ટ્રમ્પનામા
23:42
વડાપ્રધાન મોદીએ અમેરિકન પ્રમુખો સાથે મિત્રતાનો વાટકી વ્યવહાર બરાબર જાળવ્યો છે. ટ્રમ્પના ટેન્ટ્રમ વિશે થોડી છણાવટ
રવિવારે હ્યુસ્ટનમાં સતત બોલાયું કે અમેરિકા અને ભારતની લોકશાહીના પાયામાં વી ધ પીપલ છે. અર્થાત ધિક્કારો કે પ્રેમ કરો પણ વડાપ્રધાન અને પ્રમુખ લોકો દ્વારા જ ચૂંટવામાં આવ્યા છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારે લોકોને અમેરિકામાં પરમાણુ બૉમ્બ ફૂટ્યો હોય તેવો આઘાત લાગ્યો હતો. લોકમતથી ચૂંટાઈને આવેલી વ્યક્તિ માટે આટલો ધિકકાર કદાચ વિશ્વમાં પહેલીવાર જોવા મળી રહ્યો હતો. કેટલાક લોકો હજી ઈચ્છે છે કે બાજી પલટાઈ જાય. તેઓ ટ્રમ્પને પ્રમુખ તરીકે જોઈ શકતા જ નથી કે જોવા માગતા નથી. પણ સવાલ એ થાય કે લોકશાહીમાં લોકમતથી ચૂંટાઈને આવેલા ઉમેદવારને તમે કઈ રીતે નકારી શકો? તમને જેમ ટ્રમ્પને વોટ ન આપવાનો અધિકાર હતો તેમ બીજાને વોટ આપવાનો પણ અધિકાર છે. પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા બાદ ટ્રમ્પ માટે સોશિયલ મીડિયામાં અને જાહેરમાં અનેક લોકો ધિકકાર વરસાવી રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પનું વ્યક્તિત્વ એવું છે કે લોકોને તેમના પ્રત્યે ધિક્કાર આવી શકે પણ તો પછી તે ચૂંટાઈને આવ્યા તે પણ એક હકીકત છે જ. એનો અર્થ એ થાય કે લોકોને અભિનય છટા ધરાવતી રફ વ્યક્તિઓ ગમે છે. વિરોધ કરનારાઓ પણ ટ્રમ્પ જેવી અસહિષ્ણુ વ્યક્તિ છે જે બીજાના મતની, વિચારોનો સ્વીકાર કરી શકતી નથી.
આપણે ત્યાંનું ઉદાહરણ જોઈએ તો લાલુપ્રસાદ યાદવને લોકો ભૂલી રહ્યા છે. સત્તાવાર નિવાસસ્થાનમાં ઘરમાં ચડ્ડો પહેરીને દૂધ દોહતો હોય કે મુખ્યમંત્રી પત્ની રાબડી દેવી તેમને ચૂલા પર રોટલી બનાવીને ખવડાવતા હોય તેવો ફોટો પડાવવા તેઓ સદૈવ તૈયાર રહેતા. ગામઠી ભાષામાં લહેકાઓ સાથે બોલે તે લોકોને ગમતું હતું, પછી ભલેને તેણે ગમે તેટલા ગોટાળા કર્યા હોય. તેની રમૂજવૃત્તિ અને બેજવાબદાર વાતો લોકોને મનોરંજન પૂરું પાડતી હતી. લાલુ પોતે પણ આ બાબત સારી રીતે જાણતા હતા એટલે જ વિવિધ રીતના પોઝ આપી શકતા. જે બીજા કોઈ રાજકારણીઓ નહોતા આપી શકતા. અમેરિકાની ચૂંટણીનું પરિણામ નહોતું આવ્યું ત્યારે ભારતમાં અનેક લોકો ઈચ્છતા હતા કે ટ્રમ્પ જીતી આવે તો મનોરંજન મળશે, કારણ કે તાણગ્રસ્ત અને એકઢાળિયા જીવનમાં બદલાવ લોકોને ગમે છે. બીજું મીંઢા રાજકારણીઓ કરતાં તુમાખી ભરેલો ટ્રમ્પ તડફડ કરીને પણ કેટલીક બાબતે નિર્ણય લઈ શકે તેવો વિશ્વાસ પણ તેને મત આપનારાઓમાં હશે. ભારતના લાખો લોકો અમેરિકામાં રહેતા હોઈ અમેરિકા સાથે દરેક ભારતીયને અને ખાસ કરીને ગુજરાતીઓને જ્યાં દરેક કુટુંબમાંથી એકાદું સ્વજન કે સગું તો અમેરિકામાં સ્થાયી થયું જ હોય તેમને ત્યાં કોણ પ્રમુખ ચૂંટાઈને આવશે અને તેના ભારતના વડાપ્રધાન સાથે કેવા સંબંધ રહેશે તેમાં રસ હોય જ. અમેરિકામાં થતા દરેક ફેરફારોની સીધી અસર ગુજરાત પર આ રીતે થતી હોય છે. ટ્રમ્પ બિઝનેસમેન છે અને એટલે જ તે હાઉડી મોદી માટે ટેક્સાસ સુધી લાંબો થયો. ટેક્સાસમાંથી નીકળતું કુદરતી પેટ્રોલિયમના આપણે ખરીદદાર છીએ.
