શૃંગારિક સાહિત્યમાં લખાઈ રહ્યાં છે નવાં પ્રકરણ.....હેં ! ખરેખર?

04:19

 







ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેની લેખિકા એરિકા મિશેલ ઉર્ફે એલ જેમ્સની જેમ ભારતમાં પણ હવે સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓ માટે ઈરોટિકા લખાય છે. એવું મનાય છે કે ફ્રેન્ચ લેખિકા અનાઈસ નીન દુનિયાની પ્રથમ સ્ત્રી છે કે જેણે ઈરોટિકા લખવાની શરૂઆત કરી. અનાઈસ નીને પોતાની ડાયરીઓમાં પોતાના અંગત સંબંધો વિશે પણ કોઈ છોછ વગર લખ્યું છે. તેનું અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. અત્યાર સુધી ભારતમાં પણ અંગ્રેજી ભાષામાં   ઈરોટિકા લખાઈ રહી હતી પણ હવે અન્ય ભાષાઓમાં પણ તે લખાઈ રહી છે. એમાંથી કેટલીક લેખિકાઓ હિંમત હોય તો પોતાનું સાચું નામ આપીને લખે છે તો કેટલીક લેખિકાઓ છદ્મ નામે લખે છે. તેનું કારણ છે કે આપણા સમાજની માનસિકતા હજુ પણ બદલાઈ નથી. આજથી પચાસ વરસ પહેલાં પ્લેબોય અને ડેબોનેર જેવા સામયિકો પુરુષો ખાનગીમાં વાંચતા. તેમાં પુરુષોને ધ્યાનમાં રાખીને જાતીય વાર્તાઓ, લેખો અને ફોટાઓ પ્રગટ થતાં.  હવે ઈન્ટરનેટના જમાનામાં આવા પુસ્તકો કે સામયિકો આઉટડેટેડ થઈ રહ્યા છે. સ્ત્રીઓ દ્વારા દરેક ક્ષેત્રે પહેલ થઈ તો દરેક વ્યક્તિ જે જાતીય ઈચ્છાને અનુસરે છે તે ક્ષેત્રમાં પણ ચીલો ચાતવાની શરૂઆત થઈ રહી છે. ઓડિયોબુક સ્ટ્રીમિંગ અને વ્હિસપર ઈન  ડાર્ક જેવા ઓડિયો પ્લેટફોર્મ સ્ત્રીઓ દ્વારા ચલાવાઈ રહ્યા છે. ઓડિયોબુક સ્ટ્રીમિંગના એડિટર સાંઈ તાંબેએ અભ્યાસ કર્યો તો જણાયું કે ઈરોટિકા ફક્ત પુરુષોને ધ્યાનમાં રાખીને લખાઈ છે. 

હવે તો વ્હોટસએપ્પ ઉપર સ્ત્રીઓના ગ્રુપમાં પણ ડબલ મિનિંગના જોક્સ ફોરર્વડ થાય છે. જો કે તેમાં સ્ત્રી કેન્દ્રિત જોક્સ પણ હવે બને છે જેની નોંધ હજુ સમાજશાસ્ત્રે લેવાની બાકી છે


જો કે સ્ત્રી લેખકો દ્વારા ઈરોટિકાનું માધ્યમ ભારતમાં નવું નથી. વરસો પહેલાં  ઈસ્મત ચુગતાઈ(લિહાફ ૧૯૪૨) અને કૃષ્ણા સોબતી (સુરજમુખી અંધેરે કે-૧૯૯૦) જેવા લેખિકાઓએ  સ્ત્રીની જાતીયતા અને ઈચ્છા અનિચ્છા વિશે વાર્તા લખવાની હિંમત કરી હતી. ત્યારે પણ તેમની આલોચના થઈ હતી. ઈસ્મત ચુગતાઈ ઉપર તો અશ્લીલ સાહિત્ય લખવા માટે કેસ પણ થયો હતો અને તેમની વાર્તાઓ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો હતો. બધું છતાં હજુ આજે પણ સ્ત્રીની જાતીયવૃત્તિ વિશે સ્ત્રીઓ દ્વારા ઘણું ઓછું લખાય છે. શું કામ લખવું જોઈએ તેવા સવાલો હજુ પણ થઈ શકે છે. એને આગળ લેખમાં તપાસીશું. 


