જીવનમાં કેટલીક સફર માટે રિઝર્વેશનની જરૂર હોતી નથી- એન્થની બૌદેન
11:08
કેટલીકવાર એવું બનતું હોય છે કે તમે એ વ્યક્તિ વિશે ખાસ કશું જ જાણતા નથી પણ તેનું અચાનક મૃત્યુ તમને આઘાત આપી જતું હોય છે. તેમાં ય જ્યારે વ્યક્તિ આપઘાત કરે ત્યારે ખાસ. એન્થની બૌદેનના જીવન પર બનેલી ‘રોડરનર’ ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવા જેવી છે. અમેરિકન સેલિબ્રિટિ શેફ એન્થની બૌદેને ૨૦૧૮માં ૬૧ વરસની ઉંમરે ફ્રાંસની એક હોટલમાં આત્મ હત્યા કરી હતી. એન્થનીને ટેલિવિઝન પર દુનિયાભરના લોકોએ જોયો છે, વખાણ્યો છે. સફળ શેફ, પ્રવાસી, લેખક અને ટેલિવિઝન શો હોસ્ટને પણ એવું દુખ હોઈ શકે કે તેણે આત્મહત્યા કરવી પડે? આ સવાલ દુનિયાભરના લોકોએ એના મૃત્યુના સમાચાર વાંચીને ટ્વીટર અને ફેસબુક પર વ્યક્ત કર્યા હતા. એન્થની બૌદેનમાં રિઝર્વેશન વગર પ્રવાસ કરવાનું સાહસ હતું.
એન્થની બૌદેનના આપઘાતના સમાચાર એટલે સૌથી વધુ આઘાત આપી ગયા કે તે ખૂબ જ સહજ, મળતાવડો અને સફળ પુરુષ હતો. તેને પણ કોઈ દુખ હોય કે તકલીફ હોય તે માનવું અઘરું લાગે. એન્થનીનું જીવન સાહસ અને રોમાંચથી ભરપુર હતું. કોલેજ ડ્રોપ આઉટ અને ડ્રગ્સનો બંધાણી રહ્યો 40 વરસ સુધી, તેને સફળતા 44માં વરસથી મળી. ત્યાં સુધી તેણે જીવનમાં તૂટી જવાય એટલા સંઘર્ષો જોયા છે. તેણે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે એવો પણ વખત હતો કે રાત્રે ચિંતા વિના કેવી રીતે સૂઈ જવું તે સમસ્યા હતી. ખિસ્સામાં કાણી પાઈ ન હોય, ઘર ભાડું આપવાના પૈસા ન હોય, ટેક્સ ન ભર્યો હોય... હોટલમાં ડિશ વોશર તરીકે એટલે કે લોકોના એંઠા વાસણો ધોવાની નોકરી કરવાથી તેણે શરૂઆત કરી હતી. પછી તો તેણે કુલીનરી કોલેજમાંથી ડિગ્રી લીધી અને સખત મહેનત કરીને શેફ તરીકે પોતાનું નામ ઊભું કર્યું હતું,
તેણે ન્યુયોર્ક ટાઈમ્સમાં એકવાર હોટલના રસોયાના જીવન સંદર્ભે લેખ લખ્યો, ડોન્ટ ઈટ બીફોર રિડિંગ ધીસ. ત્યારબાદ એ લેખક તરીકે લોકપ્રિય થયો. પછી એનું પુસ્તક ‘કિચન કોન્ફિડેન્શીઅલ એડવેન્ચર ઈન કુલીનરી અન્ડરબેલી’ પ્રસિદ્ધ થયું, બસ ત્યારબાદ એણે પાછું વળીને જોયું નથી. તેનું લખાણ અને જીવનના સહજતાથી સ્વીકારે તેને સફળ બનાવી દીધો. એ જ વ્યક્તિ આત્મહત્યા કરે ત્યારે સ્વીકારવું અઘરું લાગે.
