પુસ્તક વાંચતાં અચાનક આહા મોમેન્ટ ન આવે તો મને પુસ્તક વાંચવાનો કંટાળો આવે છે. ગ્રેબ્રિયલ માર્સિયા માર્કેઝને વાંચતાં આવી અનેક આહા મોમેન્ટ આવી હતી. 'હન્ડ્રેટ યર્સ ઓફ સોલિટ્યુડ' એટલે જ હજુ પૂરી નથી થઈ શકી. એ આહા મોમેન્ટ આવે અને મને મારા આંતરિક વિશ્વને સહેજ ખોલે એ ખુલતાં વિશ્વમાં બીજા અનેક વિશ્વો દેખાય. માર્કેઝની બીજી નાની નવલકથા 'ક્રોનિકલ ઓફ ડેથ ફોરટોલ્ડ' વાંચી. હતી. એ વિશે વાત લખવી હતી જરા વિસ્તારથી પણ આળસ કે રાઈટર્સ બ્લોક જે કહો તે એમાં કાગળ કોરો જ રહી ગયો. સોરી કોમ્પયુટરની સ્ક્રીન ખુલી જ નહીં. આ પુસ્તકની શરૂઆત સેન્ટિગો નાસર નામના યુવકના ખૂનથી થાય છે. એ ખૂન કોણે કર્યું? શું કામ કર્યું? એ શોધની વાત છે. આ ક્રાઈમ થ્રિલર છે અને નથી પણ. કારણ વાચકને ય ખબર છે કે આ ખૂન કોણે કર્યું. છે. પણ મજા ત્યાં છે કે ડિટેકટીવ જ્યારે આખા ગામ સાથે વાત કરે ત્યારે એ ઘટનાના જુદાં જુદાં વર્જન મળે છે. એતો એવો જ હતો એટલે જ એનું ખૂન થયું. આજે નહીં તો કાલે એ મરવાનો જ હતો. એને પહેલેથી ચેતવી શકાયો હોત પણ એનું ખૂન થવાનું છે એ જાણતાં હોવા છતાં કેટલાક લોકો તેને ચેતવતાં નથી કાં તો ચેતવી શકતા નથી. કે પછી ચેતવે એ પહેલાં તો ઘટના બની ચૂકી છે.
આ પુસ્તકનો ટૂંક સાર એ છે કે વ્યક્તિની યાદદાસ્ત (મેમરી) પર ભરોસો ન કરી શકાય. સમય જતાં એ બદલાતી હોય છે. ક્યારેક તો મૂળ ઘટના કરતાં તદ્દન જુદી વાત કરે. માર્કેઝે આપણી યાદદાસ્તના વિશ્વને નવલકથાના સ્વરૂપે મૂકી છે. નવલકથામાં સેન્ટિગો નાસરના ખૂનને લોકો એકદમ રેન્ડમલી વર્ણવે છે. રસ્તા પર ભીડ થાય અને આપણે જઈને કોઈને પૂછીએ કે શું થયું? ત્યારે સાંભળવા મળે કે આ બાજુથી બે બાઈકર આવ્યા અને પેલાં બહેનના ગળામાંથી ચેન ખેંચી એટલે બેન પડ્યાં ને માથું ફૂટી ગયું. તો વળી બીજી વ્યક્તિ કહે કે બે વ્યક્તિ ચાલતી આવતી હતી અને કાનની બુટ્ટી ખેંચી. બેને પ્રતિકાર કર્યો તો પેલાએ માથું ફોડી નાખ્યું. તો વળી ત્રીજી વ્યક્તિ કહેશે કે બેનનું પર્સ ખેંચ્યું. તો કોઈ કહેશે કે ગળાની ચેન તૂટી નહીં એટલે બેન સ્કૂટર સાથે ઢસડાયાં. આ રીતે ઘરેણાં પહેરીને ચાલવા જવાની જ શું જરૂર? એકલા સૂમસામ રસ્તે ચાલવાની બહાદૂરી જ બેનને ભારી પડી...વગેરે વગેરે આ ફક્ત ઉદાહરણ છે. સેન્ટિગોની સાથે લાગણીથી જોડાયેલી વ્યક્તિઓ પોતાની લાગણીઓને પણ એમાં ઉમેરી જુદી વાત કરે. સેન્ટિગોની મા, પ્રેયસી, મિત્રો, પડોશી, ગામવાસીઓ દરેકની પોતાની માનસિકતા અને લાગણીઓ સેન્ટિગોના ખૂનને પોતાની રીતે મૂલવે,વર્ણવે.
માણસનું વ્યક્તિત્વ ફક્ત ડીએનએ(વારસાગત) કે વાતાવરણથી જ નથી ઘડાતું. જે તે વ્યક્તિની પોતાની સમજ, અનુભવ પણ એમાં ઉમેરાય છે. આમ પણ માણસનું જીવન સીમિત દાયરામાં જ જીવાતું હોય છે. કૂવાના દેડકાંને કૂવો જ વિશ્વ લાગી શકે એવી જ રીતે માણસનું વિશ્વ જેટલું અને જેવડું હોય એટલી જ એની સમજ હોય છે. આ નવલકથા વાંચતાં સમજાયું કે આપણી નજીકની વ્યક્તિ પણ આપણાં વિશે આપણે ન ધારેલું વિચારતી હોય. દરેક વ્યક્તિની પોતાની પીડા પણ એની સમજમાં ઉમેરાતી હોય છે. આપણને જ્યારે શારિરીક પીડા હોય ત્યારે આપણને ભાવતી વાનગી કે સંગીત પણ આપણને આનંદ આપી શકે નહીં. એ જ રીતે મનની પીડાઓ,વેદનાઓ,અનુભવો દ્વારા આપણે દરેક ઘટનાને જોઈએ,મૂલવીએ. વળી સમય જતાં દરેક ઘટના કે પીડાના સ્વરૂપ બદલાતાં હોય છે.
- 21:40
- 0 Comments