'ટેસ્ટ ઓફ થિંગ્સ' સ્વાદ, સોડમ અને મુક્ત સંબંધની વાત
22:21
ઉનાળો મને ખૂબ ગમે છે, ઉનાળાની બપોરેનો તડકાનું પોતાનું આગવું સૌદર્ય છે. એ કડક તડકામાં ફુલોની મોસમ ખીલે છે. સુગંધ અને સ્વાદનું અનોખું સામ્રાજ્ય સ્થપાય છે. પહેલીવાર ફિલ્મમાં સમર એટલે કે ઉનાળાના દઝાડી દેતાં તડકાને પ્રેમ કરતું પાત્ર જોવા મળ્યું.
‘ટેસ્ટ ઓફ થિંગ્સ’ એ ફુડ ફોર થોટ છે એવું કહી શકાય. કેટલીક ફિલ્મો તમને ‘મેડિટેશનલ સ્ટેટ ઓફ માઈન્ડ’ આપવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લા એક વરસથી હું આ ફ્રેન્ચ ફિલ્મ જોવા માટે શોધી રહી હતી. ગઈકાલે મારા બાળકોએ તેને શોધી આપી જોઈ પણ તેનાથી ધરવ ન થયો કારણ કે વચ્ચે વચ્ચે અટકી જતી હતી. બીજીવાર તેને જોવી જ રહી. તે છતાં આ ફિલ્મ સ્વાદ, સોડમ અને સેક્સની પાર લઈ જઈ પ્રેમની પરિભાષામાં વાત કરી શકે છે. આ એવી વ્યક્તિઓની પ્રેમકથા છે જે દરેક ઈન્દ્રિયોને ભરપુર પ્રેમ કરી શકે છે. એવા પ્રદેશમાં લઈ જાય છે જ્યાં વ્યક્તિઓ વર્તમાનમાં ધરતી સાથે જોડાઈને જીવે છે. ન મોબાઈલ કે ન ગુગલ છે. ઓણસમી સદીના અંતે ફ્રેન્ચ ગામડામાં આકાર લેતી આ વાર્તામાં જીવન માટે જરૂરી અદભૂત મસાલો છે. આમ જોઈએ તો આ ફેમિનિસ્ટ ફિલ્મ છે એવું કહી શકાય તે છતાં પ્યાર કો પ્યાર હી રહેને દો કોઈ નામ ન દો…
વાર્તા એ સમયના ખૂબ જાણીતા રસોયા ડોડિન( બેનોઈટ મેજીમલ) અને તેના ઘરમાં વીસ વરસોથી રસોયણનું કામ કરતી સ્ત્રી યુજીન( જુલિયેટ બિનોચે) વચ્ચે આકાર લેતા પ્રેમની વાત છે. બન્ને વ્યક્તિઓ વીસ વરસથી સાથે છે. બન્નેને રસોઈ બનાવવાનો આનંદ આવે છે. ફિલ્મ શરૂ થાય ત્યારથી લગભગ ત્રીસેક મિનિટ સુધી ભાગ્યે જ કોઈ સંવાદ આવે છે. ફ્રેન્ચ મકાનનું મોટું રસોડું, તેમાં પુરુષ અને સ્ત્રી રસોઈ બનાવતા દેખાય, સાથે મદદનીશ તરીકે એક સ્ત્રી અને ફક્ત એક દિવસ માટે આવેલી તેની નાનકડી ભત્રીજી છે. હું વેજીટેરિયન છું પણ નોનવેજ વાનગીઓ બનાવાઈ રહી છે તે જોતાં સૂગ નથી ચડતી. સિનેમેટોગ્રાફી એટલે કે દૃષ્યને ફિલ્માવવામાં પણ ખૂબ કાળજી લેવાઈ છે. ક્યાંય કશું જ ખૂંચે નહીં. આ રસોડામાં રસોઈ બનાવતી વખતે કાળજી લેવાય છે દરેક બાબતની. તેમાં ઉમેરાતાં દરેક સ્વાદ અને સોડમના આગવા વ્યક્તિત્વને સાચવવાનો પ્રયત્ન છે. એક ચમચી ખવાય અને તેમાં ઉમેરાયેલી દરેક સામગ્રીને ઓળખી શકાય ત્યારે એ વાનગીની અને ખાનારની હાજરી એકરૂપ બને છે. રસોડામાં શાંતિ, સહયોગ અને પ્રેમનું સામ્રાજ્ય જણાય, ક્યાંય કશી જ ધડાધૂમ કે કકળાટ કે ફરિયાદ નથી. આ અર્ધો કલાક તમને યુજીન અને ડોડિનના રસોડામાં પ્રવેશવા માટે જરૂરી છે.
