ભાવ, ભંગિમાપૂર્ણ નૃત્ય એટલે ઓડિસી નૃત્ય

02:47











ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઓડિશી નૃત્ય ગુરુ દક્ષા મશરૂવાલાના શિષ્યોએ ઓડિસી નૃત્ય મુંબઈ ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીમાં પ્રસ્તુત કર્યાં. તે જોવાનો લ્હાવો મળ્યો.  ઓડિસી નૃત્ય એટલે લય,લાસ્ય અને લાલિત્ય. ઓડિસી નૃત્ય જોતાં એવું લાગે કે તમે કોઈ પ્રાચીન મંદિરમાં ફરી રહ્યા છો. ત્યાંના શિલ્પ તમારી સામે જીવંત બનીને ઊભા છે. પરિકલ્પના સૌ પ્રથમ દક્ષા મશરૂવાલાના ગુરુ પદ્મવિભૂષણ ગુરુ કેલુચરણ મોહપાત્રને કરી. કેલુ બાબુને નૃત્ય કરતાં જોવા અદ્ભૂત યોગ છે. વર્ષો પહેલાં એમને ટીવી પર જોયા હતા. ૭૫ વરસ, માથે ટાલ પણ જે ભાવભંગિમાપૂર્ણ નૃત્ય કરે તો જોનારને બસ સુંદરતા, લાલિત્ય દેખાય. પુરુષ દેહ પણ દેખાય નહીં. મંદિરની કોતરણીમાં કોતરાયેલી અપ્સરા તાદ્રશ્ય થાય. એમણે એક વખત મુલાકાતમાં કહ્યું હતું કે હું તો પ્રભુને પ્રાર્થના કરું છું. તમને એમાં નૃત્ય દેખાય છે. 

કેલુ બાબુના નામે ઓળખાતાં કેલુચરણ મોહપાત્રનો જન્મ ઓરિસ્સાના રઘુરાજપુર નામના ઐતિહાસિક ગામમાં ૧૯૨૬માં થયો હતો. એ ગામ પટ્ટચિત્ર પેઈન્ટિંગ માટે સુપ્રસિદ્ધ છે.  ઓરિસ્સાનું પારંપારિક નૃત્ય ગોતીપુઆ અને મહારીમાં કેલુ બાબુએ ખૂબ સંશોધન કર્યું હતું. બાળપણમાં તેમણે ગોતીપુઆ નૃત્યથી શરૂઆત કરી હતી. આ બન્ને નૃત્યશૈલી ઉપરાંત મંદિરના શિલ્પોની ભંગિમાઓને પણ નૃત્યમાં સામેલ કરવાની પહેલ કેલુ બાબુએ કરી હતી. ઓડિસી નૃત્યને નવા રૂપરંગ સાથે પ્રસિદ્ધ કરવાનું શ્રેય કેલુ બાબુને જાય છે. સોનલ માનસિંગ, સંજુક્તા પ્રાણિગ્રહી,કુમકુમ મોહન્તિ, દક્ષા મશરુવાલા જેવા અનેક જાણીતા નૃ્ત્યાંગનાઓને કેલુ બાબુના હાથ નીચે તૈયાર થઈ હતી. કેલુ બાબુ પરફેક્શનના ખૂબ આગ્રહી હતા. ભંગિમા અને ભાવ નૃત્યમાં પરફેક્ટ હોવા જોઈએ એવો તેમનો આગ્રહ રહેતો. ૭૯ વરસની વયે તેમનું મૃત્યુ થયું પણ ઓડિસી નૃત્ય દ્વારા તેઓ હજુ પણ જીવે છે. 

દક્ષા મશરુવાલા પણ કહે છે કે નૃત્ય અમને આધ્યાત્મિક ઉન્નતિના સ્તરે લઈ જાય છે. વાંચનથી કદાચ જ્ઞાન મળે પરંતુ ગુરુ દ્વારા પ્રાપ્ત નૃત્ય અમને અનુભૂતિના મુકામે પહોંચાડે છે.  દક્ષા મશરુવાલાએ નૃત્ય શીખવાની શરૂઆત મૃણાલિની સારાભાઈ પાસે ભરતનાટ્યમ શીખવાથી કરી હતી. પછી એમણે ગુરુ કેલુ બાબુ પાસે દીક્ષા લઈ ઓડિશી નૃત્યને આત્મસાત કર્યું. આજે તેઓ કૈશિકી નામે નૃત્યશાળા દ્વારા ઓડિશી નૃત્ય શીખવાડે છે. 

એમની શિષ્યા શરણ્યા ઘોષ અને અર્યનાદાસગુપ્તાએ મંગલાચરણ અને પલ્લવી નૃત્ય રજુ કર્યાં. ઓડિશી નૃત્ય ભગવાન જગન્નાથ-વિષ્ણુ, કૃષ્ણને નજર સમક્ષ રાખીને થાય છે. એમાં ભાવ છે, ભક્તિ છે, પ્રેમ છે, સંગીત છે, લય છે. ઓડિશી નૃત્ય જોતાં દર્શકો પણ ભાવમાં વહી જાય છે. આખું વાતાવરણ ઓડિશાના મંદિરમય બની જાય છે. નૃત્યોમાં એક ભાવ ભગવાન જગન્નાથના રથને ખેંચવાનો પણ હતો. એમાં જે ડોલનશૈલી હતી શબ્દોમાં વર્ણવી શક્ય નથી.  આપણાં ક્લાસિકલ નૃત્યો તમને.આનંદ.તૃપ્તિ સમાધાન આપવા સક્ષમ છે આવા ગુરુઓના માર્ગદર્શનમાં તૈયાર થયેલા નૃત્યશૈલીને માણીએ ત્યારે સમજાય. હજુ પણ યુવાનો આ નૃત્યશૈલીની સાધના દ્વારા પ્રાપ્ત કરે છે. આમાં કશું ઈન્સ્ટન્ટ નથી હોતું. વરસો સુધી ગુરુના માર્ગદર્શન સાથે સાધના કરવી પડે છે. 

You Might Also Like

0 comments