ધ સેન્ટ ઓફ ગ્રીન પપાયા અને ભાણી
22:05
વિયેતનામ યુદ્ધ પહેલાંની આ ફિલ્મ જોતાં અને જોયા બાદ અનેક વિશ્વો મારા વિચારોમાં પડઘાયા કર્યાં. ફિલ્મ પુસ્તક વાંચવા જેવી લાગણી ઉદભાવી શકે તો કેટલાંક પુસ્તક ફિલ્મ જોયાં જેવી લાગણી પેદા કરી શકે. લાગણીઓને ઝંકારે એ બાબતો મનુષ્યને સ્પર્શતી હોય છે. સોશિયલ મિડીયા દ્વારા દરરો઼જ આપણી લાગણીઓને ઝકઝોળવાનો પ્રયત્ન થાય છે. થાકી જવાય એ હદે આ લાગણીઓના મારા મને એટલી અસર કરી ગયા કે લખવાનું બંધ થઈ ગયું. વિચારવાનું બંધ થઈ ગયું. રાઈટર્સ બ્લોક શબ્દ વાપરી શકાય પણ આજે પાછું વળીને વિચારું છું તો દેખાય છે કે સોશિયલ મિડીયાને કારણે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. લખવું, વિચારવું જાણે બધું જ સ્થિર. ફક્ત ચિત્રપટ્ટીની જેમ મેસેજીસ અને પોસ્ટ મારી આંખ સામેથી પસાર થાય. માત્ર કરવા ખાતર વિવાદો કરવાના. આપણું મહત્ત્વ છે એ સાબિત કરવા માટે પોસ્ટ મૂકવાની એ મને રાશ ન આવ્યું. “ધ સેન્ટ ઓફ ગ્રીન પપાયા” જોતી વખતે સમય સ્થિર થઈ ગયો અને અનેક વિશ્વો મનમાં ઘુમરાયાં. આ પહેલી વિયેતનામી ફિલ્મ છે કે જેને ૨૦૦૫માં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ તરીકે એકેડમી એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી હતી. જમીન સાથે, સંસ્કૃતિ સાથે જોડાયેલી આ ફિલ્મની વાર્તા દસ વરસની છોકરી મુઈ નાનકડા ગામડામાંથી સાનગોઈ શહેરમાં પૈસાદાર વેપારી કુટુંબમાં કામ કરવા માટે આવે છે. આખીય ફિલ્મ પેરીસના સ્ટુડિયોમાં ઊભા કરાયેલા સેટ પર શૂટ થઈ હોવા છતાં યુદ્ધ પહેલાંના શાંત, સૌજન્યશીલ વિયેતનામની છબી તાદૃશ્ય ઊભી કરે છે.
આખીય ફિલ્મ એ ગામડાંની છોકરી કેવી રીતે જીવ સૃષ્ટિ સાથે જોડાયેલી રહે છે એની વાત પણ કરે છે. પાઉંના ટુંકડા લઈને જતી કીડીઓની હાર. પાંદડા પર બેઠેલો દેડકો અને પપૈયાના બી, છોડની સુગંધ, વરસાદ, તડકો આ બધાં ઉપરાંત ઘરની સફાઈ, શૂ પોલીસ, જમવાનું બનાવવાનું, પીરસવાનું આ બધું જ તે સહજતાથી સ્વીકારીને કરે છે. કશે જ એક્સપ્લોઈટેશનની ફરિયાદ નથી. હાર્મની- સમરસતા આ ફિલ્મનું પાસું છે એવું કહી શકાય.
ફિલ્મ જોતાં અને પછી પણ મને સતત યાદ આવતી રહી તે ભાણી અને ઉમા,વર્ષા. ભાણી અમારે ત્યાં ત્રીસેક વરસ પહેલાં કામ કરતી હતી. સાબરકાંઠા જીલ્લાના એક નાનકડાં ગામથી મુંબઈ તેના માતાપિતા સાથે આવેલી. મારા ઘરે કામ કરતાં એ સતત પોતાના ગામની એક યા બીજી વાત કરતી. બે મોઢાવાળાં સાપ, છોડ ઔષધિઓ, ગામની બાજુમાંથી ખેતરો પાસેથી પસાર થતી નેરોગેજ ટ્રેનની સીટી. એ ટ્રેનના પસાર થવાનો સમય એટલે લંચ ટાઈમ એવું ખેતરમાં કામ કરનારાની સમજૂતી. એક રૂપિયો બચાવવા માટે માઈલો સુધી ચાલીને જતી તેની દાદી. વાત કરતાં કરતાં એના ગામને તાદૃશ્ય મારા સમક્ષ ઊભું કરતી. એટલે સુધી કે આજે પણ મારામાં ભાણીનું ગામ એક ખૂણે જીવે છે. પછી તો અમે સ્થળ અને ઘર બદલ્યું અને ભાણી ક્યાં હશે તે ખબર નથી. તે સમયે મોબાઈલ ફોન નહોતાં એટલે ભાણીનો ફોટો નથી પણ અફસોસ નથી કારણ કે ભાણીનું ચિત્ર મારા મનમાં અકબંધ છે. પાંચ ફૂટની ઊંચાઈ, લંબગોળ ચહેરો, ભીનેવાન અને આંખોમાં ગામને ખોયાની ઉદાસીનો સ્થાયીભાવ.
ઉમા અને વર્ષા ધરમપુરમાં મળ્યા છે. બન્ને ત્યાંના રહેવાશી. એમની વાતોમાં પણ જાતજાતના ફળ, પાન, છો઼ડની વાત નીકળે. ધરતી સાથે જોડાયેલાં પણ જમીન એમની પાસે ન હોવાથી ઘરકામ કરીને જીવે. પરંતુ, નિખાલસ, સ્વમાની વ્યક્તિત્વ એવું કે આદર આપીને જ સંબંધ બંધાય. ગમે તેટલી કઠિન પરિસ્થિતિમાં ય કોઈ રોકકળ નહીં, હસતો ચહેરો અને કામ જ પૂજા.
હવે ભાણી, વર્ષા, ઉમાની જેમ મુઈ પણ મારામાં રોપાઈ ગઈ છે લીલા પપૈયાની સુગંધ સાથે.


0 comments