પ્રેમના નામે હિંસાનો ભોગ ન બનો..2-7-13
01:29
કુકિંગ શો તો અનેક
આવે છે પણ લંડનમાં રહેતી નાયજેલાનો રસોઈ શો ખૂબ પ્રસિધ્ધ છે. નાયજેલા જે રીતે
હસીને રસોઇકળાની વાત માંડે છે તે જોઇને તેણે બનાવેલી રસોઇ ખાધા જેવો આનંદ થાય. પણ એ
જ નાયજેલાને તેનો પતિ થોડા દિવસો પહેલાં
જાહેરમાં માર મારે કે અપમાનિત કરતો હોય તેવા સમાચાર ફોટા સાથે વાંચીને તેના પ્રશંસકોને આઘાત લાગે
છે. લંડનની નાયજેલાની માનીતી રેસ્ટોરન્ટમાં
પતિ સાંચી તેના પર ઘાંટાઘાંટ કરે છે અને ઝનુનપૂર્વક બે ચાર વાર ગળચી દબાવે
છે. હવે એવું સંભળાય છે કે તેઓ છૂટાછેડા લેવાના છે. જે વ્યક્તિ જાહેરમાં પોતાની
સેલિબ્રિટી પત્નિ સાથે આવું વર્તન કરી શકે તે બંધ બારણા પાછળ કઇ રીતે વર્તતો હશે
તેવો વિચાર જરુર આવે. નાયજેલા અને સાંચીના લગ્નને દશ વરસ વીતી ચૂક્યા છે. યુવા
અભિનેત્રી ઝિયા ખાન જેણે આપઘાત કર્યો તેનો બોયફ્રેન્ડ સૂરજ પંચોલી હાલ જેલમાં છે
કહેવાય છે કે સૂરજ ઝિયાને મિત્રોની સામે જાહેરમાં અપમાનિત કરીને માનસિક હિંસા
આચરતો હતો.
નાયજેલા પ્રથમ
સેલિબ્રિટી નથી જેણે ડોમેસ્ટિક વાયોલેન્સ
સહન કર્યું હોય. આ પહેલાં ય અનેક સેલિબ્રિટી સ્ત્રીઓ ડોમેસ્ટિક વાયોલેન્સ એટલે કે ઘરેલું હિંસાનો ભોગ
બની છે. જેમ્સ બોન્ડની હિરોઈન રહી ચુકેલી ઓસ્કાર વિનર અભિનેત્રી હેલ બેરીને
2004માં તેના બોયફ્રેન્ડે એટલો જોરથી લાફો માર્યો હતો કે થોડો સમય સુધી તેને જમણા
કાનમાં ધાક પડી ગઇ હતી. ત્યારબાદથી તે સ્ત્રીઓને ઘરેલું હિંસાને સહન ન કરવાની પ્રેરણા આપતી
કેમ્પેનમાં સક્રિય કાર્ય કરી રહી છે. તેણે
જાહેરમાં કહ્યું કે મારી માતાને મેં ઘરેલું હિંસાનો ભોગ બનતી જોઇ છે એટલે જ્યારે
પહેલીવાર મારા બોયફ્રેન્ડે હાથ ઊપાડ્યો કે તરત જ મેં તે સંબંધ પર ફુલસ્ટોપ મૂકી
દીધું. પ્રેમ અને હિંસા બે સાથે રહી ન શકે. પશ્ચિમની જાણીતી અભિનેત્રી ટીના ટર્નરે પોતાની આત્મકથામાં
તેના પર થતી ઘરેલું હિંસા વિશે વાત લખવાની
હિંમત કરી ત્યારે તેના પતિ આઇક ટર્નરે કબૂલ્યું હતું કે લખેલી દરેક વાત સાચી
છે. ટીનાનો પતિ તેને સિગરેટના ડામ દેતો,
મારતો, બળાત્કાર કરતો. સોળ વરસ સુધી પ્રેમના નામે હિંસા સહન કર્યા બાદ છેવટે ટીના પતિથી છુટી પડી
હતી. તેના જીવન પરથી વ્હોટ લવ ગોટ ટુ ડુ વીથ ઈટ નામની ફિલ્મ પણ બની છે.