ટ્રાવેલ ચેનલ પર તેનો નો રિઝર્વેશન નામના શો ખૂબ પ્રખ્યાત થયો. એ શો માટે તે મુંબઈ પણ આવ્યો હતો. રસ્તા પરથી ભેલ અને પાણીપુરી તેણે સહજતાથી ખાધા હતા. ટ્રેનમાં મુસાફરી કરીને તે એક શહેરથી બીજા શહેરમાં જતો. દરેક દેશમાં જઈ તે ફક્ત ફુડ જ નહીં ત્યાંની સંસ્કૃતિ, પ્રકૃતિ અને માનવ સ્વભાવને પામવાનો સહજ પ્રયત્ન કરતો. ફુડ શોમાં તેનું આગવું પ્રદાન હતું. તેની સફળતાનું કારણ હતું કે તે ખૂબ સહજતાથી વાત કરી શકતો, લોકો સાથે, વાનગીઓ સાથે અને દર્શકો સાથે. આપણો જ કોઈ મિત્ર ફરતો હોય અને વાત કરતો હોય તેવું લાગતું. કેટલાય વરસો તેણે પાર્ટસ અનનોઉન (અજાણી જગ્યાઓ) શોધીને ત્યાંની રાજકિય, સામાજિક અને લોકોની ખાવાની આદત વિશે વાતો કરી. તેના શોને પ્રસિદ્ધિ સાથે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. ૨૦૧૭માં તેણે ભૂતપૂર્વ અમેરિકા પ્રમુખ બરાક ઓબામાં સાથે વિયેતનામની એક નાનકડી હોટલના પ્લાસ્ટિકના સ્ટૂલ પર બેસીને ભોજન આરોગ્યું અને વિયેતનામની રાજકિય, સામાજિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. ક્યાંક એણે અજાણી જગ્યાને જાણવા જ તો આત્મહત્યા નથી કરીને?
૬૧ વરસના બૌદેનના જીવનમાં બે સ્ત્રીઓ લગ્ન કરીને આવી હતી પણ બન્નેએ તેના પ્રવાસી શિડ્યુલને કારણે છૂટાછેડા લીધા હતા. બીજા લગ્નથી તેને એક દીકરી છે. છેલ્લે તે એશિયા નામની ઈટાલિયન એકટ્રેસ અને ડિરેકટર ગર્લ ફ્રેન્ડ સાથે તેને સારા સંબંધો હતા. ફિલ્મ દ્વારા જાણ થાય છે કે એશિયાએ બીજી વ્યક્તિ સાથે સંબંધો શરૂ કર્યા એ એક ટેબ્લોડ દ્વારા જાણ્યા બાદ તે વધુ ડિપ્રેશ થયો હતો. એ જ એશિયા જેણે વિન્સ્ટન હાર્વી સામે જાતીય સતામણીનો (બળાત્કાર) આરોપ મૂક્યો હતો. એન્થનીએ મીટુ કેમ્પઈનના પક્ષમાં અનેક વાર લખાણો લખીને જાતીય સતામણી કરતા પુરુષોને વખોડ્યા હતા. સતત પ્રવાસમાં રહેવાને કારણે પત્ની સાથે સમય વીતાવી શકતો નહીં. દુનિયાભરમાં ફરવું અને ખાવું તેને ગમતું હતું અને તે છતાં પ્રવાસ તેને એકલો પાડી દેતો હોવાનું તેણે કબૂલ્યું છે. ખૂબ રચનાત્મક, બુદ્ધિશાળી અને હેન્ડસમ એન્થનીએ ફુડ શોમાં નવો ચીલો ચાતર્યો હતો. એન્થની જ્યારે કોઈ દેશ અને ત્યાંની સંસ્કૃતિની વાત કરે ત્યારે ખૂબ સહજતાથી નવા અર્થો ઊઘાડી આપતો. તે એના કામથી ખૂબ ખુશ હતો અને ખુબ પેશનેટલી તે શો કરતો. તે છતાં એ એકલો હતો. ટીવી શોમાં લાઈવલી, વાઈબ્રન્ટ દેખાતો વ્યક્તિ અચાનક એક દિવસ આત્મહત્યા કરે ત્યારે લાગે કે પુરુષોને દિલ ખોલીને વાત કરતા નથી આવડતું.