ડોનલ્ડ ટ્રમ્પ સફળ અને ધનિક બિઝનેસમેન છે પણ તેને નાટક કરતાં સારું આવડે છે તે અનેકવાર અમેરિકન મીડિયામાં લખાઈ ચૂક્યું છે. એટલે જ કેટલાક લોકો મનોરંજક તરીકે ટ્રમ્પને જુએ છે. પણ હવે અમેરિકન પ્રજાને પ્રમુખ તરીકે મનોરંજક વ્યક્તિ નથી જોઈતી. જ્યારે કોઈપણ રાજકારણી દેશના ઉચ્ચ પદે પહોંચવાની ઉમેદવારી કરતો હોય ત્યારે તેના વર્તન અને વિચારનું લોકો ખૂબ બારીકાઈપૂર્વક નિરીક્ષણ કરતા હોય છે. ડોનલ્ડ ટ્રમ્પનું આખુંય કેમ્પેન જૂઠના પાયા પર થયું હતું, તે બડાશ મારવા માટે પ્રખ્યાત છે તે સૌ કોઈ જાણે છે. અને જેઓ ન જાણતા હોય તેઓ છેલ્લા ચારેક વરસમાં તેમના વક્તવ્યો અને વર્તનથી અહંકારી, છાકટો પુરુષ છે તે જાણી જ ગયા છે. તે છતાં તે ચૂંટાઈને આવ્યો તેની પાછળ અનેક ગણતરી છે તેનામાં બિન્દાસપણું છે જે રાજકીય રીતે જરૂરી કેટલાક નિર્ણયો લેવા માટે ઉપયોગી થઈ શકે એવું અમેરિકન પ્રજાને લાગ્યું. પછી તે ત્રાસવાદ હોય કે આર્થિક બાબત હોય કે આગળના પ્રમુખોએ કરેલી ભૂલોનો સિલસિલો હોય. જ્યારે હિલેરી ક્લિન્ટન પોતાના અંગત જીવનમાં પણ ક્યારેય આંદોલનકારી નિર્ણયો લઈ શક્યા નથી તે જગજાહેર છે. ટ્રમ્પે સ્ત્રીઓ સાથે કરેલો વ્યવહાર અને તેના વિચારો આધુનિક દુનિયામાં અમાન્ય હોવા છતાં પૌરુષીય ઓરા ઊભો કરે છે. અગ્રેસીવ પૌરુષીય આભા પુરુષોને તેમ જ સ્ત્રીઓને આજે પણ ગમતી જ હોય છે. તેનાં ત્રણ લગ્ન થયા છે તેમાં તેની સફળતા અને પૈસા જવાબદાર ન હોય તો સ્ત્રીઓને આકર્ષી શકે તેવું પુરુષત્વ તો તેમનામાં હશે જ તે સાબિત થાય છે. બાકી તેના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો જે લોકોને નથી ગમતું તે એના વ્યક્તિત્વમાં કશુંક અનરિયલ એટલે કે વિશ્વાસપાત્ર લાગી શકે એવા સહાનુભૂતિપૂર્ણ વ્યક્તિત્વનો અભાવ છે, જે એક નેતા માટે જરૂરી હોય છે.
