50 વરસ પહેલાંની અને આજની માતા 17-12-13

00:55

શાળાની બસ આવે તે પહેલાં કેટલીક આધુનિક માતાઓ વાત કરી રહી હતી. તેમની વાતનો સૂર કંઇક એવો હતો કે  તેમને ચાલવા જવું છે કે કસરત કરવી છે પણ  મરવાની ય ફુરસદ નથી હોતી બાળકો અને ઘરકામને લીધે. દરેકને આ બાબતે કંઇકને કંઇ ફરિયાદ હતી. અચાનક  વિષય બદલાયો તે પહોંચી વાત ટીવી પર ચાલતી સ્ત્રીઓમાં લોકપ્રિય ધારાવાહિક પર,  હિરોઇને પહેરેલા કપડાં અને તેના વિશેની ગોસિપ અંગે  ચર્ચાઓ થઇ. તેમાં પણ સમયની મારામારી હતી. જેમકે અમુક ધારાવાહિક જોવા માટે તેઓ રસોઇ વહેલી બનાવી દે અને ઘરનાને કહી દે કે જમવું હોય તો જાતે જમી લો ડિસ્ટર્બ ના કરો. તો બપોરના પણ ઊંઘ છોડીને ધારાવાહિકો જુએ. ત્યારે તેઓ વ્હોટસ અપ કે ફેસબુક પણ ઓપન ના કરે. મૈત્રિણીઓ માટે ય સમય ન હોય અને બાળકો માટે ય સમય ક્યાં હોય ?
આ સાંભળતા લાગ્યું કે શું સાચ્ચે જ આજની નારી પાસે સમય નથી ? મનમાં ઊઠેલા આ સવાલના જવાબમાં  અમેરિકામાં  માતાઓ પર થયેલો સર્વે વાંચવા મળ્યો. જે આપણા ભારતની માતાઓને પણ લાગુ પડી શકે છે. આજની માતાઓ પાસે પચાસ વરસ પહેલાં માતાઓ પાસે હતો એટલો સમય નથી હોતો કારણ કે તેમનો સમય  ટેલિવિઝન અને ડિજીટલ ગેજેટસમાં વધુ વપરાય છે. આજની માતાઓનું જીવન બેઠાડું થઈ ગયું છે. જ્યારે પચાસ વરસ પહેલાં માતાઓ વધારે પ્રમાણમાં કેલેરી બળે તેવા કામ કરતી હતી. મેયો ક્લિનિક પ્રોસિડિંગ જરનલમાં પ્રસિધ્ધ થયેલા આ સંશોધનમાં સાબિત થયું છે કે  આજની માતાઓ ટેલિવિઝન, ડ્રાઇંવિગ અને ગેઝેટસમાં સમય વિતાવતી થઈ છે ત્યારથી તેમની પાસે બાળકો સાથે રમવાનો કે ઘરકામ કરવાનો સમય નથી હોતો. અને તેમનું જીવન બેઠાડું થઈ ગયું છે. જ્યારે પચાસ વરસ પહેલાં માતાઓ બાળકો સાથે રમતી તેમની સાથે વધારે સમય વીતાવતી અને ઘરના દરેક કામ જાતે કરતી હતી. આ સંશોધન પાંચ વરસથી અઢાર વરસની વયના બાળકો ધરાવતી માતાઓના છે.
આપણે ત્યાં પણ માતાઓ પાણી ભરવા જતી, દળણા દળતી, ખેતરોમાં કામ કરતી, કપડાં જાતે ધોતી, રસોઇ બનાવતી અને વાસણો પણ જાતે જ ઘસતી હતી. આવા અનેક ઘરના કામ કરવા ઉપરાંત શાળામાં શિક્ષિકા તરીકે અથવા આઝાદીની લડતમાં ભાગ લેવો, મહિલા મંડળોમાં અનેક સેવા પ્રવૃત્તિ કરવી વગેરે અનેક કામો કરતી. જ્યારે આજની માતાઓને રસોઇથી લઈને વાસણ કપડાં કચરા પોતાં કરવા માટે કામવાળા હોય છે. મહેનતનું કામ પહેલાં જેવું રહ્યું જ નથી. તૈયાર મસાલા અને તૈયાર ફુડ પેકેટ્સ સૌથી વધુ વેચાઇ રહ્યા છે.
મેયો પ્રોસિંડિંગ જરનલના સંશોધનમાં એવું જાણવા મળ્યું કે 1965 પહેલાં માતાઓ શારિરીક શ્રમ ધ્વારા અઠવાડિયામાં જેટલી કેલેરી બાળતી હતી તેનાથી અડધી કેલેરી પણ આજની માતાઓ નથી બાળતી અને તેમાંય બહાર કામ કરવા ન જતી સ્ત્રીઓ એટલેકે ગૃહિણીઓ સૌથી વધુ બેઠાડું જીવન જીવે છે. શારિરીક શ્રમમાં ઘરકામ, સાફસફાઈ, બાળકોની પાછળ થતી દોડાદોડી કે તેમની સાથે રમવું , કસરત કરવી કે ચાલવાની પ્રવૃત્તિઓને ગણવામાં આવે છે જ્યારે બેઠાડું જીવનમાં ટેલિવિઝન સામે વિતાવાતો સમય, કોમ્પયુટર ટેબલ પર વીતાવાતો સમય અને પ્રવાસમાં બેઠા વીતાવાતો સમય ગણવામાં આવ્યો હતો. વોશિંગ મશીન, ડિશ વોશર જેવા ગેઝેટ્સને કારણે પણ ઘરકામમાં શારિરીક શ્રમ રહ્યો નથી.
માતાને જોઇને બાળકો પણ શારિરીક શ્રમ ન કરે તે નવાઈ નથી લાગતી. આવતી પેઢીમાં શ્રમનો મહિમા ગાનારી માતાઓ નહીં હોય. આજના બાળકો ટુ મિનિટ્સ નુડલ્સ પર ઊછરી રહ્યા છે. કડવી લાગતી આ વાસ્તવિકતા નકારી શકાય તેમ નથી. એક તરફ આજની નારી દરેક ક્ષેત્રે વિકાસ કરી રહી છે તો બીજી તરફ ભવિષ્યના નાગરિકને તે શ્રમનો મહિમા ભૂલાવી રહી છે. ગાંધીજીએ શ્રમનો મહિમા આચરણમાં મૂકીને સમજાવ્યો હતો જે દરેક માતાઓ પોતે ય વિસરી ગઇ છે તો ભવિષ્યની પેઢીને ક્યાંથી તે શીખવાડી શકે ?


You Might Also Like

0 comments