એન્થની બૌદન વિશે એકપણ નકારાત્મક વાત વાંચવા નથી મળી. હા, સફળ માણસ હોય તો થોડો નાર્સિસીસ્ટ હોય પણ તેના પર્ફોમન્સમાં ક્યારેય ઉદ્દંડતા કે ખોખલાપણું દેખાયું નથી. ચોળાયેલા શર્ટ કે સાદા ટી શર્ટ સાથે, ક્યારેક થાકેલો તો ક્યારેક ઉત્સાહિત એ કેમેરા સામે જોઈને વાત કરી શકતો. પ્રવાસી જેવો જ દેખાતો અને એવો જ જીજ્ઞાસુ જણાતો. એટલે જ લોકોમાં લોકપ્રિય હતો. તેની ભૂતપૂર્વ પત્નીઓએ પણ તેના ઘરે ન હોવા સિવાય કોઈ ફરિયાદ કરી નથી. આ બધું હોવા છતાં એન્થનીના દિલનો એક ખૂણો અંગત હતો જે કદાચ જીવનથી વિમુખ થઈ ગયો હતો કે પછી જીવનથી થાકી ગયો હશે. તેણે પોતાની નબળાઈઓ વિશે જાહેરમાં વાત કરી છે. ડ્રગ્સના વ્યસનને હિંમતપૂર્વક જાકોરો દઈ શક્યો છે. તે છતાં જીવનમાં કેટલીક અંગત ક્ષણો આવતી હોય છે જેને ટાળવી મુશ્કેલ હોય છે કે વાત કરવી મુશ્કેલ હોઈ શકે છે. એન્થની બૌદેન પણ ડિપ્રેશનનો શિકાર હતો, તેણે સાયકોલોજિસ્ટની સાથે વાત પણ કરી હતી પણ ડિપ્રેશનને એન્થની મિત્ર ન બનાવી શક્યો કે ન તો પોતાની લાગણીઓ વિશે સહજતાથી વાત કરી શક્યો. એ પોતે જ કબૂલતો હતો કે જેટલી સહજતાથી શો કરી શકતો કે લોકો સાથે વાત કરી શકતો હતો એટલી સહજતાથી પોતાની વ્યક્તિઓ સાથે દિલની વાત નહોતો કરી શકતો. અમેરિકામાં આત્મહત્યા કરનારા પુરુષોનું પ્રમાણ 30 ટકા ના દરે વધ્યું છે. ડિપ્રેશન અને એકલતા પુરુષોને હંફાવે છે અને તેઓ આત્મહત્યાનો રસ્તો અપનાવે છે. આત્મહત્યા કરનારના પરિવારજનો અને મિત્રોનું દુખ સમજવું અઘરું હોય છે. તેમને ગુનાહિતતા અનુભવાય છે. આ ફિલ્મમાં આ બધું જ છે. હકિકતમાં ડિપ્રેશનન એક એવી બીમારી છે કે તેના પર કાબૂ મેળવવાના પ્રયત્નો ટૂંકા પડે છે. એન્થની બૌદેનના જીવનને આવરી લેતી રોડરનર ફિલ્મ મને તો ગમી.
સ્ત્રીઓ સૌથી વધુ આપઘાતના પ્રયત્નો કરતી હોવા છતાં આપઘાતમાં મૃત્યુ પામનાર પુરુષોની સંખ્યા વધુ છે. તેનું કારણ છે કે પુરુષો આપઘાતના વિચાર આવે તો પણ કોઈની સાથે વાતચીત કરવાનું કે જણાવવાનું ટાળે છે અને સીધો આપઘાત કરવાનો પ્રયત્ન જ કરે છે. તેમના પ્રયત્નો પણ હિંસક હશે જેમકે રિવોલ્વરનો ઉપયોગ કરવો કે જ્યાંથી કોઈ બચાવી ન શકે તેવા સ્થળે જઈને કૂદકો મારવો. મોટેભાગે વાતચીતની શક્યતા રહે જ નહીં તે રીતે તેઓ પોતાના મનના બારણા બંધ રાખે છે.
0 comments