માનવ થાઉં તો ઘણું..... 27-11-12
21:44
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે- મરીઝ
મરીઝનો આ શેર વાંચીને કે સાંભળીને દાદ દેવાનું મન જરુર થાય પરંતુ એ રીતે
જીવવાનું શું શક્ય છે ખરું ? દુનિયામાં અબજો વ્યક્તિઓ છે અને તેમાંથી કેટલીક વ્યક્તિઓ પોતાનું જીવન
જુદી રીતે જીવવાનો પ્રયત્ન કરે છે. આવી વ્યક્તિઓ આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ જ હોય
છે પણ તેઓ જીવનને જુદી રીતે જુએ છે. ફક્ત પોતાના જ નહીં પણ સમાજના સંદર્ભે તેઓ
વિચાર કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે ડો અનિલ પટેલ.... નર્મદા નદીના કિનારે
આવેલા આદિવાસી વિસ્તારના એક નાનકડા ગામ માંગરોળમાં છેલ્લા 35 વરસથી કામ કરી રહ્યા
છે. પણ જો તેમને પૂછો તો તેઓ કહેશે કે હું તો મને જેમાં મજા આવે છે અથવા કહો કે
મને જે ગમે છે તે કામ જ કરી રહ્યો છું. ડૉ અનિલ પટેલનો જન્મ કે ઉછેર માંગરોળમાં
નથી. તેમનો જન્મ આફ્રિકામાં અને ઉછેર ભણતર વડોદરામાં થયું. એમબીબીએસની ડિગ્રી
વડોદરામાંથી લઈને ઇંગ્લેડ વધુ ભણવા ગયા
હતા 1970ની સાલમાં. પણ ત્યારે ય એટલી સ્પષ્ટતા હતી કે વિદેશમાં સ્થાયી નથી થવું.
ઇંગ્લેડ જવાનો મૂળ ઉદ્દેશતો એ કે તેમને એ જાણવામાં રસ હતો કે અંગ્રેજો આપણાથી આગળ
કેમ છે. 1975માં ફરી ઇંગ્લેડ ગયા લંડન
સ્કુલ ઓફ હાયજીનમાંથી પબ્લિક હેલ્થ અંગે ભણવા માટે. ડો એન આર મહેતાને તેઓ પોતાના
ગુરુ ગણે છે જેમણે પબ્લિક હેલ્થ અંગે પ્રાથમિક સમજ તેમને આપી અને લંડન ભણવા જવા
માટે પ્રેરિત કર્યા. અનિલ પટેલના મોટા બે ભાઈઓ પણ લંડનમાં હતા. એટલે તકલીફ હતી
નહીં. પણ સાદાઇ અને સમાજનું વિચાર કરતાં અનિલ પટેલ ડોકટર હોવા છતાં ઇતર વાંચનનો
શોખ ધરાવતા હતા. ગાંધીજી અને કાર્લ પોપરની વિચારધારાથી પ્રભાવિત હતા. તેમના
પિતાજીને ઊંડે ઊંડે ડર હતો કે આ છોકરો કંઇક જુદું જ કરશે. હોશિયાર છે અને વિદેશમાં
સ્થાયી થાય તો નામ અને દામ બન્ને કમાઈ શકે છે. પરંતુ, અમેરિકા કે ઇંગ્લેડ જાય તો
ને, બન્યું પણ એવું જ ત્યાંથી ભણીને અનિલ પટેલ પોતાની ડો પત્નિ દક્ષા પટેલ સાથે
ભારત પાછા આવ્યા અને ગામડામાં જ કામ કરવું છે તે નક્કી કર્યું. તે સમયે તેમના
પિતાએ ચેતવ્યા કે ગામડામાં લોકો તું ધારે છે તેટલા સરળ કે ભોળા નથી હોતા. ત્યાં
તારા જ્ઞાનની કોઇ કિંમત નહીં થાય. પણ આજે 68 વરસે ય અનિલભાઈને લાગે છે કે પિતાજી
સાચા નહોતા જ. માંગરોળ શું કામ તો કોઇ કારણ નહોતું. મિત્રો ત્યાં હતા કામ શરુ
કરવાનું હતું . લાઇટ, રસ્તા કે બીજી કોઇ જ સુવિધા ન હોય તેવું ભારતનો પછાત
વિસ્તાર. જ્યાં પહોંચવું પણ અઘરું પડે ત્યાં સેવાની સુવિધા કઇ રીતે પહોંચાડવી પણ
યાહોમ કરીને પડ્યા બાદ અનિલભાઈએ પાછા વળીને જોયું નહીં. ત્યાંના આદિવાસીઓને લંડન
રિટર્ન ડોકટર અનિલભાઈ અને દક્ષાબહેનના
રુપે મળ્યા. પણ એ સિવાય અનિલભાઈ જેપીની મુવમેન્ટમાં પણ જોડાયા હતા. ગાંધીજીની ટિકા
ય કરે પણ તેમની પાસેથી ગીતાના પાઠ સ્વીકાર્યા. કર્મ કરો ફળની ઇચ્છા ન રાખો સુત્ર
અપનાવ્યું. સહેલું નહોતું પણ હજી ય સતત પોતાની જાતને તપાસ્યા કરે. સેવાધારી કહો તો
વાત ઊડાવી દે. માને છે કે સેવા કોઇ કરી જ નથી શકતું. દરેક જણ પોતાના માટે જ કામ
કરતું હોય છે. તેઓ પોતાના મિત્રોની જેમ અમેરિકા જઇને નામને દામ કમાઈ શક્યા હોત.પણ વેચાઈ
જવાનું તેમને મંજુર નહોતું. સમાજની સાથે સમાજ માટે જીવવાનું અને તે ય કોઇ જ જાતના
ઉપકાર કર્યાના ભાર વગર. સાદાઈથી સરળ જીવન જીવતા અનિલભાઈ આજે પણ ગીતા વાંચે, કાર્લ
પોપર વાંચે. ફક્ત તબીબી સેવા જ નહીં પણ નર્મદા પર બંધ બંધાતા ત્યાંના વિસ્થાપિતો
માટે પુર્નવાસના કામ સાથે પણ સંકળાયા. પર્યાવરણ માટે ય કામ થાય. બસ એક જ શરત કોઇ
રાજકિય પક્ષ સાથે સંકળાવાનું નહીં. તેમના જેવી પ્રતિભાવાન વ્યક્તિ વિદેશમાં હોત તો
આજે કેટલાય એવોર્ડ મેળવી ચુકી હોત. પણ સંતની જેમ નદી કિનારે ચુપચાપ પોતાનું કામ
કર્યે જાય છે. તેમને ક્યારેય અફસોસ નથી થતો આવું જીવ્યાનો. તેઓ કહે છે ગામડામાં
રહેતો ગરીબ આદિવાસી મોટા શબ્દોમાં આભાર નથી માનતો પણ તેની આંખો બદલાઈ જતી હોય છે.
તેમની આંખોમાં આવકાર અને આદર જોઇને એવોર્ડ મેળવ્યા જેવું જ લાગે. કંઇ જ પામવા માટે
કે કશેક પહોંચવા માટે નહીં પણ જીવવા માટે જીવતા આવા વ્યક્તિત્વો છે જે આપણે
પ્રેરિત કરી શકે છે જો આપણે તેમને જોઇએ, જાણીએ તો ...
0 comments