ક્યાંક આપણે ‘કલ્ટ’ ના ભાગ કે ભોગ તો નથી ને?
05:52ઈન્ટ્રો- સુનીલ કુલકર્ણી નામના શખ્સની કલ્ટ એટલે કે શીફુ સંસ્કૃતિ નામે એક પંથ ઊભો કરીને કેટલાય યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે ધરપકડ કરવામાં આવી. કલ્ટ કે સંપ્રદાય કે જૂથની રચના વિશે કેટલીક વાત
હજી ગયા અઠવાડિયે સુનીલ કુલકર્ણી નામની વ્યક્તિની મુંબઈના બાંદ્રા ખાતેના તેના ભાડે લીધેલા ફ્લેટમાંથી ધરપકડ થઈ. તેણે ફેસબુક પર શીફુ સંસ્કૃતિ નામે એક પંથ ઊભો કર્યો હતો. ટ્વિટર પર અને ફેસબુક પર તેના ૫૦૦૦ જેટલા ફોલોઅર હતા. મોટાભાગના ફોલોઅર યુવાનો જ હતા. શીફુ સંસ્કૃતિ દ્વારા તે તમારી અંદર રહેલાં અનેક બંધનોથી મુક્ત કરવાની દૃષ્ટિ આપવાની વાત કરતો હતો. એવી દૃષ્ટિ આપતો હતો કે તમે નગ્ન સત્ય જોઈ શકો. તે માટે જરૂરી હોય છે કે તમે તમારા શરીરને પણ નગ્ન કરીને જુઓ. વગેરે વગરે વાચકોને યાદ હોય તો ઓશો રજનીશના આશ્રમમાં ફ્રી સેક્સની વાત ચર્ચામાં હતી. સેક્સ સંબંધે સમાજમાં દંભ અને ઢાંકપિછોડો થતો હોવાથી લોકોને તેમાં ખૂબ રસ પડે છે. જો કે સુનીલ કુલકર્ણીએ એક અખબારને આપેલી મુલાકાતમાં એમ કહ્યું હતું કે શીફુ સનકૃતિ(એ સન+કૃતિ સ્પેલિંગ લખે છે) એ કોઈ પંથ નથી. શીફુ એટલે ગુરુ હું હું દરેક ઉંમરની વ્યક્તિઓને તેમના ઈમોશનલ સમસ્યાઓનો ઉકેલ મેળવવામાં મદદરૂપ બનું છું. હું સાયલોજિસ્ટની જેમ તેમને સલાહ આપું છું. કોઈ દવા નથી આપતો.
ખેર, પણ આ સલાહને કારણે બે કુટુંબની છોકરીઓ ઘર છોડીને જતી રહી છે. તેઓ સુનીલ કુલકર્ણીની દોરવણી હેઠળ ખોટા રસ્તે જઈ રહી હોવાનો આરોપ પણ છે. જ્યારે પેલી છોકરીઓએ કહ્યું કે અમે માતાપિતાની ઘરેલું હિંસાનો શિકાર બન્યાં છીએ. એટલે ઘર છોડીને ગયા છીએ. સાચું-ખોટું રામ જાણે, પરંતુ આ રીતે નવા નવા ગુરુઓ સંપ્રદાયો અને પંથ ઊભા કરીને લોકોને છેતરી શકતા હોય છે. આસારામબાપુનો કિસ્સો હજી ભૂલી જવાય એટલો જૂનો નથી થયો.
શા માટે લોકો કોઈ રાજકીય કે ધાર્મિક જૂથ, સંપ્રદાય કે પંથમાં જોડાય છે? એડવિન ફર્નહેમે અપ્લાઈડ બિહેવયરલ રિસર્ચ એસોસિએટસ નામે સાયકોલોજી ક્ધસલટન્સીની શરૂઆત કરી છે. સાયકોલોજી અને મૅનેજમેન્ટ અંગે તેણે અનેક અભ્યાસ પેપર લખ્યા છે. એડવિન કહે છે કે લોકો પોલિટિકલ કે ધાર્મિક કે સામાજિક જૂથમાં જોડાય છે કારણ કે તેમને આવા ગ્રુપમાં મિત્રો મળે છે, ઓળખ મળે છે, તમે કશુંક કોન્ટ્રિબ્યુટ એટલે કે આપી શકો છો તેવો અહેસાસ થાય છે. એડવિન તો કહે છે કે અલકાયદા,તાલિબાન, સોલાર ટેમ્પલ, બ્રાન્ચ દ્રાવિડિયન જેવી અનેક સંસ્થાઓને પણ કલ્ટ કહી શકાય.
કલ્ટ શબ્દ સામાજિક જૂથો જે ધાર્મિક , રાજકીય, આધ્યાત્મિક કે પછી ફિલોસોફીકલ પણ હોઈ શકે, જે એક જ ધ્યેય, વિચાર હેઠળ ભેગા થાય અને પ્રવૃત્તિઓ કરે. એડવિન કહે છે કે આવા પંથ કે કલ્ટની કેટલીક ખાસયિત હોય છે. પછી તે કલ્ટ ધાર્મિક હોય, રાજકીય, સ્યુડો સાયકોલોજિકલ, સેલ્ફ હેલ્પ હોય કે જાતીયવાદના નામ હેઠળ હોય. આવા પંથ, સંપ્રદાય, જૂથની કેટલીક વિશેષતાઓનું લિસ્ટ આપ્યું છે તે અહીં મૂકું છું -
* પંથ કે વ્યક્તિ પરત્વેનું સંપૂર્ણ સમર્પણ-શ્રદ્ધા
* એ લોકો જાતને કે સમાજને બદલી નાખવાના કાર્યક્રમો ઘડે, જે દ્વારા તમારી વિચારધારા, વર્તન પર તેમનો કાબૂ રહે.
