લેડી ડ્રાઈવર દિલ્હીથી લંડન અને હવે સાઈબીરિયા (mumbai samachar)
02:16લાંબો નિર્જન રસ્તો... અંધારામાં પણ માઈલો સુધી સફેદ બરફની ચાદર ફેલાયેલી છે. જીપમાં હીટર હોવા છતાં ઠંડીનું લખલખું થોડી થોડી વારે ડ્રાઈવર નિધિને ધુ્રજાવી જાય છે. કલાકો સુધી ડ્રાઈવ કરવા છતાં એક માણસ જણાતું નથી. દૂરથી બરફનું તોફાન આવી રહેલું દેખાય છે. નિધિનું હૃદય પણ સ્તબ્ધ છે વાતાવરણની જેમ. ગાડીના અવાજ સિવાય વાતાવરણની નિરવતા નિધિને ઘેરીને જ ચાલે છે. સાઈબિરિયાના આ પ્રદેશમાં નિધિને વિચાર આવે છે કે હું પૃથ્વી પર જ છું કે કોઈ બીજા ગ્રહ પર ચાલી ગઈ છું. ૩૫ વરસીય નિધિ તિવારી અનેક સીમાઓ તોડીને નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે તે બાબતે ગર્વ અનુભવતી નિડર થઈને માણસ વિનાના સાઈબીરિયાના બરફના રણને પસાર કરે છે. નિધિ પહેલી ભારતીય ડ્રાઈવર છે કે જેણે ૨૦૧૬માં સાઈબીરિયાનો રોડ પ્રવાસ માઈનસ ૫૯ ડિગ્રીમાં એકલપંડે કર્યો છે. આ પહેલાં તેણે ૨૦૧૫ની સાલમાં ૨૩૮૦૦ કિલોમીટરનો દિલ્હીથી લંડન સુધીનો પ્રવાસ બે સ્ત્રી સાથીદારો સાથે ખેડ્યો હતો. નિધિના જીવનનું ધ્યેય છે કે બાહ્ય સીમાડાઓને તોડવા અને આંતરિક સીમાઓને વિસ્તારવી. નિધિ કહે છે કે મહિલા ડ્રાઈવરો માટે આપણે ત્યાં જ નહીં વિદેશમાં પણ ઘણું ઘસાતું બોલાતું હોય છે. હાઈવે પર તમને મહિલા ડ્રાઈવરોની સંખ્યા નહીંવત જ જોવા મળશે. હાઈવે પર કે જ્યાં પાકા રોડ ન હોય કે ડુંગરાઓ પર કે પછી બરફ પર ગાડી ચલાવવું સાચે જ અઘરું કામ છે. તે માટે ડ્રાઈવિંગની ઘણી પ્રેક્ટિસ હોવી જોઈએ. મહિલાઓને ગાડી ચલાવવાની વધુ પ્રેક્ટિસ મળતી નથી એટલે જ તેઓ એક સીમામાં રહીને ગાડી ચલાવતાં હોય છે. કપરા રસ્તાઓ ઉપર સ્ત્રીઓ ગાડી ચલાવી શકતી નથી એવું નથી. તેવું કરવાની તે હિંમત જ નથી કરતી. એ હિંમત મેં મારામાં કેળવી છે. દરેક સીમાઓ તોડવાની તાકાત મારામાં છે તે સાબિત કર્યું છે.
નિધિ તિવારીનો બેંગલુરુમાં જન્મ અને ઉછેર થયો અને હાલ તે દિલ્હીમાં પોતાના પતિ અને બે બાળકો સાથે રહે છે. નિધિની માતા વૈજ્ઞાનિક છે. પોતાના બિન્ધાસ્તપણાનો યશ તે માતાના ઉછેરને આપે છે. નિધિ કહે છે મારી માતાએ મને નાની ઉંમરથી હાઈક અને ટ્રેકિંગ જેવા સાહસ કરવા માટે પ્રેરણા આપી. મારો સૌ પ્રથમ ટ્રેક ભૂતાનમાં હતો. મને એટલી મજા આવતી કે હું સતત ટ્રેકિંગ માટે જવા લાગી. પછી તો ઘરે ઓછું અને ટ્રેક પર વધુ રહેવા લાગી. તેના માતાપિતાને હવે ડર પણ લાગતો કે નિધિનું શું થશે? તેને યોગ્ય વર નહીં મળે તો? વગેરે વગેરે પછી તો ટ્રેકિંગ જૂથનું નેતૃત્વ પણ નિધિ કરવા લાગી. એ દરમિયાન તેની લશ્કરમાં કામ કરતા યુવાન સાથે ઓળખાણ થઈ. જે પ્રેમમાં પરિણમતા તેની સાથે લગ્ન કર્યાં. આજે તેના બે બાળકો પણ છે.
