વિગન એટલે શુદ્ધ શાકાહારી ખરા પણ તેમાં ય પ્રાણીજન્ય કોઈપણ ખોરાક ન ચાલે. શાકાહારી વ્યક્તિઓ માંસાહાર ન જ કરે પણ તેઓ દૂધ અને દૂધની બનાવટની કોઈ જ વસ્તુ ન ખાય. વનસ્પતિજન્ય ખોરાક જ તેઓ આરોગે.
જાગૃતિ ફડિયા - ચાર્ટડ અકાઉન્ટન્ટ, બિઝનેસ વિમેન અને કવિયત્રી પણ ખરા. જાગૃતિ ફડિયા ફક્ત સવા વરસથી જ વિગન જીવન પદ્ધતિ અપનાવી છે. એ પહેલાં તેમણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેઓ કદી વિગન બનશે. જાગૃતિ કહે છે કે વિગન એટલે શું તે મને ખબર હતી પણ લોકો બીપી, કોલસ્ટ્રોલ કે ડાયાબિટિસ જેવા રોગ હોય તો વિગન પદ્ધતિ અપનાવે છે એવી મારી સમજ હતી. અહિંસક બનવા માટે વિગન બનવાનો મારા મનમાં જરાપણ ખ્યાલ નહોતો. મારી દીકરી ખુશાલી ઓસ્ટ્રેલિયામાં માસ્ટર્સ કરવા ગઈ હતી અને તેણે વિગન વિષય પર સંશોધન કરવાનું નક્કી કર્યું. એ દરમિયાન એ વિગન બની અને તેણે મને શું કામ વિગન બનવું જોઈએ તે સમજાવ્યું. દૂધ મેળવવા માટે ડેરી ગાય પર કેવા અત્યાચાર કરે છે તેની ડોક્યુમેન્ટરી બતાવી વગેરે. મારા પર અસર એવી થઈ કે મેં તત્ક્ષણ વિગન બનવાનું નક્કી કર્યું. મારી દીકરીએ સમજાવ્યું કે આપણે દૂધની બનાવટનો ત્યાગ કરવા સિવાય ખાસ કશું જ બદલવાનું નથી. બસ મને પણ લાગ્યું કે મારાથી એ બની શકશે. આપણું ઘરનું ભોજન કે ભારતીય ભોજનમાંથી ઘી, દૂધ, દહીં, પનીર કાઢી નાખીએ તો અનેક એવી વાનગીઓ છે જે ખાઈ શકાય છે. લોકો કહે કે કેલ્સિઅમની ઉણપ લાગે તો આમ પણ પચાસ વરસ પછી મોટાભાગે દરેક કેલ્સિઅમની ગોળીઓ ખાતા જ હોય છે. અને શાકાહારીઓ માટે બી ૧૨ તો ઉપરથી જ લેવું પડે. એ હું લઉં છું.
મારી બન્ને દીકરીઓ વિદેશ છે એટલે ઘરમાં અમે બે પતિ-પત્ની રહ્યા. હું વિગન થઈ એટલે મારા પતિ કેતન પણ વિગન બની ગયા. બીજી દીકરી શેફ છે. એના વ્યવસાયમાં તો એણે માંસાહારી વાનગી બનાવવી પડતી અને ચાખવી પણ પડે એટલે તે માંસાહારી બની ગઈ હતી પણ હવે તે પણ વિગન ખોરાક જ ખાય છે.