પ્રસિધ્ધ બે વોચ
ધારાવાહિકથી જાણીતી બનેલી પામેલા એન્ડરસન ડ્રમર ટોમી લીના પ્રેમમાં પડ્યાના ચોથા જ
દિવસે પરણી ગઈ હતી. લીએ લગ્ન જીવન દરમિયાન પામેલા પર શારિરીક હિંસા કરતા જેલમાં
જવું પડ્યું હતું. જાણીતી ગાયિકા મેડોનાનું લગ્નજીવન અભિનતા સીન પેન સાથે ઘરેલું હિંસાને કારણે જ તૂટ્યું હતું.
સેલિબ્રિટી હોય કે
ન હોય પણ દુનિયાના દરેક ખૂણામાં વરસમાં દશેક લાખ આજની નારી ઘરેલું હિંસાનો ભોગ
બનીને ડોકટર પાસે કે હોસ્પિટલમાં સારવાર લે છે. દર 12 સેકન્ડે દુનિયામાં એક સ્ત્રી
પોતાના અંગત સ્વજનની હિંસાનો ભોગ બને છે. ડ્રેક્સલ યુનિવર્સિટીમાં ભણાવતા જ્હોન
ટેલરે ઘરેલું હિંસા અંગે ઊંડું સંશોઘન કર્યું છે. તેમણે લખેલા પેપરમાં તેઓ કબૂલે
છેકે ઘરેલું હિંસાના આંકડા જાણવા મળે છે
તે પોલીસ કેસના જ હોય છે. હકિકતમાં આ આંકડા ઘણા મોટા હોઇ શકે કારણ કે
મોટાભાગની સ્ત્રીઓ સહન કરીને ચુપ બેસી રહે છે. અને છેલ્લા દશ વરસથી તેમણે ઘરેલું
હિંસાના કેસોમાં સતત વધારો થતા જ જોયો છે. એમણે પેપરમાં લખ્યા પ્રમાણે ઘરેલું
હિંસા આચરનાર મોટાભાગે જેકિલ એન્ડ હાઈડ જેવા હોય છે. તેમનું વ્યક્તિત્વ ચાર્મિગ
હોય છે. અને તેઓ ખૂબ ચાલાક અને હોશિયાર હોય છે.તેમની દુનિયા સામે છાપ સારી, સભ્ય
અને સફળ વ્યક્તિ તરીકેની હોય છે. એટલે જ્યારે કોઇ સ્ત્રી શારિરીક કે માનસિક કોઇપણ
જાતની હિંસાની ફરિયાદ કરે છે ત્યારે સહેલાઈથી લોકો સ્વીકારતાં નથી. અને સ્ત્રી
પોતે પણ તે ચાર્મિગ વ્યક્તિના પ્રેમમાં હોવાને કારણે મોટાભાગે હિંસાને નજર અંદાજ
કરે છે.
ઘરેલું હિંસાને
ઊગતી જ ડામવી જરુરી છે. નહીં તો તેના પરિણામો આઘાત પહોંચાડી શકે છે. મોટાભાગે જે
પુરુષોએ પોતાના ઘરમાં હિંસક વાતાવરણ જોયું હોય કે હિંસાનો ભોગ બન્યા હોય તેવા
પુરુષો જ ઘરેલું હિંસા આચરતા હોય છે. આવી વ્યક્તિ જો થેરેપીસ્ટની પાસે માર્ગદર્શન
કે થેરેપી લે તો બદલાઈ શકે છે. પણ ભાગ્યે જ કોઇ પુરુષ સાયકોલોજીસ્ટ પાસે પોતાની
થેરેપી માટે જતો હોય છે. એટલે જ નારીએ પોતે હિંમત હાર્યા વિના
આત્મવિશ્વાસપૂર્વક પોતાના પર આચરાતી
શારિરીક કે માનસિક દરેક ઘરેલુ હિંસાની સામે અડગ ઊભા રહેવું પડશે. હવે તો અનેક સામાજીક સંસ્થાઓ અને પોલીસખાતું પણ
ઘરેલું હિંસાની સામે લડવામાં આજની નારીની સહાય કરે છે.
0 comments