facebook diary -1
00:46
– અત્યાર સુધી શું લખવું તે ખ્યાલ નહોતો આવતો... ફેસબુક પર જોડાવાનો વિચાર પણ વ્યક્તિઓને જોવા સમજવા માટે જ થયો. વ્યક્તિઓની વિવિધતા હંમેશા જીજ્ઞાશા જન્માવે છે. કદીક ક્રિએટીવ લખવું તેવી ઈચ્છા હતી. આજે દિશા મળી. આ ડાયરીમાં એવી વ્યક્તિઓના ચિત્રો હશે જેઓ સેલિબ્રિટી નથી. આપણી આસપાસ રહેતી, ફરતી સામાન્ય વ્યક્તિઓ જેના તરફ ભાગ્યે જ કોઈક જુએ છે. ફેસબુક ઉપર પણ એવી ઘણી વ્યક્તિઓ છે. જેને મળ્યા વગર પણ તેના વ્યક્તિત્વનો ચિતાર મળે. તેના વિશે પણ લખીશ. વાંચીને અભિપ્રાય મળશે તો ગમશે એની નિખાલસ કબુલાત સાથે .... અભિપ્રાય સારો જ હોય તે જરુરી નથી.... આ નિરિક્ષણો મારા હશે એટલે જરુરી નથી તેની સાથે દરેક સંમત થાય... રોજ આ લખાશે એવું ય નથી પરંતુ, નિયમિત લખાશે ખરુ.... કાલે બીજા માળે આવેલા જીમમાં ટ્રેડમિલ પર ચાલતા નીચે મુખ્ય રસ્તા પર સામાન્યપણે હોય તેવી ચહલપહલ દેખાતી હતી. અચાનક તેમાંથી ટાપુની જેમ ઊભેલી એક વ્યક્તિ પર નજર ગઈ. ચટ્ટાપટ્ટાવાળો લેંઘો, આછા ગુલાબી રંગનો અડધી બાંયનો શર્ટ માથે કથ્થઈ રંગની ઊનની ટોપી ખભે કપડાનો થેલો, પગમાં કાળા રંગના પ્લાસ્ટિકના સેન્ડલ..આંખે જાડી ફ્રેમના જાડા કાચવાળા ચશ્મા. આસપાસ દોડતા લોકો અને તે વ્યક્તિ બન્ને એકબીજા તરફ જોતી નહોતી. ઉંમર 60 ઉપરની તો હશે જ.... નિરુદ્દેશ ફરવા નીકળેલી એ વ્યક્તિ સમયની પાર ચાલી ગઈ હશે નહીંતો આ કપડાં પહેરીને આ રીતે રસ્તામાં ચાલવું કે ઊભા રહેવું તેનોય વિચાર કર્યા વગર થોડુંક ચાલતી અને પછી ઊભી રહેતી. યાદ આવ્યું જીમ તરફ આવતા આ જ વ્યક્તિ નાકા પર અખબારના સ્ટોલ પર છાપુ ખોલીને ઊભી હતી. પણ છાપામાં વાંચતી હતી કે બહાર કોઈ ભાવ વગર વહેતા ટ્રાફિકને કે વ્યક્તિઓને જોતી હતી તે સમજાતું નહોતું. અચાનક વિચાર આવ્યો કે હું પણ નિરુદ્દેશ ટ્રેડમિલ પર ચાલુ છું, નીચે દોડતો માનવ મહેરામણ પણ નિરુદ્દેશ છે. કશે જ કોઈ ખરેખર પહોંચે છે ? અને આ વિચાર આવતા આકાશમાં દેખાતા આછા કાળા વાદળાઓની તરફ જોઈને વળી પેલી વ્યક્તિ સુધી પહોંચવા નજર નીચે જાય છે તો પેલી વ્યક્તિતો વિચાર મુકીને જતી રહી છે.
0 comments