ઘરમાં તો ક્યારેય અમને તકલીફ થઈ નથી. હું દરેક વાનગી વિગન બનાવતા શીખી, પણ બહાર કોઈના ઘરે જઈએ ત્યારે તકલીફ થાય. મને કોઈને તકલીફ આપવી ગમે નહીં એટલે ચમચી ખાઈ લઉં કે ઓલ્ટરનેટિવ શોધી લઉં. મારો કોઈ આગ્રહ નથી હોતો કે બીજાએ પણ વિગન બનવું જોઈએ. દરેકને તેમની પસંદગીથી જીવવાનો અધિકાર છે. એટલે મારા ઘરે મહેમાન આવે તો તેમને બહારથી જે ખાવું હોય તે મંગાવી આપું. દહીં, દૂધ કે બટર પાઉં ભાજી વગેરે બહાર હોટલમાં જમવામાં કોઈ તકલીફ ન થાય. હોટલવાળાને કહી દેવાનું બટર કે ઘી વિનાની વાનગી બનાવે. ઈડલી,ઢોસા, ચટણી, સાંભાર તો ખાઈ જ શકાય. પ્લેઈન રોટી મળે જ. શાક પણ બટર, પનીર વિનાનું હોઈ શકે. કંઈ નહીં તો દાળભાતતો મળીજ રહે. પણ હવે મુંબઈ જેવા શહેરમાં જાગૃતિ આવી છે. અનેક વિગન હોટલો છે અને સાદી હોટલવાળા પણ કેટલીક વાનગી વિગન રાખતા થઈ ગયા છે. આઈસ્ક્રિમ પણ વિગન મળી રહે છે મુંબઈમાં. પેલો પોપ વિગન આઈસ્ક્રિમ મને ગમે છે. નહીં તો ઓરેન્જ કે મેંગો જેવા વોટર બેઝડ આઈસ્ક્રિમ ખાઈ જ શકાય છે. આહારવેદા અને અર્થલિન્ક મારી ફેવરિટ વિગન રેસ્ટોરન્ટ છે.
અતુલ દોશી - ચાર્ટડ અકાઉન્ટન્ટ અને ફાયનાન્સિઅલ સેકટરમાં કામ કરે છે. અતુલભાઈ કહે છે કે તેઓ જૈન હોવાથી અહિંસામાં તો માનતા જ હતા. પણ ક્યારેય વિચાર્યું નહોતું કે ગાયનું કે ભેંસનું દૂધ પણ હિંસક હોઈ શકે. તેમના પર અત્યાચાર થાય એ ભારતીય તરીકે ક્યારેય વિચાર્યું જ નહોતું. પાંચ વરસ પહેલાં મને એના વિશે વિગતે માહિતી મળી ત્યારથી મેં દૂધ અને તેની બનાવટો ભોજનમાં લેવાનું બંધ કર્યું. મારા પત્ની માટે એ સ્વીકારવું સહેલું નહોતું. તેમનું કામ વધી જતું હતું. વળી ભારતીય અને જૈન હોવાને કારણે તેને આ વિગન વાળી વાત ગળે નહોતી ઉતરતી. આપણે વરસોથી શાકાહારી છીએ અને જૈન હોવાને કારણે કાંદા, લસણ અને બટાટા પણ નથી જ ખાતા. મારા માટે તો દૂધની બનાવટ એક વધુ નિષેધ બની. ધીમે ધીમે મારી પત્નીએ પણ સ્વીકારી લીધું અને તે પોતે પણ વિગન બની. મારી બે દીકરીઓ અને જમાઈ પણ વિગન બની ગયા. હા, મારા માતાપિતાની ઉંમર વધુ છે અને હવે આ ઉંમરે તેમની જીવનપદ્ધતિ બદલાવવી શક્ય નહોતું. એટલે તેમના પૂરતું દૂધ, દહીં ઘરે આવે. અમે બહાર જમવા જતા નથી. મારા પત્ની વિગન બન્યા બાદ ઘરે જ વિગન આઈસ્ક્રિમ અને કેક બનાવીએ છીએ. વિગન દહીં, છાશ પણ ઘરે બને છે. બહારગામ જઈએ કે કોઈના ઘરે જઈએ તો દાળ, ભાત, રોટલી શાકતો મળી જ રહે. કઢી હોય તો શાક અને ભાત ખાઈએ. ચા તો ગ્રીન ટી સાથે જ લઈ જઈએ. આ પહેલાં હું દૂધવાળી ચા ખૂબ પીતો હતો. પણ વિગન બન્યા બાદ નથી પીતો તો ચાલે જ છે. ટોટલી અહિંસક બન્યાનો આનંદ એટલો છે કે કોઈ તકલીફ લાગતી જ નથી.