યુજીન અને ડોડિનના ચહેરા પર સતત એક સ્મિત રમતું હોય છે. કામની વચ્ચે પણ તેમની વચ્ચે જે સાયુજ્ય છે એ દ્વારા તેમની વચ્ચેના સ્નેહની કલ્પના આવે. બન્ને અભિન્ન છે એવું ય જણાય. રસોઈ કોના માટે બને છે તેની જીજ્ઞાસા થાય. પછી જ્યારે ટેબલ પિરસાય અને મિત્રો દરેક વાનગીને માણતા હોય ત્યારે ખ્યાલ આવે કે મિત્રો માટે રસોઈ બનાવાઈ છે. એક પછી એક વાનગી સહજતાથી પીરસાય છે. સાથે એ જ વાનગી યુજીન અને મદદનીશ પણ એ જ સમયે રસોડામાં ખાય છે. ભોજનના અંતે મિત્રો રસોડામાં આવીને યુજીનની પાકકલાના વખાણ કરતા કહે છે કે ટેબલ પર તારી ખોટ સાલી. તો યુજીન સ્મિત સહ ઉત્તર આપે છે કે યોગ્ય સમયે વાનગીઓ બને અને પીરસાય એ માટે મારે રસોડામાં રહેવું જરૂરી હતું. મિત્રો કહે છે કે તું ખરેખર કલાકાર છે. નમ્ર સ્મિત સાથે યુજીન અભિવાદન કરે છે. હજુ સ્ત્રી અને પુરુષ વચ્ચેની કેમેસ્ટ્રીને સંબંધ શું છે તે ખ્યાલ ન આવે. પતિ-પત્ની છે કે નહીં તે વિચારીએ ત્યાં મહેમાનો ગયા બાદ ડોડિન , યુજીનને પૂછે છે કે હું આજે તારા રૂમનો દરવાજો ખખડાવી શકું ? સ્મિત સાથે યુજીન કહે છે કે પ્રયત્ન કરી જો મને ખબર નથી કે તે ખુલશે કે નહીં. સ્ત્રી અને પુરુષના સંબંધમાં સહજતા અને કાળજી બન્ને દેખાય છે અહીં.