સ્ત્રીના મનોજગતને લઈને સ્ત્રીઓ દ્વારા દરેક ક્ષેત્રમાં પોતાની વાત સ્પષ્ટપણે રજૂ કરવાની હિંમત આવી છે.  જમાનો બદલાય છે એમ સ્ત્રીનું વિશ્વ વિસ્તરી રહ્યું છે ખરું પણ તેને લક્ષ્મણ રેખામાં બાંધવાના પ્રયાસો જરૂર થાય છે. સ્ત્રી જ્યારે પણ તેના સ્વાતંત્ર્યની સીમાઓ વિસ્તારે છે ત્યારે તેને હદપારનું લેબલ ચોંટાડી તેની આલોચના કરવામાં આવે છે.  તે છતાં  કેટલીક એવી સ્ત્રીઓ હોય છે કે જે ચીલો ચાતરવાનો પ્રયત્ન કર્યા વિના રહી શકતી નથી.  હેટ સ્ટોરી સિરિઝની એક ઈરોટિક થ્રિલર લખનાર માધુરી બેનર્જીએ પહેલાં ઈરોટિક વાર્તાસંગ્રહ  લુઝિંગ માય વર્જિનિટી એન્ડ અધર ડમ્બ સ્ટોરીપુસ્તક પ્રગટ કર્યું  છે. તો  પેરેટસ ઓફ ડિઝાયર- ૩૦૦૦ યર્સ ઓફ ઈન્ડિયન ઈરોટિકા  પુસ્તકનું  સંપાદન કરનાર અમૃતા નારાયણને પહેલું પુસ્તક પ્લેઝન્ટ કાઈન્ડ ઓફ હેવી એન્ડ અધર ઈરોટિક સ્ટોરીઅરણ્યાનીના છદ્મ નામે લખ્યું હતું.  કારણ, તો ભારતના લોકો સ્ત્રી દ્વારા લખાયેલી ઈરોટિકા સ્વીકારી નહીં શકે તેવી અવઢવ મનમાં હતી. જો કે પછીફિફ્ટી શેડ્સ ઓફ ગ્રેએરિકા મિશેલ ઉર્ફે એલ જેમ્સ દ્વારા લખાઈ અને વિશ્વભરમાં સાતેક કરોડ કોપી વેચાઈ. ભારતમાં પણ પુસ્તકે ચકચાર જગાવેલી.  જેમ્સે એની પ્રસિદ્ધિ બાદ તેના બીજા બે ભાગ પણ લખ્યાં. વાર્તા  પરથી ફિલ્મ પણ બની. જેમ્સે એક જગ્યાએ કહ્યું છે કે તેણે પોતાની કલ્પનાઓને શબ્દોમાં લખવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પુસ્તક બેસ્ટ સેલર થશે એની કલ્પના પણ નહોતી. પુસ્તક સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ નહોતું પણ સ્ત્રી દ્વારા લખાયેલી ઈરોટિકાનું માર્કેટ ઊભું થયું એવું કહી શકાય. ભારતમાં અંગ્રેજીમાં અનેક સ્ત્રીઓએ ઈરોટિકા લખી છે. 


ફિલ્મમાં સેક્સના સીન હોય તેવી રીતે જરૂરી હોય ત્યાં  વાર્તામાં પણ જાતીય ઉત્તેજનાનું વર્ણન કરવામાં આવે તેને ઈરોટિકા કહેવામાં આવે છે. ઈરોટિકા એટલે શારિરીક ઉત્તેજનાનું વર્ણન જેમાં હોય તેવું સાહિત્ય પણ પોર્નોગ્રાફી નહીં.  જસ્ટ વન મોર બટન ડાઉનના લેખિકા કાજલ મહેતા પ્રિયદર્શીનીને કહે છે કે, “ અત્યાર સુધી ઈરોટિકાને અશ્લીલ સાહિત્ય ગણવામાં આવતું હતું પણ હવે તેના વિશે લોકોમાં થોડી જાગૃતિ આવી રહી છે ખરી.” 

