બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો---આજની નારી 15-10-13

21:23

                     


બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો



એક જુનો ને જાણીતો જોક છે દિવાળીમાં બહાર ભંગારવાળાએ બૂમ પાડી એ બહેન કોઇ ભંગાર હોય તો આપો... પત્નિએ અંદરથી જવાબ આપ્યો કાલે આવજે એ બહાર ગયા છે.
આ જોકમાં પણ સમાજની માનસિકતા દેખાય છે. પતિને પૂછ્યા સિવાય ભંગાર પણ વેચી ન શકાય તેથી આવો જવાબ અપાય છે.
નવરાત્રી પૂરી થઈ નથી કે ગુજરાતી મહિલાઓનો એક જાણીતો અને માનીતો વિષય. સફાઈ કરવાની છે. મરવાનીય ફુરસદ નથી. સફાઈ કરવી તે સારી બાબત છે. અનેક સ્ત્રીઓને મેં જ્યારેને ત્યારે  કહેતાં સાંભળ્યું છે કે બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો. સ્વચ્છતા જરૂરી પણ છે પરંતુ, સફાઈ કરીને જ્યારે દરેક બાબત ત્યાંની ત્યાં જ રહેવાની હોય તો તેનો શું અર્થ ? રાજકારણમાં ય હમણાં જાણે કે આવું જદેખાડાનું સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. લાલુ પ્રસાદ જેલમાં જતાં વળી રાબડી દેવીએ સુકાન સંભાળી લીધું અને મિડિયાને કહ્યું કે હું તમારા પર ચાંપતી નજર રાખી રહી છું કે તમે લાલુ પ્રસાદ વિશે શું લખો છો બતાવો છો. વળી તેણે કહ્યું કે લાલુજીની ગેરહાજરીમાં પાર્ટી નબળી ન પડવી જોઈએ અને તે લાલુજીની જગ્યાએ ચૂંટણી લડશે. પરંતુ, તેમને કોઇ પદની અપેક્ષા નથી. પરફેક્ટ આર્યનારી... 
સફાઈ અભિયાન અને રાબડી  દેવીને શું લાગે વળગે ? અરે તે પણ આજની નારી છે અને  અહીં સફાઈની વાત આવી ત્યારે મારા મનમાં દરેક ક્લટર એટલે કે કચરાની વાતો ઘુમરાવા લાગે.... સફાઈ કરીએ ત્યારે ખૂણે ખાંચરેથી વાળીઝૂડીને નકામો કચરો ફેંકવાનું કાર્ય. દર વરસે ઘરના જાળાં કચરો સાફ થાય તો કેમ મનનાં જાળાં કચરા સાફ ન થાય. મનનાં  આ જાળાંઓ  રાબડી  દેવીને લાલુ પ્રસાદ જો જેલમાં ન હોય તો ચૂંટણી લડવા નથી દેતાં. રાબડી  દેવી લાલુ પ્રસાદની અવેજીમાં ચૂંટણી લડી શકે છે પાર્ટી સંભાળી શકે છે તેનો અર્થ એવો કે રાબડી દેવીમાં હકિકતમાં અનેક શક્યતા અને ક્ષમતા છે. પરંતુ, તે પોતાના વ્યક્તિત્વ વિશે ત્યારે જ સભાન થાય છે જ્યારે લાલુજી કહે છે. બાકી તે કહ્યાગરી આર્યનારી છે.
આવું જ આપણી આસપાસ જોવા મળે છે. એમને (પતિને) પૂછ્યા વિના પોતાના માટે ય નાના નિર્ણયો લેવાની ત્રેવડ સ્ત્રીમાં નથી હોતી એવું દર્શાવવામાં આવે છે. શું એવું ન થઈ શકે કે રાબડી  દેવી પોતાના માટે જ ચૂંટણી લડે લાલુજી જેલમાં હોય કે ન હોય ? રાજીવ ગાંધી જીવતાં હોત તો સોનિયા ગાંધી પક્ષના પ્રમુખ હોત ? સામે એ પણ દલીલ થઈ શકે કે રાબડી  દેવીને રાજકારણની મહત્વકાંક્ષા જ નથી આ તો લાલુજીને માટે એટલે કે  પોતાના પતિને માટે કરે છે. સારું છે એકના બદલે બીજાને જેલમાં નથી મોકલી શકાતું... નહીં તો લાલુ પ્રસાદ રાબડી  દેવીને જ કહેત કે તું જેલમાં રહી આવ. અને રાબડી દેવી ખુશી ખુશી એવું પણ કરવા તૈયાર થયા હોત. રાબડી દેવીએ પોતાને જે ગમે તે કામ  કેમ ન કરવું જોઇએ. સોનિયાને જો વડાપ્રધાન થવામાં રસ નથી તો રાજકારણમાં શું કામ દોરી સંચાર કરવો જોઇએટૂંકમાં સ્ત્રીઓએ પોતાને શું કરવું છે તે નક્કી કરવાનું ગજું નથી કે તે માટે જવાબદારી ઊપાડવાની તૈયારી નથી? બીજાની જવાબદારી ઉપાડવી કે ચીંધ્યું કામ કરવું તેનાથી આગળ વધીને પોતાની જીંદગી પોતાની રીતે જીવવાની તૈયારી કેળવવા માટે મનનાં અનેક જાળાંઓ સફાઈ કરવાની જરૂરત છે. તેનાથી ભવિષ્યની પેઢી માટે અનેક માર્ગ ખુલશે.

જૂના સડી ગયેલા સ્ત્રીત્વના નકામા વિચારોને વાળીઝૂડીને ફેંકી દઇએ તો... આપણું જીવન આપણા માટે જીવવું એટલે બીજાનો અનાદર કરવો એવું તો નથી જ. અનેક સ્ત્રીઓ વિશે આખું વરસ આ કોલમમાં લખાયું છે જેઓ લગ્ન પહેલાં જે રીતે જીવવી હતી તે જ રીતે પોતાના માટેનું જીવન જીવે છે. આપણું જીવન આપણા માટે નહીં જીવીએ તો બીજા માટે ય કેવી રીતે જીવી શકાય કે બીજાના જીવનનો આદર પણ કઈ રીતે થઈ શકે...? પોતાને મન થાય તે રીતે બે ઘડી જીવી જુઓ. ઘરની સફાઈ કરતાં મનની સફાઈ પણ થોડી થાય તો કરી શકાય. જો એવું થાય તો ક્યારેય બળ્યું સ્ત્રીનો અવતાર જ નકામો એવું બોલવાનો વારો નહીં આવે..  

You Might Also Like

0 comments