અન્નાની ગાંધીગીરી કેમ ન ચાલી ?
01:27
અન્નાએ જ્યારે પહેલીવાર જંતરમંતર પર ઉપવાસ કર્યા ત્યારે લોકોનો અભૂતપૂર્વ
પ્રતિસાદ જોઈ મિડિયા અંજાઈ ગઈ હતી. તેમની ભ્રષ્ટાચારની ચળવળને ગાંધીગીરી સાથે
સરખાવવામાં આવી હતી. પણ અન્ના ગાંધી નહોતા. ગાંધીજીની વાણિયાગીરી કમાલની હતી. તેમની
લડત સત્યના પાયા પર હતી.તેઓ બેરિસ્ટર હતા તેમને ખબર હતી ક્યારે કેટલું બોલવું અને
ન બોલવું. તેમનું દરેક વર્તન પોતાની માન્યતા પર આધારિત હતું. નહીં કે તેમની
આસપાસની વ્યક્તિઓની માન્યતા પર. ઉપવાસનું હથિયાર તેમણે યોગ્ય રીતે ઉપયોગમાં લીધું
હતું. એ ત્રાગા માટે હોતતો ન ચાલત કારણ કે સામે પક્ષે અંગ્રેજો હતા.ગાંધીજી
ક્યારેય જાહેરમાં જઇને ઉપવાસ કરવા નહોતા બેઠા, સિવાય રાજકોટના સત્યાગ્રહ સમયે.
તેમના ઉપવાસ પોતાના દુખને વ્યક્ત કરવા માટેના હતા નહીં કે મૃત્યુની ધમકી આપીને
પોતાની વાત મનાવવા માટે. પહેલીવાર જ્યારે અન્નાનો જુવાળ ચાલેલ હું પણ ગઈ હતી તેમની
સાથે જોડાવા. જેલમાં પણ ગઈ. એક જ વખતમાં સમજાઇ ગયું હતું કે લોકોને ઘટમાળમાંથી
કંઇક જુદુ કરવું હતું એટલે જોડાયા. કોઇને ચળવળમાં રસ કે શ્રધ્ધા નહોતા. દરેકને
પોતાના કામ અને આરામ પ્રિય હતા. કોઇ ઇચ્છતું નથી કે ભ્રષ્ટાચાર નાબુદ થાય. સરળતાથી
કામ થતું હોય તો કોઇને ભ્રષ્ટાચાર નાબૂદ થાય એમાં રસ નથી.ગાંધીજીએ જ્યારે
સત્યાગ્રહની લડત ચાલુ કરી ત્યારે તેમના મનમાં સ્પષ્ટતા હતી , સચ્ચાઈ હતી એટલે
તેમના પર શ્રધ્ધા રાખીને એ જમાનામાં અનેક સ્ત્રીઓ પણ ઘરનો ઊંબરો લાંઘીને નીકળી પડી
હતી. આવું હવે કેમ નથી થતું તે ટીમ અન્નાએ વિચારવું જોઇશે.સત્તા પરની રાજકિય
પાર્ટી કે વિરોધ પક્ષોના પીઢ નેતાઓ ભલે કહેતા ન હોય પણ આ તલમાં તેલ નથી તે જાણતા જ
હોવા જોઈએ. અને હવે જ્યારે ગાંધીગીરીનું જાણીતું ઉપયોગી ઉપવાસનું શસ્ત્ર છોડીને
રાજકારણમાં પ્રવેશ કરવાનો વિચાર ઊગ્યો છે ત્યારેય એમાં કોને રસ પડશે ? રાજકારણની સોગઠાબાજીની
રમતમાં ગાંડા કાઢનારા અઠંગ ખેલાડીઓ છે તેમાં અન્નાની સીધીસાદી સમજમાંથી પેદા થયેલો
પક્ષ લોકોને વોટિંગ બૂથ સુધી લઈ જવા તૈયાર કરી શકશે કે કેમ તે સવાલ સહેજે ય થાય.
આપણે ઓલ ધ બેસ્ટ કહીને રાહ જોઇશું મિરેકલ થાય તેની.
2 comments
પહેલી વાર અન્ના ચળવળમાં જેલમાં ગયેલા એક મિત્ર તરીકે તમારી પાસેથી આ વાંચીને આનંદ થયો.
ReplyDeletethanks urvish
Delete