ધ્રુવ સોલંકી - ફાયનાન્સિઅલ કન્સલન્ટન્ટનો વ્યવસાય કરતાો ૨૯ વર્ષિય ધ્રુવને હેલ્થની સમસ્યા હોવાથી ૨૦૧૫ની સાલથી વિગન બન્યો. એ વિશે વિગતે વાત કરતાં ધ્રુવ કહે છે કે ૨૦૧૫ પહેલાં મારું વજન ૮૬ કિલો હતું અને મને કબજીયાતની સમસ્યા હતી. અનેક ડોકટરોને મળ્યો, કેટલીય દવાઓ કરી પણ મારી સમસ્યાને કોઈ સમાધાન મળતું નહોતું. તે સમયે મને એક ડોકટર મળ્યા તેમણે કહ્યું કે તને કોઈ દવાની જરૂર નથી પણ તારે જમવામાં દૂધઅને દૂધની બનાવટ બંધ કરવાની જરૂર છે. અને એ માટે તારે પ્રયત્ન કરવો પડશે. મારી પાસે ફરી વખત આવવાની જરૂર નથી કારણ કે કોઈ દવા તને અસર કરતી નથી. મારા માટે આ છેલ્લો ઉપાય હતો. મરતા ક્યા ન કરતા એટલે મેં વિગન થવાનું નક્કી કર્યું. એમાં સૌથી મોટી સમસ્યા હતી ઘરના લોકોને અને મિત્રોને સમજાવવા. મારા મમ્મીને જમવાનામાં ઘી અને દૂધ નાખવાની ના કહી તો કહે એમાં શું આટલા વરસોથી ખાતો હતો તે ખાઈ લે. પણ મેં મન મક્કમ કરી લીધું હતું એટલે કહી દીધું કે દૂધ, દહીં, ઘી કે પનીરવાળું હું નહીં જ જમું. ત્યારબાદ તેમણે પણ મને મદદ કરવા લાગી. મિત્રો સાથે બહાર જાઉં ત્યારે શરૂઆતમાં મિત્રો મજાક ઉડાવતા હતા. પછી એમને સમજાયું કે હું મક્કમ છું તો ઈગ્નોર કરવા લાગ્યા અને હવે કેટલાક મિત્રો તો મારી સલાહ લે છે વિગન બનવા માટે. શરૂઆતમાં ત્રણ મહિના કર્યા બાદ મારી વરસો જૂની કબજિયાતની સમસ્યા દૂર થઈ એથી ઘરના લોકો પણ વિગન બનવાના મારા નિર્ણયને મદદરૂપ બનવા લાગ્યા. મારું વજન પણ ઉતરી ગયું અને આજે હું ૬૫ કિલોનો જ છું. વિગન બનવાથી મને નવું જીવન મળ્યું છે એવું કહી શકાય. બાકી ખાવામાં હું કશું જ ગુમાવતો નથી. આપણા ઘરોમાં બનતું બધું જ દાળ, ભાત, રોટલી, શાક ખાઈ શકું છું. બહાર જાઉં તો પણ ખાસ વાંધો નથી જ આવતો અને હવે તો દસેક વિગન રેસ્ટોરાં મુંબઈમાં છે. રેર અર્થ ખારમાં આવેલી રેસ્ટોરાં મારી ફેવરિટ છે. દરરોજ હું જુદી જુદી જાતના દૂધ અને સ્મૂધી જાતે બનાવીને પીવું છું. હા એ બધું જ પ્લાન્ટ બેઝ્ડ હોય. સનફ્લાવર સિડ્સ, સોયા, આલમન્ડ, કોકોનટ એમ મારી પાસે દૂધની અનેક પસંદગી આજે છે. સૌથી મોટી વાત એ કે હું સ્વસ્થ છું. એનર્જી મારી આખ્ખો દિવસ જળવાઈ રહે છે. અને હવે તો બીજાને વિગન બનવા માટે પ્રેરિત કરું છું. વર્કશોપ કરું છું.
