કશું પણ બદલી શકાય છે? 24-12-13

01:15

એકવીસમી સદીના 13 વરસ પુરા થવાની આડે ગણતરીના દિવસો છે. ત્યારે પાછલા વરસોમાં નજર નાખતા વિચાર આવે કે ખરેખર કશું પણ બદલાઈ શકે છે ખરું ? ગયા વરસે ડિસેમ્બરમાં દિલ્હીમાં ક્રૂર ઘટના ઘટી જેને કારણે લોકો આઘાત પામ્યા. એ આઘાત રોષ બની રેલીઓના રૂપે દરેક શહેરો, ગામોમાં વ્યક્ત થયો.  દિલ્હીમાં કડકડતી ઠંડીમાં પણ અનેક છોકરીઓ રસ્તા પર ઊતરી આવી. જાતિય ભેદભાવના અંચળામાંથી મુક્તિની છડી પોકારતી.  વરસ વીતી ગયું હોવા છતાં એ ફ્રિડમના નારાઓ હજી પણ હવાઓમાં ગુંજી રહ્યા છે. જેના પર ક્રૂરતા આચરવામાં આવી હતી તે છોકરી જીવવાની ઇચ્છા સેવતી મૃત્યુ પામી. એ સાથે જ અનેક ભારતીય છોકરીઓના મનમાં મુક્ત રીતે જીવવાની ઇચ્છા મૂકતી ગઈ.
ચુપચાપ જેઓ અન્યાય સહેતા હતા કે જોતાં હતા તેઓ બોલતા થયા. તો તેમાંના અનેકે બદલાવ માટે પ્રયત્નો કર્યા.  સફળતાની સીડીઓ ચડતી સ્ત્રીઓને નીચે પાડવા માટે એક યા બીજી રીતે પ્રયત્નો થતા હતા.  એને અવગણીને સ્ત્રી સંઘર્ષ કરતી આગળ વધતી હતી. પણ જ્યારે માનસિકતા ગળે ટુંપો દઈ દે તો મોઢું ખુલી જતું હોય છે. અનેક સ્ત્રીઓ ગુલામી લાદતી માનસિકતામાંથી સ્વતંત્રતાની માગણી કરતી રસ્તા પર ઊતરી આવી. કાયદાઓ બદલાયા કે ઘડાયા તેની વાત જવા દઈએ. પુરુષોની માનસિકતા બદલાઈ કે નહીં તેની વાત પણ આજે ન કરીએ. પણ સ્ત્રીઓની માનસિકતા જરૂર બદલાઈ છે તે કહી શકાય.
સ્ત્રી પોતાના પર થતા અત્યાચાર અંગે બોલતી થઈ છે. એની સંખ્યા ભલે ઓછી હોય પણ બદલાવ મહેસુસ કરી જ શકાય છે. અને એ જ સાચા અર્થમાં ગયા ડિસેમ્બરમાં મૃત્યુ પામેલી નિર્ભયાને શ્રધ્ધાજંલી છે. પહેલાં પણ બળાત્કાર થતા હતા અને હજી પણ થાય છે. પણ હવે ભોગ બનનાર સ્ત્રીઓ ચુપ બેસી રહેવાને બદલે બોલતી થઈ. ફરિયાદ કરતી થઈ.  એટલું જ નહીં મિડિયા પણ સ્ત્રી પર થતાં દરેક અત્યાચાર અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતું થયું.  લોકો સ્ત્રી પર થતાં દરેક જાતીય અત્યાચાર વિશે પ્રતિક્રિયા વ્યક્ત કરતાં થયા. પત્રકાર લેખક નીલાંજના રોયે બહુ જ સારું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે , જાતીય  ભેદભાવના અભિગમને કારણે બળાત્કારો થાય છે.  જાતીય હિંસાને આપણે સ્વીકારી લીધી હતી. પહેલાં જે સમાચારો કે ચર્ચાને હાંસિયામાં ધકેલી દેવામાં આવતી હતી તેને હવે મેઇન સ્ટ્રીમમાં લાવવામાં આવે છે. આપણે ત્યાં ચર્ચાના વિષયો ટીવી ચેનલની જેમ ઝડપથી બદલાય છે. આપણે સ્ત્રી ભૃણ હત્યા કે જાતીય ભેદભાવને અને તેના કારણે થતા બળાત્કારોને પણ  અટકાવી શકવાના નથી પણ જે રીતે તેની ચર્ચાઓ ચોરેને ચૌટે થઈ રહી છે તે અટકાવી શકાશે નહી.
ઓલ ઇન્ડિયા પ્રોગ્રેસિવ વિમેન્સ એસોસિએશનના સેક્રેટરી કવિતા ક્રિષ્નન કહે છે ,  દિલ્હી ગેંગરેપ બાદ કંઇ બદલાયું હોય તો તે છે સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓ , યુવાનો સ્ત્રીને થતાં જાતીય ભેદભાવ અંગે ખુલ્લેઆમ ચર્ચાવિચારણા કરતા થયા છે. સ્ત્રીઓ કોઇપણ ભય વગરની સ્વતંત્રતાની માગણી કરતી થઈ છે. નથી બદલાતા તો આપણી સરકારી સંસ્થાઓ.
આ વરસે અનેક બળાત્કારના કિસ્સાઓ સાથે જાતિય સતામણીના કિસ્સાઓ પણ બહાર આવ્યા છે તે દર્શાવે છે કે સ્ત્રીઓ હિંમત કરીને પોતાના પર થતાં અત્યાચાર અંગે બોલી શકે છે. જો કે તેના પરિણામતો ભોગ બનનાર ભોગવે જ છે પણ સાથે જ એક સંદેશો ય વહેતો થાય છે કે હવે સ્ત્રીઓ ચુપ નહીં રહે. તેઓ પોતાના પર થતાં અત્યાચાર સહન કરીને ચુપ નહી બેસે. સત્તા કે પિતૃસત્તાક સમાજનો ડર રાખ્યા વગર પોતાના પર થતાં અત્યાચાર વિરુધ્ધ અવાજ ઊઠાવશે. ગયા વરસનો અંત અને આ વરસની  શરૂઆત ગમગીન અને આક્રોશપૂર્ણ હતી. તો આ વરસનો અંત સ્ત્રીઓની સહિષ્ણુતાને કમજોરી ન ગણવાની યાદ અપાવી રહ્યો છે. કેટલાકને લાગશે કે વિશાખા ગાઈડલાઈન્સનો ફાયદો ય ઊઠાવાશે. પણ આટલા વરસથી સતત પીડા સહન કરનાર સ્ત્રી જ્યારે બોલે ત્યારે તે પુરુષ માનસિકતાને લાગશે જ.
દેખીતો બદલાવ આવતાં કદાચ વરસો લાગી શકે પણ તેના બીજ વવાઈ ગયા છે. યુવાનો વિચારતાં થયા છે. અવાજ ઊઠાવતાં, વિરોધ કરતાં પણ થયા છે. છેલ્લા ચારેક જાતીય સતામણીના કે બળાત્કારના કેસમાં ભોગ બનનાર યુવતીઓ કોઇપણ ભય વગર ફરિયાદ કરવા આગળ આવી છે. સમાજની માનસિકતાનો  ભોગ બનેલી યુવતી મૃત્યુ પામીને દરેક સ્ત્રીમાં જીવંત થઈ છે વિરોધના સૂર રુપે. તેને હવે કોઇ ભય કે હિંસા ચુપ કરી શકે તેમ નથી. આ મોટામાં મોટો બદલાવ નહીં તો શું ?


You Might Also Like

0 comments