બળાત્કારનો પણ બળાત્કાર 25-12-12
01:16
દિલ્હી પોલીસમાં કામ કરતા મોટાભાગના પોલીસો માને
છે કે 70 ટકા બળાત્કારના કેસ સાચા હોતા નથી. સ્ત્રીઓ સહમતિથી સંભોગ કરીને પછી
પસ્તાયા બાદ બળાત્કારની બૂમ પાડે છે. તો કેટલાક માને છે કે આજની મહિલાઓ ઉત્તેજક
કપડાં પહેરે છે, દારુ પીવે છે, મોડી રાત સુધી બહાર ફરે છે એટલે તેમના પર બળાત્કાર
થાય છે.
આ આઘાતજનક હકિકત સાત મહિના પહેલા તહેલકા
મેગેઝિને કરેલા સ્ટિંગ ઓપરેશન દરમિયાન
બહાર આવી હતી. દિલ્હી પોલીસના બળાત્કાર
બાબતે મત જાણ્યા બાદ કઈ આજની નારી સમાજમાં સુરક્ષિતતાનો અનુભવ કરી શકે. છેલ્લા
કેટલાય સમયથી માત્ર દિલ્હી જ નહીં ભારત ભરમાં સ્ત્રી જાતિ પર જાતીય સતામણી,
બળાત્કારના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. શું કામ વધારો થયો તે એક મોટી ચર્ચાનો
વિષય છે. દિલ્હીમાં ચાલુ બસે 23 વરસની યુવતી પર રાતના સાડાનવ વાગ્યે બળાત્કાર થાય
તે ઘટના દરેક સ્ત્રી માટે આઘાતજનક એટલા માટે છે કે રાતના સાડાનવ તે ય દિલ્હી જેવા
શહેરમાં કંઇ મોડું ન ગણાય... બીજું તે પોતાના પુરુષ મિત્ર સાથે બસમાં હતી.અને તેના
પર ગેન્ગ રેપ ચાલુ બસે થાય ત્યારે દરેક સ્ત્રીને પોતાની સ્વતંત્રતા પર જોખમ તોળાતું
જણાય.
જુન 2012માં નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ(NCRB)
જાહેર કરેલા ભારતના શહેરોમાં થયેલા બળાત્કારના કેસના આંકડા પ્રમાણે દિલ્હી
બળાત્કારમાં પણ ભારતની રાજધાની સમું શિરમોર છે તો એકલી રહેતી સ્ત્રીઓ માટે સલામત
શહેર ગણાતું આર્થિક નગર મુંબઈ બીજા ક્રમે આવે છે તે જોઇને કોઇપણ સ્ત્રીને
અસલામતીના ભયનો અનુભવ થઇ શકે છે.
એનસીઆરબીના આંકડા પ્રમાણે... 2011ની સાલમાં દિલ્હીમાં 568 બળાત્કારના કેસ
નોંધાયા છે તો મુંબઈમાં 218 બળાત્કારના કેસ નોંધાયા છે. રાજ્ય પ્રમાણે જોઇએ તો
મધ્ય પ્રદેશ 15275 કેસ સાથે પ્રથમ નંબરે , વેસ્ટ બંગાળ 11427 કેસ સાથે બીજા નંબરે
, ઉત્તર પ્રદેશ 8834 કેસ સાથે ત્રીજા નંબરે, આસામ 8060 કેસ સાથે ચોથા નંબરે તો
મહારાષ્ટ્ર 7703 કેસ સાથે પાંચમા ક્રમાંકે આવે છે. કુલ સરવાળો કરીએ તો 51299
બળાત્કારના કેસ આ પાંચ રાજ્યમાં નોંધાયા છે.
આ આંકડા તો ફક્ત પાંચ રાજ્યના નોંધાયેલા કેસના જ છે એવા પણ કિસ્સાઓ બન્યા
હશે જેની ફરિયાદ થઈ ય જ નહીં હોય. બાકીના 21 રાજ્યોમાં કુલ આંકડો કેટલો હોઇ શકે
તેની કલ્પના કરતાં જ ધ્રુજી જવાય. હરિયાણા રાજ્યમાં દર મહિને બળાત્કારના ઓછામાં
ઓછા 60 કેસ નોંધાય છે. ત્રિપુરા,મિઝોરમ અને આસામમાં સૌથી વધુ બળાત્કારના કેસ
નોંધાય છે. અંદાજ લગાવીએ તો લગભગ દરરોજ ભારતભરમાં પચાસેક સ્ત્રીઓ પર બળાત્કાર થાય
છે. વળી અહીં જાતીય સતામણી કે છેડતીના કિસ્સાઓની ગણતરી કરવામાં નથી આવી. ન તો
મેરિટલ રેપ કે ન નોંધાયેલા કિસ્સાઓની ગણતરી કરવામાં આવી છે.
આ દરેક આંકડાઓ અને ગેન્ગ રેપના વધતા જતાં કિસ્સાઓ
જોતા સવાલ થાય કે એકવીસમી સદીમાં આપણે પ્રગતિની વાત કરીએ છીએ ત્યારે ભારતની અડધી
વસ્તીની છીનવાતી સ્વતંત્રતાને કેમ જોઇ શકતા નથી. આજે પણ બળાત્કાર કે છેડતીના
કિસ્સામાં સ્ત્રીને જ પ્રથમ શંકાના દાયરામાં ઊભી કરીને આરોપી તરીકે તપાસવામાં આવે
છે. બળાત્કારના કિસ્સાને ફક્ત સમાચાર ગણીને વાંચીને ફેકી દેવાય છે કે પછી કેટલીક
સેલિબ્રિટી કે વિદુષોના મંતવ્યો સાથે બે ચાર દિવસ ચેનલોમાં ચર્ચાઓ થાય છે. પણ પછી
બીજો ક્રૂર બળાત્કાર નો કિસ્સો બને ત્યાં સુધી તેને વિસારી દેવામાં આવે છે. પોલીસો
પણ જ્યારે એમ માનતા હોય કે મોટાભાગના બળાત્કારના કિસ્સામાં સહમતિ હોય છે ત્યારે
આજની નારીએ તેમને ન્યાય મેળવવા માટે નવેસરથી વિચાર કરવો પડશે. બળાત્કાર શું કામ
થાય છે તે મોટી ચર્ચા નો વિષય છે પણ દરેક સ્ત્રીએ પોતાની સલામતી અને સતામણી બાબતે
જાગૃત થઈને ભેગા મળીને સમસ્યાનું નિવારણ શોધવાનો સમય પાકી ગયો છે. તો સમાજે પણ
સ્ત્રીઓ પોતાના વ્યક્તિત્વ અને અધિકારની સાથે નિર્ભયતાથી જીવી શકે તે માટેનું વાતાવરણ પુરુ પાડવાની
જવાબદારી ગંભીરતાપૂર્વક સ્વીકારી પડશે.
0 comments