આ મેડલ દરેક ભારતીય નારી માટે છે.
20:54
ભારતમાં મહિલાઓને
રમત ગમત ક્ષેત્રે આમેય મળવો જોઇએ તેટલો પ્રતિસાદ પણ માંડ મળતો હોય ત્યારે બોક્સિગમાં
પાંચ પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બનનાર મહિલા મેરી કોમને ક્યારેય લાઈમ લાઈટ મળી નહીં
કે ન તો તેને કોઇ પ્રોડકટ્સની બ્રાન્ડ એમ્બેડેસર બનવાનો મોકો મળ્યો. કારણ કે
બોક્સિગ ગ્લેમર્સ ગેમ ગણાતી નથી. જ્યારે
દુનિયામાં 256મું સ્થાન ધરાવતી અને ઓલિમ્પિક
મહિલા ડબલ્સમાં પહેલા જ રાઉન્ડમાં આઉટ થઈ જનાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા અને બેડમિન્ટન
પ્લેયર સાનિયા નેહવાલ જે દુનિયામાં
ક્રમાંક બે પર છે તેને આપણે વારંવાર છાપામાં કે ટેલિવિઝન પર જોઇએ છીએ. પરંતુ,
કોઇપણ જાતની અપેક્ષા વગર કાંગાથેઇ નામના મણિપુરના નાનકડા ગામમાં રહેનારી મેરી કોમે
પાંચ પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપનું ટાઈટલ જીત્યું છે. તેની નોંધ કોઇએ લીધી કે ના
લીધી તેની પરવા કર્યા વગર તેણે પોતાના સ્વપ્નને સાકાર કરવા તનતોડ મહેનત કરી. મેરી કોમે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યા બાદ આજે
આખુંય ભારત એકી અવાજે તેના ઓવારણા લઈ
રહ્યું છે. મેરી કોમ કોઇજાતની ફરિયાદ કે
ગર્વ કર્યા વગર કહે છે, સોરી હું ભારતના લોકો માટે નાનો બ્રોન્ઝ મેડલ લાવી. ગોલ્ડ મેડલ જીતીને ન લાવી શકી. આવી વાત એક માતા જ કરી શકે. 29 વર્ષિય મેરી કોમ
પાંચ વરસના બે બાળકોની માતા છે. ગરીબ ખેડૂતના ઘરમાં ચાર ભાઈ બહેનોમાં સૌથી મોટી
હતી. બાળપણમાં તેણે ભણવા સાથે ખેતરમાં કામ પણ કર્યું છે. રિસેસમાં ખાવા માટે મળતા
પૈસામાંથી બચત કરીને પોતાના માટે પ્રથમ બોક્સિગ ગ્લોવ્સ લીધા. મણિપુરના જ બોક્સર
ડિંકો સિંઘને જોઈને તેને પણ બોક્સિગ શીખવાની પ્રેરણા થઈ હતી. જો કે છોકરીઓ બોક્સિગ કરે તે એટલું સહજ ન હોઇ તેણે ઘરમાં
પોતે બોક્સિંગ શીખતી હતી તે કહ્યું ન હતું. 2000ની સાલમાં જ્યારે તે પ્રથમવાર 17
વરસની ઉંમરે તેણે મણિપુર સ્ટેટ ચેમ્પિયનશીપ જીતી હતી. તે સમયે છાપામાં તેનું નામ
મેરી ને બદલે મેગી કોમ છપાયું હતું. તે એના પિતા માંગતે તોનપા કોમએ વાંચ્યું અને
તેને નવાઈ લાગી કે તેમના કુંટુબમાં કોઇ મેગીને તેઓ ઓળખતા નહોતા તો આ મેગી કોણ છે.