અમદાવાદમાં રહેતાં ૪૧ વર્ષીય કાજલ મહેતા સર્ટિફાઈડ ઈમેજ કન્સલટન્ટ છે. તેમના અત્યાર સુધીમાં ત્રણ ઈરોટિક પુસ્તકો પ્રગટ થયા છે પણ અંગ્રેજીમાં. એમાંથી બે પુસ્તકો ગુજરાતીમાં આવશે. કાજલ મહેતા કહે છે કે, “૨૦૧૭ સુધી હું ઈમેજ કન્સલટન્ટ તરીકે કામ કરતી હતી પણ પછી મારા બેંકર પતિની બદલી થતાં અમે રાજકોટ રહેવા ગયા. ત્યાં મારે વ્યવસાયની નવી શરૂઆત કરવી પડે તેમ હતી જે કરવાનું મન નહોતું. મને લખવાનો શોખ હતો એને વિકસાવવાનો સમય મળ્યો છે તો મેં બસ એમાં ધ્યાન આપ્યું. મારે સ્ત્રીની સંવેદનાઓની વાર્તાઓ લખવી હતી. એમાં સેક્સુઆલિટી પણ આવે તો મારે એને શબ્દોમાં વ્યક્ત કરવી હતી.  મેં પહેલાં અંગ્રેજીમાં લખ્યું કારણ કે સેક્સ વિશે ગુજરાતી કરતાં અંગ્રેજીમાં લખવું સરળ હતું.” 

કાજલ મહેતાએ  વાર્તાઓ અને નવલકથા લખતી વખતે સ્ત્રીનો દૃષ્ટિકોણ નજર સમક્ષ રાખ્યો છે. તેમની એક વાર્તા છે કે જેમાં એક સ્ત્રીનો સોલમેટ મૃત્યુ પામે છે ને ત્યારબાદ તે બીજા અનેક સંબંધો બાંધે છે પણ કશે જોડાઈ નથી શકતી કારણ કે કોઈ બીજો પુરુષ તેને પરાકાષ્ઠાની પ્રેમપૂર્ણ અનુભૂતિ સુધી નથી લઈ જઈ શકતો. તેની કો ઓથર નવલકથામાં સફળ સ્ત્રી પોતાનાથી નાના પુરુષને જીવનમાં સફળ થવા માટે મદદરૂપ બને છે પણ તેની શરત છે કે પુરુષે તેના સુખનું ધ્યાન રાખવાનું. તેને આનંદ આપવાનો. લખતી વખતે તેમણે કોઈ શબ્દો ચોર્યા નથી.  


સેક્સોલોજીસ્ટ ડૉકટર પ્રકાશ કોઠારી કહે છે કે, “ઈરોટિકા અને પોર્નોગ્રાફી વચ્ચે પાતળી રેખા છે. ઈરોટિકા ઉત્તેજિત કરે પણ તેમાં વલ્ગારિટિનું તત્ત્વ હોય. પોર્નોગ્રાફી રેખા ઓળંગી જાય છે. ઈરોટિકા નુકશાનકારક નથી. પોર્નોગ્રાફી બે ધારી તલવાર છે. જ્યારે ઈરોટિકામાં ઈમોશન હોય છે. હું કહેતો હોઉં છું કે સેક્સ બે કાન વચ્ચે છે બે પગ વચ્ચે નહીં તેનું કારણ છે કે સેક્સમાં પહેલાં મગજ ઉત્તેજિત થાય છે, પછી તે કરોડરજ્જુ દ્વારા સંદેશો નીચે પહોંચે છે. એટલે ઈરોટિકા વાયેગ્રા જેવું કામ કરી શકે છે. ચરક કહે છે કે ઈરોટિકા બેસ્ટ સેક્સ ટોનિક છે. ઈરોટિકા મગજમાં ઉત્તેજના લાવી પણ શકે છે અને આવેલી ઉત્તેજનાને વધારી પણ શકે છે. અનેક પતિપત્ની અંગતપળોમાં ઈરોટિક વાર્તાઓ વાંચતાં હોય છે.”