દિલ્હીથી ફોન પર વાત કરતાં નિધિ કહે છે કે મને જાતીય ભેદભાવ માટે સખત ચીડ છે. મારા પતિ મને આઉટડોર એક્ટિવિટી કરતા સમયે જ મળ્યા છે અને તેમને ખબર હતી કે હું ઘરમાં બેસવાની નથી. ઘરમાં કે ઑફિસમાં એક ઠેકાણે બેસવું મારો સ્વભાવ નથી. બહારની પ્રવૃત્તિમાં મને સ્વતંત્રતાનો અહેસાસ થાય છે. એટલે લગ્ન બાદ પણ મારું સાહસ ચાલુ જ રહ્યું. ડ્રાઈવિંગ કરવું મને ખૂબ ગમે છે. ૧૮ વરસની ઉંમરે જ મેં ડ્રાઈવિંગ લાઈસન્સ લઈ લીધું હતું. એકલા એકલા વણખેેડેલા રસ્તાઓ પર ગાડી લઈને લોન્ગ ડ્રાઈવ પર નીકળી જતી. પછી તો બાળકો થયા. એટલે થોડો સમય ગાડી ચલાવવાનું બંધ રહ્યું, પણ પછી મેં મારી જીપને મોડિફાઈ કરીને બન્ને બાળકોને લઈને હું નીકળી પડતી. હવે બાળકોને શાળા હોય છે. એટલે દરેક વખતે મારી સાથે નથી જોડાઈ શકતા. તમારા જેવો સવાલ બધા જ મને પૂછે છે કે બાળકો સાથે તમે કઈ રીતે બહાર જઈ શકો છો? દરેકને મારો જવાબ એક જ છે કે મારા જીવનના કેન્દ્રમાં હું છું. બાળકો મારા છે. તેમને મારા જેવી મમ્મી સાથે જીવવાનું છે. જેમના જીવનના કેન્દ્રમાં બાળકો હોય છે તેમણે બધું છોડવું પડતું હોય છે. આજે મારા બાળકોની હું ખાસ મિત્ર છું. તેઓ મારી ખૂબ નજીક છે. તેમને મારા માટે ગર્વ છે અને તેઓ જ મને સતત નવા સાહસો કરવા પ્રેરે છે. સ્ત્રી ડ્રાઈવરો કેમ હાઈવે પર ઓછી દેખાય છે? કારણ કે સ્ત્રીઓને પોતાના પર વિશ્ર્વાસ નથી હોતો. તેનું પણ કારણ છે કે તેઓ પુરુષોની જેમ વધુ ગાડી ચલાવતી નથી. એકલી લાંબી ડ્રાઈવ પર જતી નથી. મારા પતિને ડ્રાઈવિંગનો કંટાળો હતો એટલે બહારગામ જતા ત્યારે હું જ મોટેભાગે ડ્રાઈવ કરતી હતી. ડ્રાઈવિંગ મારા માટે નશા સમાન બની ગયું ત્યારે મેં કાચા અને ચેલેન્જિંગ રસ્તાઓ પર ગાડી ચલાવવા માંડી.