પછી ખબર પડી કે આ તો મેગી નહીં મેરી હતી. પુત્રીની સિધ્ધિ જોઇ પિતાને ગર્વ થયો અને તેઓ મેરીની પડખે પ્રેરણા સ્રોત બની ઊભા
રહ્યા. ત્યારબાદ 18 વરસની ઉંમરથી તેણે
આંતરરાષ્ટ્રિય સ્તરે વિમેન બોક્સિગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માંડ્યો અને તે સતત
જીતતી રહી. પાંચ વખત તે ચેમ્પિયન બની છે. પણ તેના સમાચાર સ્પોર્ટસના પાના પર ખૂણે
ખાચરે આવતા હતા. પણ ઓલિમ્પિકમાં પ્રથમવાર વિમેન બોક્સિગ દાખલ થતાં મેરી કોમ વિશે
ભારતીયો જાણવા લાગ્યા. જે દિવસે તે ઓલિમ્પિકમાં પ્રથમ મેચ જીતી હતી તે દિવસે તે
ખુશ નહોતી રડી હતી કારણ કે તે દિવસે તેના બાળકોનો પાંચમો જન્મદિવસ હતો. તેણે રડતાં
રડતાં કહ્યું હતું કે ઘણા સમયથી હું ઘરથી દૂર રહી છું અને મને ખબર નથી કે મારા
બાળકો કેટલા ઊંચા થયા હશે. અને કદાચ એટલે જ તે જ્યારે સેમિફાઇનલમાં હારી ત્યારે
ગોલ્ડ મેડલને હાથમાં જતો જોઇ તેણે નિરાશ ભારતીયોની માફી માગી હતી પણ તેના ચહેરા પર
આનંદની આછી ઝલક પણ જોવા મળી હતી, શક્ય છે તે પોતાના બાળકો પાસે જલ્દી પહોંચી શકાશે
એવું વિચારતી હોય. તેણે ઓલિમ્પિકમાં બ્રોનઝ જીત્યા બાદ કહ્યું હતું કે, મારા
બાળકોએ પોતાને માટે શું લાવવું તેનું લાંબુ લિસ્ટ મોકલ્યું છે.સ્કેટ બોર્ડ,
લિવરપુલ ફુટબોલ જર્સી, ચોકલેટસ વગેરે વગેરે કારણ કે તેઓ મેડલનું મહત્ત્વ સમજી શકે
તેટલા મોટા નથી.
પોતે ભલે સંઘર્ષ
કરીને આગળ આવી હોય પણ મેરી કોમ ભારતની મહિલાઓ માટે કહે છે કે , હું આશા કરું છું
કે વધુને વધુ મહિલાઓ હવે બોક્સિંગમાં કારર્કિદી બનાવવા વિશે વિચારશે. હવે
ઓલિમ્પિકમાં આ રમત દાખલ થવાને કારણે રમત વધુ લોકપ્રિય થઈ રહી છે. બાકી હું આ
પહેલાં પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે લોકોને આ રમતમાં રસ નહતો. મેરી કોમે
બીજી એક વાત ગર્વપૂર્વક કહી કે , મેં આ અગાઉ અનેક ચેમ્પિયનશીપ જીતી છે પણ
ઓલિમ્પિકમાં જ્યારે મારા માટે ત્રિરંગો ફરકાવાઈ રહ્યો હતો ત્યારે ભારતીય તરીકે મને
જે લાગણી થઈ તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. એ ક્ષણ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ
હતી. હું ભારતીય બહેનોને ખાસ કહીશ કે રમતગમતમાં ભાગ લેવાનો ઉત્સાહ કેળવો અને
વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગૌરવાન્વિત થાઓ. બાળકો , પતિ , ઘરતો હંમેશ આપણી
સાથે રહેવાનું જ છે. માતાઓ જો સફળતાનો ચીલો ચાતરશે તો સમાજમાં સ્ત્રીઓનું સ્થાન
ચોક્કસ જ બદલાશે. જો હું મેરી કોમ નાનકડા ગામડામાં, ગરીબ ઘરમાંથી આવતી નાનકડી
છોકરી અહીં સુધી પહોંચી શકું તો ભારતની કોઇપણ નારી પોતાની કેડી કંડારી શકે છે.
0 comments