* એ પંથ કે જૂથમાં કે વ્યક્તિ માટે તમે ખાસ બની રહો તે માટે તમારી પરીક્ષા લેવાય. અનેક સ્તરે લોકોએ પોતાને પુરવાર કરવા પડે તો જ એમને કેટલીક ખાસ કામગીરી સોંપાય.
* માનસિક અને શારીરિક રીતે તમે એ પંથના કે જૂથના બની રહો તે માટેના પ્રયત્નો કરવામાં આવે.
* કલ્ટ કે પંથ દ્વારા દુનિયાને જોવાનો દૃષ્ટિકોણ બદલવાનો પ્રયત્ન કરવામાં આવે. ટૂંકમાં બ્રેઈનવોશ કરવામાં આવે.
* જે તે પંથના નેતા કે ગુરુએ જે ધ્યેય નક્કી કર્યું હોય તેને પામવા માટે લોકોનો સતત દરેક રીતે ઉપયોગ કરવો. સતત મીટિંગ કરવી કે સત્સંગ રાખવો કે સતત લોકોને તે ધ્યેય પ્રત્યે દોરી જવા માટે પ્રેરક વચનો, ભાષણો રાખવા.
* કલ્ટને સક્રિય રાખવા માટે લોકો પર કાબૂ મેળવવા માટે જુદો ગણવેશ, જુદી પ્રક્રિયા કે પછી જુદી વર્તણૂક, જુદા નિયમો રાખવામાં આવે.
આવા જૂથ કે પંથમાં લશ્કરની જેમ તમને પહેલાં તોડવામાં આવે, ઘડવામાં આવે પછી તેમના જ નિયમો પ્રમાણે તમને નવેસરથી ઘડવામાં આવે. આવા જૂથમાં જોડાવામાં એક જાતનું ગૌરવ અનુભવાય તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે છે. તમે કોઈ મોટું કામ કરવા જઈ રહ્યા છો, દુનિયા બદલવાની તમારી ફરજ છે એવું કંઈક માનવા માંડો ત્યારે જ તેમાં સક્રિય થઈ શકો છો. સાયન્ટોલોજી નામનો એક પંથ અમેરિકામાં સક્રિય છે. એ પંથમાં ટોમ ક્રુઝ જેવા અનેક નામાંકિત સેલિબ્રિટીઓ જોડાયા હતા. કહેવાય છે કે આ પંથને કારણે જ ટોમ ક્રુઝના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હતું. આ કલ્ટમાં જોડાનારાઓએ ઓન કેમેરામાં કહ્યું છે કે એકવાર એ પંથમાં જોડાવ એટલે તમારું બ્રેઈન વોશ કરીને તમારા સગાં સાથેના દરેક સંપર્ક તોડી નાખવાનું કહેવામાં આવે. તમને એકલા પાડી દેવામાં આવે. કેટલીય વ્યક્તિઓનું શોષણ કરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું છે. શીફુ સંસ્કૃતિ કે સનકૃતિમાં પણ કહે છે કે તમને ફક્ત તમારી જાતને જોતા શીખવાડવામાં આવતું હતું. બીજો કશો વિચાર કરવાનો નહીં પહેલાં પોતાનો વિચાર કરો વગેરે.
માણસોને આમ પણ મળેલા જીવનનો અસંતોષ હોય છે. એ અસંતોષને પકડીને આવા પંથ કે કલ્ટ તેમને સંતોષી થવાનો રસ્તો દેખાડે છે. આમપણ દરેક વ્યક્તિને સુખ, શાંતિ અને સમૃદ્ધિ જોઈતી હોય છે. તેની શોધમાં તે કોઈને કોઈ વ્યક્તિ કે પંથ સાથે જોડાય છે. ક્યારેક તે સાચી હોય તો ક્યારેક તે ખોટી ભ્રમણાઓને પોષે છે. આસારામબાપુ પાસે પણ લોકો એ જ આશાએ ગયા હતાને? અલ કાયદા કે આઈએસઆઈએસ પણ લોકોને જેહાદ કરવાનું કહે છે કારણ કે તેમને જન્નત મળે. જન્નતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. તેમની વિચારસરણીને ન માનનારાઓ નાપાક ગણે. તેમને મારી નાખતા પણ તેઓ ખચકાય નહીં. આસારામબાપુ કોઈ બાળકીનું શોષણ કરતાં ય અચકાયા નહીં. આવા પંથ કે કલ્ટ તમને ગુનાહિતતાનો- પાપનો ડર બતાવીને પણ તાબામાં રાખે. ટૂંકમાં સામ,દામ અને દંડ દરેક માનસિકતાનો ઉપયોગ આવા કલ્ટગુરુઓ કરતાં હોય છે. સુનીલ કુલકર્ણી પણ કહે છે કે હું કોઈને જબરદસ્તીથી મારી પાસે આવવાનું કહેતો નથી. તેમને ઈમોશનલ તકલીફ હોય છે તેથી સલાહ લેવા આવે છે અને તેમને હું સાચો રસ્તો દર્શાવું છું. તેના પર ચાલવું કે ન ચાલવું તે એમની મરજી. કહે છે કે એની આડમાં સુનીલ અનેક બીજા ધંધા ચલાવતો હતો. આસારામજી અને બીજા બાપુઓ, ઓસામા બિન લાદેન હોય કે અન્ય નેતા કે ગુરુઓ પણ આવું કરતા હોય છે.
જ્યારે તેમનો ભાંડો ફુટે ત્યારે જ એનું સત્ય સમજાય છે. બાકી નાના મોટા હજારો આવા કલ્ટ દુનિયામાં ચાલી રહ્યા છે.
0 comments