મહત્વકાંક્ષી હોવું જોઇએ કે નહી 22-10-13

09:14




લીના મહેતા સરકારી સંસ્થા સાથે વરસોથી કામ કરે છે. તેની સાથેના અનેક પુરુષ કાર્યકરો પ્રમોશન લઈને બીજા શહેરમાં જતાં રહ્યા પણ લીનાને પ્રમોશન ઓછું મળે છે. તેનું કારણ છે કે લીના બીજા શહેરમાં શિફ્ટ થઇ શકે તેમ નથી. કારણ કે તેને પરિવાર છે.આમ જોઇએ તો પરિવારમાં એક બાળક અને પતિ છે. પણ તેનો પતિ નથી ઇચ્છતો કે તે બીજા શહેરમાં શિફ્ટ થાય. આ વરસે ફરીથી બ્રાન્ચ મેનેજર તરીકે તે જો બીજા શહેરમાં બદલી લે છે તો તેને ગાડી,ફ્લેટ અને પગાર વધારા સાથે ઊંચો હોદ્દોય મળે તેમ છે.  લીનાને તેના પોતાના સંતોષ માટે હોદ્દો સ્વીકારવાની ઇચ્છા છે. દીકરો મોટો થઈ ગયો છે તે પોતાનું ધ્યાન જાતે રાખી શકે એમ છે. અને પિતા તરીકે પતિની ય કંઇક જવાબદારી તો ખરીને...? અને જો પતિ ઇચ્છે તો એ પણ તેની સાથે શિફ્ટ થાય તો એને વાંધો નથી. આ બાબતે જ્યારે ચર્ચા થાય ત્યારે એને એક જ વાત સાંભળવા મળતી કે તું બહું મહત્ત્વકાંક્ષી છે. તને ઘરની કે પરિવારનો વિચાર કરવાનું મન નથી થતું ?
આ વાત અનેક રીતે આજની નારીને સાંભળવા મળતી હશે. પોતાના વિકાસ માટે કે વ્યક્તિત્વને માટે કામ કરવાનું વિચારવું એટલે જાણે કે પાપ કરતી હોય તેવી રીતે મહત્ત્વકાંક્ષી હોવાનું લેબલ લાગે. આ બાબતે પુરુષોએ કોઇની પરવાનગી લેવાની હોતી નથી. ઘર અને ઓફિસમાં દરેક જગ્યાએ જેન્ડર બાયસનો ભોગ બનતી નારીએ કેટલાય કોમ્પ્રોમાઈઝ કરવાના હોય છે તેમાં સૌથી પ્રથમ તેની મહત્ત્વકાંક્ષા પર કાપ મૂકવામાં આવે છે. સાઈકેટ્રીટ એન ફેલએ હાવર્ડ બિઝનેસ રિવ્યુ માટે એક સંશોધનાત્મક પેપર લખ્યું હતું તેનો વિષય હતો સ્ત્રીઓમાં મહત્ત્વકાંક્ષાન ઓછી હોય છે ? તે માટે એનએ અનેક મહિલાઓના મંતવ્યો લીધા. છેવટે એ પેપર પુસ્તક રૂપે પણ પ્રગટ થયું નેસેસરી ડ્રિમ્સ – એમ્બીશન ઇન વિમેન ચેન્જીંગ લાઈફ . એનનું કહેવું છે કે, “ મોટાભાગની સ્ત્રીઓ માને છે કે મહત્વકાંક્ષી હોવું એટલે પોતે જ પોતાની જાહેરાત કરવી કે પોતાના માટે જ એકાંગી વિચાર કરીને જીવવું. અને એટલે જ મોટાભાગની મહિલાઓ મહત્વકાંક્ષી હોવાના લેબલથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. પણ મહત્ત્વકાંક્ષાનો  ખરો અર્થ થાય છે પોતાની કાર્યકુશળતા કે આવડતથી ઓળખ ઊભી કરવી.