ઓળખની શોધ 1-4-14

04:57


પહેલાં ઇંગ્લીશ વિંગ્લીશ અને હવે ક્વીન આ બન્ને ફિલ્મો ફેમિનિસ્ટ એટલે કે નારીવાદી ફિલ્મ છે એમ કહી શકાય. સાવ ઘરરખ્ખુ અને જેણે બહારની દુનિયા જોઇ જ ન હોય તેવી સ્ત્રી જ્યારે ઘરની બહાર, દેશની બહાર જવાની હિંમત કરે છે ત્યારે તેની અંદરની સીમાઓ પણ વિસ્તરે છે. પ્રેમાળ છતાં પ્રોટેક્ટેડ વાતાવરણમાં ઊછરેલી સ્ત્રીને જો તક આપવામાં આવે તો તે સ્વતંત્રતાનો ગેરફાયદો નથી ઊઠાવતી પણ સાચા અર્થમાં પોતાના અસ્તિત્વને ઓળખતી થાય છે.  સ્ત્રી કશું જ તોડવા નથી માગતી પણ જોડાવા માગતી હોય છે પોતાના અસ્તિત્વ સાથે,  પોતાની વ્યક્તિઓ સાથે.
સ્ત્રીને જ્યારે સાવ તૂટી જાય છે તો ફિનિક્સ પક્ષીની જેમ નવેસરથી ઊડતાં શીખે છે. ફિલ્મો સમાજનું દર્પણ છે. અને જો સાચી રીતે તેને રજુ કરવામાં આવે તો લોકોને તેમાંથી પ્રેરણા મળે છે. હજી ગયા અઠવાડિયે મુંબઈમાં સાંજે પાંચ વાગ્યે હજી અજવાળું હતું ત્યારે ખુલ્લા રોડ પર એક છોકરીને થોડા છોકરાઓએ નગ્ન કરવાની અને છેડતી કરવાના પ્રયત્ન કર્યો. આસપાસ રેસ્ટોરન્ટ અને બીજી ઘણી દુકાનો છે. મુખ્ય રોડ છે અને વાહનોની ય અવરજવર છે. કોઇએ તે છોકરીને બચાવવાની કોશિશ ન કરી. એ તો બીટ માર્શલ પોલીસો રાઉન્ડ લગાવી રહ્યા હતા તે છોકરી બચી ગઈ. પણ આ ઘટનાએ એ ટીનએજર છોકરીના મનમાં અનેક ઘસરકા પાડી દીધા. મધ્યમવર્ગીય ઘરની છોકરી ભણવા માટે જ બહાર નીકળતી હોય અને સાંજ પહેલાં વેળાસર ઘરે પહોંચી જતી હોય તેવી છોકરીમાં કે તેના માતાપિતામાં કેટલી હિંમત હોય. ગુંડાઓ સામે લડવાની.
છોકરીએ પોલીસ ફરિયાદ લખાવવાની ના કહી દીધી. કારણ કે તેણે જે અનુભવ્યું હતું કે ધોળે દિવસે કોઇ તેને બચાવવા નહોતું આવ્યું. તો પછી જ્યારે તે બહાર નીકળશે ત્યારે શું થશે...? 24 કલાક તો પોલીસ તેને રક્ષણ નહીં આપે. વિચાર તેનો સાચો ય છે. પણ દુનિયામાં ફક્ત ખરાબ માણસો નથી. વળી હિંમતે મર્દાતો મદદે ખુદા..આવા છોકરાઓને સજા થવી જરૂરી છે. જેથી દાખલો બેસે. જો છુટી જશે તો તેમની હિંમત ઓર વધી જશે. ક્યાંક કોઇકે શરૂઆત કરવી પડે છે. અન્યાય વિરુધ્ધ અવાજ ઊઠાવવાની તક ક્યારેક આપણને ય મળી શકે છે. બીજા સામે અવાજ ઊઠાવતાં એટલી તકલીફ નહીં થાય પણ પોતાની વ્યક્તિઓ જે જાણેઅજાણે તમને અન્યાય કરતી હોય તો ધ્યાન દોરવાની જરૂરત હોય છે. ચુપ રહેવાથી કશું જ બદલાતું નથી કે ન તો અન્યાય કરનારને ય સમજાય છે કે તેઓ ખોટું કરી રહ્યા છે. જ્યાં સુધી તેનો વિરોધ મક્કમપણે નથી નોંધાવાતો.
ગયા વરસે માર્ચ મહિનામાં વોશિંગ્ટનમાં સ્ત્રી ફિલ્મમેકરો ભેગી થઈ હતી. દુનિયાભરમાં સ્ત્રી જાતિ વિરુધ્ધ થઈ રહેલી હિંસાને તેઓ ફિલ્મ અને કલાના માધ્યમ ધ્વારા લોકો સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેનેડામાં જન્મેલી ચાઈનીઝ ફિલ્મમેકર ટિફ્ફની હ્રીશિંગ વિધીન એવરી વિમેન નામની ડોક્યુમેન્ટરી ધ્વારા સારી દુનિયાના સંકેત આપવા માગે છે. તેની ફિલ્મ છે.. જાપાનના ભૂતપૂર્વ લશ્કરીઓ કેવી રીતે શારિરીક, માનસિક હિંસાનો ભોગ બનેલી છોકરીઓને પ્રેમ અને સહાનુભૂતિ સાથે જીવન પ્રત્યે આશા જગાવે છે. અનેક છોકરીઓ જેમને જબરદસ્તીથી બળાત્કાર કરીને વેશ્યા વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી તેમની વાતો ધ્વારા સ્ત્રીના મનની વાત કરવામાં આવી છે.
આરબઅમિરાતમાં નાયલા અલ ખાજા એકમાત્ર અને પહેલી મહિલા દિગ્દર્શક છે. તેણે ચાઇલ્ડ અબ્યુઝ, અને તેમના સંકુચિત સમાજમાં સ્ત્રી અને પુરુષના સંબંધો અને સ્ત્રીઓનું શોષણ, હિંસા વગેરે અંગે ફિલ્મ બનાવવાની હિંમત કરી છે. ઇવાન ગ્રે ડેવિસે ઇટ્સ ગર્લ નામની ફિલ્મ બનાવી છે જેમાં સ્ત્રીઓ કેવી રીતે ચુપચાપ શારિરીક હિંસાનો ભોગ બને છે તેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આપણે ત્યાં ફુલફ્લેજ કમર્શિયલ ફિલ્મો ધ્વારા સ્ત્રીને થતાં અન્યાય, હિંસાની સામે હિંમતપૂર્વક કે કુનેહપૂર્વક સ્ત્રી ઊભી રહે છે અને સફળતાથી પોતાના અસ્તિત્વનું ગૌરવ સાચવે છે. જમાનો બદલાઈ રહ્યો છે ટેકનોલોજી અને શિક્ષણ ઝડપી ફેરફાર લાવી રહ્યા છે છતાં હજી પણ સ્ત્રીઓ પર શારિરીક માનસિક હિંસાઓની ઘટનાઓ બને છે. તેના વિશે સતત મિડિયા, ફિલ્મ અને કથાવાર્તા કે કવિતા ધ્વારા સંવાદ કરવાથી ધીમે ધીમે પરિસ્થિતિ બદલાશે.ક્વીન ફિલ્મ જોતી સમયે કેટલાક દ્રશ્યોમાં સ્ત્રીઓ જોરજોરથી તાળીઓ પાડતી હતી તે જોઇને આશા બંધાય છે.


You Might Also Like

0 comments