રસોડાની રાણી તરલા દલાલ

11:29

 



તરલા દલાલ ફિલ્મ જોઈ ઝીફાઈવ ઓટીટી પર. ફિલ્મની રાહ એટલે પણ જોઈ રહી હતી કારણ કે તરલા દલાલની અનેક સ્મૃતિઓ મનમાં છે.  સમજણી થઈ અને નવી નવી વાનગીઓ બનાવવામાં રસ પડતો ગયો એમ તરલા દલાલનો મારા જીવનમાં પ્રવેશ થતો ગયો. અખબારમાં તેમની વાનગીની રીતો કાપીને કે કોપી કરીને રાખતી. પછી તો ટીવીમાં પણ એમનો શો જોતી. પત્રકાર બન્યા બાદ તરલા દલાલની મુલાકાત પણ લીધી છે તેમજ  અનેક વખત તેમના ક્વોટ પણ લીધા છે. એ જમાનામાં મોબાઈલ નહોતાં. એમનો ઘરનો અને ઓફિસનો  લેન્ડલાઈન નંબર હતો. ફોન પર પણ ખૂબ સરળતાથી વાત કરતાં. કોઈ ફંકશનમાં મળતા ત્યારે પણ સહજતાથી ઓળખાણ રાખતાં. સેલિબ્રિટિ હોવા છતાં કોઈ અહંકાર કે ટેન્ટ્રમ નહોતાં. તેમની સરળતા અને સહજતા આજે પણ યાદ આવે છે. અફસોસ એ જ કે તેમની મુલાકાત મારી પાસે મળતી નથી. 

ફિલ્મ તરલા દલાલના વ્યક્તિત્વના પ્રમાણમાં નબળી લાગી.  તરલા દલાલ પહેલાં શેફ હશે કે જેમને પદમશ્રી મળ્યો હશે. તેમની સરળતા સાથે ગુજરાતીપણું પણ જો ડાયલોગ્સમાં ઝીલાયું હોત તો તરલાબેન આબાદ પકડાત. તેમનો ગુજરાતી લહેકો હિન્દી અને અંગ્રેજી બોલવામાં ય અછતો ન રહેતો. એટલે જ કદાચ તેઓ પોતાના લાગતાં. તેમનાં પુસ્તકો હજુ પણ મેં સાચવીને રાખ્યા છે. ભારતમાં કદાચ કુકિંગ શોની લોકપ્રિયતા તરલા દલાલ શોથી થઈ હશે. એક ગૃહિણી રસોડાને બિઝનેસ એમ્પાયર બનાવી શકે એ વાત જ અદ્ભૂત છે. તેમણે વાનગીના સો પુસ્તકો લખ્યા છે અને ગુજરાતી જ નહીં હિન્દી, મરાઠી, અંગ્રેજી એમ અનેક ભાષામાં તે છપાયાં છે. ગુજરાતી, ભારતીય જ નહીં વિદેશની વાનગીઓને સરળતાથી બનાવવાની રીત તરલા દલાલે આપી છે. એમણે પુરુષોને પણ રસોડામાં જવા માટે પ્રોત્સાહિત કર્યાં. એ જમાનાનો મોડેલ એકટર સુધાંશું પાંડે એમની સાથે કુકિંગ શોમાં કો હોસ્ટ તરીકે આવતો. ફિલ્મ નબળી હોવા છતાં જેમને તરલા દલાલ વિશે કંઈ જ ખબર નથી તેમણે જોવા જેવી છે.  

You Might Also Like

0 comments