ઇરાની ચા અને બન મસ્કાનો આનંદ ઇતિહાસને સંગ

21:38







તળ મુંબઈમાં જાઓ તો જાણે જૂના મુંબઈમાં આવી ગયા હો તેવું ચોક્કસ મહેસૂસ થાય. મુંબઈ નગરી સો વરસ પહેલાં કેવી હતી તેની કલ્પના કરવાનું અહીં સરળ થઈ જાય છે. તેમાં પણ વીટી સોરી લોકમાન્ય ટિળક ટર્મિનસથી ધોબીતળાવ આવો તો રસ્તા પર આવતા દરેક મકાનો એક ઈતિહાસ કહી રહ્યા હશે જો સાંભળી શકાય તો. ધોબીતળાવ  પર આજે તો રસ્તાનું જંકશન છે પણ એક જમાનામાં અહીં ધોબીઓ તળાવમાં કપડાં ધોતા હતા. બાજુના રસ્તા પરથી ઘોડા ગાડી અને ટ્રામ પસાર થતા હતા. મોટા મેદાન અને જમણે દરિયો જોઈ શકાતો હતો. સોએક વરસ પહેલાં ત્યાં મકાનો બનવા લાગ્યા અને દરિયો દેખાતો બંધ થયો. તળાવ પણ પૂરાઈ ગયું. મેટ્રો સિનેમાએ પણ નવા કલેવર ધારણ કર્યા છે તેની બરાબર સામે પીપલ્સ ફ્રી રિડિંગ રૂમ અને લાયબ્રેરી છે તો લાયબ્રેરીની સામે ક્યાની એન્ડ કું  છે. પહેલાંના જમાનાના પથ્થરના ચારેક ઊંચા પગથિયા ચઢવા ઉતરવા પડે અને તે પગથિયા ઉપર એક દોરડું લટકતું હોય તે પકડીને તમે ચઢી કે ઉતરી શકો. પહેલાંના જમાનામાં દુકાનમાં ચઢવા ઉતરવા માટે આવું દોરડું લટકાવાતું તે કેટલાયને ખ્યાલ નહીં હોય. પરાંમાં રહેનારા પૂછશે કેવી રીતે ત્યાં પહોંચવાનું તો ચર્ચગટે કે મરિન લાઈન્સથી મેટ્રો પહોંચી શકાય. મધ્ય રેલ્વે દ્વારા વીટી થઈને મેટ્રો પહોંચી શકાય. 
દક્ષિણ મુંબઈમાં મેટ્રોની સામેના કોર્નર પર આવેલી કયાની બેકરીમાં વારંવાર જનારા છે. અને જો તમે એકેવાર ગયા હો તો ચોક્કસ એક વાર જવું જોઇએ. ઊંચા ઓટલાવાળી અંગ્રેજોના જમાનાની આર્કિટેકચર ધરાવતી કયાની રેસ્ટોરા કમ બેકરીપહેલી નજરમાં દિલને સ્પર્શી જાય.  તમે ગમે ત્યારે જાઓ ટેબલ ખાલી મળે તો નસીબ તેમાં પણ સાંજના વધુ ભીડ હોય છે. ટિપિકલ ઇરાની રેસ્ટોરાં હવે મુંબઈમાંથી લુપ્ત થઈ રહી છે. કયાની બેકરીને ૧૧૫ વરસ થયા. ૧૯૦૪ની સાલમાં ખોદામર્દ મેર્ઝબાને શરૂ કરી હતી. ત્યારબાદ ૧૯૫૯માં ઈરાનથી આવેલા અફલાતુન શોકરીએ સંભાળી અને હાલમાં ફરોખ શોકરી સંભાળી રહ્યા છે. 
અનેક ફિલ્મો અને એડર્વટાઈઝના શૂટિંગમાં તમે બેકરી જોઇ હશે. આજે પણ બેકરી દેશવિદેશના લોકોમાં લોકપ્રિય છે. ઇરાની રેસ્ટોરાંમાં હોય તેમ ગોળ ટેબલને તેની ફરતે ગોળ લાકડાની ખુરશી. ઊંચી સિલિંગ.  સવાર ,સાંજ મોટાભાગના ટેબલ ભરેલા હોય. જો કે દરેક ટેબલની સામે આવેલા પીલર પર સફેદ કાગળ પર લખેલું વાંચી શકાય છે કે તમે એકલા હો કે બેકલા પણ થોડા ઉદાર થઈ જગ્યા શેઅર કરી શકાય. હોટલમાં ભાગ્યે તમને એક ટેબલ પર એક કે બે વ્યક્તિ જોવા મળશે. 
