તામિલ ટ્રેઈલ્સ ભાગ -૨ તાંજોર - કુંભકોનમ
01:47તામિલનાડુમાં મહાબલિપુરમથી શરૂ થયેલો પ્રવાસ આગળ પોંડિચેરી થઈને તાંજોર તરફ આગળ વધ્યો હતો. તાંજોરમાં વિશે ખાસ તપાસ નહોતી કરી. પ્રાચીન મંદિરોતો તામિલનાડુમાં અઢળક છે. એટલું કબૂલવું પડે કે તામિલનાડુના રસ્તા ખૂબ જ સરસ છે. લાંબા પ્રવાસનો થાક ન લાગે કે તમારા શરીરને ય કષ્ટ ન પડે. તાંજોર જતાં રસ્તામાં કુંભકોનમમાં મંદિરો જોવાની અમારા ડ્રાઈવરે સલાહ આપી. કુંભકોનમ નામ જ પહેલીવાર સાંભળ્યું હતું. ગુગલ કરતાં ખબર પડી કે ત્યાં ૧૮૮ મંદિરો છે. સાતમી અને આઠમી સદીના આ મંદિરો સંગમ પિરિયડના ગણાય છે. એ સમયે ચૌલા,મુથારાઈયાર ડાયનેસ્ટી, પાંડ્યા, નાયક વિજયનગર એમ્પાયર, થાંજાવુર નાયક, થાંજાવુર મરાઠાઓના રાજ્યકાળમાં આ મંદિરો બન્યા. અમારી પાસે સમય તો એટલો હતો જ નહીં એટલે મુખ્ય બે ચાર મંદિરો જોવા એવું નક્કી કર્યું. શિવના મંદિરોમાં દર્શન કર્યા. પણ એમાં ય સારંગપાણી મંદિરમાં વિષ્ણુના દર્શન અદભૂત હતા. નાગની શૈય્યા પર સૂતેલા વિષ્ણુની કાળી પ્રતિમાના દર્શન ગર્ભગૃહમાં જઈને મશાલના અજવાળે પુજારીએ કરાવ્યા ત્યારે ક્ષણભરમાં સમયાતીત થઈ જવાયું. પુજારીને વિનંતી કરી ફરી દર્શન કરાવોને…અને પુજારીએ પ્રેમથી ફરી વિષ્ણુના ચહેરાથી લઈને પગ સુધી મશાલ ફેરવી. દક્ષિણભારતના મંદિરોમાં વીજળી નથી હોતી. દીવાઓ જ હોય.
સારંગપાણી મંદિરમાં દાખલ થતાં પહેલાં મંદિરના ગર્ભગૃહમાં જતાં પહેલાં જમણી તરફ સ્ટેજ પર એક મૂર્તિ હતી અને તેની સામે બ્રાહ્મણો ઊભા રહીને મંત્રોચ્ચાર કરતાં હોય એવું લાગ્યું. અમે પણ ત્યાં જઈ ઊભા રહ્યા. પુરુષો એક તરફ ઊભા હતા અને સ્ત્રીઓ એક તરફ. મારી આગળ ઊભેલી સ્ત્રીને કદાચ અંગ્રેજી આવડતું હશે એવું લાગતાં મેં તેને પૂછ્યું, “આ લોકો શું ગાઈ રહ્યા છે?” એણે સમજાવ્યું કે આવતીકાલે વૈકુંઠ અગિયારસ છે એ પછી અમૃતકાળ શરૂ થશે. સામે વિષ્ણુની ઉત્સવ મૂર્તિ છે. હવે રોજ અલવારિસના ગાન વિષ્ણુની સામે ગવાશે. આ લોકો કવિતા ગાઈ રહ્યા છે. આંડાલનું નામ આપણને ખબર છે. પાચમી સદીથી બારમી સદી સુધીમાં બાર ભક્તો જેને અલવારિસના નામે ઓળખવામાં આવે છે. તેઓ વિષ્ણુને સમર્પિત હતા અને વિષ્ણુ માટે કવિતાઓ, ભજનો ગાયા છે. આપણા નરસિંહ મહેતા યાદ આવી ગયા. એ લોકો શું ગાઈ રહ્યા હતા એ તો સમજાયું નહીં પણ વાતાવરણ ભક્તિમય હતું. આંડાલ, પેરિયાલવાર, કુલક્ષેત્ર અલવાર, થિરુપ્પન અલવાર એમ બાર અલવાર ભક્તોની મૂર્તિઓ પણ પછી અમે ટ્રિચીના રંગનાથ મંદિરમાં જોઈ.
કુંભકોનમથી અમે તાંજોર ગયા. તાંજોર ૪૦ કિલોમીટરના અંતરે જ છે. પણ કુંભકોનમમાં દર્શન કરીને નીકળતાં છ વાગી ગયા. સાતેક વાગ્યે તાંજોર પહોંચ્યા. અમારો ઉતારો જ્યાં હતો એ હોમસ્ટે પહોંચતાં પહેલાં બૃહદેશ્વર રસ્તામાં આવ્યું. ત્યાંની ભવ્યતા નજરે પડતાં જ અવાક રહી ગયા. કોતરણીવાળો દરવાજો, ગોપુરમ. એની સુંદરતા વર્ણવવા માટે શબ્દો ઓછા પડે. વિશાળ મંદિરનું ક્ષેત્ર. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલું આ શિવમંદિર ચૌલાના સમયમાં બંધાયું છે. અહીં શિવનું મોટું લિંગ છે. આ મંદિરમાં ઈલેક્ટ્રીક વીજળીઓ હતી. અહીં પણ અંદર ગર્ભગૃહમાં જઈને દર્શન કરવાનો મોકો મળ્યો. બહાર વિશાળ પ્રાંગણમાં સામે મોટો નંદી છે. તો બીજા અનેક મંદિરો છે. મંદિરની સુંદરતા અને ભવ્યતા માણતાં અમે ફરી રહ્યા હતા ત્યાં એક આખું કુટુંબ એક સાથે ગાન કરતું ફરી રહ્યું હતું. શબ્દો અજાણ્યા હતા. પણ એ ભગવાનની સ્તુતિ હશે એટલું સમજી શકાતું હતું. એનો વિડિયો પણ સાથે મૂકું છું. લગભગ બે કલાક ફરીને અમે હોમસ્ટે પર પહોંચ્યાં. બૃહદેશ્વરથી પાંચેક કિલોમીટર દૂર. પાટાની નજીક કોઈ શાંત રહેણાંક વિસ્તારમાં હેરિટેજ હોમસ્ટે હતું.
0 comments