પરફેક્ટ ડેઝ વિમ વેન્ડર્સને ફિલ્માવેલી ઝેન કથા

00:18






પરફેક્ટ ડેઝ જોવાની શરૂઆત કરી ત્યારે લાગ્યું કે શું જોઈ રહી છું? એક માણસ રોજ સવારે બહાર સફાઈ કામદાર દ્વારા ઝાડુ મારવાના અવાજથી જાગી જાય, પથારી વાળી બાજુ પર મૂકે, બ્રશ કરે, છોડને પાણી નાખે, તૈયાર થાય અને ઘરની બહાર નીકળીને તે આકાશને જુએ. વેન્ડિંગ મશીનમાંથી કોફી લઈ, કાર શરૂ કરે, કેસેટ મૂકી સંગીત સાંભળતો પોતાના કામ તરફ પ્રવાસ કરે. કામ શું? તો જાપાનના પબ્લિક ટોઈલેટ સાફ કરવાનું. 

એનું નામ હીરાયામા, ઉંમર લગભગ ૬૦, એકલો રહે છે. પોતાનું કામ પણ અદભૂત કૌશલથી કરે છે. દિવસો સુધી તે લગભગ મૌન હોય. ભાગ્યે એકાદ બે વાક્યો જરૂર પૂરતાં બોલે. દરરોજ એક રેસ્ટોરન્ટમાં જમે. રજાને દિવસે લોન્ડ્રી માટે જાય. બારમાં જાય. વગેરે વગેરે. ફિલ્મમાં કોઈ સંદેશ નથી કે તો કોઈ ઈમોશનલ ડાયલોગ છે. ફિલ્મ જોતાં ધીમે ધીમે સમજાય કે અહીં મૌનની અનુભૂતિ કચકડે મઢી છે. શબ્દો, ડાયલોગ, લાગણીઓ જોવા ટેવાયેલા હોઈએ ત્યારે મૌનની ભાષાને સમજવી અઘરી છે.

 જાણીતા દિગ્દર્શક વિમ વેન્‍ડર્સન એમાં કમાલ કરી જાય છે.  અભિનેતા કોજી યાસુકોએ હીરાયામાનું પાત્ર જે રીતે ભજવ્યું છે જોઈને શાંત ઝેન વાતાવરણની અનુભૂતિ થાય. ફિલ્મને એકેડમી, કાન્સ સહિત અનેક એવોર્ડ મળ્યા છે અને કોજી યાસુકોને બેસ્ટ એકટરનો ખિતાબ મળ્યો છે.  

હીરાયામા ટોઈલેટ સાફ કરવાનું કામ કરે છે પણ સવારે કામ પર જતાં ૬૦/૭૦ની દસકાના અંગ્રેજી ગીતો સાંભળે છે. તેની ગીતોની પસંદગી લોઉ રીડથી લઈને પટ્ટી સ્મિથ, નીના સિમોનની છે. હીરાયામા જે રીતે આકાશ જુએ, ઝાડ જુએ, માણસોને જુએ જોતાં સમજાય કે માણસ ભરેલો છે. તેની આંખોમાં હૃદય છે. તે રોજ રાત્રે સૂતાં પહેલાં સાહિત્ય વાંચે છે. પુસ્તકો પણ સેકન્ડ હેન્ડ સ્ટોરમાંથી નિયમિત ખરીદે છે. આખી વાર્તા અહીં નથી કહેતી. ફિલ્મ એક અનુભૂતિ છે. એને અનુભવ કરવા જેવી છે જો મૌનની વાણીમાં રસ પડે તો.  






You Might Also Like

0 comments