 ગુજરાતી ભાષામાં ૧૯૯૨ની સાલમાં સજાતીય  સંબંધોનું વર્ણન ધરાવતી  નવલકથા   મીરાં યાજ્ઞિકની ડાયરી  લખનાર લેખિકા બિન્દુ ભટ્ટ સ્પષ્ટ શબ્દોમાં કહે છે  મેં નક્કી રાખ્યું હતું કે હું પ્રતિકોની આડમાં વર્ણન નહીં કરું એક તો હું ડાયરી સ્વરૂપે લખતી હતી એટલે પહેલો પુરુષ એકવચનમાં લખવું સહેલું પણ હતું. રીતે શ્લીલ અશ્લીલની પાતળી ભેદરેખા ભૂંસાઈ જાય છે. મને ખબર હતી કે મારી નવલકથા વાંચ્યા બાદ સવાલ પૂછાશે કે તમારી વાત છે? ખેર એમાં નાયિકાની ઝંખના છેજે સહજ છે. દેહ અને પ્રેમના એકરૂપ થવાની વાત છે. ભારતમાં એના વિશે ઉદાત્ત ચિંતન છે. વાત મનમાં સ્પષ્ટ હતી. એટલે કોઈ આડશ વિના નાયિકાના મનનો ભાવ વાસ્તવિક રીતે લખ્યો. મને ખબર હતી કે મારી નવલકથા વાંચ્યા બાદ સવાલ પૂછાશે કે તમારી વાત છે? ખેર એમાં નાયિકાની ઝંખના છેજે સહજ છે. દેહ અને પ્રેમના એકરૂપ થવાની વાત છે. ભારતમાં એના વિશે ઉદાત્ત ચિંતન છે. વાત મનમાં સ્પષ્ટ હતી. એટલે કોઈ આડશ વિના નાયિકાના મનનો ભાવ વાસ્તવિક રીતે લખ્યો.”  


 ગુજરાત આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતાં નિસર્ગ આહીરે  કામશાસ્ત્ર પર અભ્યાસ કરીને રતિવિલાસ અને કામવિલાસ નામના પુસ્તક તૈયાર કરી રહ્યા છે. ઈરોટિકાને  ગુજરાતીમાં શું કહેવાય વિશે તેઓ કહે છે કે, “ઈરોટિકાને ગુજરાતીમાં કામશાસ્ત્ર કહેવું પડે અથવા જાતીય નિરૂપણ કહી શકાય. આમ જોઈએ તો ઈરોટિકાનો સંદર્ભ આપી શકે એવો કોઈ સ્પષ્ટ શબ્દ ગુજરાતીમાં નથી. છઠ્ઠી અને બારમી સદીમાં સંસ્કૃત સુભાષિત સંગ્રહમાં  શીલા ભટ્ટારિકા,મારુલા, મોરિકા અને ફ્લ્ગુહસ્તિની વગેરે સ્ત્રીઓએ લખેલાં મુક્તકો ઈરોટિક કહી શકાય એવા  છે. ઈરોટિકા આપણી પરંપરામાં સદીઓથી હતું અને તેને સાહિત્ય પણ ગણતાં. કામશાસ્ત્રને આપણે ત્યાં ગંદુ કે અશ્લીલ નહોતું ગણાતું. અંગ્રેજોના આવ્યા બાદ જાતીય વિષયને અશ્લિલ માનવામાં આવે છે.  ગુજરાતીમાં સરોજ પાઠક સિવાય બિન્દુ ભટ્ટે  ઈરોટિક કહી શકાય એવું વર્ણન વાર્તા અને નવલકથામાં કર્યું છે.  જ્યારે  મનીષા જોષી અને પ્રતિષ્ઠા પંડ્યાએ ઈરોટિક કાવ્યો લખ્યાં છે.”  

