હુજુર ઇસ કદર ભી ન ઇતરા કે ચલિયે...

05:09

 



પુરુષ સ્ત્રી પાસેથી શું ઇચ્છે છે ? અથવા તે કેવી સ્ત્રી ઇચ્છે છે તે અંગે બહુ નથી લખાતું. હા સદીઓ પહેલાં શયનેષુ રંભા, કાર્યેષુ મંત્રી એવી સ્ત્રી પુરુષને ગમે તે કલ્પના કવિએ કરી છે. અને પુરુષ ત્યારથી એવી જ સ્ત્રીની ઇચ્છાઓ રાખી રહ્યો છે. એવી માન્યતા પણ પ્રર્વતે છે. પરંતુ, એવી સ્ત્રી કેટલા પુરુષને મળી શકે એ મોટો પ્રશ્ન છે. વળી એવી સ્ત્રીને જીરવી શકે તેવો પુરુષ પણ તો હોવો જોઇએ. એટલે કલ્પનામાંથી બહાર આવી મોટેભાગે દરેક વ્યક્તિ સમાધાન સાધીને જીવન જીવી લેતી હોય છે. 

જેમ દરેક સ્ત્રી ખરાબ નથી હોતી તેમ દરેક પુરુષ પણ ખરાબ નથી હોતો. પણ પુરુષને હંમેશા બાંધેલી માન્યતાના ચશ્મા ચડાવીને જ જોવાય છે. દરેક સ્ત્રીને સારા સ્વભાવવાળા પુરુષની અપેક્ષા હોય છે તેમ દરેક પુરુષને સુંદર સ્ત્રીની અપેક્ષા હોય છે એ નિર્વિવાદ બાબત છે. સુંદરતાની વ્યાખ્યા દરેકની જુદી હોઇ શકે. પુરુષને સ્ત્રી પાસેથી શું અપેક્ષા હોય છે તે જાણ્યા બાદ તેને ગુસ્સો અને હતાશા થાય છે. જ્યારે સામે પક્ષે પુરુષને ય સ્ત્રીની અપેક્ષાઓને ગોળીએ દેવાનું મન થાય એવું પણ બને. આમ જોઇએ તો ફિલોસોફિકલી કહી શકીએ કે અપેક્ષા જ દુખકર હોય છે. વેલ,  લગ્નની જાહેરાતો જોઇએ તો આજે ય ગોરી દેખાવડી શિક્ષિત અને ઘરરખ્ખુ પત્નિની અપેક્ષાનું લિસ્ટ વાંચવા મળશે. અને હા સંસ્કારી શબ્દ રહી ગયો. પણ અનુક્રમ આ જ હશે ગોરી , દેખાવડી ..... ક્યારેય તમને લગ્નની જાહેરાતમાં એવું વાંચવા નહીં મળે કે  સ્ત્રી સ્વાતંત્ર્ય અને સન્માનમાં માનતા યુવકને યોગ્ય જીવનસાથીની અપેક્ષા છે. 

એટલે કે જો લગ્ન ડોટ કોમોમાં છપાતી જાહેરાતો વાંચીએ તો સહેલાઈથી કહી શકીએ કે ગોરી, દેખાવડી, શિક્ષિત, ઘરરખ્ખુ સ્ત્રીની પુરુષને અપેક્ષા છે તે સારી રીતે ઘર સંભાળે, પતિ સાથે વાત કરી શકે એટલે કે તેની ઓફિસની સમસ્યા સાંભળી શકે અને સુંદર હોય તો પુરુષને જલ્દી ઘરે આવવાનું મન થાય. વેઇટ,  સાવ આટલું સરળ નથી. જો આટલી જ અપેક્ષા હોય અને બધું પરખ્યા બાદ લગ્ન કર્યા હોય તો પુરુષ એકસ્ટ્રા મેરિટલ અફેરમાં કેમ તણાય છે ? કે પછી છૂટાછેડા કેમ થાય છે? પરસ્પર એકબીજાના વિકાસમાં રસ લેતાં અને સહજીવન માણતા કેટલાક સ્ત્રી પુરુષો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મોટેભાગે સ્ત્રી, પુરુષની સહજીવન માટેની અપેક્ષાઓ સરખી જ હોય છે. છતાંય પુરુષને  સ્ત્રી પાસેથી શું જોઇએ છે તે  વિશે મોટાભાગની સ્ત્રી જે માને છે તેનાથી હકિકત જુદી જ હોય છે. હકિકતમાં સ્ત્રીઓ પણ પુરુષોને સમજવામાં થાપ ખાઈ જાય છે અને એટલે જ સંબંધોમાં પ્રેમના પુષ્પો ખીલતા નથી.  પુરુષને સ્ત્રીના દેખાવ કરતાં પણ બીજી કેટલીક એવી બાબતો હોય છે જે વધારે સ્પર્શે છે. 