નિધિએ બિયોન્ડ બાઉન્ડરીઝ નામે સંસ્થાની પણ સ્થાપના કરી જેમાં મહિલાઓને ડ્રાઈવિંગ કરવા માટે દરેક ટ્રેઈનિંગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. તેમ જ એમને નવા સાહસો માટે પ્રેરણા પણ મળી રહે છે. નિધિને સ્ત્રી હોવાથી ક્યારેય લાંબા નિર્જન રસ્તાઓ અને અજાણ્યા પ્રદેશોમાં એકલા ડ્રાઈવ કરતા ડર નથી લાગતો. તેનું કહેવું છે કે તમને ડર અનિશ્ર્ચિતતાનો લાગતો હોય છે. મને ક્યારેય ડર લાગતો નથી. હા, હું તકેદારી જરૂર રાખું છું, પણ એવી તકેદારી તો પુરુષ ડ્રાઈવરોએ પણ રાખવી જ પડતી હોય છે. અને એકલતાનો ડર તો મને લાગતો જ નથી. સાયબિરિયામાં લાંબા રસ્તાઓ પર એકલા જતાં મને મારો વધુ પરિચય થયો. ત્યાં ક્યારેક તો માઈલોના માઈલો સુધી ન તો કોઈ માણસ મળે કે ન તો મોબાઈલના સિગ્નલ હોય. તે વખતે મને મારી જાતને ઓળખવાનો, સમજવાનો મોકો મળ્યો. એ પ્રદેશોમાં મારું ધ્યાન ખેંચે એવી કોઈ બાબત નહોતી. બધું જ ઠંડું, સફેદ અને સ્તબ્ધ હોય. સમય પણ સ્તબ્ધતામાં સરી પડ્યો હોય. ત્યારે મને દેખાતું કે હું કઈ રીતે વર્તું છું. કઈ રીતે કોઈપણ બાબતનો પ્રત્યાઘાત આપું છું. ડ્રાઈવિંગ મને મારી જાતની નજીક લઈ જાય છે કદાચ એટલે જ મને ગમે છે. દિલ્હીથી લંડન જતી સમયે પણ મને મ્યાનમારમાં વરસાદને કારણે ભેખડો ધસી જવાથી અઠવાડિયા સુધી રોકાઈ જવું પડ્યું હતું. મારી સાથે પ્રવાસ કરતી રશ્મી કોપ્પર અને સૌમ્યા ગોયલ તે સમય દરમિયાન પાછા બેંગલોર જતા રહ્યા હતા, પણ મારે તો જીપ પાસે રોકાવું જ પડ્યું. ખેર, આવી લોન્ગ ડ્રાઈવ પર જતાં પહેલાં હું જીપને રિપેર કરતાં પણ શીખી. અને વિવિધ રસ્તાઓ પર ગાડી ચલાવવા માટેના કેટલાક નિયમો અને નુસ્ખાઓ પણ શીખવા પડ્યા. બહારની બાઉન્ડ્રીઓ કરતાં અંદરની બાઉન્ડ્રીઓ તોડી શકાયાનો મને આનંદ છે.
નિધિને હવે વ્યાવસિયક ડ્રાઈવર તરીકે લોકોએ સ્વીકારવા માંડી નહીં તો લાંબા પ્રવાસ અને સાહસ માટે કોઈ મદદ કરતાં અચકાતા હતા. દરેકનો એક જ સવાલ કે સ્ત્રી આટલો લાંબો, કઠિન પ્રવાસ કરી શકે ખરી? લોકોની માનસિકતા બદલવી સહેલી નથી. ભારતમાં જ નહીં વિશ્ર્વમાં દરેક જગ્યાએ લોકોને સ્ત્રી ડ્રાઈવરો માટે શંકા જ ઉદ્ભવે છે. સ્ત્રીઓને મુક્તિનો અહેસાસ નથી હોતો અને તેઓ ક્યારેય પુરુષોની જેમ લાંબો પ્રવાસ કરતી ન હોવાથી જ હાઈવે પર સ્ત્રી ડ્રાઈવરો જોવા નથી મળતી. હું સ્ત્રીઓને પ્રેરણારૂપ બનવા માગું છું. સલામતી અને બીજા પર આધારિત રહેવાની માનસિકતામાંથી બહાર નીકળે તો જ સ્ત્રીઓને મુક્તિનો અહેસાસ થઈ શકે છે. તમારે શું અને કેવું જીવન જીવવું છે તે સ્ત્રીએ જાતે જ નક્કી કરવાનું હોય.
0 comments