હું વ્યક્તિ છું સ્ત્રી જાતિ પછી--- રીટા બેનર્જી

00:50


નારીવાદ સાથે મારી પ્રથમ ઓળખ 11 વરસની વયે થઈ. તે સમયે વર્ગમાં મને ગણિતમાં સૌથી વધુ માર્ક મળ્યા હતા. અમારા શિક્ષક જે પુરુષ હતા તેમણે છોકરાઓની સામે જોઇને કહ્યું કે તમને શરમ આવવી જોઇએ કે એક છોકરીએ તમને ગણિતમાં પાછળ રાખી દીધા.  આજની નારીએ રીટા બેનર્જીને જાણવી જરુરી છે કારણ કે તેણે જેન્ડર - જાતિ સંબંધિત સંશોધનાત્મક કામ કર્યું છે. એક્ટિવિસ્ટ , લેખિકા, ફોટોગ્રાફર તરીકે દેશવિદેશમાં પ્રસિધ્ધિ મેળવનાર રીટા બેનર્જી મૂળ બંગાળી છે પણ તેમનો ઊછેર ભારતના 18 શહેરોમાં થયો. અને વધુ અભ્યાસાર્થે તેઓ અમેરિકામાં પણ 11 વરસ રહ્યા છે. સ્ત્રી પુરુષના ભેદભાવના મૂળિયા કઇ રીતે રોપાય છે અને તેની શું અસરો થાય છે તેનો રીટાએ સંશોધાનાત્મક અભ્યાસ કરીને સેક્સ એન્ડ પાવર – ડિફાઈનિંગ હિસ્ટ્રી,શેપિંગ સોસાયટી નામે 2008માં પુસ્તક લખ્યું હતું. તે પુસ્તક ક્રોસવર્ડમાં બેસ્ટ સેલર રહી ચુક્યું છે અને નોન ફિકશન એવોર્ડ પણ તેને મળ્યો છે.અને તેમણે ફિફ્ટી મિલિયન મિસિંગ ઓનલાઈન ગ્લોબલ કેમ્પેઇન શરુ કર્યું છે. આ ઓનલાઈન  ફંડ ફ્રી કેમ્પેન ધ્વારા તેઓ ભારતમાં સ્ત્રી સંહાર અંગે  જાગૃતતા લાવવા ઉપરાંત સ્ત્રી પર થતાં દરેક અત્યાચારની નોંધ રાખે છે પણ સ્ત્રી પર થતાં કોઇપણ જાતના અત્યાચાર અંગે વિરોધ નોંધાવવા સાથે , શક્ય તેટલી મદદ પણ કરે છે. જો કે તેઓ  રીટા બેનર્જીએ એક મુલાકાતમાં ખૂબ સરસ દલીલ કરી હતી કે ભારતમાં રસ્તા પર એક ગાય મારી નાખશો તો હુલ્લડ થઈ શકે છે પણ દર મિનિટે એક યા બીજી રીતે સ્ત્રીની હત્યા કરવામાં આવે છે તો સમાજના પેટનું પાણી પણ નથી હલતું. ફક્ત સ્ત્રી જાતિ હોવાને કારણે ભૃણની હત્યા કરવામાં આવે છે. દહેજને કારણે અનેક કોડિલી કન્યાઓને બાળી નાખવામાં આવે છે. તેના માટે અનેક કાયદાઓ છે , સામાજીક સંસ્થાઓ કામ કરે છે પણ આંકડાઓ ઓછા નથી થતાં. રીટા કહે છે કે આપણી માનસિકતા જ એવી ઘડી દેવામાં આવી છે કે આપણી તરફ થતાં જેન્ડર બેઝ્ડ અન્યાયને નજર અંદાજ કરીએ છીએ. જ્યારે ગણિત શિક્ષકે મારી સામે આવું કહ્યું ત્યારે હું સહન નહોતી કરી શકી. મેં ઘરે આવીને માને વાત કરી તો મા કહે ભૂલી જા. પણ હું ન ભૂલી... આખાય વરસ દરમિયાન મેં ગણિતમાં ઊચ્ચત્તમ માર્કસ જ મેળવ્યા. તે સમયે મારાથી એટલું જ થઇ શકે તેમ હતું અને મેં તે કર્યું તેનો મને સંતોષ છે. સ્ત્રીઓની સ્થિતિ આજે પણ સુધરી નથી. જો એવું જ હોય તો લેટેસ્ટ કોઇપણ સેન્સસના આંકડા જુઓ તો તમને સ્ત્રીઓ પરના અત્યાચારના આંકડાઓ ઓછા થતાં નહીં જણાય. નવાઈ તો એની લાગે છે કે આપણે સ્ત્રીઓ પણ સ્ત્રી જાતિ પર અત્યાચાર કરવામાં સામેલ થઈએ છીએ. સ્ત્રી ભૃણની હત્યા કરીને કે વહુને ત્રાસ આપવો કે બાળી મૂકવી .... સ્ત્રી પોતાની જ જાતિને કઇ રીતે ખતમ કરવામાં સાથ આપી શકે છે.
રીટા બેનર્જી બ્લોગ પર નારીવાદી લેખો લખે છે અને પોતે નારીવાદી છે તેનો ગર્વ અનુભવે છે તેનું માનવું છે કે આપણે ત્યાં મિડિયા પણ જાતિભેદને આંકડા અને રેશિયોમાં જ માપે છે. જ્યારે જરુર છે રાજકિય અને માનવતાવાદના ધોરણે આખાય વિષયને પ્રમાણવાની. મેગેઝિન કે અખબારમાં મારા નારીવાદના લેખો સેન્સર થવાની શક્યતા હોય છે એટલે હું બ્લોગ પર જ લખવાનું પસંદ કરું છું. અને બ્લોગ પર વાચકો સાથે સીધો સંપર્ક થઈ શકે છે. તેમના બ્લોગનું નામ છે રિબેલિઅન ઇન માય સ્પેસ અને ધ સેક્સ એન્ડ પાવર ડિસકશન.
રીટા બેનર્જીએ એકલે હાથે શક્ય તેટલું આજની નારીના હક્ક અને અધિકાર માટે લેખન,ચળવળ અને કેમ્પેન ધ્વારા કામ શરુ કર્યું છે. તેમને ક્યારેક સારા તો ક્યારેક નરસા પ્રતિભાવો પણ મળે જ છે. તેમની વિચારધારાનો વિરોધ પણ થાય છે. પરંતુ, સંશોધન અને અભ્યાસને કારણે તેમના વિચારોની સ્પષ્ટતા સમજદાર વ્યક્તિને સ્પર્શ્યા વિના રહી શકતી નથી. આજની નારીના વાચકોને પણ એ સ્પર્શે એવી આશા.

You Might Also Like

0 comments