મોટાભાગે સ્ત્રીઓ વિચારતી હોય છે કે પુરુષોને સુપરફિશિયલ,આજ્ઞાંકિત, પોતાની જરૂરિયાતો વિશે ન બોલે, કોઇ પડપૂછ ન કરે તેવી  સ્ત્રીની અપેક્ષા હોય છે. તો કેટલીક સ્ત્રીઓ એવુંય માને છે કે પુરુષોને સ્ત્રીઓ ખૂબ માગણીઓ કરતી કે વધારે પડતી લાગણીશીલ હોય તેવી  ન ગમે. કોઇપણ બાબત વિશે ટિપ્પણી કરતી સ્ત્રીઓ પુરુષોને નથી ગમતી એવું પણ સ્ત્રીઓ માને છે.પરંતુ....

પુરુષોને ગોળ ગોળ વાત કરવાને બદલે સીધેસીધી વાત કરતી, કોઇપણ જાતની ટિકાટિપ્પણી કે ગુસ્સો રાખ્યા વગર હિંમતથી પોતાના અભિગમને વ્યક્ત કરતી સ્ત્રીઓ પ્રત્યે આદર થાય છે. 

પુરુષો પણ ઇચ્છે છે કે સ્ત્રી તેને ડેસ્પરેટ થઈને પસંદ ના કરે પણ પોતાની મરજીથી તેને પસંદ કરે. સ્ત્રીઓની જેમ પુરુષ પણ ઇચ્છે છે કે સ્ત્રી તેને તન,મન,હ્રદયથી ફક્ત તેને જ ઇચ્છતી હોય. અને તેનો અહેસાસ પણ તેને જોઇતો હોય છે. તે છતાંય પુરુષ ઇચ્છતો હોય છે કે તેના જીવનસાથીની પોતાની જુદી ઓળખ હોય. સ્ત્રીની પોતાની આગવી દુનિયા, મિત્રો અને રસ હોય.  

પ્રામાણિક સંવાદ એ પુરુષોના પ્રાયોરિટી લિસ્ટમાં હોય છે. તેમને પ્રામાણિકતાપૂર્વક સવાલ જવાબ કરતી સ્ત્રીઓ ગમે છે. તેમની ઇચ્છા હોય છે કે સ્ત્રીઓ તેમના વિશે જે સાચું લાગે તે કહી દે પણ પ્રેમથી.અર્થાત પુરુષોને ડોમિનેશન ગમતું નથી.પોતાના પર કે બીજા ઉપર. માઈન્ડવેલ, આપણે આજના પુરષ વિશે વાત કરીએ છીએ. સતત શંકા અને ડિકેટટિવની જેમ સવાલો પૂછતી ગર્લફ્રેન્ડ કે પત્નિથી પુરુષ ચારકોશ દૂર રહે તેમાં નવાઈ નથી. એવા પુરુષો ય ક્યાં સ્ત્રીઓને ગમે છે. 

