કામના સ્થળે જાતિય ભેદભાવ આજે ય છે 12-11-13
09:21
દિવાળી પછી નવા વરસની
શુભેચ્છાના ફોન કોલ્સ થઈ રહ્યા હતા તે સમયે એક પત્રકાર મિત્રની સાથે વાત કરતાં
મોંઘવારી વિશે ચર્ચા કરતાં કહેવાઇ ગયું કે મારે પણ નોકરી શોધી લેવી છે. ફ્રિલાન્સ
નથી પોષાતું. તો કહે કે હવે મિડિયામાં વણલખ્યો નિયમ આવ્યો છે 40 પછી સ્ત્રીઓને
નોકરીએ નહીં લેવાની. મારાથી બોલાઈ ગયું કે
, પણ તમે તો હમણાં જ નોકરી બદલી છે અને તમારી ઉંમર મારા જેટલી જ તો છે... સામે પક્ષે
લાંબી ચુપકિદી બાદ જવાબ મળે છે કે આ નિયમો મેં નથી બનાવ્યા મેનેજમેન્ટે બનાવ્યા છે.
અર્થાત આ નિયમ પુરુષો
માટે નથી. મેનેજમેન્ટમાં પણ ઊચ્ચ પદે પુરુષો જ છે. થોડી તપાસ કરતાં વાત સાચી નીકળી. કોઇપણ સ્ત્રીને
લાગી આવે તેવી આ બાબત છે. આજે એકવીસમી સદીમાં પણ કામની લાયકાત કરતાં સ્ત્રી પુરુષોના ભેદને
પ્રાધાન્ય આપવામાં આવે છે. આ અંગે વધુ જાણવા મેં થોડું સંશોધન કર્યું તો દુનિયાના
ડેવ્હલપ્ડ દેશોમાં પણ સ્ત્રીઓને પુરુષોના પ્રમાણમાં ઓછો પગાર મળે છે અને આગળ
વધવાની ઓછી તક મળે છે. કેટલિસ્ટ નામની ઇંગ્લેડની
એક સામાજીક સંસ્થાએ કરેલા અભ્યાસ મુજબ 2008થી પુરુષોના પગારમાં 21 ટકાના
દરે વધારો થાય છે તો સ્ત્રીઓના પગાર ફક્ત બે ટકાના દરે વધે છે. 2012ના સર્વેમાં
જાણવા મળ્યું કે મોટાભાગની હાઈ પ્રોફાઈલ પદની નોકરીઓ કે મોટા પ્રોજેક્ટ જેમાં વધુ
નાણાં હોય તે પુરુષોને જ મળે છે. કારણ કે હજી પણ ગ્લાસ સિલિંગ દરેક જગ્યાએ
સ્ત્રીઓને નડે છે.તેને પાર કરીને આગળ
વધવામાં જ મોટાભાગની સ્ત્રીઓની શક્તિ વપરાય જાય છે.
આજે કાર્ય કરતી
વ્યક્તિઓમાં અડધો અડધ સંખ્યા સ્ત્રીની છે. તેઓ કામ અને પૈસાની બાબતમાં પુરુષની
બરાબરી કરી શકે છે ભલે પછી તે દશમાંથી ચાર કુટુંબમાં એકલી કમાનાર ન હોય. તે છતાંય
તે પુરુષોની સરખામણીએ 23 ટકા ઓછો પગાર મેળવે છે એવું આઈડબલ્યુ પીઆર (ઇન્સટિટ્યુટ
ઓફ વિમેન્સ પોલીસી રિસર્ચ ) ધ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યુ હતું. આ
સંસ્થા દર વરસે જેન્ડર વેજ ગેપનો અભ્યાસ
કરે છે અને તેનો રેકોર્ડ રાખે છે. આ આંતરરાષ્ટ્રિય સંસ્થાએ તાજેતરમાં જાહેર કર્યું
હતું કે સ્ત્રી અને પુરુષોના આર્થિક ઉપાર્જન વચ્ચેના ભેદભાવનું અંતર છેલ્લા પચાસ
વરસથી એટલી ધીમી ગતિએ ઘટી રહ્યું છે તે
જોતાં આવતાં પચાસ વરસ પછી અથવા 2056ની સાલ સુધીમાં જ સ્ત્રી પુરુષની કમાણીનું સ્તર
બરાબરીની કક્ષાએ કોઇપણ જાતિય ભેદભાવ વગર પહોંચશે. એનો અર્થ એ કે આજે કામ કરતી
સ્ત્રીઓ પોતાના જીવનકાળ દરમિયાન કામના સ્થળે થતાં જાતિય ભેદભાવને સહન કર્યે જ
છૂટકો. છતાંય નવાઈની વાત એ છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ સંખ્યામાં કોલેજ અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવે છે તે પણ હકિકત છે.
નવા વરસે એક સરસ વાત
જાણવા મળી કે દુનિયામાં એવા પણ દેશ છે જ્યાં જાતિય ભેદભાવ લગભગ નહીવત છે. વર્લ્ડ
ઇકોનોમિક ફોરમે કરેલા 136 દેશોના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આઇસલેન્ડ,
ફિનલેન્ડ , નોર્વે, સ્વીડન અને ફિલિપાઈન્સ
પ્રથમ પાંચ દેશો છે જ્યાં સ્ત્રીઓનું રાજકારણમાં પ્રદાન, આર્થિક સમાનતા અને
શિક્ષણ તથા આરોગ્યના અધિકારોને યોગ્ય ન્યાય મળે છે. ત્યાં જાતિય ભેદભાવને કોઇ
સ્થાન હોતું નથી. જ્યારે ભારતમાં રાજકિય ક્ષેત્રે પ્રદાન સિવાય દરેક ક્ષેત્રમાં
જાતિય ભેદભાવ પ્રવર્તે છે એટલું જ નહીં જાતિય ભેદભાવ ઘટવાને બદલે વધતો હોય તેવું
પણ જણાય છે. છેલ્લા આઠ વરસથી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરવરસે રિપોર્ટ જાહેર કરે છે.
સાદિઆ ઝાહિદીના કહેવા મુજબ જે દેશોમાં જાતિય ભેદભાવ દરેક ક્ષેત્રે ઓછો હોય છે
તેનું કારણ એ હોય છે કે તેઓ વ્યક્તિની ટેલેન્ટમાં રોકાણ કરે છે. સ્ત્રી કે પુરુષના
ભેદ ટેલેન્ટમાં નથી જોવાતા.એટલે જ્યાં પણ કાર્ય કરનાર કરતાં કાર્યને મહત્ત્વ
આપવામાં આવે છે ત્યાં પ્રગતિ થાય જ છે.
હવે તો એવી કંપનીઓના નામ
પણ જાહેર થાય છે કે જ્યાં જાતિય ભેદભાવ વગર કામ સોંપવામાં આવે છે. અને બન્નેને
સરખો પગાર આપવામાં આવે છે. અને એવી કંપનીઓ ફક્ત પુરુષપ્રધાનતાથી કામ કરતી કંપનીઓ
કરતાં વધુ પ્રગતિ કરતી હોવાનું પણ જણાય છે. આપણે આશા રાખીએ કે નવા વરસે આપણે ત્યાં
આ ભેદભાવ નષ્ટ ન થાય તો પણ તેની માત્રા ઓછી જરૂર થાય.
0 comments