણ જ્યારે ચાલીસી વટાવી ગયેલા પુરુષને મિડલાઈફ ક્રાઈસીસ સતાવે તો કોઈ અંકલ કે કાકા કહે તે ગમતું નથી જ. 

સામી વ્યક્તિને પોતે વૃદ્ધ કે પ્રૌઢ લાગે છે એ સહન ન થાય એટલે સંબોધન અખરતું હોય છે. પ્રૌઢાવસ્થા બાબતે સ્ત્રી અને પુરુષની સમસ્યાઓ જુદી હોય છે. તેમાં પણ દરેક વર્ગની માનસિકતા પણ જુદી હોય છે. નોકરિયાત વર્ગ અત્યાર સુધી કપડાં, રોટી અને મકાન માટે જ પ્રયત્નશીલ રહેતો હતો. પણ હવે વાતાવરણ બદલાયું છે. દુનિયા બદલાઈ રહી છે. કામવાળા છોકરા પાસે પણ આજે સ્માર્ટફોન હોઈ શકે. તેને પણ વાળમાં જેલ લગાવીને સ્પાઈકની ફેશન કરવી હોય. જીન્સ અને ટીશર્ટ પહેરવા હોય, જીમમાં જવું હોય છે. વાત વળી પાછી એજિંગ પર એટલે કે વધતી ઉંમર અને તેના સ્વીકાર, અસ્વીકાર પર લાવીએ. બાળકમાંથી પુરુષ બનવાની પ્રક્રિયામાં હોર્મોનના બદલાવ પૌરુષીય હોય તેની ચિંતા હોય છે. અવાજ કેવો હોય તે આપણા હાથમાં નથી હોતું. પૌરુષીય અવાજ મળવો તેવી ઈચ્છા દરેક પુરુષ થતાં છોકરામાં હોય જ. અને શારીરિક દેખાવ માટે ય સતત અજંપો રહેતો હોય છે. આત્મવિશ્ર્વાસનો આધાર આ બદલાવ ઉપર પણ આધારિત હોય છે. પુરુષ બન્યા બાદ સતત સફળ સાબિત થવાની પરીક્ષાઓ આપવાની. દરેક સમયે પુરુષોના અસ્તિત્વને અધ્ધર લટકતાં દોરડા પર ચાલવાના કરતબો કરવા પડતા હોય છે. જરાક પગ ચૂક્યા કે આત્મવિશ્ર્વાસ કે અસ્તિત્વનો ભાંગીને ભૂકો જ થયો સમજો. એવામાં વધતી ઉંમર સતત ભયભીત કરે છે. વળી ભય દેખાય નહીં તેનું પણ ધ્યાન રાખવાનું. કારણ કે પુરુષને ભય લાગે જ નહીં. ભયભીત કે ડરપોક પુરુષ મજાકને પાત્ર બને છે. 

સાયકોલોજિસ્ટ કમ કવિ મુકુલ ચોક્સી કહે છે કે, ‘દરેક ઉંમરને તેની પોતાની સુંદરતા હોય છે. સ્ત્રીઓની જેમ પુરુષોને પચાસથી સાઈઠ વરસની વયે એન્ડ્રોપોઝ એટલે કે કેટલાક હોર્મોન બનવાના ઓછા થાય કે બનતા નથી. તેમાં પણ ટેસ્ટોટરોન હોર્મોનનું પ્રમાણ ઓછું થતાં શારીરિક અને માનસિક ઉત્સાહ-જોમ ઓછા થાય, સેક્સુઅલ પફોર્મન્સ ઉપર પણ અસર થાય જે સ્વીકારવું મોટાભાગના પુરુષો માટે અઘરું બને છે. તેમાં પણ જે પુરુષો પોતે આકર્ષક-હેન્ડસમ દેખાય છે તેઓે ગર્વ ધરાવતાં હોય, સતત મેચોમનેની ઈમેજ લઈને ફરતા હોય તેમને તો ખાસ ઉંમરનો સ્વીકાર કરવો અઘરો લાગે છે. વળી ઉંમર વધતાં અનેક શારીરિક બીમારીઓ થવાને કારણે જીવનશૈલીમાં ફેરફાર આવતો હોય છે. સાથે તે જ સમયે યુવા પેઢી બિઝનેસ ટેકઓવર કરે અને તેમને સમજાય કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે, યુવા પેઢી વધુ સ્માર્ટ અને ઉત્સાહી હોય છે. જયારે તેમની પાસે અનુભવ જ હોય છે. પરંતુ જે પુરુષો જીવનને સહજ અને સરળ જોતાં હોય, રુટિનનો સ્વીકાર કરતાં હોય કે ફિલોસોફિકલ એસ્પેકટ્સ પણ તેમના જીવનમાં હોય છે. તેમને પણ વય વધવાની સાથે તકલીફો નથી થતી.’

પુરુષો સ્ત્રીઓની જેમ મેકઅપ નથી કરતા કે કોસ્મેટિક્સ સર્જરી પણ જલદી નથી અપનાવતા. પ્રૌઢ સ્ત્રીઓ બોટોક્સ, અનેક જાતની કરચલીઓ દૂર કરવાની ક્રીમ વગેરે વાપરતી હોય છે. જ્યારે બહુ ઓછા પુરુષો બોટોક્સનો વિચાર કરશે. હા, વાળ રંગવાની પ્રક્રિયા સ્ત્રીઓની જેમ પુરુષો પણ ચોક્કસ અપનાવતાં હોય છે. કારણ કે સફેદ વાળ તે વૃદ્ધત્વની નિશાની માનવામાં આવે છે. હોલીવુડનો અભિનેતા જ્યોર્જ ક્લૂની સફેદ વાળમાં પણ દુનિયાભરની સ્ત્રીઓને ગમે છે. સફેદવાળ વિશે હજી શરમ અનુભવાય છે તેનું કારણ પણ એ જ કે તેની સાથે વૃદ્ધત્વની માનસિકતા જોડાયેલી છે. પચાસ વરસ બાદ પણ જે પુુરુષો પોતાને હજી યુવાનમાં જ ખપાવવા માગે છે તેઓ કપડાં પણ યુવાનો પહેરે તેવા પહેરશે. હજી પોતે યુવાન જ છે તે દર્શાવવા માટેના પ્રયત્નો ક્યારેક વરવા લાગી શકે. 

કોઈપણ વાસ્તવિકતાનો સ્વીકાર ન કરવાથી માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. ફ્રસ્ટ્રેશન, ડિપ્રેશન, ક્રોધ તેની આડઅસર છે. દરેક ઉંમરને તેનું આગવું વ્યક્તિત્વ હોય છે. મોટી ઉંમરે હજી પણ પોતે ડિમાન્ડમાં છે એવું જતાવવા તેઓ પોતાનાથી નાની ઉંમરની સ્ત્રી સાથે ફ્લર્ટ કરવાના પ્રયત્નો પણ કરશે. યુવાન સ્ત્રી કે છોકરી સાથે જોડાઈને પોતે હજી યુવાન પુરુષ છે તેવું જાણતા-અજાણતા સાબિત કરવા માગતા હોય છે. બાસુ ચેટરજીએ ૧૯૮૨માં એવા ત્રણ પ્રૌઢોની વાત કહેતી શૌકિન નામની ફિલ્મ બનાવી હતી. તેની રિમેક પણ ગયા વરસે બની હતી. 

You Might Also Like

0 comments