રિલેશનશીપમાં અગત્યનો બીજો પોઇન્ટ સ્ત્રીઓ એવું ધારી લે છે કે પુરુષોની સાથે ચાલાકીપૂર્વક વર્તવું પડે તો જ તમારું કામ એમની પાસેથી કઢાવી શકો. તેમની સાથે વધુ વાતચીત કે વાત ન કરવામાં જ સાર છે. અર્થાત આપણે ઘણી પત્નિઓને કહેતા સાંભળીએ છીએ કે હું તો તેમની સાથે જાઝી લપ્પન છપ્પન કરતી જ નથી. પુરુષોને વખાણ ગમતા નથી  કે કોઇ જાતની કદર હોતી નથી એટલે તેમની હંમેશા ટીકા જ કરવી. સાવ ખોટું પુરુષોને ક્યારેય ચાલકીથી વર્તતી સ્ત્રી ગમતી નથી. તેમને પણ યોગ્ય કદરની દરકાર હોય છે અને પ્રશંસા ય પ્રિય હોય છે. તેમને બ્લેમગેમ રમવી ગમતી નથી. જો દરેક  બાબતમાં પુરુષ પર જ બ્લેમ કરવામાં આવે તો તેઓ એનો સ્વીકાર કદીય નહીં કરે. 

પુરુષોને લાગણીઓની સામે કોઇ વાંધો નથી હોતો પણ તેમને બાલીશ લાગણીવેડાથી કંટાળો આવી શકે. તેમને મેચ્યોર ઇમોશનલ સ્ત્રીમાં રસ પડી શકે છે. બીજી એક મોટી મીથ છે પુરુષો માટે કે તેમને હંમેશા સેક્સમાં જ રસ હોય છે. કોઇપણ સુંદર, યુવાન સ્ત્રી પાછળ તે લટ્ટુ થઈ ચિટ્ટિંગ કરી શકે. અમે સ્ત્રીઓ આવું વિચારીને મોટી ભૂલ કરીએ છીએ. દરેક પુરુષ એવો નથી હોતો. જ્યારે તે લગ્ન કરવાનું વિચારે છે ત્યારે તે લાંબાગાળાના સંબંધનો આદર કરવા તૈયાર હોય છે. તેને પણ પોતાની પ્રેયસી કે પત્નિ અન્ય પુરુષને વખાણે કે તેની સાથે અફેર કરે તે સ્વીકારવું અઘરું છે. પુરુષ પણ પોતાના સંબંધનો આદર કરે છે.પુરુષો પણ કમિટમેન્ટમાં માનતા હોય છે. પુરુષોના અહમને પંપાળો નહીં પણ તેને સતત તોડી પાડવામાં આવે તો પણ સંબંધોની મીઠાશ રહેશે નહીં એ સ્ત્રીએ સમજવાની જરૂર છે.  

સમાજમાં દરેક નિયમો ફક્ત સ્ત્રીઓ માટે જ છે તેવું માની લેવાની ભૂલ થતી હોય છે. અને જ્યારે બળાત્કાર કે જાતીય સતામણીની કોઇ બીના બને કે તરત જ દરેક પુરુષોને એકજ લાકડીએ હાંકવાની ભૂલ થતી હોય છે. પુરુષ માત્ર ખરાબ તેવું માનીને જ્યારે કેટલાક વિધાનો થાય છે ત્યારે માનવીય મૂલ્યો પર કુહાડી મૂકાય છે. આવી ભૂલોને કારણે મોટાભાગની સ્ત્રીઓને સારો પુરુષસાથી મેળવવામાં તકલીફ પડે છે. પુરુષોએ પણ પોતાની ઇચ્છાઓને સ્પષ્ટ રીતે કહેતાં શીખવું પડશે. ગોરી, દેખાવડી, સંસ્કારી, હોમલી શબ્દો ખોટી ધારણાઓ ઊભી કરે છે. અને જો પુરુષ ખરેખર એવું  જ ઇચ્છતો કે માનતો હશે તો તેને પોતાના સ્વપ્નોની રાજકુમારી મળવી શક્ય નથી. પોતાની ઇમેજ પુરુષે પોતે જ સમાજની સમક્ષ મૂકવી પડશે.



You Might Also Like

0 comments