ફેસબુક ડાયરી 14-9-13 હેટ્સ ઓફ્ફ અંબરિષ

00:15

જુહુનો દરિયા કિનારો ત્રણ જ કિલોમીટર દૂર હોવાથી ત્યાં સવારના મોર્નિંગ વોક માટે જવાનો લ્હાવો લઈ શકાય છે. મજાની વાત એ છે કે જુહુના લાંબા દરિયા કિનારે દરરોજ નવી અનુભૂતિ થાય એટલે ચાલવાનો કંટાળો ન આવે. એક તો કુદરત દરરોજ પોતાના કેનવાસ પર નવું દ્રશ્ય મૂકે તે જોઇને સવાર, દિવસ અને સ્વાસ્થય સુધરી જાય. તો ક્યારેક ભીની રેતી પર પડેલા પગલાંની છાપ જોઈને કાકા કાલેલકરનો નિબંધ પણ યાદ આવી જાય.
ટેકનોલોજી કેટલી ઉપયોગી છે તે પણ સમજાય. મોબાઈલના ફોનથી કેટલાક દ્રશ્યો કચકડે મઢીને ફેસબુક પરના મિત્રો સાથે શેઅર કર્યા છે. હમણાં જ વળી નવો અનુભવ થયો. દરિયાકિનારે માછીઓ ઠેર ઠેર જાળ નાખે અને ઢગલો માછલીઓ કિનારે ખેંચી લાવે. હમણાં જ વરસાદ ઓછો થયો હોય, દરિયામાં ઉથલપાથલ થઈ હોય એટલે અનેક તેમને કામની અને ન કામની માછલીઓ કે વસ્તુઓ પણ જાળમાં આવે જ. કેટલીક મરેલી નાની માછલીઓ અને ઇલ માછલીના ઢગલા તેઓ કિનારે મૂકીને જતા રહેલા. સાપ જેવી દેખાતી ઇલ માછલીઓ બધી જીવતી હતી. કિનારે ઠેર ઠેર ઢગલા... ચાલતાં ચાલતાં લોકો તેને જોઇને અટકી જાય અને મોં બગાડે ... અમેય બગાડ્યા. ત્યાં એક વ્યક્તિ આ માછલીઓને એક એક કરીને પકડીને દરિયામાં પાછી નાખી રહ્યો હતો. તે જોઇને સારું લાગ્યું પણ મદદ કરવા જેટલી હિંમત નહોતી. માછલીને હાથ લગાવવા ગઈ ત્યાં પેલા ભાઈએ કહ્યું બી કેરફુલ આ કરડી શકે છે. સહેજ માછલીને સ્પર્શવાની હિંમત કરી પણ તેની ચીકણી ત્વચા હાથમાં આવે જ નહીં. અરેરાટી થઈને એકબાજુ ઊભી રહીને પેલા માણસની જીવદયા જોઇ રહી.
મને ઊભેલી જોઇ કિનારે ચાલતી બીજી વ્યક્તિઓ પણ ઊભી રહી. પુરુષો તરફ જોઇ કહ્યું શક્ય હોય તો મદદ કરો. પણ બધાના મોંઢા પર માછલીને પકડવાની હિંમતનો અભાવ જોયો. પેલી વ્યક્તિનો ફોટો પાડતાં પૂછ્યું તમે કેમ આ કામ કરો છો... તો કહે મારાથી શક્ય હોય તેટલી માછલીઓને બચાવવાનો પ્રયત્ન કરીશ..... બીજું કોઇ મદદ કરે તેની આશા નથી.... કે તે વિશે વિચારતો નથી. હું મને જે યોગ્ય લાગે છે તે કરી રહ્યો છું.
તમારું નામ અને શું કરો છો....
માછલીઓને પકડીને દરિયામાં પાછી ફેંકતા જ જવાબ આપ્યો , અંબરિષ અને કોર્પોરેટ ટ્રેઇનર છું.

તેવામાં ખ્યાલ આવ્યો કે પાસે પડેલી પ્લાસ્ટિકની થેલીમાં જો તે વ્યક્તિ માછલીઓ નાખે અને એ થેલી દરિયામાં ઠાલવેતો વધુ માછલીઓ બચાવી શકે ઓછા સમયમાં એટલે અમે તેને થેલી લાવી આપી.... ગુડ આઇડિયા કહેતા તેમણે માછલીઓ નાખવા માંડી થેલીમાં.... તેવામાં એક માછલીએ તેમના હાથમાં બટકું ભર્યું લોહી નીકળ્યું... હવે અમને ખબર નહોતી કે આ માછલી ઝેરી હોય કે નહીં.... એટલે આસપાસ નજર કરતાં એક માછીવાલી બાઈ દેખાઈ તેને પૂછ્યું તો કહે નાહી બાઈ આ ઝેરી નથી કંઇ નહીં થાય... લોકો તેને ખાય પણ છે પણ ચોમાસામાં જ હમણાં ન ખાય. આ સાંભળીને પેલા ભાઈ વળી જીવદયાના કામે લાગી ગયા. અંબરિષના ઉત્સાહને અને કાર્યને સલામ કરતાં ઘરની વાટ પકડી.



 

You Might Also Like

0 comments