બધું છતાં સમાજમાં સેક્સ સંબંધે છોછ અને દંભ જોવા મળે છે. સ્ત્રીઓ દ્વારા તેમની સેક્સુઆલિટીની વાત લખાતી નથી. એનું કારણ જણાવતાં સમાજશાસ્ત્રી  ગૌરાંગ જાની  કહે છે કે, “અત્યાર સુધી સેક્સુઆલિટીની વાત પુરુષોએ કરી છે. સ્ત્રીઓને વાત કરવાની તક નથી મળી. પુરુષોએ ફક્ત સ્ત્રીના શરીરની વાત કરી. સુંદરતાના માપદંડો પણ પુરુષોએ નક્કી કર્યા. સ્ત્રીઓ પણ હવે લખે છે તેમાં પણ રજૂઆત મોટેભાગે તો પુરુષને કેન્દ્રમાં રાખીને થતી હોય છે. મંદિરોમાં, વાર્તાઓમાં, ફિલ્મોમાં પણ રજુઆત પુરુષ કેન્દ્રી હોય છે. સેક્સુઆલિટીની બાબતે પણ સ્ત્રીને બોલવાની કે વર્તવાની છૂટ અપાતી નથી. બધો કન્ટ્રોલ પુરુષોના હાથમાં રહ્યો છે. સ્ત્રીઓએ  કેવા કપડાં પહેરવાનાં બધા ધોરણો પુરુષોએ નક્કી કર્યા. બીજું કે સ્ત્રીઓ પાસે જીવનમાં સંઘર્ષ માટે એટલા મુદ્દાઓ છે કે જાતીયતાનો મુદ્દો હજી પાછળ છે. સ્ત્રીઓ પોતાનો મત ઘરમાં કે બેડરૂમમાં પણ વ્યક્ત કરી શકે એવો સમાજ હજી રચાયો નથી.”  


ગુજરાતીમાં ઈરોટિકા વિષયે હાલમાં શૂન્યાવકાશ છે એવું નવભારત સાહિત્યના અશોક શાહ જણાવે છે. તેમણે હજુ સુધી કોઈ લેખિકાનું પુસ્તક પ્રગટ નથી કર્યું. તેમને શંકા છે કે આવું કશું હવે વેચાય કે નહીં. તેમણે આપેલી માહિતી અનુસાર આજથી ત્રીસ વરસ પહેલાં પુરુષ લેખકો  દ્વારા ગુજરાતીમાં ઈરોટિક નવલકથાઓ અને પુસ્તકો લખાતા હતા અને ધૂમ વેચાતા હતા. હવે ઈન્ટરનેટ પર બધું ઉપલબ્ધ હોવાથી પુસ્તક લઈને કોઈ વાંચે નહીં. 


તો આર આર શેઠ પબ્લિકેશનના ચિંતન શેઠ અફસોર જાહેર કરતાં કહે છે, “ગુજરાતીમાં ખરા અર્થમાં ઈરોટિકા લખાતી નથી. વિષયને હજી આપણે એક્સપ્લોર કરવાનો બાકી છે. ટૂંક સમયમાં કાજલ મહેતા લિખિત ઈરોટિકા ગુજરાતીમાં  બહાર પડશે. જો ગુજરાતીમાં ઈરોટિકા લખાય તો ચોક્કસ વેચાય. કોઈ એમ કહે કે ગુજરાતીઓ આવું વાંચતા નથી તો દંભ છે.  અમે વૈશાલી હલદનકરની મરાઠીમાં લખાયેલી  એક બારબાળાની આત્મકથા  ગુજરાતીમાં અનુવાદ કરીને છાપી હતી. એટલી વેચાઈ કે આજે અમારી પાસે એક પણ પ્રત બચી નથી. એમાં વૈશાલીએ બિન્દાસ પોતાના સેક્સુઅલ અનુભવો વિશે પણ લખ્યું છે. દંભને કારણે લોકો વિષયને સ્પર્શતાં ડરે છે.”  