વીસ વરસથી બન્ને સાથે છે પણ લગ્ન નથી કર્યાં. ડોડિન તેને પરણવા માગતો હોય છે પણ યુજીન કહે છે કે મારે દરવાજો ન ખોલવા માટેની સ્વતંત્રતા લગ્ન કરીને ગુમાવવી નથી. બન્ને જણાં એકબીજાની સ્વતંત્રતા અને સમયનો આદર કરે છે. જે સંબંધોમાં ખૂબ મહત્ત્વની બાબત છે. સાથે જ દરેક ઋતુ પ્રમાણે ખેતરમાં પકવેલા શાકભાજી કે ફળનો ઉપયોગ કરીને વાનગીઓ બનાવાય છે. આપણી પાસે પણ એ પરંપરા હતી. જેમાં દરેક ઋતુ પ્રમાણે આસપાસ ઊગે તેને લાવી સાફ કરી ચુલાના તાપે રંધાતું. ન ગેસ હતા કે ન કુકર. રાંધવા માટે સમય આપવો પડતો. આ ફિલ્મમાં દર્શાવાયું છે જે અભિપ્રેત છે તે અહીં સ્ત્રી કે પુરુષ વચ્ચે સંબંધોનું એક્સપ્લોઈટેશન નથી પણ સતત કાળજી લઈને રોમાન્સને જીવંત રખાય છે. પ્રેમ કરવાનો પ્રયત્ન નથી કરવાનો. ભોજન માટે કે સેક્સ માટે વાતાવરણ નથી રચવાનું. એ સહજતાથી થાય છે અને એટલે જ એનો આનંદ હવામાં તરતો હોય છે. યુજીન કોઈ ગંભીર માંદગીથી પીડાતી હોય છે. પ્રેમ અને કાળજીથી ડોડિન, યુજીનનું દિલ છેવટે જીતે છે અને લગ્ન કરવા મનાવે છે. પણ લગ્ન કરે તે પહેલાં યુજીન મૃત્યુ પામે છે. યુજીનની સાથે ડોડિનના જીવનમાંથી સ્વાદ અને ઉત્સાહ જતો રહે છે. મિત્રો તેને માટે નવી રસોયણ શોધવાનો પ્રયત્ન કરે છે જેથી ડોડિનનો જીવનમાં રસ જળવાઈ રહે. અન્ય સ્ત્રીઓ રસોઈ માટે આવે છે પણ ડોડિનની રેસિપીને ન્યાય નથી આપી શકતી. રસોઈમાં સ્વાદ નથી આવતો. ફિલ્મના અંતે એક મિત્ર કોઈ સ્ત્રીએ બનાવેલી વાનગી લઈને દોડતો આવે છે અને ડોડિનને ચાખવાનું કહે છે. એ વાનગી ચાખ્યા બાદ ડોડિન જાણે જીવંત થઈ જાય છે. એક એક સ્વાદને ઓળખી બતાવે છે. એ રસોયણને મળવા તરત જ દોડે છે. ખાલી રસોડાને ૩૬૦ ડિગ્રીએ કેમેરો કંડારે છે સાથે બદલાતા મોસમને ય ઝીલે છે. ખાલી રસોડામાં કેટકેટલા ભાવ તરતા હોય છે. એ ભાવમાં તરબોળ એક છેલ્લો સીન યુજીન અને ડોડિન રસોડામાં ટેબલ પર બેઠાં છે. યુજીન ડોડિનને પૂછે છે, હું તારે માટે કોણ છું કૂક કે વાઈફ? ડોડિન ધીમે રહી યુજીનના હાથ પર હાથ મૂકી કહે છે, કૂક. જવાબ સાંભળી યુજીનના ચહેરા પર સંતોષનું સ્મિત લહેરાય છે. આપણે એ ભાવમાં સ્થિર થઈને બેસી સ્ક્રીન પર આવતા નામો જોયા કરીએ.
આ ફિલ્મનો ડિરેકટર ટ્રાન અન હન્ગ (tran unh hung) વિયેતનામી છે અને બાર વરસની ઉંમરથી ફ્રાન્સમાં રહ્યો છે. ટેસ્ટ ઓફ થિંગ્સ ૨૦૨૩માં ઓસ્કારમાં ફ્રેન્ચ ફિલ્મ તરીકે નોમિનેટ થઈ હતી તો ૧૯૯૩માં આ જ ફિલ્મ મેકરની ધ સેન્ટ ઓફ ગ્રીન પપાયા પણ ઓસ્કારમાં નોમિનેટ થઈ હતી. પછીથી એ ફિલ્મને એકેડમી એવોર્ડ પણ મળ્યો હતો, એના વિશે મેં પહેલાં લખ્યું છે, મારા બ્લોગમાં વાંચી શકાશે. લિન્ક નીચે મૂકી છે.
0 comments