કુંતલ જોશીઅર - ૨૦૦૧ની સાલમાં કુંતલ અમેરિકા કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સ કરવા ગયો ત્યારે હું ફક્ત શાકાહારી હતો, વિગન નહોતો. વાચકોની જાણ ખાતર વિગન પદ્ધતિમાં વ્યક્તિ સંપૂર્ણ શાકાહારી હોય છે એટલે કે તે પ્રાણીજન્ય કોઈપણ પ્રકારનો ખોરાક લેતી નથી. વિગન જીવન પદ્ધતિમાં દૂધ કે તેની બનાવટની કોઈપણ વસ્તુનો આહારમાં નિષેધ કરવામાં આવે છે. હું જ્યારે અમેરિકામાં પહોંચ્યો ત્યારે સાથે ભણતા સહાધ્યાયીએ તેને સવાલ કર્યો કે ડેરી પ્રોડક્ટસ માટે જેટલી ક્રૂરતા આચરવામાં આવે છે તેનો તને વાંધો ન હોય તો તારી જાતને શાકાહારી કઈ રીતે કહી શકે? બસ મારા ગળે તે વાત ઉતરી ગઈને વિગન બનવાનું નક્કી કર્યું. ત્યારબાદ અમેરિકામાં નોકરી કરતો હતો ત્યારે ખબર પડી કે મારા પિતાને ડિમેન્શિયાનો રોગ(મગજના આ રોગમાં માણસની વિચાર કરવાની શક્તિ ધીમે ધીમે ખતમ થઈ જાય છે અને વ્યક્તિ રોજબરોજના કામ પણ કરી શકતી નથી.) લાગુ પડ્યો. એકનો એક દીકરો હોવાને કારણે મેં મુંબઈ પરત આવવાનું નક્કી કર્યું. એવરેસ્ટ માટે લોકોએ મને ઈંડા, માંસ ખાવાની સલાહ આપી હતી. પણ ખરું કહું તો વિગન હોવાને લીધે તેને કોઈ તકલીફ ન પડી. થેપલા, ઉપમા અને પૌંઆએ મને એવરેસ્ટ સર કરવાની શક્તિ આપી. પછી તો મારા શેરપા કુક સાથે મળીને વિગન પિત્ઝા, બર્ગર, કેક બનાવતાં શીખી લીધું. અને હવે તો લોકો જાગૃત થયા હોવાથી વિગન રેસ્ટોરાં મુંબઈમાં મળી રહે છે. અર્થ કેફે અને ચાપ કી છાપ એ બે ગમતી વિગન રેસ્ટોરાં છે. આજે મારા ઘરમાં લગભગ બધા જ વિગન છે. અને ઘરે વિવિધ વિગન વાનગીઓ બને જ છે. મને પણ કાજુ, શીંગ, કોપરા વગેરેના દૂધમાંથી દહીં અને અન્ય પદાર્થોમાંથી વિગન વાનગીઓ બનાવતા આવડે છે. શરૂઆતમાં કોઈના ઘરે મહેમાન બનીને જતો ત્યારે તકલીફ થતી પણ બીજાને તકલીફ ન આપવી ગમતી હોવાથી તે કોઈ આગ્રહ ન રાખતો. તેમની પસંદગીનો આદર કરતો એટલે પછી ધીમે ધીમે લોકો મારી પસંદગીનો આદર કરતા થયા. હું લોકોને કહેતો કે મારે માટે કંઈ ખાસ લાવવાની જરૂર નથી બસ ઘરે જે બનાવો તેમાં ઘી,પનીર કે દૂધ-દહીં ન હોય તો મને ચાલશે.
કુંતલ ભારતની એવી પહેલી વ્યક્તિ છે કે જેણે નોર્થ અને સાઉથ બન્ને તરફથી એવરેસ્ટ સર કરનાર પ્રથમ વિગન છે.
- 21:33
- 0 Comments