 

સેક્સ અને સ્ત્રીની વાત કરીએ ત્યારે ૧૯૯૬માં ઈવ એન્સલર લિખિત બ્રોડવે નાટક  વજાઈના મોનોલોગની વાત કરવી પડે. અઢાર વરસ પહેલાં મહાબાનુ   મોદી-કોટવાલ તેને ભારતમાં લઈ આવ્યા અને તેને અંગ્રેજી તેમ હિન્દીમાં ભજવ્યું. નાટક સ્ત્રીએ લખ્યું અને સ્ત્રીઓ દ્વારા ભજવાય છે.  વજાઈના મોનોલોગ નાટકની શરૂઆત સ્ત્રીના ગુપ્તાંગ વિશે વાત થાય છે. નાટકમાં ઓડિયન્સને પણ સહજતાથી બોલવા માટે શામેલ કરાય છે.  તે વિશે મહાબાનુ કહે છે કે, “મને પહેલાં લોકો કહેતાં કે આપણે ત્યાં આવી બોલ્ડ વાતો કોઈ સ્વીકારશે નહીં. પણ કહેવા દો કે લોકોએ તેને ખૂબ વધાવ્યું.   સ્ત્રીઓ પોતાની જાતીયતા અને શરીરનો સહજ સ્વીકાર કરે તો પોતાના પર થતાં અન્યાય અને અત્યાચારનો વિરોધ કરી શકે. ગુજરાતીઓતો લગ્ન પ્રસંગોની ઉજવણીમાં પણ નાટક ભજવવા માટે બોલાવતાં. વડોદરા-અમદાવાદમાં મેં ઘણીવાર નાટક ભજવ્યું છે. અગણિત કિસ્સાઓ મારી પાસે છે જેમાં નાટક જોયા બાદ લોકો સ્ત્રી અને સેક્સ વિશેના તેમના અભિપ્રાયને બદલ્યા હોય.”    


 સમાજ હજી પણ સેક્સ એજ્યુકેશનને નકારે છે, છોછ રાખે છે તે  છતાં ગુજરાતી લેખિકાઓ બિન્દુ ભટ્ટ, મનીષા કે પ્રતિષ્ઠાને પરિવાર કે સમાજ તરફથી કોઈ વિરોધ નથી સહન કરવા પડ્યાં સારી વાત છે.  કાજલ મહેતા કહે છે કેમારો પરિવાર ખૂબ સર્પોટિવ છે. એવું હોત તો હું લખી શકત. મારું પહેલું પુસ્તક છપાવવાની હતી તે સમયે સૌ પહેલાં મેં મારી માને વંચાવ્યું હતું. વાંચીને તેણે કહ્યું કે તને નથી લાગતું કે બહુ બોલ્ડ છે? મારો જવાબ હતો કે હા પણ મારે છાપવું છે જે હું લખું છું. મારે વાર્તા પણ  ટ્રીમ કરવી પડે તો એનો અર્થ નથી. વળી  સેક્સ વિશે લખવાથી હું ખરાબ નથી જતી. મીરાં નાયર બોલ્ડ ફિલ્મો બનાવે છેને.  જ્યારે પુસ્તક છપાવવાનું વિચાર્યું  ત્યારે મારા પતિ હેમલને પૂછ્યું હતું કે વાર્તાઓ છપાયા બાદ કદાચ લોકો તને આવીને કહેશે કે તારી પત્ની બોલ્ડ છે કે બોલ્ડ લખે છે તો તને ચાલશે? તો હેમલે મને સામું પૂછ્યું કે લોકો તો તને પણ અનેક સવાલો કરશે તું સ્વીકારી શકીશ તો મને કોઈ વાંધો નથી. દરેક પરિસ્થિતિમાં હું તારી પડખે ઊભો છું.”

ગુજરાતી ભાષામાં બિન્દુ ભટ્ટ, મનીષા જોષી, પ્રતિષ્ઠા પંડ્યા, કાજલ મહેતા પછી હજી બીજી સ્ત્રીઓ પણ જાતીય નિરૂપણ દ્વારા અત્યાર સુધી પુરુષ કેન્દ્રી રહેલા વિષયને સ્ત્રી કેન્દ્રી દૃષ્ટિકોણથી રજૂ કરશે એવી આશા રાખીએ. 

  

You Might Also Like

0 comments