હજી સુધી  એવી કોઇ સાબિતી નથી મળી કે પુરુષોમાં અને સ્ત્રીઓમાં મહત્વકાંક્ષાની માત્રામાં ફરક હોય છે. એટલે કે પુરુષોમાં વધુ અને સ્ત્રીઓમાં ઓછી મહત્ત્વકાંક્ષા હોય છે એવું કોઇ પ્રમાણ નથી મળ્યું.  મેં જેટલી પણ મહિલાઓના ઇન્ટરવ્યુ આ પેપર માટે કર્યા છે તેમાંથી કોઇએ પણ પોતે મહત્વકાંક્ષી હોવાનું કબૂલ્યું નથી. કારણ કે દરેક મહિલાઓ પણ એવું માને છે કે મહત્વકાંક્ષી હોવું એટલે સ્વાર્થી હોવું. જ્યારે પુરુષો માટે આ શબ્દનો આવો કોઇ અર્થ નથી નીકળતો. તેમને માટે મહત્વકાંક્ષી હોવું જરૂરી ગુણ માનવામાં આવે છે.
આ પરિસ્થિતિ ભારતમાં જ નહીં આખાય વિશ્વમાં છે અને 2013માં પણ બદલાઈ નથી. કારણ કે હજી આજે પણ નારીને જેન્ડર બાયસ એટલે કે જાતીય ભેદભાવની સમાજની વિચારધારાનો ભોગ બનવું પડે છે. ઊચ્ચ પદે મહિલાઓની સંખ્યા આજે પણ એટલે જ ઓછી છે. બિન્દાસ બેબ કે મટિરિયલિસ્ટીક  ગણાતી ગાયિકા મેડોનાએ ગાય રિચી સાથેના તેના સમય બાબતે ઉલ્લેખ કરતાં  તાજેતરમાં એક મુલાકાત દરમિયાન કહ્યું હતું કે,  મને ખબર નહોતી કે મહત્વકાંક્ષા રાખવી યોગ્ય નથી ગણાતું. આ જ મેડોનાએ એક જમાનામાં બ્લોન્ડ એમ્બીશન નામે ટુર કરી હતી. આજે ટેલિગ્રાફ પેપરમાં સ્ત્રીઓ માટેની કોલમ લખતાં લગભગ સાઈઠ વરસના જોસેફાઈન ફેઇરલી લંડનમાં 20 વરસની નાની ઉંમરે મેગેઝિનના એડિટર બન્યા હતા. તેનો ઉલ્લેખ કરતાં જોસેફાઈન કબૂલે છે કે જો મને ત્યારે કોઇકે કહ્યું હોત કે હું મહ્ત્વકાંક્ષી છું તો મને દુખ થયું હોત કારણ કે મહિલા માટે મહ્ત્વકાંક્ષી શબ્દ સારા અર્થમાં નથી વપરાતો. સ્પોર્ટસના ટ્રેક પર કે ઘરમાં જ મહિલાઓને જીતવાની મહત્વકાંક્ષા રાખવાની છૂટ હોય છે. નહીંતો તેને સ્વાર્થી , પુરુષ જેવી એટલે કે સ્ત્રીત્વની ખામી ધરાવતી સ્ત્રી તરીકે ઓળખાવા માટે તૈયાર રહેવું જોઇએ.
આજે પણ દરેક ક્ષેત્રે મહત્વકાંક્ષા બાબતે નારીએ સંઘર્ષ અને ટીકાનો સામનો કરવાનો જ છે પણ શક્તિરૂપા નારીએ એમ હાર માનવી કબૂલ નથી એટલે ભલે ધીમી ગતિએ પણ સમય અને શબ્દોના અર્થો બદલાઈ રહ્યા છે. તમસોમાં જ્યોર્તિગમયની પ્રાર્થના આપણે નજર સમક્ષ રાખીને મહત્વકાંક્ષી બનવામાંથી પીછેહઠ કરવાની નથી. પોતાની ઓળખ સ્થાપવી એટલે સ્વાર્થી બનવું એવું નથી. મહ્ત્વકાંક્ષાના માર્ગમાં કોઇપણ ગુનાહિત ભાવને સ્થાપિત થવા દેશો નહીં.મહત્વકાંક્ષા જ તમને તમારી ક્ષમતા સુધી  પહોંચાડતી હોય છે. 


You Might Also Like

0 comments