બદલાવની હવા 8-4-14
00:58
નમણો ચહેરો અને પાતળું શરીર લાંબુ કાળુ સ્કર્ટ
ઉપર ઢીલું ટિશર્ટ સાથે કાળી ઓઢણી... લાંબો પાતળો ગોરા મેકઅપ વિનાના ચહેરા પર સહજ
હાસ્ય...લાંબી કાળી આંખો અને ભૂખરા વાળ...લાંબા અંતરની ટ્રેનના એસી ડબ્બામાં સામેની સીટમાં બેસેલી છોકરી સાથે આંખ મળતાં જ
વરસોથી ઓળખાણ હોય તેમ વાતચીત શરૂ થાય છે. તેનું નામ નૂર ફક્ત એકવીસ વરસની છે અને
ઇજીપ્તથી ભારત બસ ફરવા આવી છે.એકલી...તેનું નામ નૂર..
પહેલો જ પ્રશ્ન પૂછાઈ જાય છે કે તને ડર નથી લાગતો
એકલા ફરતાં ? ના જરાય નહીં
.... અને હું ધ્યાન રાખું છું મારું... તારા માતાપિતા જબરા તને એકલી છેક ભારત ફરવા
મોકલી... તો કહે .. મારી માતાપિતા વરસો પહેલાં જુદાં થઈ ગયા છે. હું મા સાથે રહું
છું, તે યુનિસેફમાં કામ કરે છે. અને હું બીજી ત્રીજી વાર ભારત આવું છું.
નૂર હજી જુન સુધી ભારતભ્રમણ
કરવાની છે. દરમિયાન તે જુદાં જુદાં એનજીઓ સાથે કામ કરશે અને ફરશે. જુન પછી પાછી જઇ
પોતાનો આર્ટનો અભ્યાસ વળી શરૂ કરશે. એક બેકપેક લઈને ફરતી આજની નારી નૂરને જોઇને
વિચાર આવે છે કે આ રીતે આપણી છોકરીઓ ક્યારે ફરતી થશે ? કોઇ જ કારણ વિના આ રીતે
આટલા વરસોમાં એકલા ફરવા જવાનો વિચાર મને ય નથી આવ્યો. કે કદાચ હિંમત જ નથી એ
કબૂલવું પડે. અજાણી ધરતી, અજાણી જગ્યા અને અજાણ્યા લોકો. આપણે ત્યાં તો જોયું છે
25-30 વરસની યુવાન છોકરીને એક શહેરથી બીજા શહેર પણ એકલી મોકલતાં માતાપિતા અચકાતાં
હોય છે.
નૂર ધીમે ધીમે ખુલે છે.
તે અત્યારે ડિવોર્સ લઈને દિલ પર લાગેલા ઘા રુઝાવવા આવી છે. મુસ્લિમ દેશમાંથી આવેલી
નૂર પોતાનાથી દશ વરસ મોટા પુરુષ સાથે અઢાર વરસે પ્રેમમાં પડી. બે વરસ સુધી લિવ ઇન રહ્યા બાદ લગ્ન કર્યા. આ પહેલાં પતિ
સાથે ભારત આવી હતી. નૂર કહે છે બોય ફ્રેન્ડ તરીકે અને પ્રેમી તરીકે એ લિબરલ હતો પણ
લગ્ન બાદ તે ખૂબ પઝેસિવ બન્યો. એટલું જ
નહીં તેણે મારા પર અનેક બંધનો મૂક્યા. થોડો વખતતો મેં ચલાવ્યું , તેને સમજાવવાની
કોશિશ કરી પણ તે બદલાવા નહોતો માગતો. બસ, દિલ પર પથ્થર મૂકી મેં છૂટા થવાનો નિર્ણય
લઈ લીધો. જલ્દી લગ્ન એટલે કર્યા હતા કે અમે સાથે કેનેડા જવાના હતા. હું ત્યાં મારો
અભ્યાસ કરવાની હતી અને તે કામ.
જરા અટકીને બારી બહાર
દોડી જતાં દ્રશ્યોને જોઇને નૂર કહે છે, સારું થયું કેનેડા શિફ્ટ થઈ એ પહેલાં મને
ખબર પડી. હવે હું મારો અભ્યાસ ઇજિપ્તમાં જ કરીશ. મારી કારર્કિદી ઘડીશ અને મારું
જીવન મારી રીતે જીવીશ. એની આંખોમાં ગજબનો આત્મવિશ્વાસ દેખાતો હતો. બેસ્ટ ઓફ લક કહી
અમે છૂટા પડ્યા.
બીજા દિવસે સ્ટેલાને
મળવાનું બન્યું. સ્ટેલા મૂળ ઇટલીની છે પણ લંડન રહી ઉછરી તેને રાજસ્થાન તિલોનિયામાં
બેરફુટ સંસ્થામાં મળી. લાંબી, સપ્રમાણ દેહયષ્ટિ, સતત હસમુખી સ્ટેલા સાથે અર્ધો કલાક
લોબીમાં વાત કરતાં જાણવા મળ્યું કે 28 વરસિય સ્ટેલા પણ છૂટાછેડા લઈને ભારતમાં છ
મહિના સંસ્થામાં કામ કરવા આવી હતી. અહીં પણ એ જ કહાણી...પ્રેમ થયો. બોયફ્રેન્ડ હતો
ત્યાં સુધી પુરુષ સારો હતો પણ પતિ બનતાં જ તેના ગમાઅણગમા શરૂ થયા. વળી તેના પતિની
ઇચ્છા નહોતી કે સ્ટેલા ભારતની સંસ્થામાં કામ કરે. સાદાઈથી જીવન જીવે. ખેર, સ્ટેલાએ
પસંદ કરવાનો વખત આવ્યો કે પોતાનું સ્વપ્ન
કે લગ્નજીવન... અને સ્ટેલાએ નક્કી કર્યું કે પોતાની ઇચ્છાઓનું ગળું ઘોટી ફક્ત
પત્નિ બનીને નહીં જીવે. સ્ટેલા કહે છે પુરુષો બધે જ સરખા છે. ઇજીપ્ત કે ભારત કે પછી
લંડન. પણ હવે પુરુષોએ બદલાવું પડશે કારણ કે આજની નારી દરેક જગ્યાએ બદલાઈ રહી છે.
છત્તીસગઢથી આવેલી બાવીસ વરસિય ચારુ પણ સંસ્થામાં કામ કરી રહી છે. કામકાજ શીખીને તે
પાછી પોતાને ગામ જશે. લગ્ન વિશે તેણે વિચાર્યું નથી.
ખૂબ નાના ગામ રાજસ્થાનમાં
દલિત નોરતીદેવી પોતાની પૌત્રીને ગ્રેજ્યુએટ પછી ય આગળ ભણાવી રહી છે. લગ્નની ઉતાવળ
કરતી નથી. પહેલાં ભણતર પછી જ લગ્ન. આ બધું જોઇને થાય છે મોસમની સાથે હવા અહીં પણ
બદલાઈ રહી છે. ધીમો પણ મક્કમ ફેરફાર આવી રહ્યો છે. વ્યક્તિત્વને ઘડવાનો અને અંતરના
અવાજને અનુસરવાનો... નૂર,સ્ટેલા, ચારુ કે વિનિતા દરેક પોતાના અંતકરણના અવાજને અનુસરી રહ્યા છે
0 comments