યે કહાં આ ગયે હમ...
15:50દુનિયાની મોટી લોકશાહી હોવા છતાં અને એકવીસમી સદીમાં પણ રેશનલ વિચાર ધરાવતા પૂણેના નરેન્દ્ર દાભોળકર, કોલ્હાપુરના પાનસરે, કર્ણાટકના લેખક એમ. એમ. કલબુર્ગીની હત્યા બાદ હાલમાં જ મૈસુર રહેતાં લેખક કે એસ ભગવાનને મારી નાખવાની ધમકી આપતો પત્ર મળ્યો છે. ત્યારે ગ્લોબલ વિલેજ બની રહેલા વિશ્ર્વમાં સંકુચિત માનસના યુગમાં આપણે પ્રવેશ્યા હોઈએ તેવું લાગે છે.
‘ પેરુમલ મુરુગન લેખક મરી ગયો છે. એ ભગવાન નથી એટલે ફરી અવતાર નહીં લે.. અને તેને પુર્નજન્મમાં વિશ્ર્વાસ પણ નથી. સામાન્ય શિક્ષક તરીકે પી. મુરુગન તરીકે જીવશે. એને એકલો છોડી દો. ’ કન્નડ લેખક પી. મુરુગને પોતાના ફેસબુક અકાઉન્ટ પર ઉપરોક્ત લખાણ લખ્યું હતું. એટલું જ નહીં તેમણે પોતાના પબ્લિશરને પણ લખ્યું કે મારા કોઈ પુસ્તક વેચવા નહીંં. જે પણ નુકસાન થાય તે હું ભરપાઈ કરી દઈશ. અને લોકોને કહ્યું કે મારું કોઈ પુસ્તક હોય તો તે બાળી નાખજો. આમ જાન્યુઆરી ૨૦૧૫માં તેમની નવલકથા મધોરુભગન ની કોપીઓ બાળવામાં આવી ત્યારે મુરુગને પોતાનામાં રહેલા લેખકને મારી નાખવાનો નિર્ણય લીધો. એ નવલકથા ચાર વરસ પહેલાં લખાઈ હતી અને તેનું અંગ્રેજીમાં ભાષાંતર પણ કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટમાં બંગલાદેશમાં નીલોય નીલ નામે લખતા બ્લોગરને તેના ફ્લેટમાં ઘૂસીને મારી નાખવામાં આવ્યો. ૨૦૧૫ની સાલમાં આ ચોથા બ્લોગરનું ખૂન થયું હતું. આ પહેલાં મે મહિનામાં અનંતા બિજોય દાસ, માર્ચમાં વાશીકર રહેમાન બાબુ, ફેબ્રુઆરીમાં અવિજિત રોય નામના બ્લોગરોની બંગલાદેશમાં ધોળે દિવસે હત્યા કરવામાં આવી. ૩૦ ઓગસ્ટે એમ. એમ. કલબુર્ગીની હત્યા કરવામાં આવી. જે ન જાણતા હોય તેમને માટે કલબુર્ગી કન્નડ યુનિવર્સિટીના નિવૃત્ત કુલપતિ હતા. નિવૃત્તિ બાદ તેઓ સાહિત્ય લેખન અને એડિટિંગના કામમાં ગળાડૂબ રહેતા હતા.
તેમણે જીવનકાળ દરમિયાન ૧૦૦ પુસ્તકો અને ૪૦૦ લેખ લખ્યાં છે. તેમની હત્યા થઈ, કારણ કે છેલ્લે તેમનું સંશોધન અને સંપાદનનું કાર્ય કર્ણાટકની મોટી કોમ લિંગાયત માટેનું હતું.
ઉપરોક્ત જણાવેલ બધા લેખકોની હત્યાનું ખરું કારણ હતું તેમના લખાણો જેમાં તેઓ મુક્ત વિચારધારાને અનુમોદન આપતા હતા. આ રીતે લેખકની હત્યા કે લેખનને બાળવું તે સમાજની સંકુચિત વિચારધારા દર્શાવી રહી છે. બિનસાંપ્રદાયિક વિચારધારાને કટ્ટરવાદીઓ સ્વીકારી શકતા નથી.
જો કે આ કોઈ નવી બાબત તો છે જ નહીં. એમ. એફ. હુસેન અને બેન્દ્રેનાં ચિત્રોને પણ વરસો પહેલાં ફાડી નાખવામાં આવ્યાં હતાં. કલા અને સાહિત્ય નિર્દોષ આનંદ માટે સર્જાતાં હોય છે. તેને પણ રાજકીય રંગ આપવો કે તેને કટ્ટરતાનાં ચશ્માં પહેરીને એડિટ કરવું તે યોગ્ય નથી. આજે એકવીસમી સદીમાં અને લોકશાહીમાં પણ કટ્ટર સમાજને ઉછેરવો તે યોગ્ય કહેવાય ? તે વિચારવાની તાતી જર છે. આપણો ભારતીય સમાજનો ઈતિહાસ જોઈશું તો જણાશે કે આપણે સદીઓ પહેલાં વધારે સમજદાર અને સ્વતંત્ર સમાજ ધરાવતા હતા.જાણીતા સાહિત્યકાર હિમાંશી શેલત ખૂબ દુખ અને રોષ સાથે કહે છે કે, ‘આ પ્રજા કલા અને સાહિત્ય માટે લાયક નથી. દેશ હોય કે વિદેશ દરેક જગ્યાએ ઐતિહાસિક સ્મારક તોડી પાડવામાં આવે છે. કલાકૃતિઓ બાળી નાખવામાં આવે. હવે એ અંગે કશું જ બોલવા જેવું નથી, કારણ કે તમારા દુખનું પણ અહીં કોઈ મૂલ્ય નથી. કોઈપણ જાતની કટ્ટરતા એ નર્યું ગાંડપણ, ઉન્માદ છે. ગુજરાતીમાં કોઈ વાંચતું જ નથી એટલે એવા કોઈ પ્રતિભાવ આવવાની શક્યતા જ નથી.’
રાજા રવિવર્મા ઉપર પણ નગ્નતા માટે કેસ કરવામાં આવ્યો હતો. કલા સાહિત્ય અને ઐતિહાસિક સ્મારકો નષ્ટ કરવાથી આપણે ભવિષ્યની પેઢી માટે સંકુચિત દુનિયા મૂકી જઈશું. સિરિયામાં આવેલી હેરિટેજ સાઈટ નષ્ટ કરવામાં આવી. તો તાલિબાનોએ બુદ્ધની પ્રતિમા ખંડિત કરી દીધી હતી. એકબાજુ માનવજાત બ્રહ્માંડમાં નવી શોધખોળ કરી રહી છે. ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જી રહી છે તો બીજી તરફ સંકુચિત-કટ્ટર વિચારધારાને પોષી રહી છે. સંસ્કૃતિનું જતન કરવાને બદલે તેને વરવું સ્વપ આપવામાં આવી રહ્યું છે. ત્યારે વિચારવું જરી બને છે કે આપણે કયા સમાજની-વિશ્ર્વની રચના કરી રહ્યા છીએ. દરેક મુક્ત વિચારધારા-બિનસાંપ્રદાયિકતાના અવાજને દાબી દઈને શું સાબિત કરી રહ્યા છીએ.
0 comments