નાટક અને હું
00:42ગુજરાતી રંગભૂમિ સાથે મારો નાતો પચાસ વરસ પહેંલાનો છે. કાલબાદેવીમાં જન્મી અને મોટી થઈ. મારા ઘરથી ચાલીને પાંચ મિનિટના અંતરે ભાંગવાડી થિયેટર. થિયેટરમાં નાટક જોવા ગઈ તે પહેલાંથી તેના વિશે કેટકેટલીય વાતો સાંભળી હતી પડોશી પૂંજામામાના મોઢેથી. પૂંજામામાને ગીતોનો જબરો શોખ. રેડિયો પર સિલોન સ્ટેશન પકડવા માટે રોજ સવારે મંડી પડે. આખી ચાલીને સંભળાય એટલું મોટું તેનું વોલ્યુમ વાગે. સાથે એટલા જ જોરથી પૂંજામામા સૂર પૂરાવે. કેટલીકવાર તો અમે બાળકો સૂતા હોઈએ તે ઊઠી જઈએ એટલે પૂંજામામા પર ગુસ્સો ય આવતો.
ભાંગવાડી થિયેટરના નાટકોના ગીતો ય લહેકા સાથે તેઓ લલકારતા. એ જોઈ અમને રમૂજ થતી. જયશંકર સુંદરીની સાડી પહેરવાની સ્ટાઈલની ભાટિયાઓની શેઠાણીઓ કોપી કરતી. એમની પાસે સાડી પહેરતાં શીખવા ય કેટલીય મહિલાઓ આવતી. નાટકોના કલાકારોની અંગત જીવનની ગોસિપ પણ સાંભળવા મળતી. પત્રકારત્વના બીજ કદાચ ત્યારે જ રોપાયા હશે. 'એ તું નહીં તારો પૈસો બોલે છે' ડાયલોગ આજે પણ યાદ છે. ગીતોનું વન્સમોર ક્યારેક સવાર સુધી નાટકને ચલાવતું વગેરે વગેરે અનેક વાતો આજે પણ યાદ આવે છે. જીવનનું પહેલું નાટક જોયું હતું ભાંગવાડી થિયેટરમાં 'પૈસો બોલે છે' અથવા 'મંગળફેરા' તે યાદ નથી. ભાંગવાડી થિયેટરના એ સુવર્ણકાળને ધીમે ધીમે આથમતા જોયો. ભાંગવાડીમાં અંદર જતા પહેલાં દરવાજે ગ્રે કલરના હાથીનું શિલ્પ મકાન પર જોવું ગમતું. હજુ આજે ય એ શિલ્પ છે પણ થિયેટર બંધ થયું ત્યારે પૂંજામામા જેવા અનેક ગુજરાતીઓને કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય એ રીતે શોક મનાવતા જોયા છે. નાટક કરવાનું ક્યારેય વિચાર્યું નહોતું પણ બાળપણમાં હું ચારેક મહિના ન઼ડિયાદ પાસે આવેલા થામણા ગામમાં નાનીના ઘરે રહી હતી ત્યારે ત્યાં શાળામાં પ્રવેશ લીધો હતો. તે સમયે શાળામાંથી નાટક ભજવાયું હતું ગામના ચોરે ફાનસના અજવાળે. એ નાટકમાં નાનકડો રોલ કર્યો હતો. ત્યારપછી કોલેજમાં આવી ત્યારે એકોક્તિ સ્પર્ધામાં ભાગ લેતી અને પહેલો નંબર આવતો. હિન્દુજા કોલેજમાંથી આઈએનટી સ્પર્ધામાં અંશુમાલી રૂપારેલ લિખિત અને કિરણ પુરોહિત દિગ્દર્શીત 'ખંડેર' નાટકમાં મુખ્ય ભૂમિકા કરી હતી. એમાં પણ પ્રથમ ઈનામ મળ્યું હતું. એ નાટકમાં મેં ભાગ લીધો હતો તે મારા પપ્પાને ખબર નહોતી. તેમને હું નાટકમાં કામ કરું તે મંજૂર નહોતું. ઈન્ટર કોલેજ સ્પર્ધામાં પ્રથમ ઈનામ મળતા, બીજે દિવસે છાપામાં ફોટા સાથે સમાચાર આવ્યા અને પપ્પાનો ગુસ્સો વહોરવો પડ્યો. એ ઈનામનું સર્ટિફિકેટ કે ટ્રોફી લેવા પણ હું ન ગઈ. બસ ત્યારબાદ નાટકો સાથે નાતો ન રહ્યો.
એ નાટકનું બીજ મારા લોહી મારફતે ઈશાનમાં સહજતાથી આવ્યું. અમારા કોઈ પ્રયાસ વિના એનો નાટકમાં પ્રવેશ થયો. પાંચ વરસની ઉંમરે બાળ મરિઝ તરીકે મનોજ શાહે તેને મરિઝ નાટકમાં લીધો. એ મોટો થતો ગયો અને બાળ મરિઝમાંથી મરિઝના દીકરા મોહસીનની ભૂમિકા ભજવવા લાગ્યો. 'મમ્મી તું આવી કેવી?' નાટકમાં નાના બાળકની ભૂમિકામાં તે છવાયો. આમ નાટક કલાકારો વચ્ચે એ મોટો થતા ક્યારે નાટકો લખવા લાગ્યો તેની અમને ખબર જ ન પડી. પૃથ્વી થિયેટરમાં સંજના કપૂર સાથે એણે કામ કર્યું અને સત્યદેવ દુબે સાથે ય દોસ્તી કરી તેની વાતો ય સાંભળવા મળતી. આમ નાટક અનાયાસે મારી સાથે સતત જોડાયેલું રહ્યું એ ગઈકાલે થિયેટર ડેની પોસ્ટ જોઈ યાદ આવ્યું.
0 comments