ટોમ ગ્રિનીફ નામના સ્કોટલેન્ડના એક જમીનમાલિક પાસેથી લકઝરી ગોલ્ફ રિસોર્ટ બાંધવા માટે જમીનનો સોદો કરવા બેઠો તે વિશે વાત કરતા ટોમ કહે છે કે ટ્રમ્પ ભાવતાલ અને વાટાઘાટ કરવામાં ખૂબ ચીકણો છે. નાનામાં નાનો મુદ્દો પણ તે જવા દઈ શકે નહીં. ક્યારેક તો એવું લાગતું કે સામે બેસેલી વ્યક્તિ ડોનાલ્ડ ટ્રમ્પનું પાત્ર ન ભજવતો હોય. આવી જ વાત ધ ન્યૂયોર્કર નામે તેની આત્મકથા લખનાર માર્ક સિંગર કહે છે તેને પુસ્તક લખતી વેળા પ્રશ્ન થયો હતો કે જાહેરમાં ડોનલ્ડ ટ્રમ્પ જે હોય છે તેવો જ શું તે પોતાની સાથે એકાંતમાં હોય છે કે પછી ત્યારે તે પહેરેલો મુખવટો ઊતારી દે છે. તેણે ટ્રમ્પને પૂછ્યું કે સવારે દાઢી કરતી સમયે તમારી જાતને આયનામાં જુઓ ત્યારે શું વિચારો? સિંગરને આજ સુધી તેનો જવાબ નથી મળ્યો. તેણે સવાલ ફેરવીને પૂછ્યો કે ટ્રમ્પ પોતાની કંપનીને (જાત સાથેના એકાંતને) માણે છે? તો સામે ટ્રમ્પે સવાલ પૂછ્યો કે તમે એમ પૂછવા માગો છો કે મારો સાથ કેવો હોય છે? અર્થાત્ ટ્રમ્પ દેખાડાનો માણસ છે કે તે ખરેખર કેવો છે તે જાણવું અઘરું છે અથવા તે હંમેશા બનાવટી મહોરું પહેરીને જ જીવે છે. એ શું વિચારે છે? તેનું ચરિત્ર કેવું છે તે સરળતાથી કોઈ કહી શકે તેમ નથી. તે કંઈપણ કરી શકે છે એવી છાપ લોકોમાં છે. તે જે બાબતમાં ન માનતો હોય તેનો ખુલ્લો અસ્વીકાર કરે. પછી ભલેને બીજા સાચા જ કેમ ન હોય. તે અસહિષ્ણુ છે તેનો વિરોધ કરનારાને ઉતારી પાડી શકે. જેમ કે તેણે પ્રચાર વખતે પોતાના વિરોધીઓને ધક્કે ચઢાવવાની વાત જાહેરમાં કરતા ખચકાટ ન થયો કે એક પત્રકારને મુક્કો મારી દેવાનું મન થયું તે કહેતાં પણ અફસોસ ન થયો. તેનું વર્તન રિઆલિટી ટીવી માટે બરાબર છે પણ રાજકારણી તરીકે જેણે લોકોનો વિશ્વાસ જીતવાનો હોય તો તે યોગ્ય નથી.
આ બધું છતાં તેના માટે કહેવાય છે કે પોતાના કુટુંબ માટે તેને ખૂબ પ્રેમ છે અને બોસ તરીકે પણ તેના વિશે કહેવાય છે કે ઓફિસમાં તે ઉદાર અને મુક્ત વિચારધારાવાળો હોવાનું કહેવાય છે. શક્ય છે પ્રમુખ તરીકે તે કંઈક જુદું કરી બતાવશે એવી આશા લોકો સેવી રહ્યા છે. રાજકારણની ઊંડી વિદ્વત્ત ચર્ચા કરનારાઓ પણ ટ્રમ્પને પ્રમુખ બનતા રોકી શક્યા નથી. પોતાની રિપબ્લિકન પાર્ટીમાં પણ તેના વિરોધીઓ હોવા છતાં તેને અટકાવી શકાયો નથી તેનું કારણ છે પરિણામની પરવા કર્યા વિના તે પોતે જે માને છે તેના પર તે અડીખમ ઊભા રહેવાની તુમાખી પોષી શકે છે.
0 comments