 વળી દરેક ટેબલ પર  મોટેભાગે ચા અને બનમસ્કાતો હોય .  ઈરાની રેસ્ટોરન્ટ છે એટલે નોનવેજ તો મળે એને માટે  પ્રખ્યાત પણ છે. પરંતુ શાકાહારીઓ પણ રેસ્ટોરન્ટમાં આવે છે.  રેસ્ટોરાંની વુડન બેકરીમાં તાજા બનતા ગરમાગરમ બન કે ખારીની સાથે ઇરાની મસાલા ચા કે પછી સાદી ચા પીઓ અને જો સાથે કંપની સારી હોય તો બસ વગર વરસાદે તમે તરબતર થાઓ તો નવાઈ.  કેટલાય પારસીઓ અને અન્ય પણ મોટેભાગે અહીં સાંજે અડ્ડો જમાવીને બેઠા હોય. કેન્ટીન જેવું ફીલ કરાવતી રેસ્ટોરાંમાં બીજી અનેક વાનગીઓ મળે છે.  તમારે ટ્રાય કરવી હોય તો પાલક ચીઝ પેટીસ ખાઈ શકાય. પેટીસ એટલે અહીં મેંદાના પડવાળી બેક કરેલી પેટીસ મળશે. પફનો એક પ્રકાર સમજો. એનો સ્વાદ ખરેખર દાઢમાં રહી જાય એવો છે. ચીઝ બહુ નહીં બસ સ્વાદ પુરતું અને પાલક સાથે ક્રિસ્પી મેંદાનું પડ. દરરોજ તાજી બનતી પેટીસમાં કેટલીક વરાયટી પણ ખરી. ચીઝ ખાવું હોય તો વેજ પેટીસ પણ મળે અને બટાટા પેટીસ, સમોસા પણ મળે, પરંતુ વેજ કે ચીઝ પાલક પેટીસ ટ્રાય કરજો. સેન્ડવિચ તો ખરી   પણ ત્રીસ રુપિયામાં ચા અને વીસેક રૂપિયામાં બન મસ્કાતો ખાવા જોઇએ. તમે જો સ્વાસ્થય માટે સજાગ હો તો ગ્રીન ટી પણ અહીં સસ્તા ભાવે મળે છે. ચા પછી પુડિંગ પણ ખાવા જેવું હોય છે. તાજું ગરમાગરમ પુડિંગ અંગ્રેજોના જમાનાની યાદ અપાવી દેવા માટે પુરતું છે.  પુડિંગ સિવાય ફીરની અહીં મજેદાર છે. ઓછી સાકર અને મધ્યમ ઠંડી કેસર યુક્ત ફીરની યમ્મી છે. ભોજન કરવું હોય તો પારસી વાનગી ધાનશાક અને રાઈસ ખાઈ શકો અથવા ધાનશાકને પાઉં સાથે ખાઈ શકો છો. મિક્સ દાળ અને શાક નાખીને ધાનશાક બને છે. શાક તેમાં એકરસ થઈ ગયું હોય છે. હા તેમાં કાંદા નાખવામાં આવે છે. એટલે કાંદા ખાતા હો તો બનમસ્કા, ચા અને અન્ય વાનગીઓ ટ્રાય કરી શકો. ટૂંકમાં ફક્ત ચા અને નાસ્તો નહીં ભોજન પણ અહીં મળે છે અને ખાનારા ખાય છે પણ નોસ્ટાલાજિઆ માટે આવનારા અહીં ચા-બનમસ્કા અને છેલ્લે રાસબેરી કે સોસિયો પીએ છે. 
 ઇરાની રેસ્ટોરાંમાં બેસવાનો અને ઇરાની ઢબની ચા પીવા માટે અનેક ક્રિકેટરો અને ફિલ્મી હસ્તીઓ પણ અવારનવાર આવે છે. સ્વ.પેઇન્ટર એમ એફ હુસેન અને શશીકપુરની ફેવરિટ રેસ્ટોરન્ટ હતી.  એમ એફ હુસેન અહીં આવતા ત્યારે ચા અને ખારીનો ઓર્ડર આપતા.  ક્યાનીની પોતાની બેકરી હોવાથી ખારી, પાઉં, બન વગેરે તાજા મળે છે. ફિલ્મ ધોબીઘાટમાં પણ રેસ્ટોરન્ટ ચમકી ગઈ છે તો અનેક એડર્વટાઈઝમાં તમે રેસ્ટોરન્ટ જોઈ છે.  ઇરાની ચાના મસાલામાં ગરમ તેજાના મસાલા હોય એટલે ગુજરાતીઓને ભાવે. પણ સાદી ચામાં પાણી ઊકાળેલું હોય તેમાં દૂધ રેડીને ચા બનાવી આપે તેનો સ્વાદ જરાક હટકે  એટલે કે ટિપિકલ ઈરાની હોટલનો હોય. રોમેન્ટીક ડેટ હોય કે પછી મિત્રો સાથે મનગમતી સાંજ વિતાવવી હોય તો કયાની ઇઝ બેસ્ટ પ્લેસ.... અને જો ચા પીવી હોય તો સોસયો જે ફક્ત ઇરાની રેસ્ટોરન્ટમાં મળે તે પીવાનો આનંદ માણવો હોય તો અહીં જવું પડશે. સોસયો કોલ્ડડ્રીન્ક છે. તેનો ફ્રુટી ટિપીકલ સ્વાદ પીઓ તો જાણો. ફક્ત સો કે બસો રૂપિયામાં બે જણા પેટભરીને ચા-નાસ્તો કે ભોજન કરી શકે. વળી ઈતિહાસમાં વિહરવા માટે જૂની મુંબઈના ફોટાઓ દિવાલ પર લટકાવ્યા છે. ઈતિહાસમાં ફરવાનો કોઈ કિંમત નથી. વહેલી સવારના નાસ્તો કે મોડી સાંજના ચા પીવાનો આનંદ લેવા અવારનવાર અહીં આવી શકાય.   સવારના 6.45થી સાંજના 8.45 સુધી બેકરી કમ રેસ્ટોરાં ખુલ્લી રહે છે. 




You Might Also Like

0 comments