બામગાર્ટનર્સ બોમ્બે લેખક અનિતા દેસાઈ (૧૯૮૮)

18:07

 








પુસ્તક વાંચવા લેવાનું કારણ એનું ટાઈટલ. મુંબઈ જે તે વખતે બોમ્બે કહેવાતું અહીં રહેનાર દરેકને પોતીકું લાગી શકે. પોતીકું લાગવાના કારણો જુદા હોય છે. મુંબઈવાસી હોવાથી મુંબઈ મારામાં પણ ઓતપ્રોત થઈ ગયું છે. એને બીજા કઈ રીતે જુએ છે જીજ્ઞાસા પણ ખરી. અનિતા દેસાઈ જેવા માતબર લેખક શહેરને બામગાર્ટનરની નજરે જુએ ત્યારે વાર્તા સર્જાય છે. અટક જર્મન વ્યક્તિ હ્યુગોની છે. એવી વ્યક્તિ કે જે સતત એકલતામાં જીવી. શરણાર્થી જ્યાં રહેતો હોય ત્યાં ગોઠવાઈ જાય ખરો કારણ કે માણસને દરેક પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવતાં આવડતું હોય છે. હ્યુગો જર્મન યહુદી છે. બર્લિનમાં જનમ્યો અને ઉછેર્યો. હિટલરનું શાસન આવતાં પિતાએ આપઘાત કર્યો અને મા કોન્સન્ટ્રેસન કેમ્પમાં જાય પહેલાં યુવાન હ્યુગો ભાગીને ઈન્ડિયામાં કલકત્તા પહોંચે છે. કલકત્તામાં ફિરંગી તરીકે માંડ ગોઠવાય છે ત્યાં બીજું વિશ્વયુદ્ધ છેડાય. ઈન્ડિયામાં યહુદીઓ સાથે જેલમાં પહોંચે. જેલમાં યહુદીઓ તેને યહુદી તરીકે સ્વીકારતા નથી. રિજેકશન- સતત ઉપેક્ષા સહી. એમ કહી શકાય કે હ્યુગો કશે ઠર્યો નહીં કે પરિસ્થિતિએ તેને ઠરીઠામ થવા દીધો. નવલકથામાં જર્મની, બંગાળી, હિન્દી અને હીબ્રુ ભાષાના શબ્દો પણ આવે છે. 

એકી બેઠકે વાંચી શકાય એવી નવલકથા નથી. ૨૮૦ પાનાં, જર્મન, કલકત્તા અને મુંબઈ, એક વ્યક્તિની એકલતા, એકાંત બધું પચાવવા માટે નવલકથા બેથી ત્રણવાર વાંચવી પડે. વર્ણન એટલું સચોટ છે કે તેને માણવા માટે પણ ફરી ફરી વાંચવું પડે. અનિતા દેસાઈને નવલકથાનો પ્લોટ જ્યાંથી મળ્યો તે પણ રસપ્રદ છે. અનિતા દેસાઈના માતા જર્મન અને પિતા બંગાળી છે. એટલે એમને જર્મન ભાષા આવડે છે. એક જર્મન ભારતમાં રહેતો હોય છે અને તે મૃત્યુ પામે છે અને વકીલ તેની મિલકત ઠેકાણે પાડતો હોય છે ત્યારે એને કેટલાક પત્રો મળે છે જે જર્મનીમાં લખાયેલા છે. વકીલ અનિતા દેસાઈનો મિત્ર છે એટલે તે અનિતાને પત્રો જોઈ આપવા કહે છે. પત્રો કોન્સન્ટ્રેસન કેમ્પમાંથી કોઈ સ્ત્રીએ લખ્યા છે જર્મનને. બસ, અનિતા દેસાઈને પ્લોટ મળી ગયો. 

નવલકથામાં બામગાર્ટનર કોલાબામાં તાજ હોટલની પાછળની ગલીમાં રહેતો હોય છે. અને જે રીતે જીવતો હોય. તેની દિનચર્યા અને આસપાસના વાતાવરણનું જે વર્ણન કર્યું છે કોલાબા મેં જોયું છે. અનિતા દેસાઈ આબેહુબ અનુભૂતિ ઊભી કરી શકે છે શબ્દો દ્વારા. છેલ્લે બાર્મગાર્ટનરનું બોમ્બેમાં મર્ડર થાય છે. સમયે એને જાણનાર એક વ્યક્તિ છે. જર્મન કેબ્રે ડાન્સર લોટ્ટો. હ્યુગોના ઘરમાં રહી ગયેલા પત્રો ઉપાડી જાય છે. હ્યુગોનું મર્ડર પણ એક હિપ્પી ડ્રગ એડિક્ટ જર્મન યુવાન કર્યું હોય છે. લોટ્ટોએ ઉપાડેલા પત્રો હ્યુગોની માએ કોન્સન્ટ્રેસન કેમ્પમાંથી લખેલાં છે. તેના પર નંબર છે. ૧૯૪૧માં છેલ્લો પત્ર છે. લોટ્ટો માટે જર્મન ભાષાની સાથે જોડાવાનું એકમાત્ર કારણ છે. કોલાબાની ફુટપાથ પર શરણાર્થીની જેમ રહેતાં પરિવારનું વર્ણન અદભૂત છે. અનિતા દેસાઈની વર્ણનની શૈલી માતબર છે. સાહિત્યના વિશ્વમાં અનિતા દેસાઈની નવલકથા અભ્યાસમાં ચર્ચાય છે. તેમને બુકર પ્રાઈઝ પણ મળ્યો છે. અનિતા દેસાઈની વાર્તાઓમાં લાગણીઓના લબદા નહીં પણ લાગણીઓને તેઓ તટસ્થતાપૂર્વક મૂકે કે તેનો અહેસાસ વાચકને થાય. ભાવ વિશ્વનો તેમનો વિસ્તાર ફક્ત ભારત પૂરતો મર્યાદિત નથી રહેતો એટલે તેમની નવલકથાઓનું વિશ્વ સાહિત્યમાં નોંધપાત્ર સ્થાન છે. 

You Might Also Like

0 comments